એમ લાગે છે કે ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ વિરુદ્ધ અખિલેશ યાદવ વચ્ચેની સ્પર્ધા એકપક્ષીય બની રહી છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિત ભાજપના તમામ મોટા નેતાઓએ આદિત્યનાથ માટે પ્રચાર કર્યો છે. યોગી આદિત્યનાથ પોતે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તમામ નિર્ણયો લેતા હતા. અખિલેશ યાદવ કરતાં ઘણા સમય પહેલાંથી એમણે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. યોગીનો દિવસ વહેલો શરૂ થાય છે. આદિત્યનાથ સવારે ચાર વાગ્યે ઊઠી જાય છે. ત્યાર પછી પૂજા અને પ્રાથમિક વિધિ પતાવ્યા પછી સવારે 6.30 વાગ્યે સરકારી અધિકારીઓ સાથે મીટિંગ યોજે છે. સવારે 9.30 વાગ્યાથી તેઓ રેલીને સંબોધન કરવાનું ચાલુ કરે છે. રાત્રે 9.00 વાગ્યા સુધી તેઓ સતત કાર્યરત રહે છે. વચમાં તેઓ સરકારી કામની ફાઇલો પણ જોતાં રહે છે. બીજી તરફ અખિલેશ યાદવ થોડી હળવાશથી કામ કરે છે. એમને રાજકારણ અને પૂજા સિવાય પણ બીજા ઘણા વિષયોમાં રસ છે. અખિલેશ કુટુંબ માટે પણ સમય ફાળવે છે અને પોતે રમત-ગમતના શોખીન હોવાને કારણે બેડમિન્ટન, ફૂટબોલ અને ટેનિસ જેવી રમતો પણ નિયમિત રમતાં રહે છે.
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને શું વાંધો પડ્યો?
કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજયંતની સરકાર નિવૃત્ત થયેલા પ્રધાનોના કર્મચારીઓને દર મહિને પેન્શન આપે છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આની સામે લાલ આંખો કરી છે. ખાનનું કહેવું છે કે, CPI(M)ના કાર્યકર્તાઓને રાજ્ય સરકારને ખર્ચે નિયમિત પગાર આપવો એ જરા પણ યોગ્ય નથી. CPI(M)ના પ્રધાનો લગભગ 20 માણસોનો સ્ટાફ રાખે છે, જે દર બે વર્ષે બદલાય છે. આમાંથી દરેકે-દરેક CPI(M)ના કાર્યકરો હોય છે. આરિફ મોહમ્મદ ખાનની જેમ જ તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ પણ ડીએમકે સરકારની આ નીતિ સામે વાંધો ઉઠાવ્યો છે. જોઇએ હવે, આ બંને રાજ્યપાલોનું કેટલું ઊપજે છે!
જ્યુરીમાં એક વ્યક્તિ જાડી હોવી જ જોઇએ!
અમેરિકામાં ડ્રગ્ઝનું સેવન કરનાર એક માણસને નીચલી કોર્ટે સજા ફરમાવી. તેણે છેક સર્વોચ્ચ અદાલતમાં ન્યાયની માગણી કરી. સર્વોચ્ચ અદાલતને તેણે જણાવ્યું, ‘મને નથી લાગતું કે મારા પર ચાલેલો મુકદ્દમો ન્યાયી હતો, કારણ કે જ્યુરીમાં એક પણ વ્યક્તિ જાડી નહોતી.’ એ બંધાણીનું દૃઢપણે માનવું હતું કે જ્યુરીમાં એકાદ જાડી વ્યક્તિ તો હોવી જ જોઇએ, તો જ સાચો ન્યાય થઈ શકે.
વકીલ સાહેબને કેમ ગુસ્સો આવ્યો?
માઇકલ મોક્સન નામના એક રસોઈયાને અગાઉ કોઈએ ન બનાવ્યા હોય તેવા વિશિષ્ટ હેમ્બર્ગર બનાવવાનો બહુ શોખ. એકદમ નાના પાયે ધંધો કરતાં માઇકલનો ધંધો છેવટે એટલો વધ્યો કે તેણે પોતાનું રેસ્ટોરાં શરૂ કર્યું. નામ રાખ્યું : ક્રેઝી બર્ગર કેફે. એ રેસ્ટોરાંની મુલાકાત લેનાર એક વકીલને માઇકલ સામે વાંધો પડી ગયો. માઇકલે તેના રેસ્ટોરાંની વાનગીઓનાં નામ ન્યુરોટિક બર્ગર, જસ્ટ પ્લેઇન નટ્સ બર્ગર વગેરે રાખેલાં. માનસિક રોગો અને મર્યાદાઓનાં નામ બર્ગર સાથે સાંકળનાર માઇકલ સામે એ વકીલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
આવો ‘પતિપ્રેમ’ નહીં જોયો હોય!
બાંગ્લાદેશના એક દંપતીના જીવનમાં કરુણા સર્જાઈ, ત્યારે પત્નીએ શું કર્યું? 35 વર્ષની યાસ્મીનના પતિનું અવસાન થયું, ત્યારે છ સંતાનોની માતા યાસ્મીન ક્ષુબ્ધ થઈ ગઈ હતી. પતિનું મૃત્યુ થયું છે એ વાત તે સ્વીકારી જ ન શકી. છ-સાત મહિના બાદ તે કબ્રસ્તાનમાં ગઈ. પતિની કબર ખોદી તેનું હાડપિંજર બહાર કાઢી, સાફ કર્યું. યાસ્મીને એ હાડપિંજરને પોતાની સાથે જ પથારીમાં સુવડાવ્યું. સ્થાનિક મુલ્લાઓને ખબર પડી ત્યારે તેમણે હાડપિંજર કબરમાં દફન કરાવ્યું, હાડપિંજર સાથે સૂવા બદલ યાસ્મીનને કોરડા ફટકારવાની સજા સંભળાવી.
⬛
vikramvakil@rediffmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.