માયથોલોજી:રાધા પ્રત્યે કોનો કેવો દૃષ્ટિકોણ એ ભક્ત પર આધારિત છે

દેવદત્ત પટનાયક17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ ધર્મશાસ્ત્રોના આધારે આ લેખ લખવામાં આવ્યો છે. અહીં રજૂ કરેલા વિચારો લેખકના છે.

તમે જાણો છો કે મેં કાળી નાગને મારા પગ તળે કેમ કચડ્યો?/કેમ કે એણે પોતાની પૂંછડીની તુલના તમારા ચોટલા સાથે કરવાની હિંમત કરી/ અને મેં કંસનું ધનુષ કેમ તોડ્યું?/ કેમ કે એણે તમારી ભ્રમર સાથે તુલના કરવાની હિંમત કરી/ મેં મારી કનિષ્ઠિકાથી ગોવર્ધન પર્વતને કેમ ઊંચક્યો?/ કેમ કે એણે પોતાના શિખર સાથે તમારા તનની તુલના કરવાની હિંમત કરી.’ તેલુગૂ ભાષામાં લખાયેલા આ શબ્દો કથિત રૂપે કૃષ્ણે રાધાને કહ્યા છે. અઢારમી સદીમાં તાન્જાવુરમાં પ્રખ્યાત મરાઠા રાજા પ્રતાપસિંહનું શાસન હતું. એમના દરબારમાં તંજનાયકી નામનાં એક પ્રતિભાશાળી ગાયિકા હતાં. ઉપરોક્ત શબ્દો તંજનાયકીની પૌત્રી મુદુપલની દ્વારા લખવામાં આવેલ ‘રાધિકા સંત્વનયુ’ નામના સંગ્રહમાં જોવા મળે છે. વીસમી સદીની શરૂઆતમાં અન્ય એક પ્રખ્યાત ગણિકા બંગલૌર નગરલમ્માએ આ સંગ્રહને ફરીથી પ્રકાશિત કર્યો. એમણે પ્રકાશિત કરેલી આવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કેમ કે તેમાં કામુકતા અંગે સ્પષ્ટ વાતો જણાવવામાં આવી હતી. એ આવૃત્તિઓને પ્રાથમિકતા આપવામાં આવી જેમાં બિનકામુક ભક્તિ અને પ્રેમ- કવિતાઓ હતી. બારમી સદીમાં જયદેવે ‘ગીત ગોવિંદ’ લખ્યું. તે પછી રાધા અને કૃષ્ણના સંબંધ અંગે ચર્ચાઓ થતી રહી. બે મુખ્ય વિચારસરણીઓ વ્યક્ત થઇ : સ્વકીય વિચારસરણી - જેના અનુસાર રાધા કૃષ્ણની પત્ની હતી અને પરકીય વિચારસરણી - જેના અનુસાર રાધા એમની પત્ની નહોતી. ચંડીદાસ અને વિદ્યાપતિ જેવા કવિઓએ મોટા ભાગે પરકીય વિચારસરણીનું સમર્થન કર્યું. તેઓ માનતા હતા કે જે પ્રેમ નિયમ અથવા રિવાજના બંધનથી મુક્ત હોય છે એ જ સાચો પ્રેમ હોય છે. વધારે સાંકેતિક વિચારસરણીઓ મુખ્ય પ્રવાહનો હિસ્સો બની ગઇ. વધારે સ્પષ્ટ વિચારસરણીઓ ગુપ્ત અને પરિધિય આંદોલનોનો હિસ્સો બની ગઇ, જેમાં રાધાને પોતાની સ્વતંત્રતા માટે અપાર સન્માન આપવામાં આવતું હતું. કૃષ્ણ રુક્મિણી સાથે લગ્નથી અને લગ્ન વિના રાધા સાથે બંધાયેલા હતા. આમ પણ આ વિચારસરણીઓએ રાધાને દેવી માન્યાં જે લગ્ન વિના કૃષ્ણ સાથે અને લગ્ન દ્વારા અયાના (વિવિધ લખાણોમાં એમનું નામ અલગ અલગ છે.) સાથે બંધાયેલાં હતાં. જો આપણે લગ્નનો શાબ્દિક અર્થ લઇને તો આપણી શુદ્ધતાવાદી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. રાધાએ કેવા દેખાવું છે, તે દરેક ભક્ત પર આધારિત છે એટલે કે રાધાના જે ભક્ત છે તેઓ રાધાને પોતપોતાની નજરે નિહાળે છે : જેમ કે, મુદ્દુપલનીએ જોયાં, સ્વકીયોએ જોયાં, પરકીયોએ જોયાં અથવા જેમ સહજિયોએ જોયાં. આ બધાએ રાધાને પોતપોતાના દૃષ્ટિકોણથી જોયાં. જોકે આ તમામમાંથી કોઇ રાધા અંગે કંઇ નથી કહેતા, પણ તેમની વિચારસરણી જીવન અને સમાજ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણ અંગે ઘણુંબધું કહી જાય છે. ⬛

અન્ય સમાચારો પણ છે...