સ્પોર્ટ્સ:ટેસ્ટ ક્રિકેટના તખ્ત પર કોણ બિરાજશે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈસીસીએ પ્લેઈંગ કન્ડિશનને ધ્યાનમાં રાખીને રિઝર્વ ડે રાખ્યો છે

18મી જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. બે વર્ષ જેટલા સમયગાળા દરમિયાન યોજાયેલી ચેમ્પિયનશિપમાં 9 દેશોએ મેચ દીઠ પોઇન્ટ મેળવવાની પદ્ધતિએ બાયલેટરલ સીરિઝ રમી. ભારત 6 સીરિઝ રમ્યું. જેમાંથી 5 જીત્યું અને 520 પોઇન્ટ મેળવીને ટેબલ ટોપર રહ્યું, જ્યારે ન્યૂઝીલેન્ડ 5 સીરિઝ રમીને 420 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહ્યું. ⚫ ભારતની ફાઇનલ સુધી પહોંચવાની સફર : ભારત વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ઓવરસીઝ સીરિઝ રમ્યું જેમાં ન્યૂઝીલેન્ડને બાદ કરતાં બાકીની બંને ટીમ સામે જીત મેળવી. ઓસ્ટ્રેલિયા સામે 36 રનથી ઓલઆઉટ થયા બાદ મેલબોર્ન અને બ્રિસ્બનમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો. હોમ સીરિઝમાં સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડને આસાનીથી માત આપી. 6 સીરિઝમાં કુલ 17 મેચ રમાઈ જેમાં 12 મેચમાં ભારતનો વિજય થયો જયારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. સિડની ટેસ્ટ ડ્રો થઇ હતી. ભારત તરફથી 3 સદી અને 1095 રન સાથે અજિંક્ય રહાણે ટોપ સ્કોરર રહ્યો. જયારે 20.88ની એવરેજ સાથે 67 વિકેટ ઝડપીને અશ્વિન સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો. ⚫ ન્યૂઝીલેન્ડની ફાઇનલ સુધી પહોંચવાની સફર : ન્યૂઝીલેન્ડ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ઓવરસીઝ સીરિઝ રમ્યું. જેમાં શ્રીલંકા સામે 1-1થી શ્રેણી ડ્રો થઇ. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું. ન્યૂઝીલેન્ડે હોમ સીરિઝની શરૂઆતમાં ભારતને 2-0થી હરાવ્યું, ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનને 2-0થી હરાવ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ 11 મેચ રમી જેમાંથી તેઓએ 7 મેચમાં જીત મેળવી અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. સમગ્ર ટુર્નામેન્ટમાં કેન વિલિયમસન 817 રન કરીને ટોપ સ્કોરર રહ્યો. જ્યારે ટીમ સાઉધીએ 51 વિકેટ ઝડપી તેઓની ટીમ તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો. ⚫ સાઉથહેમ્પ્ટન ગ્રાઉન્ડના રેકોર્ડ : એજીસ બોલ સાઉથ હેમ્પટન ખાતે 2011થી 2021ના સમયગાળા દરમિયાન કુલ 6 ટેસ્ટ મેચ રમાઈ છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન આ મેદાનમાં એક પણ મેચ રમાઈ નથી. આ મેદાનમાં સૌથી વધુ સ્કોર 538/8 રનનો છે. જ્યારે સૌથી ઓછો સ્કોર ભારતની ટીમના નામે બોલે છે. 2014ની ઇંગ્લેન્ડ ટુરમાં ભારતે માત્ર 178 રન કર્યા હતા. જેને કારણે ઇંગ્લેન્ડ એ મેચ 266 રને જીતી ગયું હતું. આ મેદાનમાં સૌથી વધુ રન કરવાનો વિક્રમ (267) ઝેક ક્રાઉલીના નામે છે. એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટો લેવાનો વિક્રમ જેસન હોલ્ડરના નામે છે. જ્યારે એક મેચમાં સૌથી વધુ વિકેટો લેવાનો વિક્રમ મોઇન અલીના નામે છે. ભારતનો આ મેદાનમાં રમવાનો અનુભવ સારો નથી. ભારતની ટીમ અહીં 2 મેચ રમી છે અને બંનેમાં કોહલીની કપ્તાનીમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે આ મેદાનમાં અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ એક પણ મેચ રમ્યું નથી. ⚫ જો મેચમાં વરસાદ પડે અથવા સેશન રદ કરવું પડે તો શું થશે? : આઈસીસીએ પ્લેઈંગ કન્ડિશનને ધ્યાનમાં રાખીને રિઝર્વ ડે રાખ્યો છે. જો મેચ દરમિયાન વરસાદ કે અન્ય કારણોસર ‘નેટ પ્લેઈંગ ટાઈમ’ ગુમાવવો પડે અને ગુમાવેલો સમય જે-તે દિવસે સરભર ન કરી શકો તો રિઝર્વ ડેના દિવસે રમત લંબાઈ શકે. નેટ પ્લેઈંગ ટાઈમ કુલ ટેસ્ટ મેચના 30 કલાક જેટલો હોય છે. ધારો કે, 19 તારીખે વરસાદ પડ્યો અને 30 મિનિટ જેટલો સમય ગુમાવવો પડ્યો તો પ્લેઈંગ કન્ડિશનને આધારે અમ્પાયર નક્કી કરે કે એ જ દિવસે 30 મિનિટ વધુ રમવી જોઈએ કે નહીં, પરંતુ જો 30 મિનિટને બદલે 5 કલાક જેટલો સમય બગડે તો નેટ પ્લેઈંગ ટાઈમમાં 25 કલાક બચે. આ સંજોગોમાં રિઝર્વ ડેના દિવસે મેચ રમાઈ શકે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...