ન્યૂ રીલ્સ:સિક્વલો કેમ જામતી નથી?

20 દિવસ પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક

સૌથી પહેલો સવાલ તો એ થાય છે કે ફિલ્મોની સિક્વલને બોલિવૂડવાળા ‘ફ્રેન્ચાઇઝી’ શા માટે કહે છે? આ કંઇ મેકડોનાલ્ડ્ઝ કે ‘હોક્કો (હેવમોર) જેવી બ્રાન્ડ થોડી છે કે કોઇ પણ શહેરમાં અમુક લાખ રૂપિયાનું રોકાણ કરીને તમે જે તે બ્રાન્ડની ‘ફિલ્મ’ બનાવી શકો? હકીકતમાં આ શબ્દ પણ હોલિવૂડની આંધળી નકલ છે, કેમ કે ત્યાં ‘સ્પાઇડરમેન’ કે ‘એવેન્જર્સ’ જેવી ફિલ્મોનાં ટી-શર્ટ, ટોપી, રમકડાં, કોફી મગ વગેરેથી લઇને એની સત્તર જાતની પ્રોડક્ટ્સની ‘ફ્રેન્ચાઇઝી’ અપાતી હોય છે. શું અહીં આપણે કદી ‘ભૂલભૂલૈયા’ની કાર્ડ-ગેમની પઝલ પણ વેચાતી જોઇ છે ખરી? ચાલો, આ આંધળી નકલની વાત બાજુમાં મૂકો તોય તમે જોયું હશે તે મોટા ભાગની ફિલ્મોની સિક્વલો પહેલી ફિલ્મ કરતાં કાં તો નબળી હોય છે કાં તો સાવ આડે પાટે ચડી ગયેલી હોય છે. કદાચ રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ સિરીઝ જ એવી છે કે જેમાં હજી કંઇક નવા મસાલા અને નવી પ્લોટ-લાઇન જોવા મળી છે. એ જ રીતે ‘હેરાફેરી’ પછી ‘ફિર હેરાફેરી’ ખરેખર સરસ કોમેડી બની શકી કેમ કે અચાનક અમીર થઇ ગયેલા ત્રણ જણા જ્યાં સુધી ફરી સડક ઉપર ના આવી જાય ત્યાં સુધી ફિલ્મની અસલી ફ્લેવર લાવવી એ ઇમ્પોસિબલ હતું. આ કામ રાઇટર ડિરેક્ટર નીરજ વોરાએ બખુબી પરા પાડ્યું હતું. હવે એ જ ‘હેરાફેરી’ની ત્રીજી ફિલ્મમાં અક્ષય કુમારને બદલે કાર્તિક આર્યનને એટલા માટે લેવો પડે છે કે અક્ષયની ફિલ્મો ધડાધડ ફ્લોપ થઇ રહી છે! છતાં જો ત્રણ કડકા (જેમાંનો એક મિડલ-એજ હોય) કોઇ મૂર્ખામીભરી લાલચમાં ફસાય અને રમૂજી ઘટનાઓનું વાવાઝોડું ના ફાટી નીકળે તો એ ‘હેરાફેરી’નો ‘આત્મા’ ગુમાવી દેશે. હકીકતમાં આ ‘આત્મા’ જ છે, જે સિક્વલને ઓરિજિનલ કરતાં બહેતર બનાવી શકે છે. હોલિવૂડની ‘સ્પાઇડરમેન’ સિરીઝ એનો બેસ્ટ દાખલો છે. દરેકેદરેક ફિલ્મની શરૂઆતમાં જ સ્પાઇડરમેન બનતો સ્કૂલનો ટીનએજર કોઇ ભૂલને કારણે (અથવા ઘમંડને કારણે) તેની શક્તિઓ ગુમાવી બેસે છે! આ સિરીઝની પાંચ-પાંચ ફિલ્મો આવી ગઇ છતાં સ્પાઇડરમેન ‘અપગ્રેડ’ થવા છતાં હજી એટલો જ ભોળો, ગડબડિયો અને દિલથી માસૂમ છે. હિંદી ફિલ્મોની સિક્વલોમાં શી ખબર, કયા કારણસર મેકર લોકો આ ‘આત્મા’ જ ભૂલી જાય છે. એટલે ‘ડોન’ની રિ-મેકમાં શાહરુખ ભોળો ગામડિયો નથી રહેતો અને ‘ડોન-2’માં તો એ સુપર-ડોન બની ગયો! તો પછી એક બબૂચક ગામડિયો કોઇ ખતરનાક ડોનની જગ્યાએ ઘૂસી જવાની મૂળ થીમ જ ક્યાં બચી? ‘હિંદી મીડિયમ’માં પોતાનાં બાળકને હાઇફાઇ સ્કૂલમાં એડમિશન અપાવવા માટે થઇને જે ધતિંગ કરવા પડે છે એમાં આખી એજ્યુકેશન સિસ્ટમ એક્સ્પોઝ થઇ હતી. પણ ‘અંગ્રેજી મીડિયમ’માં ફોરેનમાં ભણવા જવાની ઘેલછા જેવી અદ્્ભુત થીમ તો લઇ લીધી પરંતુ આખરે તો લંડનમાં જ્યાં ને ત્યાં ભાગમભાગ કરાવીને ફિલ્મનો ‘આત્મા’ જ મારી નાખ્યો! ઉદાહરણો અનેક છે… ‘કહાની’ની ખરી મજા એ હતી કે એક સાવ બિચારી લાગતી સ્ત્રી આખી જાસૂસી સિસ્ટમનો પોતાના અંગત રિવેન્જ માટે કેવી ચાલાકીથી ઉપયોગ કરે છે! પરંતુ ‘કહાની-2’માં શું થયું? વિદ્યા બાલનનું પાત્ર કોણ છે, ક્યાંથી આવ્યું અને શું કરવા માગે છે તેની આસપાસ જ વાર્તા ફરતી રહી! અને છેલ્લે ‘પિડોફિલ’ એટલે કે સગીર બાળકોનું જાતીય હેરેસમેન્ટ જેવી ચાંપલી વાતની આસપાસ સસ્પેન્સ ખૂલે છે. બોલિવૂડે આવી ઇન્ટલેક્ચ્યુઅલ ચાંપલાશ કરવામાં ભલભલી સુંદર થીમની પથારીઓ ફેરવી છે. ‘બધાઇ હો’ એક એવી નાજુક વાત લઇને આવ્યું કે સાસુની ઉંમરની સ્ત્રી જો સગર્ભા થઇ જાય તો શું થાય? પરંતુ ‘બધાઇ દો’માં અચાનક લેસ્બિયનિઝમની થીમ આવી ગઇ! શા માટે ભાઇ? એવું જ કંઇક ‘શુભ મંગલ સાવધાન’ની સિક્વલ સાથે થયું. પહેલી ફિલ્મ એક સર્વવ્યાપી કહી શકાય એવી પુરુષોની ઉત્થાનની સમસ્યાને ખરેખર ફેમિલી ઓડિયન્સ પણ માણી શકે એટલી સુંદર રીતે બનાવી હતી. પણ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં મેકર્સ ‘જ્યાદા ઇન્ટલેક્ચ્યુઅલ’ બનવા ગયા. અહીં હીરો અને હિરોઇન બંને સજાતીય સંબંધોમાં ગૂંચવાયેલાં છે! બોલિવૂડ શા માટે અચ્છી-ભલી ફિલ્મોને પ્લેટફોર્મ બનાવીને ભારતમાં સામાજિક ક્રાંતિ લાવવાનો ઝંડો ઉપાડી લે છે? ‘ધમાલ’ પૈસા પાછળ દોટ લગાવતા વિચિત્ર કેરેક્ટરોની ભાગદોડભરી ક્રેઝી કોમેડી હતી. ‘ડબલ ધમાલ’માં એ લોકો પૈસાદારોને મૂર્ખ બનાવવા નીકળી પડ્યા! અને ‘ટોટલ ધમાલ’માં જે ખજાના પાછળ સૌ દોડતા હતા એ તો પ્રાણી સંગ્રહાલયનાં માસૂમ પ્રાણી નીકળ્યાં? શા માટે? કેમ કે બોલિવૂડને અચાનક ‘એનિમલ લવર્સ’ હોવાનો દેખાડો કરવો છે! ⬛

અન્ય સમાચારો પણ છે...