તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માયથોલોજી:વિશ્વકર્મા કોણ હતા?

10 દિવસ પહેલાલેખક: દેવદત્ત પટનાયક
  • કૉપી લિંક
  • એવું માનવામાં આવે છે કે કન્યા સંક્રાંતિના દિવસે હળની શોધ કરવામાં આવી અને વિશ્વકર્માએ એ હળ માનવજાતને આપ્યું

ગંગા નદી પાસે આવેલા ખુલ્લા મેદાનોનો વિસ્તાર હોય કે આસામ, બંગાળ અથવા ઓરિસ્સામાં રહેતા અનેક શિલ્પકાર શ્રાદ્ધ પૂરા થાય અને નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન પહેલાં વિશ્વકર્માની પૂજા કરે છે. આપણા ગુજરાતમાં આ રિવાજ લોકો પાળતા હશે, પણ તેનો ક્યાંય ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી. શ્રાદ્ધના પંદર દિવસો એવા છે, જ્યારે આપણા પૂર્વજો અથવા પિતૃઓની પૂજા કરવામાં આવે છે. તેમને યાદ કરી તેમના આત્માની શાંતિ માટે કાગવાસ નાખવામાં આવે છે. એથી એ દિવસે મૃત્યુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. નવરાત્રિનો તહેવાર પુનર્જન્મ સાથે જોડાયેલો છે. આમ, વિશ્વકર્માની પૂજા મૃત્યુ અને પુનર્જન્મના દિવસોની વચ્ચે થાય છે. એ રીતે આ યોગ્ય પણ છે કેમ કે વિશ્વકર્મા દિવ્ય શિલ્પકાર અને તમામ શિલ્પકારોના રક્ષક છે. આ પૂજા કન્યા સંક્રાંતિના દિવસે કરવામાં આવે છે. આ દિવસે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશે છે. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે હળની શોધ કરવામાં આવી અને વિશ્વકર્માએ એ હળ માનવજાતને આપ્યું. વિશ્વકર્માને પ્રજાપતિ (લોકોના નેતા), મહારાણા (કુશળ શિલ્પકાર), બ્રહ્મણસ્પતિ (અંતરિક્ષના સ્વામી) અને દક્ષ (સક્ષમ) પણ કહેવામાં આવે છે. વિશ્વકર્માને સ્થાપત્યશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર સાથે સાંકળવામાં આવે છે. આ ઉપરાંત, વિશ્વકર્મા ઇમારતો અને મકાનો કઇ રીતે બનાવવામાં આવે છે, તેના પર લખાયેલા વિવિધ ગ્રંથો સાથે પણ જોડાયેલા છે. તેઓ કદાચ પ્રથમ શિલ્પકાર અને વિશ્વકર્મા (પ્રજાપતિ) અથવા શિલ્પકારોની જાતિના સંસ્થાપક છે. આમાં સુથાર અને લુહાર જાતિઓનો પણ સમાવેશ થાય છે. યુનાની પરંપરામાં હેફેસ્ટનને દિવ્ય શિલ્પકાર માનવામાં આવે છે, જ્યારે રોમની પરંપરામાં વલ્કન દિવ્ય શિલ્પકાર છે. માણસોને પ્રાણીઓથી અલગ પાડતી ક્ષમતા સાધનોનો ઉપયોગ કરવાની છે. વેદોમાં વિશ્વકર્માનું નામ ‘ત્વષ્ટ્ર’ છે. જ્યારે કોઇ પુરુષ કોઇ સ્ત્રીની નિકટ જાય છે, ત્યારે વિશ્વકર્માનું આહ્્વાન કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે વિશ્વકર્મા જ રચયિતા હોવાથી માતાના ગર્ભમાં ભ્રૂણને યોગ્ય આકાર પ્રદાન કરે છે. કેટલાક લોકો તેમને સમગ્ર જીવસૃષ્ટિના નિર્માતા બ્રહ્મા સાથે પણ જોડે છે. આપણા પરંપરાગત વૈદિક