ડણક:પશ્ચિમી ભૌતિકવાદની આધ્યાત્મિક ખોજ જ્યાં શરૂ થઇ હતી: ઋષિકેશનો બીટલ્સ આશ્રમ

15 દિવસ પહેલાલેખક: શ્યામ પારેખ
  • કૉપી લિંક

દેવભૂમિ ઉત્તરાખંડના સહુથી લોકપ્રિય યાત્રા સ્થળોમાં પ્રમુખ છે ઋષિકેશ. જિંદગીમાં એકવાર પણ જે કોઈએ અહીં ગંગા નદીને તીરે, ભૌતિક, આધ્યાત્મિક કે પછી આધિભૌતિક ખોજમાં પગ મૂક્યા છે, તે સહુને કોઈક રસપ્રદ અનુભૂતિ તો જરૂર થઈ હશે. સમગ્ર વિશ્વમાં યોગની રાજધાની તરીકે જાણીતું બનેલું ઋષિકેશ, ભારતીય સંસ્કૃતિમાં તો તપોભૂમિ તરીકે અને ચારધામ યાત્રાની શરૂઆતના સ્થળ તરીકે હંમેશાં જાણીતું રહ્યું છે. પરંતુ ભારતની આ આધ્યાત્મિક સંસ્કૃતિને, યોગવિદ્યાને, ધ્યાન પદ્ધતિને વિશ્વના નકશામાં મૂકનારી એક ઘટનાએ ઋષિકેશમાં અનાયાસે આકાર લીધો હતો. અને આ અંગે વધારે જોવું અને જાણવું હોય તો ઋષિકેશમાં જાનકી ઝુલા પાસે આવેલા તથા એક જમાનામાં ‘ચોર્યાસી કુટિયા’ તરીકે ઓળખાતા મહર્ષિ મહેશ યોગીના આશ્રમના ખંડેરમાં જવું પડે. જોકે હવે સ્થાનિક રીતે રાજાજી અભયારણ્યમાં આવેલ આ આશ્રમના ખંડેરનું નામકરણ ‘બીટલ્સ આશ્રમ’ તરીકે કરાયું છે. બીટલ્સ રોક બેન્ડની એક મુલાકાત અને તેના ઘટનાચક્રની અસરો સમજવા માટે આશ્રમમાં જતા પહેલાં થોડું વાંચન કરવું પડે. આ સપ્તાહની શરૂઆતમાં આ આશ્રમની એક મુલાકાતે ઘણી બધી ઐતિહાસિક બાબતો સામે લાવી દીધી.

લગભગ ’60ના દાયકામાં ભૌતિકવાદની પરિસીમા સમી અમેરિકન-પાશ્ચાત્ય સંસ્કૃતિ, રહેણીકરણી અને વિચારધારાથી કંટાળી અને અમેરિકાની કોલેજ-યુનિવર્સિટીમાં શરૂ થેયલી પ્રતિ-સંસ્કૃતિ અર્થાત્ ‘કાઉન્ટર કલ્ચર’ એટલે ‘હિપ્પી’ ચળવળ. ‘મેક લવ એન્ડ નોટ વોર’ - અહિંસા અને પ્રેમના સિદ્ધાંતો યુવા માનસ ઉપર ખૂબ અસર કરી ગયા. પરિણામે અહિંસા અને પ્રેમથી વિરુદ્ધ જઈ રહેલા ત્યારના સમાજ સામે બળવાના પ્રતીક સમી આ ચળવળ અને વિચારધારાએ તેનાથી વિરુદ્ધ પરંપરાઓ અપનાવી. વાળ લાંબા રાખવા, દાઢી ન કરવી, લગ્ન ન કરવા, ફૂલને વૈશ્વિક પ્રેમનું પ્રતીક સમજી કપડાંથી માંડી માથે ફૂલ પહેરવાં જેવી અનેક નવી ફેશન આ સમયમાં જન્મી. અને એને અનુસરનારા ‘ફ્લાવર ચિલ્ડ્રન’ તરીકે પણ ઓળખાયા.

અમેરિકાથી શરૂ થઇ અને તરત જ યુરોપ સહિત સમગ્ર વિશ્વને આવરી લેનાર આ ચળવળથી પ્રેરાઇ અનેક પશ્ચિમી યુવાઓ પોતાના ‘સ્વ’ને પિછાણવા આધ્યાત્મિક ખોજ માટે ફાંફા મારવા લાગ્યા. અને આ માટે ભરપૂર ડ્રગ્સ અને મુક્ત સાહચર્યને કારણે તેઓ ખૂબ વગોવાઇ પણ ગયા. અને એ વખતે આત્માની સમજ અને આધ્યત્મિક અનુભવ માટે હજારો હિપ્પીઓ ભારત આવ્યા અને આવા અનેક ‘સ્પિરિચ્યુઅલ હિપ્પીઓ’ ત્યારબાદ ગોવા, કસોલ, ઋષિકેશ વિગેરે સ્થળોએ વસી ગયા.

આ જ સમયગાળામાં પહેલાં rock’n’roll તરીકે ઓળખાતા અને ત્યારબાદ રોક મ્યુઝિક તરીકે જાણીતા બનેલા પાશ્ચાત્ય સંગીતે વિશ્વભરમાં ધૂમ મચાવી હતી. અને એ વખતે ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોની યુવા પેઢી પર અમેરિકી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ જાણે છવાઈ ગઈ હતી. અને ખરા અર્થમાં પ્રથમ વૈશ્વિક સુપરસ્ટાર એવા મૂળ બ્રિટનના લિવરપૂલના ‘બીટલ્સ’ બેન્ડની લોકપ્રિયતા ટોચ પર હતી. જોન લેનન, પોલ મેકકર્ટની, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટાર એમ ચાર મુખ્ય સભ્યોનું આ બેન્ડ 1962માં અસ્તિત્વમાં આવ્યું હતું. તેમની અને તેમના સંગીત અને ગીતોની લોકપ્રિયતા કોઈ પણ ફિલ્મસ્ટાર કરતા અનેકગણી વધારે હતી. યુવાપેઢીના કરોડો લોકો માટે આ ‘આઇકનિક બેન્ડ’ જીવનમાં જાણે તત્ત્વચિંતકની ગરજ પણ સારતું હોય તેટલું અગત્યનું હતું.

