વિચારોના વૃંદાવનમાં:કિસને બંસી બજાઇ આધી રાત કો, જિસને પલકેં ચુરાઇ આધી રાત કો।

એક મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક

માલયના પ્રવાસ દરમ્યાન એક સાધુએ મને કાનમાં કહ્યું હતું : ‘હમ જિસે નહીં ખોજ સકતે વહી મૈં હૂઁ’।।। આપણું હોવું (બીઇંગ) એટલું તો રોકડું છે કે એની શોધ કરવી એ મિથ્યા વ્યાયામ ગણાય. નદી વળી નદીને શોધવા નીકળે ખરી? હિમાલય કદી ઠંડીની શોધ ચલાવે ખરો? કોયલ ટહુકાની શોધ માટે વગડામાં ભટકે ખરી? આ જગતમાં કેવળ માણસ જ એવું પ્રાણી છે, જે કશુંક શોધવાનાં ફાંફાં મારતું રહે છે. એ જો પોતાનું બીઇંગ જાળવી લે, તો બીજું કશુંય શોધવાનું નહીં બચે. પંખીએ ઉડ્ડયન શોધવું ન પડે. પંખીનું હોવું એ જ ઉડ્ડયન! માણસ આખા દિવસનો થાક ઓઢીને પથારીભેગો થાય ત્યારે ગાઢ નિદ્રાનો પ્રસાદ પામે છે. આજનો માણસ ઊંઘવાની કળા ઝટ ઝટ ગુમાવતો જાય છે. પરિણામે જાગવાની કળા પણ વિસરાતી જાય છે. પથારીમાં પડે ત્યારે જો શાયરની પંક્તિઓનું સ્મરણ કરે, તો કદાચ ઊંઘની ગુણવત્તા સુધરે એમ બને: આયે થે ઇસ બાગ મેં, શયરે ગુલન કર ચલે, સંભાલો માલી બાગ અપના, હમ મુસાફિર ઘર ચલે।। ઘસઘસાટ ઊંઘ મનુષ્યનો એવો વૈભવ ગણાય, જે ઝૂંપડીમાં કે ફૂટપાથ પર મળે, પણ હવેલીમાં ભાગ્યે જ મળે. તાતા, બિરલા કે અંબાણી પાસે કદી પણ એવો વૈભવ નથી હોતો. હવેલીમાં કકડીને ભૂખ લાગે તેવી સમૃદ્ધિ ભાગ્યે જ હોય છે. કાયર માણસ બહાદુર હોવાનો દંભ કરે તે આપણને સમજાય છે. બહાદુર માણસોને પત્ની આગળ કાયર હોવાનો દંભ કરતા જોયા છે. આ વાત અંગત અનુભવને આધારે લખી રહ્યો છું. પૈસાદાર માણસને ગરીબ હોવાનો દંભ કરતો જોયો છે. લગ્નની મોસમ શરૂ થાય ત્યારે પાર્ટી પ્લाऱ्ૉટ પર ગરીબ માણસને પૈસાદાર હોવાનો દંભ કરવાનો શોખ જાગે છે. મધ્યરાત્રિનું અંધારું વૈચારિક દૃષ્ટિએ ગાભણું હોય છે. મધ્યરાત્રિએ કોયલનો ટહુકો સાંભળીને કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ આપણને હરિગીત છંદમાં એક કવિતાની ભેટ ધરી હતી. ટહુકો દૂરથી આવતો હોય ત્યારે અધિક સુંદર જણાય. મને એક ફિલ્મી ગીતની પંક્તિઓમાં રહેલી સુંદરતા યાદ રહી ગઇ છે. સાંભળો : કિસને બંસી બજાઇ આધી રાત કો, જિસને પલકેં ચુરાઇ આધી રાત કો । સુરતમાં ‘મંગલમૂર્તિ’ નામના બહુમાળી મકાનમાં ત્રીજે માળે રહેતો હતો, ત્યારે બારીમાં સળિયા કે ગ્રિલ ન હતાં. સ્વજનો સલાહ આપતા : ‘બારીમાં સ‌‌ળિયા તો હોવા જ જોઇએ. દિવસો સારા નથી.’ મજાકમાં હું જવાબ આપતો : ‘આટલે ઊંચે ચડવાનું જોખમ વહોરીને જો ચોર ત્રીજે માળે મારા ઘરમાં ઘૂસી આવે, તો તે ખાલી હાથે પાછો જાય એવું હું નથી ઇચ્છતો. ચંદ્રનાં કિરણોને ઘરમાં આવતાં રોકવામાં સળિયા નિષ્ફળ જાય એ ખરું, પરંતુ મારી અને ચંદ્ર વચ્ચે સળિયા હોય, તો તો મને કેદમાં સૂતો હોઉં એવું લાગે! ચોર ચોરી કરે અને માંડ જેલમાં પહોંચે તે પહેલાં જ મારે કેદી બની જવાનું?’ શરીરને જે જે રોગો લાગુ પડે, તેમાં આજે તો કેન્સર સુપરસ્ટાર ગણાય છે. પથારીમાં પડ્યો પડ્યો વિચારતો રહ્યો કે : કેન્સરને સમાંતર એવો જ મોભ્ભાદાર ગણાય તેવો મનનો કોઇ રોગ હોઇ શકે ખરો? તરત જવાબ મળે છે : મનનો સૌથી મોભ્ભાદાર એવા રોગનું નામ ‘દંભ’ છે. ફિલસૂફીના દૃષ્ટિબિંદુથી જોઇએ, તો દંભનો નાળસંબંધ આપણા અસલ ‘સ્વ’થી દૂર જવાની પ્રક્રિયા સાથે રહેલો જણાય છે. મનોવિજ્ઞાનના દૃષ્ટિબિંદુથી વિચારીએ તો દંભ અપર્યાપ્તતાની લાગણીનું સંતાન ગણાય. ભગવદ્્ ગીતાના સોળમા અધ્યાયમાં કૃષ્ણ દંભને આસુરી સંપત્તિઓની યાદીમાં પ્રથમ સ્થાને મૂકે છે. કેટલાય માણસો પોતે busy છે, એવો દંભ કરવામાં ગૌરવ અનુભવે છે. કેટલાય સાહિત્યકારો પોતાની વિદ્વતા પ્રગટ કરવા માટે એવું તો દુર્બોધ લખાણ પ્રગટ કરે છે કે વાચકો તમ્મર ખાઇને એવું લખાણ પડતું જ મેલે! આવું બને ત્યારે એવા સાહિત્યકારો મનોમન પોરસાય છે અને કહે છે : ‘અમે ક્લાસ માટે લખીએ છીએ, માસ માટે નહીં.’ આવું ‘જીવરામભટ્ટીય’ મિથ્યાભિમાન એમને મુબારક! આવા સાહિત્યકારોનો તો દંભ પણ ક્લાસિકલ! જે કવિતા એક પણ હૃદયને ન સ્પર્શે એ જ ઉત્તમ કવિતા! જે ટૂંકી વાર્તામાં કોઇને રસ ન પડે એ જ ઉત્તમ નવલિકા! જે નવલકથાનો અંત આવે ત્યાં સુધી વાંચવાનો સંકલ્પ મક્કમપણે જાળવી રાખવો પડે, તે જ ઉત્તમ નવલકથા? સાવ સાચો બનેલો પ્રસંગ છે. એક ટૂંકી (પણ વાંચવામાં લાંબી) વાર્તા પ્રતિષ્ઠિત સામયિકમાં વાંચી, પણ લગીરે સમજણ ન પડી. થયું કે એ મારી મર્યાદા ન હોઇ શકે! એક સુજ્ઞ વાચક એવા આચાર્યમિત્રને ફોન જોડ્યો. એ મિત્ર પ્રતિષ્ઠિત હાઇસ્કૂલનો આચાર્ય હતો અને ગુજરાતી વિષય સાથે એમ. એ. થયા પછી વાચનરસ જાળવીને જીવનારો સફળ શિક્ષક પણ ખરો. મેં પૂછ્યું : ‘મિત્ર, તેં ફલાણી ટૂંકી વાર્તા વાંચી?’ જવાબમાં એણે જણાવ્યું : ‘ગુણવંતભાઇ! મેં મન કઠણ કરીને એ વાર્તા વાંચી, પણ પૂરી કરવામાં મારે નાકે દમ આવી ગયો! અંતે કશુંક મળશે એમ માનીને છેવટ સુધી વાર્તા ન જ છોડી, પણ અંતે મળી નિરાશા!’ અંધકારના ઉપકારો અનંત છે. અંધારું નિશાચરને ગમે અને બે પ્રેમીઓ વચ્ચે થતા ‘ગુનાઓને’ પણ રક્ષણ આપે. મધ્યરાત્રિએ ઓચિંતા જાગી ગયેલા સર્જકને તો અંધારું પણ પ્રકાશનું પાથરણું બની જાય છે. દિવસે વેઠેલી સગુણ અને સાકાર સૃષ્ટિ ક્યારેક કંટાળાજનક હોય છે. અંધકારમાં અંદરથી પ્રગટ થતી નિર્ગુણ અને નિરાકાર સૃષ્ટિ સર્જકતાને સંકોરનારી જણાય એવી પૂરી શક્યતા છે. જે લખાણ અંદરથી ઊગેલું ન હોય તેને સિન્થેટિક સર્જન કહેવાય. એ લખાણ વાચકો