તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલ્ટિપ્લેક્સ:ટોમ ક્રુઝની કમાન કેમ છટકી?

2 મહિનો પહેલાલેખક: શિશિર રામાવત
 • કૉપી લિંક
 • ‘લૉકડાઉનમાં કામધંધા બંધ રહ્યા એટલે હોલિવૂડના કેટલાય લોકો પાસે પૈસા નથી ને તમે એમ ઇચ્છો છો કે શૂટિંગ પાછાં બંધ થઈ જાય?’

હો લિવૂડના સુપરસ્ટાર ટોમ ક્રુઝ જે બબ્બે બિગ બજેટ ફિલ્મો પર કામ કરી રહ્યા હતા તેનું પછી શું થયું? ગુડ ક્વેશ્ચન. એક ફિલ્મ હતી, રાધર છે, ‘ટોપ ગનઃ મેવરિક’ અને બીજી છે, ‘મિશન ઇમ્પોસિબલ – 7’. આપણે પહેલાં ‘મિશન ઇમ્પોસિબલ-7’ની વાત કરીએ. ‘મિશન ઇમ્પોસિબલ’, આપણે જાણીએ છીએ તેમ, એક્શન થ્રિલર ફિલ્મોની શૃંખલા છે. મૂળ તો તે ટીવી સિરિયલ. પછી આ જ ટાઇટલ હેઠળ ફિલ્મો બનવાની શરૂ થઈ. ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝની પહેલી ફિલ્મ 1996માં આવી. તે વખતે ટોમ ક્રુઝ 34 વર્ષના હતા, આજે 58ના છે. ટોમ આ સિરીઝમાં ઇથન હન્ટ નામના સિક્રેટ એજન્ટ યા તો જાબાંઝ જાસૂસ બનીને દુનિયા પર વારે વારે આવી પડતા ભયાનક જોખમોને ખાળવાનું કામ કરે છે. ‘મિશન ઇમ્પોસિબલ’ના દરેક ભાગમાં ટોમ ક્રુઝ શ્વાસ અધ્ધર ચડી જાય તેવા હેરતઅંગેજ કારનામા કરે છે. આવું બધું તો જેમ્સ બોન્ડ પણ કરે છે, પણ જેમ્સ બોન્ડની ફિલ્મો અને ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝની ફિલ્મોના લૂક-ઍન્ડ-ફીલમાં ખાસ્સો ફર્ક હોય છે.

જેમ્સ બોન્ડની માફક ‘મિશન ઇમ્પોસિબલ’ શૃંખલાની ફિલ્મો પણ સુપરડુપર હિટ થાય છે. અત્યાર સુધીમાં આ શૃંખલાની છ ફિલ્મોએ 3.5 બિલિયન ડૉલર એટલે કે 257 અબજ કરતાંય વધારેની રૂપિયાની અધધધ કમાણી કરી નાખી છે. આટલી સફળ ફ્રેન્ચાઇઝીની દરેક નવી ફિલ્મ ઉત્સુકતા જગાડે જ. ટોમ ક્રુઝ આ સિરીઝના માત્ર હીરો જ નહીં, પ્રોડ્યુસર પણ છે. ટોમભાઈની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ એમની શારીરિક ચપળતા અને તરલતા પણ જાણે વધતી જાય છે. તેથી જ ‘મિશન ઇમ્પોસિબલ’ની દરેક નવી કડીમાં તેઓ અગાઉની ફિલ્મો કરતાં વધારે જોખમી સ્ટંટ્સ કરતા જોવા મળે છે. જાન્યુઆરી 2019માં ટોમ ક્રુઝે ઘોષણા કરી હતી કે ‘મિશન ઇમ્પોસિબલ-7’ અને ‘મિશન ઇમ્પોસિબલ-8’ આ બંનેનું શૂટિંગ બૅક-ટુ-બૅક કરવામાં આવશે. સાતમી કડી તો 2020માં જ રિલીઝ થઈ જવાની હતી, પણ નખ્ખોદ જાય આ કોરોનાનું. એના પાપે દુનિયાભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નિષ્ક્રિય થઈ ગઈ. રિલીઝ થવાનું તો બાજુએ રહ્યું, ‘મિશન ઇમ્પોસિબલ-7’નું હજુ શૂટિંગ પણ હજુ સુધી પૂરું થયું નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં વેનિસમાં શૂટિંગ શરૂ થયું હતું. હજુ પહેલું શેડ્યુલ પૂરું થાય ત્યાં તો લૉકડાઉન લાગુ પડી ગયું. જુલાઈમાં શૂટિંગ ફરી શરૂ થયું, ઇંગ્લેન્ડના વૉર્નર્સ બ્રધર્સ સ્ટુડિયોમાં. પછી આખું લશ્કર નૉર્વે શિફ્ટ થયું. કાસ્ટ-ઍન્ડ-ક્રૂ આ કોવિદકાળમાં સલામતીપૂર્વક રહી શકે તે માટે ટોમ ક્રુઝે લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલી તોતિંગ રકમ ખર્ચીને આખેઆખી ક્રુઝ શિપ ભાડે રાખી લીધી હતી. પછી થોડુંક શૂટિંગ ઇટાલીમાં પતાવ્યું. આ મહિને આખું યુનિટ પાછું ઇંગ્લેન્ડ આવ્યું.