અને એ જ વર્ષોમાં પહેલાં જાણીતા અને પછી વિવાદાસ્પદ બનેલા મહર્ષિ મહેશ યોગી તેમના ‘ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન’ થકી વિશ્વભરમાં ભારતીય યોગ અને આધ્યાત્મિક પદ્ધતિઓને જાણીતી અને લોકપ્રિય બનાવવા મથી રહ્યા હતા. બીટલ્સ જ્યોર્જ હેરિસનના એક મિત્ર એટલે સ્પિરિચ્યુઅલ માસ્ટર અને ગુરુ તરીકે વિખ્યાત બનેલ દીપક ચોપરા, કે જેઓ પણ એક સમયે શ્રી શ્રી રવિશંકરની માફક મહર્ષિ મહેશ યોગીના શિષ્ય રહી ચૂકેલા. ચોપરાના પ્રભાવ હેઠળ, હેરિસને એકવાર મહેશ યોગીના ધ્યાન શિબિરમાં ભાગ લીધેલો. અને તેનાથી ખૂબ પ્રભાવિત થયા અને આધ્યાત્મિક ખોજ માટે એક ‘સમર રિટ્રીટ’ તરીકે સમગ્ર બીટલ્સ બેન્ડે ઋષિકેશ જઈ મહેશ યોગીના ‘ચોર્યાસી કુટિયા’ તરીકે ઓળખાતા આશ્રમમાં ધ્યાન શીખવા જવાનું નક્કી કર્યું.

અને જ્યારે આ બેન્ડ ઋષિકેશ પહોંચ્યું ત્યારે સમગ્ર વિશ્વમાં ભારતીય ધ્યાન પદ્ધતિ, યોગ, હિમાલય, ઋષિકેશ અધ્યાત્મવાદ, ગુરુ વગેરે શબ્દો અને વિચારો ચર્ચામાં આવી ગયા. ભારતીય ધ્યાન પદ્ધતિ પર વિશ્વભરના યુવાન લોકોનું ધ્યાન ખેંચાયું. પરિણામે સમગ્ર દેશમાં અનેક જગ્યાએ હિપ્પી કોલોનીઓની સ્થાપના થઈ. હિન્દી સારી-નરસી એમ અનેક બાબતોની ચર્ચા અલગ રીતે કરવી પડે પરંતુ ભારતની ગણના એક આધ્યાત્મિક ડેસ્ટિનેશન તરીકે જરૂર જગજાહેર બની.

અને પછી તો ભારતીય અધ્યાત્મવાદ, ધર્મ, સંગીત, નૃત્યો, વેશભૂષા, ઉત્સવો, ખાણીપીણી, રહેણીકરણી, વિચારધારા વગેરે બાબતોમાં પશ્ચિમને ખૂબ રસ જાગ્યો. જોકે આ પ્રવાસ બીટલ્સ અને મહર્ષિ મહેશ યોગી એમ બંને માટે ખૂબ નુકસાનકારક પણ સાબિત થયો. બીટલ્સનો ડ્રમર રિંગો સ્ટાર માત્ર દસ દિવસ બાદ જ આશ્રમ છોડી પરત ચાલ્યો આવ્યો. ત્યારબાદ પોલ થોડાં અઠવાડિયાંઓ પછી. માત્ર હેરિસન એન્ડ લેનન જ લાબું રોકાયા. પરંતુ મહેશ યોગી પર એક મહિલા શિષ્ય અંગેના આક્ષેપો અને આશ્રમમાં રહીને માદક દ્રવ્યોનાં સેવન કરવાના આક્ષેપોને લીધે આ બીટલ્સ અને મહેશ યોગી કડવાશ સાથે છૂટા પડ્યા. અને ભારતથી પરત આવ્યા બાદ ટૂંક સમયમાં બીટલ્સ બેન્ડ પણ છૂટું પડ્યું. અને પરત આવ્યા બાદ લેનને પોતાની પત્ની સિન્થિયાથી છૂટાછેડા લઇ અને યોકો ઓનો જોડે લગ્ન કર્યાં. પરંતુ આ આશ્રમવાસ આ બેન્ડ માટે જીવનનો સહુથી વધારે રચનાત્મક સમય પણ રહ્યો. એક અંદાજ પ્રમાણે આ સમય દરમિયાન આ બેન્ડે લગભગ 48 ગીત લખ્યાં.

ત્યારબાદ, મહર્ષિએ ’70ના દાયકામાં આશ્રમનો ઉપયોગ કરવાનું બંધ કર્યું અને અંતે 1981માં તેની લીઝનો અંત આવતા અવાવરું બનેલ આશ્રમની જમીન અંતે ફરીથી જંગલખાતા પાસે પરત થઇ. પરંતુ 2015માં ત્યાંની સરકારે આશ્રમને મુલાકાત અને પ્રદર્શન સ્થળ તરીકે ફરીથી ખુલ્લો મૂક્યો. પશ્ચિમની પૉપ સંસ્કૃતિ ઉપર ભારતની અસરના એક અધ્યાયને સમજવા માટે આ સારો મોકો છે.

અન્ય સમાચારો પણ છે...