ગ્રંથોમાં તેમની એવા જીવાણુ સ્વરૂપની કલ્પના કરવામાં આવી જેમાંથી પાંચ ઋષિ ઉત્પન્ન થયા. માનવમનમાં વિચારોનું નિર્માણ કરનારા સપ્તર્ષિઓથી વિપરીત આ પાંચ ઋષિઓએ વસ્તુઓનું નિર્માણ કર્યું અને આમ, તેઓ સપ્તર્ષિથી અલગ હતા. કેટલાક લોકો વિશ્વકર્માને ઇન્દ્ર સાથે પણ સાંકળે છે. ઋગ્વેદમાં જણાવ્યા અનુસાર ઇન્દ્ર એવા પ્રથમ દેવતા હતા, જેમણે પૃથ્વીને આકાશથી અલગ પાડી હતી. આથી ઇન્દ્રદેવની માફક વિશ્વકર્માને પણ તસવીરોમાં હાથી પર બેઠેલા દર્શાવવામાં આવે છે અને તેમના હાથમાં હથોડી, ધરી, ટાંકણું અને પરિમાણ જેવા વિવિધ સાધનો અને યંત્રો હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્વર્ગના નિર્માણકર્તા, બ્રહ્મા અને આકાશના સ્વામી ઇન્દ્રને એક જ દેવતા માનવામાં આવે છે અને તેથી જ ઇન્દ્રની માફક જ બ્રહ્મા પણ હાથી પર બેઠેલા હોવાની કલ્પના કરવામાં આવે છે. આજથી લગભગ 1500 વર્ષો પહેલાં દક્ષિણ-પૂર્વ એશિયાના ભારતના પૂર્વી કિનારાને દરિયાઇ વેપારીઓ સાથે ગાઢ સંબંધ આ બાબત માટે કારણભૂત હોઇ શકે છે. સામાન્ય રીતે આ તહેવારનું મહત્ત્વ બંગાળમાં વધારે છે અને ત્યાં તે ઊજવવામાં આવે છે. વિશ્વકર્માની તસવીર બનાવનારા શિલ્પકારો પણ બંગાળના હોવાથી એમની તસવીર અને દુર્ગાપૂજામાં કાર્તિકેયની તસવીર બનાવવા માટે એક જ મોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણસર લોકો ઘણી વાર વિશ્વકર્મા અને કાર્તિકેયની તસવીરમાં તફાવત પારખવામાં ગૂંચવાઇ જાય છે. જોકે કાર્તિકેયની એક બાબત તેમને વિશ્વકર્માથી અલગ તારવે છે અને તે એ કે કાર્તિકેયનું વાહન હાથી નહીં, પણ મોર છે. કાર્તિકેયના હાથમાં હથિયાર નહીં, તેમના શિલ્પના સાધનો હોય છે. આધુનિક પોસ્ટરમાં તેઓ કાર્તિકેય જેવા ઓછા અને દાઢીવાળા અને વૃદ્ધ હોવાથી તેમનો દેખાવ મહદ્દંશે બ્રહ્મા જેવો વધારે લાગે છે. તેમનું વાહન રાજહંસ અથવા હંસ છે. હંસ ભારતીય પક્ષી છે, જ્યારે રાજહંસ યુરોપીય પક્ષી છે, જેને યુરોપિયન કલાથી પ્રભાવિત ભારતીય કલાકારોએ લોકપ્રિય બનાવ્યું હતું. વિશ્વકર્માએ અનેક નગરો બનાવ્યા. જેમ કે, દેવતાઓ માટે અમરાવતી, દાનવો માટે હિરણ્યપુર, યક્ષો માટે અલકાપુરી, પાંડવો માટે માયાપુર અને કૃષ્ણ માટે દ્વારાક્તી. આ ઉપરાંત, વિશ્વકર્માએ દધીચિ ઋષિએ ઇન્દ્રદેવને યુદ્ધમાં જીતવા માટે આપેલા પોતાના હાડકાંમાંથી ઇન્દ્રદેવ માટે વજ્ર બનાવ્યું. એ વજ્રના ઉપયોગથી ઇન્દ્ર ત્યારે યુદ્ધમાં જીત મેળવી શક્યા હતા. એવી જ રીતે વિશ્વકર્માએ સૂર્યદેવના પ્રકાશનો એક ભાગ લઇ ભગવાન વિષ્ણુ માટે સુદર્શન ચક્ર પણ બનાવ્યું હોવાનું કહેવાય છે. તેઓ રચનાના દેવતા છે અને તેથી જ સમૃદ્ધ અર્થવ્યવસ્થા માટે તેમની કૃપાદૃષ્ટિ અનિવાર્ય છે. ⬛

અન્ય સમાચારો પણ છે...