પ્રશ્ન િવશેષ:બાળકોમાં જીવનભરની સારી ટેવ કોણ પાડી શકે?

ભદ્રાયુ વછરાજાની4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુ-ટેવ પાડવામાં મમ્મી-પપ્પા-ટીચર નિષ્ફળ જાય છે એટલે સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે છે!

પંચોતેરના થશે દાદા આ વર્ષે... પાછોતરી ઉંમર એ છે જ્યારે તમને તમારી ભૂલો કબૂલવાનો ઉમળકો ચડે છે. ઉંમર વધવાની સાબિતી એ કે જ્યારે તમે વધુ ને વધુ nostalgic થયા કરો. વીત્યું તે સાંભળવું ગમે ને કર્યું હતું તે કહેવું ગમે, જિંદગીમાં ઠેસ વાગી હોય તેની કળ વળવાની ઉંમર તે વૃદ્ધાવસ્થા. દાદા નિજી વાતોમાં ગર્વભેર, પણ હસી-મજાક વખતે નિખાલસ બહુ. ગ્રાન્ડડોટર અને ગ્રાન્ડસન શીખવે આ ઉંમરે તે દાદાને ગમે અને તેની વાત વહેંચવી પણ ગમે. દાદા મને જ આ બધું કહે એવું કાંઈ નહીં હોં. દાદાને તો કોઈ જરાક દાદ દેનારું ને નિરાંત જીવે એમની વાતો સાંભળનાર કોઈ જોઈએ. બસ, આવો માનવ ભાળે ને દાદા બોલી ઊઠે : ‘હું જ્યારે સ્કૂલમાં હતો…’, ‘મારી જ્યારે શાદી થઇ ત્યારે છે ને…’ તમે થાકો, પણ દાદા તો ક્યાં થાકવાના હતા? કારણ એમની પાસે તો હવે સમય જ સમય છે ને! દાદા સાથે સ્વચ્છતાની કશીક વાત નીકળી ત્યાં તો દાદાએ લહેકાથી દોર ઝાલી લીધો. ‘હું તમને શું કહું કે મારી સાથે શું થયું?’ દાદાજી પાસે દૂર અને નજીકના ભૂતકાળની વાત હોય. પરમ રોજ દાદાને તેમની ગ્રાન્ડ ડોટરે સ્કૂલેથી આવીને ચોકલેટ આપી અને આગ્રહ કર્યો કે, ‘દાદા હમણાં જ ખાઈ જાવ. પપ્પા આવશે તો રોકશે, કારણ દાદા તમને ડાયાબિટીસને લઈને ગળ્યું ખાવાની મનાઈ છે ને?’ દાદાને તો દોડવું હતું ને ઢાળ મળ્યો. ગ્રાન્ડ ડોટર ચોકલેટ આપી વહાલભરી વાત કરી ભાગી ગઈ બહાર રમવા. દાદાજીએ રેપર ખોલી ચોકલેટ દાંત વગરના મોંમાં મૂકી અને રેપરના કાગળનો ડૂચો કરી પોતાની આરામખુરશી નીચે નાખી દીધો. આ ઉંમરે દાદાને ઊઠવાની આળસ આવી, પણ દાદા ચોકલેટ પૂરી ચાવી ચગળી ગળા નીચે ઉતારે ત્યાં તો પેલી ઢીંગલી વાવાઝોડાંની જેમ રૂમમાં આવી ને તરત જ દાદાને પૂછ્યું કે : ‘દાદુ, ચોકલેટ મસ્ત ને?’ દાદા કશો જવાબ આપે ત્યાં તો ગ્રાન્ડ ડોટરે દાદાનું ઓડિટ શરૂ કર્યું. ‘દાદુ, ચોકલેટનું રેપર ક્યાં?’ દાદાને પકડાઈ ગયાનો અહેસાસ થયો એટલે ચોપડી વાંચવાનો ડોળ કરી માત્ર આંગળી ચીંધી ખુરશી નીચે ઈશારો કર્યો અને પેલી ઢીંગલી ચત્તી સૂઈને ગરકી ખુરશી નીચે કાગળનો ડૂચો લઈ બહાર દાદા પર ઝૂકી : ‘અરે, દાદા, તમે આ શું કર્યું? કાગળનો ડુચ્ચો આમ ફેંકાય? ઈટ ઇઝ નોટ ગુડ દાદુ.. ડસ્ટબિન તો છે ને રૂમમાં?’ દાદા કશી સફાઈ પેશ કરે ત્યાં વહાલથી કહે : ‘દાદુ, તમે ઊઠો નહીં તો કંઈ નહીં. મારા માટે હાથમાં કે ખિસ્સામાં રાખી શકાય ને? હું લઈને ડસ્ટબિનમાં નાખી દેત ને, પણ દાદુ તમારે cleanlinessનો ખ્યાલ તો રાખવો જોઈએ હો!’ દાદા વધુ કંઇ બોલી શકે તેમ ન હતા, પણ તેમણે પોઝિટિવ માર્ગ પકડ્યો : ‘બેટા તું સાચી છો. મારી ભૂલ હતી, પણ મને એ તો કહે કે તને આ બધું કોણે શીખવ્યું?’ ગ્રાન્ડ ડોટરે જવાબ આપ્યો : ‘સિમ્પલ દાદુ, મારી મમ્મીએ મને સમજાવ્યું કે ધરતી પર કાંઈ પણ ફેંકવું તે ગલત છે. જેનું જ્યાં સ્થાન હોય ત્યાં જ નાખો. અમારાં ટીચર પણ અમને શીખવે છે કે કચરો તો ડસ્ટબિનમાં જ નખાય.’ દાદા તો અવાચક બની ગયા પણ તેમને ગૌરવ થયું કે પોતાની પુત્રવધૂ તેની ઢીંગલીને જીવનનાં મૂલ્યો શીખવી રહી છે. દાદાજીએ મને કહ્યું: ‘જો હર એક મા અને હર એક શિક્ષક નાની ઉંમરમાં જ બાળકોને સુ-ટેવ પાડે તો સ્વચ્છતા અભિયાનની જરૂર રહે ખરી?’ દાદાની વાત સાથે સંમત ન થવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. મને તો આગલા દિવસનું દૃશ્ય નજર સમક્ષ આવ્યું. ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં માલદારના સંતાનોએ પોતાની સીટ નીચે કોકાના ટીન અને લંચ બોક્સના ડુચ્ચા નાખી દઇને કચરો કર્યો હતો, તે યાદ આવી ગયું. પૈસાદાર ગાડીધારીઓના તરુણોની મમ્મીઓ કે ટીચર્સ આપણી ઢીંગલીને સમજાવ્યું તેવું શીખવે તો? ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...