પ્રશ્ન વિશેષ:‘બારીઓ કેમ બંધ કરું? આ બહાર ઝાડવાં ને ફૂલછોડ તો છે જ ને!'

ભદ્રાયુ વછરાજાનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વકવિ ઉમાશંકર કહેતા : ‘જીવનનું નિયામકતત્ત્વ પશુબળ નહીં, પણ પ્રેમ છે!’

કલમ પણ એક ચેતના છે અને વિચારપૂર્વક લખવું એ એક ચૈતસિક પ્રક્રિયા છે. કલમને પણ ગમા-અણગમા છે. કલમ-નવેશોના ગુરુવર્ય અને વિશ્વકવિના દરજ્જે કલમને પ્રતિષ્ઠિત કરનાર ઉમાશંકર જોશીને 111મું વર્ષ બેઠું! એમની કલમમાંથી નીકળેલો શબ્દ એમને ક્યાં ક્યાં લઇ ગયો? સત્યાગ્રહ છાવણીમાં અને જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં અને કેળવણીના ક્ષેત્રમાં, દેશની સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓમાં, ભારતની સંસદમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં! તેઓએ શબ્દને રમાડ્યો કે પંપાળ્યો નહીં. શબ્દનો ઉપયોગ કેવળ સાહિત્યના સર્જન માટે જ કર્યો નહોતો. શાસનકર્તાઓની અરાજકતા સામે, રાજ્યના આતંક સામે, રાષ્ટ્રવાદ અને કોમવાદ સામે, સાહિત્ય સંસ્થાઓની સ્વાયત્તતા માટે, સમાજના વંચિત વર્ગોના અધિકાર અને સામાજિક ન્યાય માટે... માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર શબ્દને એમણે ક્યારેય વિસાર્યો નહોતો, પરંતુ શબ્દને એક અસરકારક શસ્ત્ર તરીકે સજાવ્યો હતો. માત્ર વીસ વર્ષની ઉંમરે કાવ્યની રચના થઈ. કહે છે કે વિરમગામ છાવણીમાં સૈનિકોના માહિતીપત્રમાં એક પ્રશ્ન હતો : ‘તમે આ લડતમાં શા હેતુથી જોડાયા છો?’ કવિએ ત્યારે જવાબ આપ્યો : ‘જીવનનું નિયામકતત્ત્વ પશુબળ નહીં, પણ પ્રેમ છે અને ગાંધીજીની સ્વરાજ્ય માટેની લડતમાં પ્રેમનું અને અહિંસાનું બળ અજમાવવામાં આવ્યું છે, એટલે ગાંધીજીના આ યુદ્ધમાં જોડાયો છું...’ કવિ ખુદ સ્વીકારે છે કે, ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે...’ ત્યારે કવિના પંથકના અભ્યાસુ સાહિત્યકાર મણિલાલ હ. પટેલ તેમનો સૂક્ષ્મ પરિચય આપે છે : ‘ખાદીના ધોતી-ઝભ્ભો અને બંડી એમને ખૂબ જચતાં. ક્વચિત ગાંધી ટોપી જેનો આછો બદામી રંગ હોય… એ પણ એમની પસંદ. દેખાવે ઊજળા અને આમ કોમળ કોમળ. ચહેરો કાયમ હસુ-હસુ થતો હોય. વ્યક્તિત્વ કવિનું જ પરખાઈ આવે. બોલવે-ચાલવે ને બેસવે-ઊઠવે કે વાણીવર્તનનેય સર્જક વ્યક્તિત્વ પામ્યા વિના ન જ રહે. સમગ્રતયા આભિજાત્ય અને સૌમ્યભાવે ભર્યાભર્યા લાગે. જોનાર અટકે ને આકર્ષાય, પણ વ્યક્તિત્વમાં દૃઢતા અને નજરમાં વિદગ્ધતા એવાં કે આડીઅવળી વાત જ ન થાય. થાય કે ગાંધી યુગનો કવિ અને શિક્ષક આવો જ હોય. વાર્તાલાપ વેળાએ અતૂટ ને સહજ વાણીપ્રવાહ પ્રભાવક લાગે ને શ્રોતાને ભીંજવે, કોરા ન રાખે. થાય કે ભાષાને એ રીઝવી શક્યા છે. સર્જનમાં ને વર્ગ કે સભાનાં વક્તવ્યોમાં એની અનેકવિધ તરેહો જેણે માણી-પ્રમાણી તે બધાં કદી ભૂલ્યાં નથી પછી - ઉ.