વિશેષ:બોલિવૂડમાં દક્ષિણની ફિલ્મોનું વર્ચસ્વ કેમ?

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડો. કે. મદનગોપાલ: પુષ્પા’ની આટલી લોકપ્રિયતા કેમ? હવે આગળ શું?
અલ્લુ અર્જુનની ‘પુષ્પા : ધ રાઇઝ’ અને તે પહેલાં યશની ‘કેજીએફ’ અને પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ના હિંદી ડબ વર્ઝનને ઓડિયન્સ તરફથી એટલો સારો રિસ્પોન્સ મળ્યો છે કે તેના કારણે દક્ષિણના નિર્માતાઓ પોતાની સ્ટ્રેટેજી બદલવા પ્રેરાયા છે. આ ફિલ્મોની સફળતાથી દક્ષિણના નિર્માતાઓને એક ખ્યાલ તો આવી ગયો છે કે હિંદીમાં ડબ ફિલ્મોનું માર્કેટ કેટલું મોટું છે. આથી હવે તેઓ પોતાની ફિલ્મોના મૌલિક વર્ઝનને રીલિઝ કરવાની સાથે જ હિંદી ડબ વર્ઝન પણ રીલિઝ કરી રહ્યા છે. જેમ કે, એસ.એસ. રાજામૌલી પોતાની આગામી ફિલ્મ ‘આરઆરઆર’ને દક્ષિણની ભાષાઓ સાથે જ હિંદી વર્ઝનને પણ રીલિઝ કરશે. એ જ રીતે ‘કેજીએફ-2’નું ડબ વર્ઝન પણ એપ્રિલમાં સાથે જ રીલિઝ થશે. અલબત્ત, એના લીધે હિંદીના રીમેક માર્કેટને અસર પડી શકે છે. બોની કપૂર જેવા બોલિવૂડના કેટલાક નિર્માતાઓએ દક્ષિણની ફિલ્મોના હિંદી રીમેક રાઇટ્સ ખરીદીને અનેક હિટ ફિલ્મો બનાવી છે.
‘પુષ્પા’ જબરદસ્ત, પણ ડબ વર્ઝનની પ્રથમ હિટ નથી…
‘પુષ્પા’ની સફળતા પ્રશંસનીય છે, પણ એ દક્ષિણની પહેલી એવી ફિલ્મ નથી જેના હિંદી ડબ વર્ઝને જોરદાર કોમર્શિયલ સફળતા મેળવી હોય. એ અગાઉ પણ તામિલ અને તેલુગૂ ઇન્ડસ્ટ્રીની અનેક હિંદી ડબ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ નીવડી છે. જેમ કે, પ્રભુ દેવાની ‘હમસે હૈ મુકાબલા’ (1994) અને કમલ હાસનની ‘હિન્દુસ્તાની’ (1996). મણિરત્નમની તમિલ ફિલ્મ ‘રોજા’ (1992)એ સુપરહિટ બિઝનેસ કર્યો. એટલું જ નહીં, એ ફિલ્મમાં એ.આર. રહેમાનના સંગીતે સમગ્ર ભારતમાં ધૂમ મચાવી હતી. બ્લોકબસ્ટર ‘બાહુબલી’ની માફક તેના બીજા વર્ઝન ‘બાહુબલી : ધ કન્ક્લુઝન’ પણ ડબ ફિલ્મ હતી.
‘પુષ્પા’ આટલી સફળ શા માટે?
‘પુષ્પા’ પછી હિંદીમાં માત્ર ‘83’ ફિલ્મ રીલિઝ થઇ. બાકી ફિલ્મોની રીલિઝ ડેટ ઓમિક્રોનને કારણે આગળ વધારી દેવામાં આવી. અલબત્ત, થિયેટર્સ બંધ નહોતા પણ એ ચલાવવા માટે ફિલ્મો તો જોઇએ ને? જે ફિલ્મો હતી તેમાં ‘ચંડીગઢ કરે આશિકી’ અને ‘83’ બંનેનું કલેક્શન એવરેજથી પણ ઓછું હતું. આથી થિયેટરોએ ‘પુષ્પા’ અને ‘સ્પાઇડરમેન’ જ સતત બતાવવી પડી. આ કારણે પણ ‘પુષ્પા’ને મોકળું મેદાન મળી ગયું. ‘પુષ્પા’નું ત્રીજા અઠવાડિયાનું કલેક્શન 24 કરોડ રૂપિયા હતું, જે એના બીજા અઠવાડિયાના કલેક્શન (20 કરોડ રૂપિયા)થી વધારે હતું. હિંદી પ્રેક્ષકો માટે ‘પુષ્પા’ અલ્લુ અર્જુનની પહેલી ફિલ્મ છે, જેનું હિંદી ડબ વર્ઝન થિયેટર્સમાં રીલિઝ થયું. અલ્લુ અર્જુનને પ્રેક્ષકો જાણતા તો હતા, તેથી તેઓ ફિલ્મ જોવા થિયેટર્સમાં પહોંચી ગયા.
