ગુજરાતને ફિલોસોફી ને ફાફડા બહુ ભાવે (છેલવાણી) એક અમેરિકન, મેક્સિકોના ગામમાં રખડી રહ્યો હતો. એણે જોયું કે એક નાનકડી હોડી ઘણીબધી મોટી ટ્યુના માછલીઓ લઈને દરિયા કિનારે આવી. અમેરિકને હોડીવાળાને પૂછ્યું, 'આ માછલીઓને પકડવામાં કેટલો સમય લાગ્યો?’ ‘ખાસ નહીં… કેમ?’ માછીમારે પૂછ્યું. ‘તો હજુ વધારે સમય દરિયામાં રહીને વધારે માછલીઓ કેમ ના પકડી?’ અમેરિકને પૂછ્યું. ‘જરૂર નથી. ફેમિલી માટે આટલી ઘણી.’ માછીમારે કહ્યું, ‘માછલી પકડ્યા પછી બાકીના સમયમાં તું શું કરે?’ ‘સવારે માછલી પકડવા જાઉં, પછી મારા બાળકો કે પત્ની સાથે સમય વિતાવું, બપોરે આરામ કરું ને સાંજે એયને નિરાંતે બીયર પીવા મિત્રો સાથે શહેર જાઉં, એન્જોય કરું…’ માછીમાર હસ્યો.અમેરિકને એને સમજાવ્યું, ‘પણ જો તું માછીમારીમાં વધુ સમય આપે તો વધારે માછલી પકડીને વેચી શકશે, પછી તને વધારે પૈસા મળશે, એમાંથી મોટી હોડી ખરીદીને બહુ બધી માછલી પકડી શકાશે. આમ વધારે માછલી પકડીને એ પૈસામાંથી બીજી ઘણીબધી હોડી ખરીદી શકશે. પછી તું માછલીઓને હોલસેલમાં વેપારીઓને વેચી શકશે. પછી તારી પોતાની ફેક્ટરી હશે. જેમાં તું પોતે જ માછલીનું પ્રોસેસિંગ અને વેચાણ કરી શકશે. પછી ગામ છોડીને મોટા શહેરમાં જઈને પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ચલાવતો થઈ જઇશ.’ ‘પછી શું?’ અમેરિકને કહ્યું, ‘પછી તું માર્કેટમાં તારી કંપનીનો આઈ.પી.ઓ. બહાર પાડશે ને તારી કંપનીના શેર વેચશે. કેટલી સંપત્તિ બનાવશે, વિચાર કર.’ ‘ઓકે, સંપત્તિ બનાવીશ, પછી શું?’ ‘પછી રિટાયર થઈને આ નાનકડા ગામમાં આવીને માછલી પકડજે!’ ‘લ્યો? એ જ તો અત્યારે કરું છું, એના માટે શેરબજાર સુધી કોણ જાય? તમે જાવ?' પેલા અમેરિકન પાસે આનો જવાબ નહોતો કારણ કે એ પોતે શેરબજારમાં બધું ખોઇને બેઠેલો! મામૂલી માછીમાર જાણતો હતો કે એને જીવનમાં શું જોઈએ છે, પણ આપણાંમાંના મોટા ભાગનાઓને ખબર નથી કે અલ્ટિમેટલી શું જોઈએ છે! ‘હું કોણ છું ને મારું જીવન ક્યારે સાર્થક ગણાશે?' એ વિશે ખરેખર તો કોઇને જ ખબર નથી. મોટા મોટા ફિલોસોફરો દાઢીઓ વધારીને, પ્રવચનો આપીને ઊકલી ગયા, પણ આનો પ્રોપર જવાબ હજીયે નથી. (જોકે એમ તો લાડવા પર ખસ-ખસ જ કેમ ચોંટાડાય છે?-એનો જવાબ પણ આપણી પાસે નથી.) વળી, મોટા ભાગના સમાજને, પોતાના જીવનનાં અંતિમ ધ્યેય વિશે પડી નથી. સમાજ તો 'ટ્રેન કેમ લેટ આવી અને પાણી કેમ વહેલું ચાલી ગયું?'માં જ બિઝી રહે છે! ઇન્ટરવલ ઊંચે નજર કરો, જરા ઊંચે, વધુ ઊંચે આકાશ છાબ છે ને તારા ગુલાબ છે. (વેણીભાઇ પુરોહિત) સો કરોડનો સવાલ એ છે કે લાઇફમાં ધ્યેય એટલે શું? ને અલ્ટિમેટલી ક્યારે અટકવું? સૌ આગળ ને વધુ આગળ વધવાની પાછળ જ પડ્યા છે. તમે ચપરાસી, ડોક્ટર કે બિઝનેસમેન ગમે તે હો, લાઇફમાં આગળ વધવા વિશે ફિકર તો રહેવાની જ. સૌને કશુંક પામવું કે બનવું છે. પ્રાઈમરીનો પી.ટી. ટીચર પોતાને 'ગુરુ' કે 'ઘડવૈયો' કહીને પોરસાય છે. ડોકટર, પોતાને ‘ભગવાન નંબર ટુ’ કહીને ખુશ રહે છે. કોલમિસ્ટ પોતાને મહાન સાહિત્યકાર માને છે. લોકલ નેતા ખુદને સમાજસેવક ગણાવે છે. કથા વાંચનાર ખુદને સંત સમજે છે. સંત ખુદને ભગવાન ગણે છે, તો 'હે ભગવાન, તમે તો અંતર્યામી છો! અમારા અંતરને વાંચીને પ્લીઝ કહો કે અમારું કે કોઇનુંયે આખરી ધ્યેય શું હોઇ શકે?’ (કોણ જાણે કેમ, પણ હજુ સુધી ભગવાનનો કોઇ ફોન કે એસ.એમ.એસ. આવ્યો નથી.) એનીવે, સમાજમાં તમે બહુ સફળ નથી? ધ્યેય સુધી પહોંચ્યા નથી? ડરો નહીં. અમારી પાસે કેટલાક રેડીમેડ ઉપાયો છે. જેમ કે, તમે વિમાનમાં માંડ બે-ચાર વર્ષે એકાદ વાર યાત્રા કરી હોય ને એ વાતની શરમ આવતી હોય તો તમારી બેગ પર ત્યારે અગાઉની એરલાઇન્સનું જે ‘ટેગ’ બાંધેલું એને તમારે કર્ણનાં કવચ-કુંડળની જેમ કદીયે કાઢવું નહીં. એરલાઇન્સનાં જૂનાં ટેગને દેખાડીને લોકોમાં ફિશિયારી મારી શકાય કે, 'યાર, હમણાં જ દિલ્હીમાં ફાઇનાન્સ મિનિસ્ટરને મળીને આવ્યો!' જેમ આજકાલ અનેક ગુજરાતીઓ મોદીસાહેબની જૂની ઓળખાણનું ટેગ લગાવીને ફરે છે. દરેક ગુજરાતી કવિ-લેખક-કલાકાર, પ્રોફેસર, પત્રકાર કે બિઝનેસમેન એમ જ કહેતો ફરે છે, 'નરેન્દ્રભાઈ સાથે મારે ઘર જેવું!’ તમારું કલાકાર કે બૌદ્ધિક રીતે સફળ દેખાવાનું ધ્યેય હોય ને ના પહોંચાતું હોય તો રદ્દીમાંથી ટાગોર, જિબ્રાન કે સોક્રેટિસ જેવા મોટા નામોની બુક્સ લાવીને ઘરમાં મૂકી રાખવાની. એમને વાંચવાની જરૂર નથી, પણ બુક્સનાં નામ યાદ રાખવા. બાસુંદી પર ચારોળી ભભરાવીએ એમ એ નામો પાર્ટીમાં વાતોવાતોમાં ભભરાવતા રહેવાનું. સાહિર, અમૃતા પ્રીતમ, ગુલઝાર વગેરેનાં જૂના કિસ્સાઓ ઠપકારે રાખવાનાં. બાકી કંઇ ના આવડે તો મહાભારત કે નવી આવેલી વેબ-સીરિઝ પર બબડી જ શકાય ને? જગત પણ ઇમ્પ્રેસ ને તમેય ખુશ! કાર લેવાના ધ્યેયમાં પાછળ હો, તો કહેવાનું, ‘ગાડીનાં ધુમાડા ફેલાવવા કરતાં, બંગલાનાં પાર્કિંગ સ્પેસમાં ફૂલઝાડ ઉગાડું છું.’ ગાડી હોય પણ ડ્રાઇવર ના હોય તો કહેવાનું, ‘મને મારું એકાંત બહુ વહાલું છે! કોઇ સતત માથે હોય એ ના ગમે. હું તો હનિમૂનમાં પણ એકલો જવાનો હતો, કોણ જાણે કેમ પણ વાઇફ ના માની!’ જો ગાડી નાની હોય તો કહેવાનું, ‘મર્સિડીઝ તો કાલે લઇ લઉં, પણ પછી ફંડફાળાવાળાં બહુ હેરાન કરે!’ જો ઓલરેડી મર્સિડીઝ હોય તો કહેવાનું, ‘યાર, હેલીકોપ્ટર ખરીદ્યાં પછી આ ડબ્બો (મર્સિડીઝ) નાનો પડે છે!’ ટૂંકમાં, આગળ વધવાના ધ્યેયનો અંત નથી, એટલે સતત જગને ને ખાસ તો મનને મનાવીને ખુશ રહેવું. એન્ડ ટાઈટલ્સ આદમ : વિચારોમાં? ઈવ : હા… પણ તારા નહીં.{ sanjaychhel@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.