તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૂબકી:અબ હમ કહાં મિલેંગે, ફૂલમણિ?

9 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
 • કૉપી લિંક

હિંદીના કવિ અશોક સિંહની એક કવિતામાં આદિવાસી પુરુષ એની પ્રિયતમા ફૂલમણિને સંબોધીને કહે છે : ‘અબ હમ કહાં મિલેંગે, ફૂલમણિ? કયા જંગલમાં, કયા પહાડ પર? આપણા ગામની પાછળનું જંગલ કપાઈ ગયું છે. પહાડો યા તો ખોદાઈ ગયા છે, યા તો નાગા અને કુરૂપ થઈ ગયા છે. થોડા પહાડો બચ્યા છે, પરંતુ ત્યાં નક્સલવાદીઓનાં થાણાં છે. આપણે ત્યાં મળીએ તો ખતરો છે. આપણી પોતાની કહી શકાય એવી કોઈ જગ્યા બચી નથી. આપણી વસતી નજીક નાની પહાડી હતી. આપણે ત્યાં ગાય-બકરીઓ ચરાવવાને બહાને મળતાં હતાં. ત્યાં ‘સૃષ્ટિ ઉદ્યાન’ બની ગયું છે. એ પહાડી પર નથી રહ્યાં પલાશ, નથી વાંસનાં ઝૂંડ. કાંટાળા તારની વાડ બંધાઈ ગઈ છે. દરવાજા પર પહેરો છે. આપણા જેવાંને અંદર જવાની મનાઈ છે. યાદ છે, તે દિવસે આપણે એ પહાડી પાછળ બેસી સુખદુ:ખની વાતો કરતાં હતાં, ત્યારે ચોકીદારે ધમકાવીને ભગાડ્યાં હતાં. તું જ કહે, ફૂલમણિ, હું તને ક્યાં મળવા આવું?’ આ કાવ્યમાં આદિવાસી પ્રેમીયુગલની વ્યથા સમગ્ર આદિવાસી પ્રજાની ચીસ જેમ સંભળાય છે. થોડા દિવસ પહેલાં ઉત્તરાખંડમાં ગ્લેશિયર ખસવાથી વિનાશ સર્જાયો પછી વિકાસ અને પર્યાવરણરક્ષાની ચર્ચા થોડા દિવસ ચાલી. સ્વાર્થી માણસજાતે પ્રાકૃતિક સંતુલન નષ્ટ કરી નાખ્યું છે. વિકાસ જરૂરી છે તો પર્યાવરણનું સંતુલન વધારે આવશ્યક છે. રાષ્ટ્રહિતની સાથે સ્થાનિક લોકોના હિતની જાળવણીને આપણે વિસારે પાડી છે. આદિવાસીઓમાં પર્યાવરણ વિશે ડહાપણભરી સમજ હોય છે. એમાંથી પર્યાવરણની જાળવણી માટે આવશ્યક નૈતિક ફરજોનું માર્ગદર્શન મળે છે. તેઓ માને છે કે સમયની સાથે માનવે કુદરત સાથેના સંબંધને નવેસરથી સમજવાની તૈયારી રાખવી પડે. આદિવાસીઓની કોઠાસૂઝમાં પર્યાવરણના પડકારોને સમજવાની ચાવી છે, પરંતુ આપણે એમને સાંભળવાનું બંધ કરી નાખ્યું છે. આદિવાસીઓના જીવનનો આધાર પ્રાકૃતિક સંસાધનો પર છે. પર્યાવરણ બાબતે આદિવાસીઓ સભ્ય માનવજાતિથી વધારે સજાગ હોય છે. એમની ધાર્મિક અને સામાજિક પરંપરાઓ, માન્યતાઓ, લોકસાહિત્ય, બાળવાર્તાઓમાં પ્રકૃતિનું સ્થાન ઇશ્વર સમાન હોય છે. તેઓ નદી, તળાવ, પહાડ, વૃક્ષોની પૂજા કરે છે, પશુપક્ષીઓની આમાન્યા જાળવે છે. અરુણાચલ પ્રદેશની કેટલીક આદિવાસી જાતિમાં ગર્ભવતી પશુમાદાના શિકાર પર પ્રતિબંધ છે. કોઈનો શિકાર કર્યા પછી તેઓ ક્ષમાયાચના કરે છે. એમની એક લોકકથા પ્રમાણે મોટા થઈને એમના મુખી બનેલા બાળકને એક શાહુડીએ પોતાનું દૂધ પાઈને ઉછેર્યો હતો. એથી તેઓ માતાતુલ્ય શાહુડીનો શિકાર કરતા નથી. દાર્જિલિંગના લેપચા આદિવાસીઓએ પહાડોને અર્ધમાનવરૂપે કલ્પ્યા છે. પહાડો પણ માનવોની જેમ ક્રમશ: ઉંમરમાં મોટા થાય છે. કાંચનજંગા વિશેની વાર્તામાં કહ્યું છે : ‘એક સમયે બાળ કાંચનજંઘા હરણના દાંત જેવડો નાનો હતો.’ પૂર્વ હિમાલયની એક આદિવાસી જાતિમાં કોઈ વ્યક્તિ ઘર બાંધવા એક ઝાડ કાપે તો એણે ફરજિયાતપણે દસ નવાં ઝાડ વાવવાં પડે છે. એમની દૃષ્ટિએ ધરતીમાતાના ઉપકારનો દસ ગણો બદલો વાળવો પડે. સૃષ્ટિની ઉત્પતિની ઘણી વૈજ્ઞાનિક માહિતી આપણને છે. એ જ વાતને અરુણાચલ પ્રદેશની લોકવાર્તા રસપ્રદ રીતે સમજાવે છે. ઇશ્વરે પ્રથમ સ્ત્રીનું સર્જન કર્યું. એનો આકાર ધુમ્મસ જેવો હતો. એને એક દીકરો અને દીકરી જન્મ્યાં. બંનેનો દેખાવ બરફ જેવો હતો. એમણે લગ્ન કર્યાં પછી બે સંતાન થયાં. દીકરો આકાશ અને દીકરી પૃથ્વી. બંનેનો એક દીકરો પવન. આ રીતે સૃષ્ટિનાં બીજાં તત્ત્વો પણ ઉત્પન્ન થયાં. માનવો પૃથ્વીને માતા કહે છે, પરંતુ સૌથી વધારે અત્યાચાર માતા પર કરે છે. સહનશીલ કુદરત ક્રોધે ભરાય ત્યારે હાહાકાર મચાવે છે. કમનસીબે એમાં કુદરતની પૂજા કરનાર સ્થાનિક લોકોનો ભોગ લેવાય છે. લેપચા જાતિનો સંગદુપ તાસો કુદરતનો પૂજક અને લોકકથાનો અભ્યાસુ હતો. એ માનતો કે પર્યાવરણની જાળવણીનો સંદેશ ભાવિ પેઢીને આપવો જોઈએ. ‘આપણે આપણી લોકપરંપરા જાળવીશું નહીં તો ભાવિ પેઢીનું શું થશે? એમને ખબર પડશે કે વાઘ આપણો મહાન રક્ષક છે, પહાડો આપણું વતન છે. ભાવિ પેઢીને ખબર જ નહીં પડે કે કુદરતના આપણા પર અગણિત ઉપકાર છે.’ પ્રકૃતિ જ ફૂલમણિ નામની પ્રેમિકા છે અને એને મળવા માટે આપણે કોઈક જગ્યા તો બચાવી રાખવી પડશે ને? ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો