તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્કાઉન્ટર:ગુજરાતમાં નાના છોકરાને ‘બકા’ કહીને કેમ બોલાવાય છે?

5 મહિનો પહેલાલેખક: અશોક દવે
 • કૉપી લિંક

⬛ હું પત્ની સાથે દલીલોમાં કેવી રીતે જીતી શકું?
-કાળુભાઈ રાઠોડ, અટલાદરા, વડોદરા
-હું જરા એને પૂછીને જવાબ આપું.
⬛ સ્કૂલો ક્યારે ખૂલશે?
-ઉમંગ સુથાર, ભાવનગર
-ત્યાં જવાથી કોરોનાનો ચેપ નહીં લાગે, એની સો-ટકા ગેરેન્ટી મળે, પછી જ ખોલવી જોઈએ.
⬛ ઘર કી મુર્ગી દાલ બરોબર, તો ઘરનો મુર્ગો?
-દિલીપ મકવાણા, ચમારિયા, દાહોદ
-અમે લોકો તો શુદ્ધ વેજિટેરિયન છીએ. અમારા ઘરમાં એ બંનેમાંથી કોઈ ન હોય!
⬛ તમારી અટક ‘દવે’ ને બદલે ‘વેદિયા’; હોવી જોઈએ... તમે જવાબો આપવામાં ઘણા ગોટાળા કરો છો....
-ઇશ્વરલાલ ભાવસાર, નવસારી
-સોરી આ કોલમ ફક્ત ધો. પાંચથી વધુ ભણેલાઓ માટે જ છે !
⬛ તાંત્રિક બાબાઓ પાસે ભવિષ્ય બતાવાય ખરું?
-હર્ષિલ પટેલ, વઢવાણ- સુરેન્દ્રનગર
-એ લોકોનો ભૂતકાળ જોઈ લેવો જોઈએ.
⬛ ધારાસભ્ય કે સંસદ સભ્ય તો સમજ્યા, પણ આ રાજ્યસભાના સાંસદ જનતાને શું ઉપયોગી થાય? -લલિત સોની, અમદાવાદ
-એમાં સમજ્યા શું? પેલા બંને ય કયે દહાડે ઉપયોગી થાય છે?
⬛ તમારો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો કે નેગેટિવ?
-નયન આર. મણિયાર, મહુવા
-તમારી શું ઈચ્છા હતી?
⬛ રાહુલ ગાંધી સ્વ.સુશાંતસિંહ રાજપૂતને ક્રિકેટર સમજતા હતા !!-રાકેશ જણસરી, પાલનપુર
-પ્રભુ એમના આત્માને શાંતિ આપે. સ્વ. સુશાંતસિંહના આત્માને!
⬛ ફરાળને નામે આ લોકો કેટલું ઝાપટી જાય છે!
-હર્ષ સ્નેહલકુમાર હાથી, ગોંડલ
-ભલે ઝાપટે. એ દિવસે ઉપવાસને બહાને હિંદુ સંસ્કારો તો અખંડ રહે છે.
⬛ ‘રફેલ’ આવ્યા પછી કોણ ફેઈલ થશે?
-ભાવિન દિલીપકુમાર ત્રિવેદી, માંઝા
-આ વિનાશક વિમાનો ચીન માટે વાપરવામાં પાકિસ્તાન ફૂંકાઈ જશે.
⬛ જીભમાં હાડકું કેમ હોતું નથી?
-મહાસુખ દરજી, અમદાવાદ
-આ ફરિયાદ છે કે અફસોસ?
⬛ ભારત પાકિસ્તાન ફરીથી એક થઈ જાય તો?
-દિનલ ઠાકર, પાટણ
-તમને વિજેતા બની રહેવું ગમતું નથી?
⬛ તમને સવાલ પૂછવા માગુ છું... પૂછું?
-પૂજન ખૂંટ, ભાવનગર
- ના.
⬛ ડોકટરોના ધંધાને પ્રેક્ટિસ કેમ કહેવાય છે?
-હરેશ લાલવાણી, અમદાવાદ
-દોસ્તીના દાવે! દવા બનાવતી જાયન્ટ કંપનીઓ ડોકટરોને દર વર્ષે ફેમિલી સાથે વિદેશની લકઝરી ટૂર કરાવે છે, એ દોસ્તી જીવનભર ટકી રહે માટે. પ્રેક્ટિસ એ કંપનીઓની દવા દર્દીઓને બઝાડવાની હોય છે.
⬛ તમારા ધૂળજીભાઈ હમણાંથી ક્યાં ખોવાઈ ગયા છે?
-યજુવેન્દ્રસિંહ જાડેજા, ભાવનગર
- એક્સક્યુઝ મી...એ મારો ભાઈ થતો નથી. હા કામ કઢાવવું હોય ત્યારે હકી એને ‘બેટા.. બેટા’ કહીને બોલાવે છે ખરી!
