તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં ખીલ્યું ગુલાબ:હું ક્યાં કહું છું કે તું મને પ્રેમ કર તું તારા મનમાંથી દૂર આ વહેમ કર

12 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • ‘ગોરબાપા, મારો દીકરો વિજય ભણવામાં હોશિયાર છે. કોલેજમાં ભણે છે. હવે બે-ત્રણ વર્ષની જ વાર છે. એ નોકરીએ લાગી જાય એટલે અમારા ઘરની શિકલ બદલાઇ જશે. ’

પંદેરક વર્ષ પહેલાંની ઘટના. ઠીક ઠીક મોટું કહી શકાય એ‌વું ગામ. મોટા ભાગના અશિક્ષિત લોકોની વચ્ચે એકમાત્ર શિક્ષિત કહી શકાય એવું બ્રાહ્મણ કુટુંબ. પ્રેમશંકર ભટ્ટ એ પરિવારના મોભી. એ જ ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે. સાંજે ઘરે આવીને અનુભવના આધારે દવાખાનું ચલાવે અને ગોરપદું પણ કરી જાણે. પૂરેપૂરા સાત્વિક વૃત્તિના માણસ. આખું ગામ એમને ગોરબાપા કહીને આદર આપે. ગોરાણી પણ નમણા, ઘાટીલા, રૂપાળા અને મીઠા સ્વભાવનાં. મરતા માણસને ‘મર’ ન કહે એવી ઋજુ પ્રકૃતિનાં. ગોરાણીએ પહેલા ખોળે દીકરીને જન્મ આપ્યો. અત્યારે એ દીકરી 33 વર્ષની થઇ છે. જ્યારે આ ઘટના બની ત્યારે એની ઉંમર અઢાર વર્ષની હતી. એનું નામ ચાંદની. ચાંદની જન્મી ત્યારથી જ ગોળ લાડવા જેવું રૂપાળુ મોં લઇને જન્મી હતી. જેમ જેમ ઉંમર વધતી ગઇ તેમ તેમ તેજ ખીલતું ગયું. સત્તરની થઇ ત્યાં સુધીમાં તો ચંદ્રમાની કળા પૂર્ણપણે વિકસી ગઇ. ગામમાં એક પણ એવો છોકરો ન હતો જેને ચાંદની ગમતી ન હોય. એ શેરીમાંથી પસાર થતી હોય ત્યારે મોટી ઉંમરના પુરુષો પણ વહેલા જન્મ્યા એ બદલ ઇશ્વરને ઠપકો આપવા માંડતા. ચાંદની ભણવામાં હોશિયાર હતી પણ એ ગામમાં બારમા ધોરણ સુધીની જ સગવડ હતી. એટલે પ્રેમશંકરે દીકરીને કોલેજ કરવા માટે બાજુમાં આવેલા શહેરમાં મૂકી હતી. હોસ્ટેલમાં રહેવું અને કોલેજમાં ભણવું. ચાંદની ડાહી હતી, સંસ્કારી હતી અને કહ્યાગરી હતી. એટલે એના માટે બીજી કોઇ ચિંતા કરવાની રહેતી ન હતી. ચાંદની કોલેજના બીજા વર્ષમાં આવી ત્યારે ગોરાણીએ પતિને કહ્યું, ‘આપણી દીકરીનું રૂપ ખીલતું જાય છે. આપણી જ નજર લાગે એવી એ લાગવા લાગી છે. મને એની ચિંતા થાય છે. એના માટે છોકરો શોધવાનું શરૂ કરો.’ ગોરબાપાએ જવાબ આપ્યો, ‘હું પણ એવું જ વિચારું છું. આપણી દીકરી ભલે ગમે એટલી ચારિત્ર્યવાન હોય પણ શહેરના છોકરાઓનું ભલુ પૂછવું. કોઇ બદમાશ એને ભોળવી પણ જાય. હું કાલથી જ સારા મુરતિયાની શોધ શરૂ કરી દઇશ.’ આ તે ગામના એક પરિવારની વાત થઇ. એ જ ગામના બીજા એક પરિવારમાં તે જ સમયે શું ચાલી રહ્યું હતું? મહેન્દ્રભાઇ પંડ્યા અને માલતીબહેન એ ગામના સૌથી ગરીબ પતિ-પત્ની હતાં. ઘરમાં અનાજ સંઘરવાની કોઠીની જરૂર ન હતી. મહેન્દ્રભાઇના પેન્ટ-શર્ટમાં ખિસ્સાની જરૂર ન હતી. એમના મકાનને બારણાંની જરૂર નથી. ઘર, કોઠી અને ખિસ્સામાં કંઇ મૂકવા જેવું ન હતંુ. મહેન્દ્રભાઇ રોજ સવારે ઊઠીને શિરામણ પતાવીને બે-ત્રણ ઝોળીઓ લઇને લોટ માગવા માટે નીકળી પડતા. બપોરે બાર વાગે ઘરે પાછા આવે ત્યાં સુધીમાં દસેક ઘર ફરી વળતા. આ તો રોજનું થયું. એટલે લોકો પણ અડધી વાટકીથી વધારે લોટ આપતા ન હતા. પણ આટલાથી બપોરની રોટલીઓ અને રાતની ખીચડી કે રોટલા નીકળી જતાં હતાં. મહેન્દ્રભાઇના આવા અંધકારમય જીવનમાં એકમાત્ર પ્રકાશનું કિરણ ગણો તો એ તેમનો દીકરો હતો. દીકરાનું નામ વિજય. ભણવામાં શહેરની સરખામણીએ સામાન્ય પણ ગામડાંની કક્ષાએ હોશિયાર. એ પણ જુવાનીમાં પ્રવેશ કરી ચૂક્યો હતો. જ્યારે આખા ગામના પુરુષો જ્ઞાતિ, ધર્મ અને ઉંમરનો ભેદ ભૂલીને ચાંદનીનાં તેજમાં નહાતું હોય ત્યારે વિજય એમાંથી કેવી રીતે બાકાત રહી શકે? એને ચાંદની ખૂબ જ ગમી ગઇ હતી. વિજય સહેજ શામળો હતો. એ સમયે ગામડાંમાં મોબાઇલ ફોન્સ પહોંચ્યા ન હતા. એક એસએમએસ કરીને કોઇ ગમતી છોકરીને પોતાના હૃદયની વાત જણાવી દેવાની સવલત હજુ ગામડાંમાં પ્રવેશી ન હતી. વિજયે સીધો અને સંસ્કારી રસ્તો અજમાવ્યો. એક દિવસ મમ્મીને કહી દીધું, ‘મને ગોરબાપાની ચાંદની ગમે છે. મારે એની સાથે પરણવું છે. તું એમના ઘરે જઇ અને માગું નાખ.’ માલતીબહેન ઢીલાં પડી ગયાં, ‘બેટા, તું થોડોક વિચાર તો કર. ગોરબાપાનું ઘર ખાધેપીધે સુખી છે. આપણે સાવ ગરીબ છીએ. તારા બાપા ઘરે ઘરે જઇને લોટ માગે છે. ક્યારેક ગોરબાપાના ઘરે પણ જઇ ચડે છે. જે બાપ આપણને લોટ આપતો હોય એ ક્યારેય પોતાની દીકરી આપે ખરો?’ વિજય કોઇ પણ રીતે ન જ માન્યો. દીકરાની જીદ આગળ માની સમજણ હારી ગઇ. બીજા દિવસે સવારના પહોરમાં માલતીબહેન ગોરબાપાના ઘરે જઇ ચડ્યા. ચાંદની તો શહેરની હોસ્ટેલમાં હતી. માલતીબહેને દીકરા માટે ચાંદનીનો હાથ માગ્યો. ગોરબાપા અંદરથી તો સમસમી ગયા પણ ચહેરા પર સ્વસ્થતા જાળવીને એમણે શાલીનતાપૂર્વક જવાબ આપ્યો, ‘માફ કરજો, બહેન. તમારા ઘરની સ્થિતિ આખું ગામ જાણે છે. મારી દીકરી દુ:ખમાં પડે એવું મારાથી નહીં થાય.’ માલતીબહેને તાર્કિક દલીલ રજૂ કરી, ‘ગોરબાપા, આવું ન બોલો. મારો દીકરો વિજય ભણવામાં હોશિયાર છે. કોલેજમાં ભણે છે. હવે બે-ત્રણ વર્ષની જ વાર છે. એ નોકરીએ લાગી જાય એટલે અમારા ઘરની શિકલ બદલાઇ જશે. તમારી ચાંદની રોટલા વગરની નહીં રહે.’ ગોરબાપા હસ્યા, ‘રોટલા વગરના તો તમેય ક્યાં રહો છો? પણ એ રોટલામાં કેટલા ઘરનો લોટ હોય છે? વિજય હોશિયાર છે એ સાચું. ભવિષ્યમાં એ કમાશે એ પણ સાચું. દસેક વર્ષ પછી તમારું પોતાનું ઘર હશે. સ્કૂટર હશે, સારા કપડાંલતા હશે અને તમારા ઘરનો જ લોટ હશે; આ બધું હું સમજી શકું છું પણ પૂરાં દસ વર્ષ સુધી તો મારી દીકરીએ દુ:ખમાં વિતાવવાનાને? તમે હૃદય પર હાથ મૂકીને કહો; ચાંદની જો તમારી દીકરી હોય તો તમે એને આવા કંગાળ ઘરમાં વરાવો ખરા?’ માલતીબહેન પાસે કોઇ જવાબ ન હતો. બે આંસુ ખેરવીને એ ઊભા થઇ ગયાં અને ઘરે જઇને વિજયને બધું જણાવી દીધું. જો વાત અહીં પૂરી થઇ ગઇ હોત તો સારું હતું. ગમે તેવા ગરીબ ઘરનો છોકરો કે છોકરી જગતમાં કોઇ પણ શ્રીમંત પરિવારના સુંદર પાત્ર સાથે લગ્ન કરવાનાં સપનાં જોઇ શકે છે. એમાં કોઇ અપરાધ જેવું નથી, પણ વિજયે ભૂલ એ કરી કે ચાંદનીને પામવાની વાત ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું તેને એણે અલ્પવિરામ માની લીધું. પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા. પોતાની કઝિન પાસેથી ચાંદનીની હોસ્ટેલનું સરનામું મેળવીને એક દિવસ એ ચાંદનીને મળવા માટે પહોંચી ગયો. તેણે સીધું જ શરૂ કર્યુ, ચાંદની, તું મને ખૂબ ગમે છે. તારા પપ્પા ભલે ના પાડે પણ તું હા પાડી દેને. હું તને સારી રીતે રાખીશ.’ ચાંદની ભડકી ગઇ. પોતાના ગામનો એક યુવાન આ રીતે હોસ્ટેલમાં એને મળવા આવી ચડે એ વાત એને ગમી નહીં. ઉપરાંત વિજય માટે એના હૃદયમાં સહેજ પણ આકર્ષણ જેવું ન હતું. એણે ટૂંકો જવાબ આપી દીધો, ‘મારી પણ હા નથી. તમારે આ રીતે અહીં આવવું ન જોઇએ. ફરી વાર આવશો તો હું મળીશ નહીં.’ હવે તો વિજયની પ્રેમકથા ઉપર મોટું પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું, પણ વિજયે હજી પણ એને અલ્પવિરામ સમજીને પ્રયત્નો ચાલુ રાખ્યા. બે વર્ષ પછી ચાંદનીનાં લગ્ન શહેરમાં સારી સરકારી નોકરી કરતા એક સુખી ઘરના યુવાન સાથે થઇ ગયાં. ગોરબાપાએ જાણીજોઇને ગામના તમામ બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું, પણ પંડ્યાનું ખોરડું બાકાત રાખ્યું. ગોરબાપા નહોતા ઇચ્છતા કે વિજય માંડવાની બહાર બેસીને માંડવાની અંદર બેઠેલા વરઘોડિયાને જોઇને નિસાસા નાખ્યા કરે. એ પછી બીજા ‌વર્ષે વિજય પણ પરણી ગયો. હાલમાં ચાંદની અને વિજય બંને જણા સુખી લગ્નજીવન માણી રહ્યાં છે. વિજય પણ એક શા‌ળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પણ એણે ચાંદનીનો પીછો છોડ્યો નથી. હવે એની હરકતો અપરાધની કક્ષાએ પહોંચી ગઇ છે. ક્યાંકથી ચાંદનીનો મોબાઇલ નંબર મેળવીને વિજયે ફરી પાછી એને લલચાવવાની કોશિશ ચાલુ કરી દીધી છે. ચાંદનીએ એને ધૂત્કારી કાઢ્યો, ‘હું હવે કોઇ પુરુષની પરણેતર છું. બે સંતાનોની માતા છું. મારા પતિને હું જણાવીશ તો એ તારા હાડકાં ભાંગી નાખશે. મેસેજ કરવાનું બંધ કરી દે.’ વિજય ન માન્યો. થાકીને ચાંદનીએ એનો નંબર બ્લોક કરી દીધો. હવે વિજય પોતાની કઝિન દ્વારા ચાંદનીને સંદેશાઓ મોકલાવે છે. ગાંડીઘેલી શાયરીઓ લખે છે. આંસુનાં ટીપાં ખેરવે છે. પ્રેમની ભીખ માગે છે. લોહીમાં વણાઇ ગયેલા (લોટ માગવાના) સંસ્કાર ભુલાતા નથી. ચાંદની ગંભીરતાપૂર્વક વિજય વિરુદ્ધ કાનૂની પગલાં ભરવાનું વિચારી રહી છે. ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો