પ્રશ્ન વિશેષ:ગઈકાલના પરિવારોમાં સૌ કેમ સચવાઈ રહેતાં?

20 દિવસ પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક

પણે જ્યારે પરિવારની વાત કરીએ તો સૌથી પહેલી શરૂઆત આપણા ઘરથી જ થાય. જૂના જમાનાની વાત કરીએ તો એ વખતે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા, બધાં સાથે હતાં, તો પ્રશ્ન થાય કે એ પરિવારો કેવા હતા?

આપણે બહુ ભૂતકાળની વાતમાં સરી જવાની જરૂર નથી, પણ ભૂતકાળની જેટલી વાતો સારી છે એને યાદ કરવાની તો જરૂર છે. એટલું ચોક્કસ છે કે તે વખતે જે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેલ સ્વધર્મ પાળતા જીવે એવા પરિવાર હતા. હું નાનો હતો ત્યારે મહિનાની અંદર 10-12 દિવસ બાજુના ઘરે જમી આવતો અને હું ક્યાં ઘરમાં જમતો હતો એ મારી માને ખબર નહોતી. મારી મા મને શોધવા આવે તો કોઈ એકાદ ઘરમાંથી હું નીકળું અને મને પરાણે લઇ જાય ત્યારે એ ઘરના માસી મારી માને કહે કે, ‘ચિંતા ન કરતા એણે અહીં જમી લીધું છે.’ હવે અત્યારે આ શક્ય છે? અત્યારે તો ઘરેથી કહેવામાં આવે છે કે, ‘જો જે હો કંઈ ખાતો નહીં અને પાણી તો ત્યાં પીતો જ નહીં…’

મને મારી નાનીમા એમ કહેતા કે જમવા બેસ એ પહેલા ગાયને ગૌ ગરાસ આપી આવ. હું જમવાનું શરૂ કરું ત્યાં મને ઉઠાડે તો મને બહુ આકરું લાગતું એટલે હું એમ કહેતો, ‘નાનીમા, તમે શું ગાયની ચિંતા કરો છો ?’ તો કહે, ‘બેટા એ પણ જીવ છે ને! આપણા ઘર પાસે આવે છે તો આપણામાંથી થોડોક ભાગ એનો કાઢવો પડે.’ આ ગઈકાલનો પરિવાર હતો. ઘરની અંદર કોઈ માંદું હોય તો, એ મારો દીકરો માંદો છે એટલે હું જાગું અને મારી પત્ની જાગે એવું નહોતું. ઘરના બધા સભ્યો જાગતા. દાદી, મામી, નાનીમોટી ઉંમરના હોય તો એ

આપણને કપાળ ઉપર પોતાં મૂકતાં હોય,, અત્યારે એ બધાને ક્યાં બોલાવવા જવું? ગઈકાલના પરિવારો સંયુક્ત કુટુંબમાં હતા. બધાં સાથે ઊછરતાં. એનાથી મોટો ફાયદો એ હતો કે અત્યારે જે પરિવારોમાં ક્રાઈસીસ ઊભી થાય છે એ ત્યારે નહોતી થતી, બાળક સચવાઈ જતું, એક ન હોય તો બીજું, બીજું ન હોય તો ત્રીજું, એનો સમવયસ્ક ન હોય તો કોઈ વડીલ એની પાસે હોય જ. એને સ્કૂલે મૂકવા જવું હોય તો દાદાની આંગળી પકડીને દાદા સાથે નીકળી ગયા હોય. અત્યારે દાદા નથી, નાના નથી એટલે આપણે પેલા સ્કૂલ-વેન ઉપર આધાર રાખવો પડે, વેનવાળો છે એ આમ જુઓ તો બહારનો માણસ છે, એને આપણો દીકરો, દીકરો લાગતો નથી. એટલે બધા પ્રશ્નો ઊભા થાય છે.

ગઈકાલના પરિવારો એ ખરા અર્થમાં સ્વધર્મપાલનની વ્યાખ્યામાં લગભગ લગભગ ફિટ બેસે તેવા પરિવાર હતા. દરેક ઘરમાંથી કોઈ એક નારી સવારમાં બહાર આવતી અને તાંબાના લોટામાં પાણી ભરીને સૂર્યની સામે રેડતી! ત્યારે આપણને આશ્ચર્ય થતું કે, આ સૂર્ય સામે શું કામ પાણી ઢોળે છે? હવે આપણને સમજાય છે કે ગરમીનો પારો વધી રહ્યો છે કારણ કે આપણે સૂર્યનો માત્ર ઉપયોગ કર્યો છે, સૂર્યને આપવું જોઈએ એ પાછું આપ્યું નથી. પાણી રેડવાથી કંઈ પાછું નથી અપાતું પણ તુલસીના ક્યારામાં પાણી રેડે એનો ભાવ એવો કે હે સૂર્યદેવ, હું પાણી રેડું છું,,એમાંથી બાષ્પીભવન થઈને તું શાંત પડજે! આવી એક ન કહેલી પ્રાર્થના હતી. ઝઘડો થાય તો પણ કોઈ બે જણાં એને છોડાવનાર હતા. મારા મામાઓ ભાગ્યે જ ઝઘડે પણ કોઈ બહુ ઊંચા સાદે બોલે તો કોઈક જઈને કહી આવે કે ‘નાનીમાને આ નહીં ગમે હો!’ અને ઝઘડો શાંત થઈ જાય! અત્યારે આવું મધ્યસ્થી બની શકે એવું છે કોઈ? પ્રભાવ પડે એવું છે કોઈ? ગઈકાલના પરિવારોમાં કોઈને પણ તકલીફ હોય તો એકબીજાને સંભાળી લે. એક ભાઈ કદાચ ઓછું કમાતો હોય અને બીજો ભાઈ જો થોડું વધારે કમાતો હોય તો પેલા ભાઈનું સચવાઈ જતું… એટલે સુધી કે મારી આવક ઓછી છે એ કુટુંબમાં કોઈને ખબર ન હોય કારણ કે વડીલ બધી વ્યવસ્થા અને સ્થિતિ સાંભળી લે. હું કંઈ કરતો ન હોઉં તો વડીલ એક બાજુ બોલાવીને કહે કે, ‘થોડી વધુ મહેનત કર. તું કમાઈશ તો તને જ સારું લાગશે.’ પણ એ આપણને સમજાવીને કહેતા એટલે ટેન્શન ઊભું ન થતું.

અન્ય સમાચારો પણ છે...