દક્ષિણની ફિલ્મો પ્રત્યે પ્રેક્ષકોનો આટલો ક્રેઝ કેમ?
ભારતીય સિનેમામાં ત્રણ પ્રકારના સેન્ટિમેન્ટ હોય છે – મધર સેન્ટિમેન્ટ, સિસ્ટર સેન્ટિમેન્ટ, ફાધર સેન્ટિમેન્ટ. આમાંથી કોઇ પણ સેન્ટિમેન્ટ જો યોગ્ય રીતે એક્શન અને સારા ગીતો સાથે મિક્સ થાય તો તે અસર કરે છે. જેમ કે નેવુંના દાયકાથી લઇને 2000ની શરૂઆતની ફિલ્મો જોઇ લો. એ વખતે સેન્ટિમેન્ટ હિંદી ફિલ્મો પણ હતી, પરંતુ આજે તે જોવા મળતું નથી. હવે હિંદી ફિલ્મો મુંબઇ, દિલ્હીના પોશ અને મલ્ટિપ્લેક્સ પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તેના કારણે હિંદી ફિલ્મોના હીરો પણ ભદ્ર વર્ગના (પોશ) થઇ ગયા છે. એમને વિદેશોમાં એવા સુશિક્ષિત બતાવવામાં આવે છે કે તે સામાન્ય લોકો સાથે કનેક્ટ જ નથી કરતો. પહેલાંની માસ ફિલ્મોમાં એવું નહોતું. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, દિલીપકુમાર વગેરેના પાત્રો પંજાબ, યુ.પી. વગેરે રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હતા. તેથી પ્રેક્ષકો તેમની સાથે કનેક્ટ થઇ શકતા હતા. જ્યારે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં હજી પણ સેન્ટિમેન્ટ રાખવામાં આવ્યા છે.
ક્યારથી શરૂ થયો આ ટ્રેન્ડ?
2000ની શરૂઆતમાં ઉત્તર ભારતીય મૂવીઝ દેખાડનાર સેટેલાઇટ ચેનલોએ દક્ષિણની ડબ ફિલ્મો દર્શાવવાની શરૂ કરી દીધી. એથી હિંદી બેલ્ટમાં દક્ષિણની ફિલ્મો માટે નવો પ્રેક્ષકવર્ગ આવ્યો. હિંદી બેલ્ટમાં નિમ્ન મધ્યમવર્ગીયના આવતા દર્શકો દક્ષિણના ટેક્સી કે ઓટો ડ્રાઇવર જેવા હીરો સાથે કનેક્ટ થવા લાગ્યા. ઇન્ટરનેટનો પ્રભાવ વધવાથી હિંદી બેલ્ટના લોકોમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની પહોંચ વધી. લોકોની પસંદ જાણતાં ઉત્તરની સેટેલાઇટ ચેનલોએ ઓછા ભાવે દક્ષિણ ભારતીય ફિલ્મો બતાવવાની શરૂ કરી દીધી કેમ કે તેમની ટીઆરપી રેગ્યુલર હિંદી ફિલ્મોની સરખામણીએ વધારે મળતી હતી.
હિંદી ફિલ્મોના સ્ટાર્સની ભૂલ થઇ છે?
થોડાઘણા અંશે એમ કહી શકાય. અલબત્ત અક્ષયકુમાર ઘણું કન્ટેન્ટ સપ્લાય કરે છે, પણ હજીય હિંદીના મોટા સ્ટાર તો ત્રણ ખાન્સ (આમિર, સલમાન, શાહરુખ) જ છે. ત્રણે ખાન્સમાં બેની ફિલ્મો આવી નથી. સલમાનની એક જ ફિલ્મ આવી અને તે પણ ન ચાલી.
દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ભાવિ સ્ટ્રેટેજી?
દક્ષિણના મોટા ફિલ્મ મેકર્સ હવે પોતાના કલાકારોને પેન ઇન્ડિયા સ્ટાર્સ તરીકે ગ્રૂમ કરી રહ્યા છે. અલ્લુ અર્જુન સહિત અનેક મોટા કલાકારો પોતાને રીઇનવેન્ટ કરી રહ્યા છે. એકસાથે ડબિંગને કારણે પેન ઇન્ડિયા અપીલ ધરાવતી ફિલ્મો પર ફોકસ વધ્યું છે. ઉત્તર ભારતીય પ્રેક્ષકોની પસંદગીનો પણ સમાવેશ કરવામાં
આવે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...