⬛ કોરોના બંધ કરાવી દઉં તો મને કયો ખિતાબ મળી શકે?-સંકર રબારી, અંજાર-કચ્છ
- બસ, તમારા નામને શુદ્ધ કરવા ‘શંકર’ કહીશું.
⬛ વરસાદની આગાહી કાયમ ખોટી કેમ પડે છે?
-વિનાયક શુક્લ, ગોધરા
-આપણે ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડમાં નથી રહેતા માટે.
⬛ વિચારું છું કે, મારો સવાલ આ કોલમના ટાઇટલ ઉપર ક્યારે આવશે!
-ભાવિની વાઘેલા, કોટડા-જડોદર, કચ્છ
- ત્યાં મારો જવાબ આવશે ત્યારે.
⬛ ‘એન્કાઉન્ટર’માં આ મારો ત્રીજો સવાલ છે. પહેલાં બેના જવાબ નથી મળ્યા!
-નીલેશ આર. બારૈયા, ભાવનગર
-બાજુ આપેલા બોક્સમાં સમજાય એવી ગુજરાતી ભાષામાં સરનામું અને મોબાઈલ નંબર લખવાનું કહ્યું છે. નથી લખતા એટલે લટકે છે.
⬛ નોકરી કરવી સારી કર શેઠ બનવું સારું?
-મહેશ પારધી, જામનગર
-મને નોકરીએ રાખી લો ને, શેઠ.
⬛ મારા પપ્પાનું નામ અશોક છે. પણ એ તમારા જેવા હસમુખ નથી!
-હીનલ અશોક પટેલ, અમદાવાદ
-મારા પુત્રનું નામ ‘સમ્રાટ’ છે... ને તો ય મારે નોકરો કરવો પડે છે!
⬛ હાસ્યલેખનમાં તમે કોને તમારા આદર્શ માનો છો? - હર્ષ શર્મા, ગાંધીનગર
-કોઈને નહીં.
⬛ વાંદરો માણસને જોઈને ઘૂરકિયાં કેમ કરતો હશે? -દર્શન કોઠારી, અમદાવાદ
-વાંદરી તો ફટકારે એવી હોય છે... માણસ દાંતવગો પડે!
⬛ તમને વધારે શું ગમે? હક કે હકી. ધન કે ધની?
-ગિરીશચંદ્ર જાટકિયા, ગાંધીનગર
-હક વગરની ધની હકી.
⬛ કોરોનાનો અંત ક્યારે આવશે?
-મહેન્દ્ર મોદી, ઘાટલોડિયા, અમદાવાદ
-બહાર તો ઠીક, ઘરમાં ય માસ્ક પહેરી રાખો તો આવો ડર નહીં લાગે.
⬛ જેંતિ જોખમ અને પ્રવીણ ચડ્ડીને ફરીથી ‘બુધવારની બપોરે’માં લાવો, સર...એ બંને ભુલાતા નથી!
-જયેશ ચૌહાણ, બોરિવલી-મુંબઈ
- આપણે ત્યાં પુનર્જન્મની માન્યતા છે...પુનર્જોખમની નથી... છતાં એ બંને ક્યારના ‘આવું-આવું કરે છે.
⬛ પછી તમે સુધર્યા કે નહીં?
- જગદીશ વાઢેર, મણિનગર-ઇસ્ટ, અમદાવાદ
-એવું હોય તો મારે લેવાનામાંથી અડધા ચૂકવી દો.. પછી નહીં માગું!
⬛ રફી, મુકેશ, મન્ના ડે કે હેમંતકુમાર... આ જમાનામાં હોત તો એટલા જ સફળ હોત?
-પૂજા પટેલ, વડોદરા
-આપણા કરતાં એમનું પોતાનું સદનસીબ છે કે, આજે એ લોકો નથી! હાથમાં ગિટાર અને ફાટેલું જીન્સ પહેરીને ગાતા... આઈ મીન, બરાડા પડતા હેમંતકુમારની તમે કલ્પના કરી શકો?
⬛ તમારા જીવનની શ્રેષ્ઠ યાદગાર પળ કઈ?
-નરેન્દ્રભાઈ એમ.મોઢ, અમદાવાદ
-એવી પળો બે વખત આવી. કારગિલમાં ભારતના જવાનોએ સુપડાફાડ વિજય અપાવ્યો એ... અને બીજું કાશ્મીરમાં ધૂમધામ સાથે સફળ થયેલી સર્જિકલ સ્ટ્રાઈક.
⬛ તમે રાહુલજીની બહુ ફીરકી ઉતારો છો...
- વર્ષા વાડિયા, વઢવાણ
-સોરી... હવે ઓછી ઉતારીશ.
⬛ મુકેશ અંબાણી... અનિલ અંબાણી... સમય બળવાન છે! -જીતેન્દ્ર કેલા, મોરબી
-‘જીતેન્દ્ર અંબાણી’ પણ હોત તો એ બંને બોલતા હોત .... સમય બળવાન છે.
‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો