રણમાં ખીલ્યું ગુલાબ:સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઇએ? જીવવા માટે બહાનું જોઇએ

5 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

લથડતા પગલે ઘરમાં આવેલા સારંગને જોઇને મિશાનાં હૈયામાં ફાળ પડી. એણે પતિને અંદર લઇને ઝડપથી બારણાં વાસી દીધાં. પછી અવાજ ઘરની બહાર ન જાય એ વાતની સાવધાની રાખીને એણે પૂછ્યું, ‘આજે પાછા તમે ઢીંચીને આવ્યા?’ સારંગ સીધો સોફામાં ઢળી પડ્યો. પત્નીનો પ્રશ્ન એના કાનમાં થઇને દિમાગ સુધી પહોંચતા થોડીક વાર લાગી. જ્યારે પ્રશ્નમાં રહેલો ઠપકો સમજાયો ત્યારે એનું ધણીપણું જાગી ઊઠ્યું. એણે આંખ લાલ કરીને અવાજમાં કરડાકી લાવીને પૂછ્યું, ‘તને કંઇ ભાન-બાન છે કે નહીં? તને ‘ડ્રિન્ક લીધું’ અને ‘ઢીંચ્યું’ એ બંને વચ્ચે કોઇ ફરક નથી દેખાતો? સા...એ મારો પૂરો નશો ઉતારી નાખ્યો. મારે ફરીથી પીવો પડશે.’ મિશા છેલ્લું વાક્ય સાંભળીને થથરી ગઇ, ‘ના, ભ’ઇ સા’બ! હું તમને ઘરમાં તો નહીં જ પીવા દઉં. વરૂણ બિચારો સાવ અણસમજુ છે. એના મન પર કેવી અસર પડે? ચાલો હાથ-પગ ધોઇ લો. હું થાળી પીરસું છું.’ તત્કાળ પીરતો તો મિશાએ મામલો ઠંડો પાડી લીધો, પણ એનાં દિમાગમાંથી આ વાત ખસી ન શકી. કેટલાં સપનાં સેવ્યા એણે લગ્નજીવન વિષે! સારંગ સાથે લગ્ન કરવા માટે મમ્મી-પપ્પાની સામે એણે કેવી મોટી બગાવત કરી હતી? એ સાવ આવો નીકળ્યો?! આજથી પચીસ વર્ષ પહેલાંની ઘટના, જ્યારે એકબીજાના પડોશમાં રહેતાં સારંગ-મિશા પ્રેમમાં પડ્યાં હતાં. મિશાનું ફેમિલી તો ત્યાં રહેતું જ હતું. સારંગનું ‌ફેમિલી નવું-સવું બાજુના ઘરમાં રહેવા માટે આવ્યું હતું. પછી જે બન્યું એ તદ્દન સ્વાભાવિક હતું. એકમેકની નજરોનું અથડાવું, ચાર હોઠોનું મલકાવું, બાલ્કનીઓમાંથી ઊભાં રહીને ઇશારાઓની આપ-લે કરવી અને પછી... એપછી એક દિવસ દુકાન વસતી કરીને ઘરે આવેલા પપ્પાનું ગરજવું, ‘મિશા, આ બધું શું ચાલી રહ્યું છે? મેં જે સાંભળ્યું એ સાચું છે? આખી સોસાયટીમાં તારી અને પેલા સારંગની વાતો...’ મિશા પપ્પાથી બહુ ડરતી હતી. એ જવાબ ન આપી શકી. બીજા દિવસે મમ્મીએ મોરચો સંભાળ્યો. પપ્પા પિસ્તોલ જેવા હતા અને મમ્મી મુલાયમ પીંછા જેવી. પણ બંનેની પૂછપરછની શૈલી માત્ર જુદી હતી, પૂછપરછ તો એક સરખી જ હતી. ‘બેટા, જે સાચું હોય તે કહી દે. એ છોકરાના ઘરની પ્રતિષ્ઠા આપણા ઘરની બરાબરીની ન ગણાય. તારા પપ્પાને તો તું ઓળખે છે ને? એ તારા માટે રાજાના કુંવર જેવો મુરતિયો શોધી લાવશે. સારંગના ઘરમાં તો હાંડલા કૂસ્તી કરે છે. ગઇ કાલે જ મેં એ ઘરમાંથી એક ઊંદરને ભાગી જતા જોયો. બાપડો ભૂખમરાથી અધમૂવો થઇ ગયો હતો. સારંગીની સાથે પરણીને તું પણ...’ મમ્મીને એક કલાક સુધી બોલવા દીધાં પછી આખરે મિશાએ મોં ખોલ્યું, એ પણ આટલું જ કહેવા માટે : ‘મમ્મી તમે લોકોએ જે સાંભળ્યું છે એ સાચું છે. હું અને સારંગ પ્રેમમાં છીએ. મેં વચન આપી દીધું છે. અમે લગ્ન કરવાનાં છીએ. હવે મને રોકવાની કોશિશ ન કરતી. સારંગની સાથે પરણીને હું સુખી થઇશ કે દુ:ખી એ મારા નસીબની વાત છે. આ વાત અહીં પૂરી થાય છે. તમે મને ભાગી જવા માટે મજબૂર ન કરશો.’ મમ્મી-પપ્પા એમ કંઇ થોડાં માની જવાનાં હતાં? છેવટે મિશા એક સાંજે ‘મંદિરમાં જાઉં છું.’ એવું કહીને ઘરમાંથી ગઇ તે ગઇ જ! રાત્રે પાછી ન આવી ત્યારે એનાં મમ્મી-પપ્પા સમજી ગયાં. એમણે દીકરીનાં નામનું નાહી નાખ્યું. પોલીસમાં ફરિયાદ પણ ન કરી. હવે મિશાનું જે થાય તે એ જાણે! લગ્નજીવનની શરૂઆત ખાસ ખરાબ ન હતી. સારંગનો પરિવાર સોસાયટી છોડીને દૂર રહેવા જતો રહ્યો હતો. નવું મકાન પણ ભાડાનું જ હતું. સારંગના પપ્પાએ સારંગ માટે એક નોકરી શોધી કાઢી હતી. બારમું પાસ સારંગને સારા પગારની નોકરી તો ક્યાંથી મળે? એક હોલસેલના વેપારીએ એને માલની સપ્લાય કરવાનું અને બિલની વસુલાતનું કામ સોંપ્યું હતું. પગાર દર મહિને બાર હજાર રૂપિયા. મોપેડમાં ભરવાનું પેટ્રોલ વેપારી તરફથી. બાપે કહ્યું, ‘સારંગ તારે વધારે રૂપિયા ઘરમાં આપવા પડશે. તમે લોકો મારું આખું પેન્શન વાપરી નાખો છો. આવું ક્યાં સુધી ચાલશે?’ બે મહિનાની બોલાચાલી અને ચાર મહિનાના અબોલાનો અંત પરિવારના વિભાજનમાં આવ્યો. પિતાએ દીકરા-વહુને ઘરમાંથી કાઢી મૂક્યા. હવે સારંગે ઓવરટાઇમ કામ કરવાનું શરૂ કર્યું. બીજી વધારાની જોબ શોધી કાઢી. આવકની દિશાઓ બે થઇ ત્યાં જાવકના ખૂણા ત્રણ થઇ ગયા. પ્રેગ્નન્ટ મિશાએ પૂરા મહિને દીકરાને જન્મ આપ્યો. ‘સારંગ, દોસ્ત! પાર્ટી આપવી પડશે.’ મિત્રોએ પુત્રજન્મની ઊજવણી કરવા માટે પાર્ટી આપી. જિંદગીમાં પહેલી વાર સારંગે અંગૂરની બેટીનો સ્વાદ ચાખ્યો. શેમ્પેઇન, વાઇન, વ્હીસ્કી અને વોડકા...નશાના વૃક્ષને અનેક શાખાઓ ફૂટી. સારંગ જ્યારે પહેલી વાર શરાબપાન કરીને આ‌વ્યો ત્યારે ઘર દારુની વાસથી ગંધાઇ ઊઠ્યું. બાપડી મિશાને તો શરાબની ગંધની જાણ ક્યાંથી હોય? પણ જે વાત ગંધથી ન સમજાઇ એ પતિના ઢંગથી પકડાઇ ગઇ. ‘આ શું? તમારા પગ કેમ...? અને તમારી જીભ...? ક્યાંક તમે નશો તો...?’ બીતાં બીતાં મિશાએ પૂછ્યું. પ્રેમ કરીને મેળવેલા પતિ પાસેથી પહેલી વાર ગાળો સાંભળવા મળી. મિશા ડઘાઇ ગઇ. નાનકડો વરુણ હેબતાઇ ગયો. એ આખી રાત દીકરો હીબકાં ભરતી મમ્મીની છાતીમાં લપાઇને પૂછતો રહ્યો, ‘શું થયું મમ્મી? પપ્પા કેમ આજે આવું કરે છે? એ આપણને મારશે તો નહીં ને?’ પછી તો આ રોજનો ક્રમ થઇ ગયો. રોજ મોડી રાતે સારંગ લથડીયા ખાતો ઘરે આવે, મિશા પૂછે, ‘તમે ફરીથી ઢીંચીને આવ્યા છો?’ અને જવાબમાં ગાળોનો વરસાદ. પછી તો ગાળાગાળીની સાથે મારામારીની મૂશળધાર વર્ષા પણ શરૂ થઇ ગઇ. મિશા મુંઝાઇ ગઇ. ક્યાં જવું? શું કરવું? પિયરની દિશા તો સાવ બંધ થઇ ગઇ હતી. સાસુ-સસરા મદદ કરવા જેટલા સક્ષમ ન હતાં. મિશાએ મદદ માટે કોઇ બારણું ખખડાવવાનું બાકી ન છોડ્યું. પોલીસ ડિપાર્ટમેન્ટ, પાડાશીઓ, મીડિયા, સામાજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, વકીલો બધાંને એ મળી આવી. કોઇએ પતિની સામે કાયદેસર ફરિયાદ કરી દેવાની સલાહ આપી તો કોઇએે પતિને છુટાછેડા આપી દેવાની શિખામણ આપી. મજબૂર મિશા વરુણને વળગીને રડી પડી, ‘બેટા, હું શું કરું? તારા બાપને પ્રેમ કરીને હું પરણી છું. એને જેલમાં કેવી રીતે...?’ અને એની સાથે ડિવોર્સ લઇને હું એકલા હાથે તારો ઊછેર કેવી રીતે કરી શકીશ? આ પુરુષપ્રધાન સમાજમાં મારા જેવી યુવાન, રૂપાળી સ્ત્રી...? પૂરા પંદર વર્ષ મિશાએ ખેંચી કાઢ્યા. આ વર્ષો અસહ્ય માનસિક યાતનાનાં, શારીરિક પીડાનાં અને આર્થિક ભીંસનાં વર્ષો હતાં. સારંગ શરાબ પીતો રહ્યો અને શરાબ પછી સારંગને પીતો રહ્યો. પાંચે વર્ષે પછી સારંગની હાલત એટલી કથળી ગઇ કે એ કામ પર જઇ શકતો ન હતો. મિશાએ એક ખાનગી શાળામાં અડધા પગારમાં નોકરીમાં જોડાઇ ગઇ. ખાનગી ટ્યૂશન્સ પણ શરૂ કરી દીધા. દોઢ દાયકાના દારુ સેવને સારંગને ખતમ કરી નાખ્યો. એનું કરુણ મૃત્યુ થયું. મિશા માટે હવે માથા પર ખુલ્લું આસમાન હતું અને છત નીચે જુવાન થઇ ગયેલો વરુણ હતો. એની જિંદગીનું એકમાત્ર આશ્વાસન એ હતું કે આટલી કારમી હાડમારીઓ વચ્ચે ઊછરેલો દીકરો ભણવામાં તેજસ્વી નીકળ્યો હતો. બાવીસમાં વર્ષે એમ. બી. એ. થઇ ગયો હતો. એક દિવસ વરુણે ઘરે આવીને કહ્યું, ‘મમ્મી, હવે તારે કામ કરવાની જરૂર નથી. મને સારી જોબ મળી ગઇ છે. તે ખૂબ દુ:ખ વેઠ્યું, હવે આરામ કરવાના દિવસો આવ્યા છે.’ મિશાએ બીજા જ દિવસે શાળામાં જઇને રાજીનામું આપી દીધું. નોકરીનો છેલ્લો દિવસ અત્યંત લાગણીસભર રહ્યો. વિદ્યાર્થીઓ રડ્યાં. શિક્ષકો પણ આંખો ભીની કરી બેઠાં. આચાર્યે ભવ્ય વિદાયમાન આપવાની તારીખ જાહેર કરી દીધી. સાંજે મિશા ઘરે આવી. જીવનભરનો થાક ઊતરી રહ્યો હતો. રાતનાં ભોજન માટે એ વરુણને ખૂબ ભાવતી વાનગીઓ રાંધવા બેઠી. એ રાત્રે વરુણ રોજના કરતાં મોડો આવ્યો. મિશાએ દોડીને બારણું ખોલ્યું. હવાના ઝાપટા સાથે એક પરિચિત વાત પણ અંદરની તરપ ધસી આવી. વરુણના પગ લથડી રહ્યા હતા. મિશાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, ‘વરુણ, બેટા! તું...? તું...?’ ‘દૂર ખસ મમ્મી! આજે મને ડિસ્ટર્બ ન કરતી. આજે હું ખુબ ખૂશ છું. યાર-દોસ્તોને પાર્ટી આપીને આવ્યો છું. નવી જોબની ખુશીમાં મિત્રોએ વ્હીસ્કી પીવડાવવાનો આગ્રહ કર્યો. મેં બધાને પીવડાવી દીધી. મજા આવી ગઇ. સાલ્લી શરાબ ભી ક્યા ચીજ હૈં!’ મિશા ઢગલો થઇને જમીને પર પથરાઇ ગઇ. (સત્ય ઘટના : લગભગ વીસેક વર્ષ પહેલાં મિશા એના પતિ સારંગનું શરાબપાન છોડાવવા માટે સલાહ લેવા મારી પાસે પણ આવી હતી. ત્યારે એનો દીકરો વરુણ સાવ નિર્દોષ, ભોળો, ઊંચકીને વહાલ કરવાનું મન થાય એવો લાગતો હતો. જે વરુણ માટે મિશાએ આખી જિંદગી ખપાવી દીધી આજે એ દીકરો પણ ખોટી દિશામાં વળી ગયો છે. છેલ્લા સમચારા એ છે કે વરુણની નોકરી છુટી ગઇ છે. હવે એ શરાબ ઉપરાંત ડ્રગ્ઝના રવાડે પણ ચડી ગયો છે.)⬛ શીર્ષકપંક્તિ: ચિનુ મોદી drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...