કોવિડની મહામારી વચ્ચે આટલી ખર્ચાળ અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મનું શૂટિંગ કરવું ખરેખર અઘરું છે. તાજેતરમાં ટોમ ક્રુઝની એક ઑડિયો ક્લિપ લીક થઈ ગઈ. આ ક્લિપમાં તેઓ યુનિટના બે માણસોને જોરદાર ખખડાવતા સાંભળવા મળે છે. કોરોના સંબંધિત નીતિ-નિયમો પાળવામાં ટોમ ક્રુઝ અત્યંત ચુસ્ત છે. બન્યું એવું યુનિટના બે માણસો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર, પાસે પાસે ઊભા રહીને મોનિટર પર કશુંક જોઈ રહ્યા હતા. ટોમ ક્રુઝનું ધ્યાન પડ્યું ને એમનો પિત્તો ગયો. યુનિટના પચાસેક સભ્યોની હાજરીમાં એમણે પેલા બંનેને આડા હાથે લીધાઃ ‘તમારામાં સહેજે અક્કલ નથી? તમને એટલુંય સમજાતું નથી કે આપણે શૂટિંગ શરૂ કર્યું એ જોઈને અત્યારે હોલિવૂડમાં કેટલીય ફિલ્મોના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે? વી આર ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ. હું રોજ રાતે હોલિવૂડના તમામ સ્ટુડિયો, ઇન્શ્યોરન્સ કંપનીઓ, પ્રોડ્યુસરો સાથે ફોન પર સતત વાતો કરતો હોઉં છું. એ સૌની નજર આપણા પર છે. આપણું જોઈને કેટલાય નિર્માતાઓએ પોતપોતાની ફિલ્મોનું શૂટિંગ શરૂ કર્યાં છે. હજારો લોકોની રોજીરોટી શરૂ થઈ છે... ને તમે અહીં સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નથી? સોરી-બોરી તો બોલતા જ નહીં. લૉકડાઉનમાં ઇન્ડસ્ટ્રી બંધ હતી એટલે લોકો પાસે હોમલોનના હપ્તા ભરવાના પૈસા નથી, ત્રણ ટંક ખાવાના પૈસા નથી, છોકરાવને ભણવાની ફી ચૂકવવાના પૈસા નથી. તમે એમ ઇચ્છો છો કે શૂટિંગ પાછા બંધ થઈ જાય? હવે પછી જો હું કોઈને કોરોનાના નિયમો તોડતાં જોઈશ તો એ જ ઘડીએ ટીમમાંથી કાઢી મૂકીશ!’ આ તો બહુ સારી ભાષામાં લખાયેલું છે, બાકી ટોમ ક્રુઝે તો ગુસ્સામાં આવીને ગાળોનો વરસાદ વરસાવી દીધો હતો. તેમનો ક્રોધ સમજાય એવો છે. ઑક્ટોબરમાં ‘મિશન ઇમ્પોસિબલ-7’ની આખી ટીમનો કોરોના ટેસ્ટ કરાવેલો ત્યારે 12 ક્રૂ મેમ્બરને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ટોમ ક્રુઝની આ લેટેસ્ટ ઑડિયો ક્લિપ બહાર આવી પછી ઘણા લોકોએ એમના શિસ્તપાલનનો આગ્રહને બિરદાવ્યો છે.

આ મહામારી વચ્ચે ‘મિશન ઇમ્પોસિબલ-7’નું શૂટિંગ પૂરું થતાં જ પછીની કડીનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે. જો બધું સમુસૂતરું પાર પડશે તો ‘મિશન ઇમ્પોસિબલ-7’ આવતા વર્ષે 23 જુલાઈએ અને ‘મિશન ઇમ્પોસિબલ-8’ ઓગસ્ટ-2022માં રિલીઝ થશે. આ બન્ને ફિલ્મોની પહેલાં 2021ની બીજી જુલાઈએ ટોમ ક્રુઝની ઑર એક ફિલ્મ રિલીઝ થઈ જશે – ‘ટોપ ગનઃ મેવરિક’. ઓરિજિનલ ‘ટોપ ગન’ 34 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી, 1986માં. આ ફિલ્મમાં ચોવીસ વર્ષના જુવાનિયા ટોમ ક્રુઝનો ગજબનાક ચાર્મ જોઈને દુનિયાભરના પ્રેક્ષકો મોહિત થઈ ગયા હતા. ઇન ફૅક્ટ, ‘ટોપ ગન’ની સફળતાએ જ ટોમ ક્રુઝને સુપરસ્ટારડમ અપાવ્યું હતું. મૂળ ફિલ્મમાં ટોમ ક્રુઝ ટેસ્ટ પાઇલટ બનીને ફાઇટર પ્લેન ઉડાડે છે. ‘ટોપ ગનઃ મેવરિક’માં તેઓ ટેસ્ટ પાઇલટ ઉપરાંત લટકામાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પણ બન્યા છે. આ ફિલ્મનું શૂટિંગ 2018-19 દરમિયાન પૂરું કરી નાખવામાં આવ્યું હતું. માર્ચ 2020માં તે રિલીઝ થાય તે પહેલાં જ કોરોના ત્રાટક્યો. રિલીઝ ડેટ પોસ્ટપોન થતી થતી, અગાઉ નોંધ્યું તેમ, છેક 2021ના બીજી જુલાઈ સુધી ઠેલાઇ ગઈ. ટોમ ક્રુઝના ચાહકો ‘ટોપ ગનઃ મેવરિક’ અને ‘મિશન ઇમ્પોસિબલ-7’ આ બંન્ને ફિલ્મોની અધ્ધર શ્વાસે રાહ જોઈ રહ્યા છે તેવું કહેવાની કશી જરૂર ખરી? shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો