• Gujarati News
  • Magazine
  • Rasrang
  • Where There Is Fanaticism, There Is No Thought, Where There Is No Thought, There Is Unrighteousness In The Name Of Religion

વિચારોના વૃંદાવનમાં:જ્યાં ઝનૂન હોય, ત્યાં વિચાર ન ટકે, જ્યાં વિચાર ન હોય, ત્યાં ધર્મના નામે અધર્મ

2 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક

તમે કોઇ ધાર્મિક કૂતરો જોયો છે? એ કૂતરો ભસે બહુ, પરંતુ તેના ભસવામાં કેવળ ઘોંઘાટ જ હોય છે. વિચારપૂર્વક ભસવું, એને કોઇ 'ધાર્મિક પ્રવચન' નથી કહેતું. આજકાલ ધર્મના નામે ભસવાનું બહુ ચાલે છે. પોલી ધાર્મિકતા એટલે શું? અસ્પૃશ્યતા ધર્મવિરોધી બાબત હતી; કારણ કે એ ધર્મવિરોધી અને માનવવિરોધી બાબત હતી. હજારો વર્ષો સુધી એ ધર્મના નામે ચાલતી રહી! માનવ-ઇતિહાસમાં સાચકલા ધર્મ પર સૌથી મોટા પ્રહારો મહંત, મુલ્લા અને પાદરીઓ તરફથી થતા રહ્યા છે. આ ત્રણ જણાએ ધર્મને ભસવાના રવાડે ચડાવી દીધો! પૂછવા જેવો અળખામણો છતાં મૂળભૂત પ્રશ્ન છેઃ ધર્મની શોધ ક્યારે થઇ? જ્યારે કોઇ શાણા માણસે પોતાના આખા રોટલામાંથી પાસે બેઠેલા ભૂખ્યા માણસને આપવા માટે રોટલાના બે ટુકડા કર્યા અને અડધો રોટલો ભૂખ્યા માણસને આપી દીધો! બસ, ધર્મની શરૂઆત આ ઘટનાથી થઇ! આવી શરૂઆત થઇ ત્યારે પૃથ્વી પર એક પણ મંદિર ન હતું, એક પણ ચર્ચ ન હતું અને એક પણ મસ્જિદ ન હતી. આ ત્રણે ઇમારતો ન હતી તોય ધર્મ હતો અને વળી અડધો રોટલો આપવાવાળો એક ભલો માણસ પણ હતો. આવી ઘટના ગીતાનો ઉપદેશ થયો તે પહેલાં બનેલી છે. ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છેઃ પોતાના માટે જ જે રાંધે, તે પાપી પાપ ખાય છે. (ગીતા, ૩, ૧૩) આવનારાં વર્ષોમાં ધર્મ નામની ઉત્તમ બાબત પર સૌથી મોટા પ્રહારો ધર્મગુરુઓ દ્વારા થવાનાં છે. ધર્મના નામે થનારાં હુલ્લડો અને યુદ્ધો પણ વાસી ધર્મો દ્વારા થતાં રહેવાનાં છે. હવેની સદીઓમાં ધર્મના હાર્દને મંદિરતા, દેવળતા અને મસ્જિદતાને બદલે માનવતાના વિશાળ ફળિયામાં પ્રતિષ્ઠિત કરવું પડશે. મઠની હઠને કારણે કેટલાક જીવલેણ રોગોને છાતીએ ચાંપી બેઠેલો વાસી ધર્મ દેહવિરોધી, પૃથ્વીવિરોધી, સ્ત્રીવિરોધી, સહજવિરોધી, આનંદવિરોધી અને જીવનવિરોધી બની ગયો હોય તેવો વહેમ છેક ખોટો નથી. સ્વામી વિવેકાનંદે કહેલા શબ્દોમાં મૌલિકતાનો મર્મ છે અને સાથોસાથ વિપ્લવની આગ છે. એમના ધગધગતા શબ્દો જ્વાળામુખીના ઝાડ પર લટકી રહેલા સર્વનાશની ચેતવણી જેવા પ્રજ્ઞાવાન અને ક્રાંતદર્શી કવિને શોભે તેવા તેજોમય છે. બે વખત વાંચવા જ પડે એવા શબ્દો સાંભળોઃ ધર્માચાર્યો શાંતિ અને આત્મોદ્ધારની વાતો કરે છે. તેઓ ભૂખમરાથી રક્ષા કેમ નથી કરતા? હું તમને અંધશ્રદ્ધામાં રાચતા મૂર્ખ લોકો કરતાં તો અનિશ્વરવાદી જોવાનું પસંદ કરું. જીવનમાં ધર્મના સ્થાન અંગે પુનઃ વિચારણા શરૂ થઇ છે. નાસ્તિક વ્યક્તિ આપોઆપ પ્રગતિશીલ કે ખુલ્લા મનની કે આધુનિક બની જતી નથી. આસ્તિક વ્યક્તિ આપોઆપ અંધશ્રદ્ધાળુ, પછાત કે બંધિયાર મનની બની જતી નથી. ધર્મ સતત શુદ્ધિકરણ માગે છે. ધર્મ તો માણસની વ્યક્તિગત કે અંગત બાબત છે. પ્રત્યેક મનુષ્યને નિરુપદ્રવી રીતે પોતાને ગમતા ધર્મ પાળવાની છૂટ લોકતાંત્રિક સમાજમાં હોવી જોઇએ. આવો ધર્મ રાજ્યના નાગરિક ધર્મને આંતરનારો ન હોવો જોઇએ. માથું દુખે તેથી માથું કાપી નાખવાનું ન હોય, માત્ર દુખાવો ટળે તે માટેના ઉપાયો કરવાના હોય. ધર્મના પાયામાં વ્યક્તિસ્વાતંત્ર્ય, માન્યતાસ્વાતંત્ર્ય અને અભિપ્રાયસ્વાતંત્ર્ય રહેલાં છે. આજની વૈશ્વિક પરિસ્થિતિ અને વળી આંતરરારાષ્ટ્રીય યુવાસંસ્કૃતિ સાથે આવી ઉદારતાવાદી જીવનદૃષ્ટિનો મેળ પડતો જણાય છે. આવી વાતોમાં કોઇ શમણું નથી. આવું જ બનવાનું છે કારણ કે આપણી પૃથ્વી ચણીબોર બની રહી છે. મોબાઇલ ફોન એ પૃથ્વીને નાના ગામનું ફળિયું બનાવી રહ્યું છે. આવડી પૃથ્વીને ત્રણ શબ્દો રળિયામણી બનાવશેઃ (1) ઈલેક્ટ્રોનિક્સ (2) ઈકોલોજી (3) ઇશાવાસ્યમ્ શું આ શક્ય છે? હા, હા, હા. તા. 30-1-1937ને દિવસે ક્વિલોન ખાતે ઇશાવાસ્ય ઉપનિષદના સૌથી જાણીતા અને સૌથી મૂલ્યવાન મંત્ર અંગે પ્રવચનમાં જે શબ્દો ગાંધીજીએ ઉદ્્ગાર્યા તેમાં આ મંત્રનું મૂલ્ય આબાદ પ્રગટ થયું. આ મંત્ર લોકોમાં ખાસો પ્રચલિત છે. મંત્રનો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છેઃ ઈશુનું રાજ્ય છે આખું, જે જે આ જગને વિશે; ત્યાગીને ભોગવી જાણો, આ ધન તે વળી કોનું રે કોનું! આ મંત્રનું મહત્ત્વ સમજાવીને મહાત્મા ગાંધીજી આગળ કહે છેઃ ‘અને હું આખરી નિર્ણય પર આવ્યો છું કે બધાં જ શાસ્ત્રો અને અન્ય ગંથ્રો એકાએક બળીને ખાખ થઇ જાય અને માત્ર ઇશોપનિષદનો (આ) પ્રથમ મંત્ર જ હિંદુઓની સ્મૃતિમાં જળવાઇ જાય તો, હિંદુત્વ કાયમ માટે જળવાઇ જશે. (Harijan, 30-1-1937, page-405) જે હિંદુને આ એક મંત્ર કંઠસ્થ કે હૃદયસ્થ ન હોય, તેણે પોતાની જાતને ‘હિંદુ’ કહેવડાવવાની તકલીફ લેવાની જરૂર નથી. આ ઉપનિષદના રચયિતા ઋષિનું નામ ‘દીર્ઘતમસ્’ હતું. આ મંત્રની મૌલિકતા એ છેકે એમાં ત્યાગ અને ભોગ સામસામે નથી, સાથોસાથ છે. શું ત્યાગ અને ભોગ વચ્ચે સમન્વય શક્ય છે? ઋષિ દીર્ધતમસ્ આવા સમન્વયના ઉપાસક હતા. પૂણેમાં રહેતા ભાઉ ધર્માધિકારી વિદ્વાન હતા અને ક્યારેક વિનોબાજી સાથેના વિચારભેદને નિર્ભયપણે સ્પષ્ટ રીતે પ્રગટ કરનારા હતા. મારા ગીતાભાષ્યનો અનુવાદ એમણે કર્યો છે. મને એમણે એક પોસ્ટકાર્ડમાં લખ્યું હતું: ‘भूंजीथा:’ શબ્દનો ખોટો અર્થ કરવામાં આવે છે તેથી ત્યાગ અને ભોગ વચ્ચેનો સમન્વય ચૂકી જવાય છે. ‘भूंजीथा:’નો ખરો અર્થ To live through’ ભોગ વખતે પસાર થઇ જવાનંુ છે. આમ ત્યાગ અને ભોગ સામસામે નથી, સાથોસાથ છે. બંને વચ્ચે બાપે માર્યાં વેર નથી. તેથી ઋષિએ કહ્યું: ‘ત્યાગીને ભોગવી જાણો.’ આમ કહેવામાં ભોગનો છેદ ઊડી જતો નથી. ભાઉ ધર્માધિકારીએ આ મંત્રનું સમન્વયાત્મક અર્થઘટન કર્યું તેવું અર્થઘટન અન્ય કોઇ જ ભાષ્યકારે કર્યું નથી. કદાચ આજે તેઓ જીવતા નહીં હોય, પરંતુ મારું ભાષ્ય એમણે લખેલા પોસ્ટકાર્ડને કારણે સમૃદ્ધ થયું એ નક્કી! ⬛ }}} પાઘડીનો વળ છેડે અમે (ભારતમાં) એવો સમાજવાદ અપનાવ્યો છે કે, જેને કારણે ધનનો પ્રવાહ પૈસાદારોથી ગરીબ તરફ નહીં પરંતુ પ્રામાણિક પૈસાદારોથી તરફથી અપ્રામાણિક પૈસાદારો તરફ વહેવા માંડ્યો છે. - નાની પાલખીવાલા (તા. 7 નવેમ્બર,1990ને દિવસે કેમ્બ્રિજની ત્રિનિટી કોલેજમાં આપેલા પ્રવચનમાંથી) Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...