જો.ને! ઉમાશંકરજી શિક્ષક થયા ને આજીવન રહ્યા. ભાષાભવનના અધ્યક્ષ અને અધ્યાપક, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને ટાગોરની શાંતિનિકેતનના કુલપતિપદની વરણી એ પામ્યા એ માત્ર યોગાનુયોગ નથી. આ બધું નિસ્પૃહભાવે અને પ્રાણ રેડીને નિસબતથી કરેલાં કાર્યોનું પરિણામ છે. એ જમાનો દિગ્ગજોનો હતો - આજના વ્હેંતીયાઓને એ ન પણ સમજાય. એ રાજ્યસભામાં વરાયા મૂર્ધન્ય ભારતીય સર્જક, ચિંતક અને શિક્ષણવિદ્ તરીકે!! 1975-77ના કટોકટીનાં વર્ષોમાં એક સાંસદ તરીકે એમણે કોઈનોય પક્ષ લીધા વિના, લોકશાહી અને માનવતા માટે આગ ઝરતી વાણીમાં, તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હાજરીમાં, પૂરી તમાથી વાત કરી. દેશ અને દુનિયાએ એની નોંધ લેવી પડી હતી. જ્યારે ઈન્દિરાજીની હત્યા થઈ ત્યારે આ જ માણસે લખેલો શ્રદ્ધાંજલિ લેખ આપણને દિગ્મૂઢ કરી દે એવો હતો. એક સહજ વ્યક્તિએ અનુભવ્યું તેની અનુભૂતિ તેને પરમ સુધી લઈ ગઈ અને તેમાંથી સર્જન થઈ ગયું! 1977-78ની સાલ. મોડાસા કોલેજમાંથી ડો. ધીરુભાઈ ઠાકરની નિવૃત્તિ-વિદાયનો અવસર. અમદાવાદ લેવા આવેલા અધ્યાપકને બેસાડી પોતાના હાથે ચા બનાવીને પીવરાવી. જવા નીકળ્યા ત્યારે અધ્યાપકે સહજ પૂછ્યું : ‘બારીઓ બંધ કરી દઉં?’ ઉમાશંકર મર્માળુ મલકતા બોલ્યા : ‘ના રે... આ બહાર ઝાડવાં ને ફૂલછોડ તો છે જ ને!’ કવિનો જાણે એ જ પરિવાર! આપણા આ કવિ એક જ એવા સર્જક છે જે સંપૂર્ણતાને પોતાનાથી દૂર રહેવા અને અપૂર્ણતાને આલિંગન આપવા ઈચ્છે છે ; સંપૂર્ણતા હુંથી પરિ રહો સદા, આનંદ માંગુ હું અપૂર્ણતાનો... દમેદમે કંઈક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને... રાજકોટના વિરાણી હાઈસ્કૂલના સભાખંડમાં કવિની શ્રેષ્ઠતમ રચના : ‘મારું જીવન એ જ મારી વાણી બીજું એ તો ઝાકળપાણી..’ યુવાકલાકાર અને સ્વરકાર પરેશ ભટ્ટે રજૂ કરી, ત્યારે ભાવવિભોર કવિએ અશ્રુધારા સાથે ઊઠીને પોતાના ગળાનો હાર પરેશ ભટ્ટને પહેરાવ્યો! ભરચક સભાખંડે નતમસ્તકે ઊભા થઈ કરતલ ધ્વનિથી સાક્ષરવર્યની મહાનતાને પોંખેલી... તે દૃશ્ય મારી નજર સમક્ષ આજેય જીવંત છે. ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...