તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટ સંસ્મરણ:જ્યારે વાડેકરે ગાવસ્કરને પૂરી દીધા હતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તે સમયે ક્રિકેટ રમવા માટે કંઈ ખાસ વળતર મળતું નહોતું. તેથી જ વિચારવું પડતું કે ક્રિકેટ રમીએ કે અન્ય ક્ષેત્રમાં જઇએ?

વર્ષ 1971માં તેમના જીવનની પહેલી જ ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ-ઇન્ડિઝ વિરુદ્ધ એમની જ ધરતી પર, રેકોર્ડ બ્રેક 774 રન બનાવવાવાળા સુનીલ ગાવસ્કરની જાદુઈ પ્રતિભાને વિશ્વ આખું આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. તેમની અદ્્ભુત નિર્દોષ ટેક્નિકની સાથે સાથે વેસ્ટ ઇન્ડીઝના ફિલ્ડરોની ભૂલો પર પણ ઇન્ડિઝના કેપ્ટન ગેરી સોબર્સ બારીકાઇથી નજર રાખી રહ્યા હતા. તેઓ માનવા લાગ્યા કે પ્રતિભાની સાથે ભાગ્ય પણ સુનીલ ગાવસ્કરની સાથે છે. ગેરી સોબર્સ ભાગ્ય અને ટુચકાઓમાં પણ વિશ્વાસ રાખતા હતા. ભાગ્યને તેમના પક્ષમાં કરવા એમણે એક ટુચકો શોધી કાઢ્યો. તેમની બેટિંગના દિવસે તે સવારે ભારતીય કેપ્ટન અજિત વાડેકર અને ભારતીય ખેલાડીઓને શુભેચ્છા વ્યક્ત કરવાના બહાને ભારતીય ડ્રેસિંગ રૂમમાં આવીને સુનીલ ગાવસ્કરના ખભાને જરૂર સ્પર્શ કરતા. આમ કરતાં- કરતાં તેમણે એક પછી એક સતત ત્રણ સદી ફટકારી. અજિત વાડેકર જે પોતે પણ ટુચકાઓમાં વિશ્વાસ રાખતા હતા, તેમનાથી આ વાત છાની ન રહી શકી. ભારત વર્ષ 1971ની તે શ્રેણીમાં છેલ્લી ટેસ્ટ મેચ પહેલાં 1-0થી આગળ હતું અને શ્રેણી જીતવાના ઐતિહાસિક તબક્કે હતું. છેલ્લી ટેસ્ટ મેચના અંતિમ દિવસે વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 262 રનની જરૂર હતી. ગેરી સોબર્સ જે ફોર્મમાં રમી રહ્યા હતા તે અનુસાર તેમના માટે લક્ષ પામવું મુશ્કેલ નહોતું. છેલ્લા દિવસે હંમેશની જેમ સોબર્સ ભારતીય ડ્રેસિંગ રૂમ તરફ આવી રહ્યા હતા. ટુચકાના ‘કમાલ’થી ચિંતિત વાડેકરે સુનિલ ગાવસ્કરને તાત્કાલિક બાથરૂમમાં લોક કરીને કહ્યું કે જ્યાં સુધી સોબર્સ જાય નહીં ત્યાં સુધી તમારે અંદર જ રહેવાનું છે. આ કારણે સોબર્સ તે દિવસે ગાવસ્કરના ખભાને સ્પર્શ કરી શક્યા નહીં. જ્યારે સોબર્સ બેટિંગ કરવા આવ્યા ત્યારે સંયોગ કહો કે ગમે તે આશ્ચર્યજનક રીતે પહેલા જ બોલ પર પર ક્લીન બોલ્ડ થઇ ગયા અને ભારત એે ઐતિહાસિક શ્રેણી જીતી ગયું. આ અગાઉ ગાવસ્કરે કેપ્ટન વાડેકર સાથે દલીલ પણ કરી હતી કે જો સોબર્સ ખભાને સ્પર્શ કરવા માંગતા હોત, તો તે મેદાનમાં પણ સ્પર્શી શક્યા હોત, પણ વાડેકરે કહ્યું, ‘ના, તે આપણા ડ્રેસિંગ રૂમમાં આવીને તમારા ખભાને સ્પર્શવા પર જ સેન્ચ્યુરી મારે છે.’ અને જ્યારે સોબર્સને પહેલા જ બોલ પર બોલ્ડ કરવામાં આવ્યો ત્યારે વાડેકરે તરત જ સનીને કહ્યું, ‘જુઓ, મેં કહ્યું હતું ને?’ વર્ષ 1961-62માં વેસ્ટ ઇન્ડિઝ જતી ભારતીય ટીમમાં એરાપ્લ્લી પ્રસન્નાની પસંદગી થઈ. 21 વર્ષીય પ્રસન્ના ખુશીથી ઝૂમી ઊઠ્યા, પણ તેમના ઘરમાં અલગ જ વાતાવરણ ઊભું થયું. તેમના પિતા ડો. અનંત રાવ મૈસુર રોયલ હાઉસ અંતર્ગત જાહેર આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા. તેમણે પ્રસન્નાને એવું કહી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જવાની સ્પષ્ટ ના કહી દીધી, કે પહેલા અભ્યાસ, પછી ક્રિકેટ. જ્યારે બીસીસીઆઈ પ્રમુખને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે મૈસુરના મહારાજા વડિયારને વિનંતી કરી કે તે પ્રસન્નાના પિતાને મનાવવા પ્રયાસ કરે. મહારાજાના આદેશને પ્રસન્નાના પિતા ટાળી શકે એમ નહોતા, પણ તેમણે પુત્રને સ્પષ્ટ કહ્યું કે તેઓ અત્યારે તો વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જવા દે છે, પણ પાછા ફર્યા પછી પ્રસન્ના ફક્ત ભણશે જ. પ્રસન્નાએ પણ એવું જ કર્યું. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસથી પરત ફર્યા બાદ તેમણે ક્રિકેટથી પાંચ વર્ષ દૂર રહી એન્જિનિયરિંગ કર્યું. ત્યાર પછી તેઓ ક્રિકેટમાં પાછા ફર્યા અને ભારતના મહાન ઓફ સ્પિનરનો ખિતાબ મેળવ્યો. તે સમયે ક્રિકેટ રમવા માટે કંઈ ખાસ વળતર મળતું નહોતું. ટેસ્ટ મેચ માટે રોજ માંડ 200 રૂ. મળતા. તેથી જ તે સમયે વિચારવું પડતું કે ક્રિકેટ રમીએ કે અન્ય ક્ષેત્રમાં જઇએ? ⬛

અન્ય સમાચારો પણ છે...