સુધી પહોંચે છે પણ વાચકોના હૃદય સુધી નથી પહોંચતું. રોબર્ટ ફ્રોસ્ટ કહી ગયો : ‘જો લખનારની આંખમાં આંસુ ન હોય, તો વાંચનારની આંખમાં કદી ન હોય. દુનિયામાં એવી જ કવિતા, એવી જ નવલકથા અને એવી જ વાર્તા ટકી છે, જેમાં લખનાર અને વાંચનાર એકાકાર બન્યા હોય. વિનોબા આવી એકરૂપતા માટે ‘ગીતા પ્રવચનો’માં ‘એકચિત્તસમાધિ’ શબ્દ પ્રયોજે છે અને કહે છે કે ગીતાનો ઉપદેશ થયો ત્યારે કૃષ્ણ અને અર્જુન વચ્ચે એકચિત્તસમાધિ થઇ હતી. આ વાત સમજવામાં વિદ્વાન સાહિત્યકારો નિષ્ફળ જતા જણાય છે. પંડિતો કહે તેવી વાતમાં ‘કનેક્ટિવિટી’ નથી હોતી, જે ઝવેરચંદ મેઘાણીના સર્જનમાં અનુભવવા મળે છે. મેઘાણીભાઇ વિવેચકો કે વિદ્વાનો માટે લખતા ન હતા, વાચકો માટે લખતા હતા. ભૌતિકશાસ્ત્રમાં જે સ્થાન ‘વીજચુંબકીય’ ઉપપાદન (electro-magnetic induction)નું હોય છે, તેવું જ સ્થાન સર્જનના ક્ષેત્રે સાઇકોસ્પિરિચ્યુઅલ ઉપપાદનનું હોય છે. એને આપણે ‘મનોઆધ્યાત્મિક ઉપપાદન’ કહી શકીએ? સાહિત્યના ક્ષેત્રે સાચી કનેક્ટિવિટી ક્ષીણ થતી જાય છે. આ દુ:ખદ સત્ય છે. સમાજ અને સંસ્કૃતિનું મૂલ્યાંકન શી રીતે કરવું? ખરો માપદંડ કવિતા છે. જે સંસ્કૃતિએ બે બે મહાકાવ્યો જગતને આપ્યાં એવી ભારતીય સંસ્કૃતિનાં સંતાન તરીકે એટલું જ કહેવું છે કે રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો ‘શાશ્વતીનાં સંતાનો’ ગણાય. બંને મહાકાવ્યોમાં એક પણ શ્લોક રસવિહીન નથી. બંને મહાકાવ્યોમાં માણસને રસનિષ્પત્તિ અને રસનિમજ્જન સાથે રસાનંદનો મહાસાગર છલકાતો જણાય છે. આવાં બે મહાકાવ્યોને અભ્યાસક્રમમાં ક્યાંય સ્થાન ન મળે, તો એવી ગરીબી અસહ્ય ગણાવી જોઇએ. વિદ્યાર્થી પ્રથમ ધોરણથી તે પીએચ. ડી. સુધી પહોંચે, તો પણ ક્યાં આવાં બે મહાકાવ્યોનો સંસ્પર્શ ન પામે, તો એ ગુનો કોનો ગણાય? વિચારવું પડે તેમ છે. કેળવણી તો વાંસવન જેવી છે. એમાં મગજની કેળવણીની સાથોસાથ જો હૃદયની કેળવણી ન ભળે, તો સરુવન પણ ન સર્જાય અને વૃંદાવન તો કદી ન સર્જાય! શિક્ષણની દિશા વાંસવન તરફથી સરુવન અને સરુવન તરફથી વૃંદાવન તરફની હોવી જોઇએ. આવી દિશા ન હોય, તો હોસ્ટેલના રૂમમાં રહેતો વિદ્યાર્થી સડવાની સ્વતંત્રતા ભોગવી શકે, પરંતુ વિચારની ખલેલ ન પામી શકે. એમ જ બની રહ્યું છે. ⬛ }}} પાઘડીનો વળ છેડે ગુજરાતી સાહિત્ય પરિષદનું 39મું અધિવેશન વડોદરા ખાતે (27-29 ડિસેમ્બર, 1977) યોજાયું, ત્યારે સદ્્ગત કવિ શ્રી નિરંજન ભગતે પોતાના અત્યંત સમૃદ્ધ પ્રવચનને અંતે કાવ્યપુરુષને પ્રાર્થનારૂપે બે યાદગાર વિધાનો કર્યાં હતાં : (1) સમાજ કવિસૂનો ન હજો (2) સંસ્કૃતિ કવિતાસૂની ન હજો. Blog:http://gunvantshah.wordpress.comહિ

અન્ય સમાચારો પણ છે...