તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાગ બિન્દાસ:ક્યાં ગયું? ક્યાં ગયું? આપણું વહાલું ધોતિયું ક્યાં ગયું?

23 દિવસ પહેલાલેખક: સંજય છેલ
 • કૉપી લિંક
 • પાઘડી પહેરવા-પહેરાવવાની કળા હવે લગભગ લુપ્ત થઈ રહી છે. પચાસ-સો વર્ષ પછી કદાચ ધોતી પહેરાવવાની કળાની પણ આવી જ હાલત થઈ શકે

ટાઇટલ્સ જૂઠાઓ સામે મૌન પણ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. (છેલવાણી) સદાબહાર અભિનેતા દેવ અાનંદે એક વાર કહેલું કે ભારતીય નેતાઓએ ધોતિયાં પહેરીને વિદેશપ્રવાસે ન જવું જોઈએ કારણ કે રન-વે પર પ્લેનમાંથી ઊતરતી વખતે સીડી પર જે રીતે દુંદાળા નેતાઓનાં ધોતિયાં ફરફરે છે, એ બહુ ગંદુ ભાસે છે. દેવ અાનંદના મત મુજબ અધિવેશનોમાં ફોરેન પોલિસીની ઉગ્ર ચર્ચાની વચ્ચે ઊંચા-નીચા થતાં ધોતિયાંને લીધે દેશ શરમાઈ ઊઠે છે! વાતમાં લોજિક છે. દેવ અાનંદ હંમેશાં સૂટેડ-બૂટેડ શર્ટ-પેન્ટ કે ટી-શર્ટ-જેકેટમાં જ પડદા પર દેખાતા. એની સરખામણીએ દિલીપકુમારે ધોતિયાંનો ઉપયોગ છૂટથી કરેલો. આપણે ત્યાં આજે દિલીપકુમારને અભિનેતા તરીકે જે આદર મળે છે, એનું એક કારણ ધોતિયું પણ હોઈ શકે કારણ કે ધોતિયું પહેરીને પડદા પર નાચવું-ગાવું ખૂબ અઘરું કામ છે! જોકે ધોતિયું આપણી પરંપરાનું પ્રતીક છે માટે જ એમાં હાલતો-ચાલતો હીરો એ જમાનામાં ઓડિયન્સને પોતીકો લાગતો. થોડા વર્ષ પહેલાં તમિલનાડુમાં એક પોશ ક્લબે એ જ વેષ્ટી કે ધોતી કે લુંગી પહેરનારાઓને એન્ટ્રી આપવાની ના પાડી હતી! ત્યારે મુખ્યમંત્રી જયલલિતાએ જાહેર કરેલું કે આવા ધોતિયાં-હટાઓ રુલ્સ નહીં ચાલે કારણ કે ધોતી રાષ્ટ્રીય પોશાક છે! અંગ્રેજોના જમાનાના આવા રુલ્સ પર ગુસ્સો આવે જ, કારણ કે ધોતી, પીતાંબર, અબોટિયું, લુંગી, વેષ્ટી, મુંડું વગેરે પોશાકો તો આપણી ફરફરતી અસ્મિતા છે. કદાચ આઝાદી પહેલાં અંગ્રેજી ક્લબમાં આપણે ઈન્ડિયન લોકો ધોતિયાં પહેરીને બૂમાબૂમ કે રાડારાડ કરતાં હોઈશું. કોઈ ધોતીની ધારથી નાક લૂછે, ધોતિયું હલાવીને હવા ખાય એ બધું અંગ્રેજોને નહીં ગમતું હોય માટે કદાચ ‘ધોતી-હટાઓ’ નિયમો બન્યાં હશે, પણ હજુયે એ નિયમો શા માટે છે? બૂટ-ચંપલ ન પહેરવા બદલ વિશ્વવિખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસૈનને એક ક્લબમાં એન્ટ્રી નહોતી અપાઈ! એનું કારણ છે, આપણી કોલોનિઅલ મેન્ટાલિટી! પણ એમાં બિચારાં ધોતિયાંનો શું વાંક? અસભ્ય માણસ તો શર્ટ-પેન્ટમાં પણ ગડબડ કરી શકે છે. ટાગોર અને ગાંધી પણ ધોતી પહેરતાં જ ને? જોકે હવેના કોઇ નેતાઓ જીવનમાં ભાગ્યેજ ધોતી પહેરે છે. બધા બંધ-ગળાના જેકેટ કે સાદા કૂર્તા, જેકેટ કે શેરવાનીમાં જ સજજ હોય છે. નેહરુજી કે રાજીવ ગાંધીએ ક્યારેય ધોતી પહેરી હોય એવું જોવામાં આવ્યું નથી. એમની સામે મોદીજી અમારા ફેવરિટ સ્ટાઇલિશ નેતા છે! જોકે ધોતી પહેરવાની પરંપરા અમારા પ્રિય વાજપેયીજીની જનરેશનના નેતાઓ સાથે જ સામપ્ત થઇ ગઇ. પણ ધ્યાનથી જુઓ તો ધોતિયામાંની પાટલીમાં આપણી અસ્મિતા પલાંઠી વાળીને વણાયેલી છે. જૂના નેતાઓ, કવિઓ, સાહિત્યકારો કે સમાજનાં મોભીઓ ધોતિયું ધારણ કરવામાં ગર્વ અનુભવતા. જેમ સાડી પહેરવાથી સ્ત્રીઓને સંસ્કારી માનવામાં સમાજને સરળતા પડે છે! ધોતીનો છેડો પણ લાંબા કૂર્તા વડે આપોઆપ જ કોઈ પણને આર્ટિસ્ટ, કવિ કે પછી શરણાઈવાદક હોવાનું લાઈસન્સ મળી જાય છે. એમાંય થોડા લાંબા અસ્તવ્યસ્ત વાળ ને કાબરચીતરી દાઢી હોય તો લોકો તમને ધૂની, બેફિકરા, ક્રાંતિક્રારી વગેરે માનીને માન કે પછી દયાની નજરે જોવા લાગે છે! પોશાક એટલે ઇમેજ! ઇન્ટરેસ્ટિંગ દાખલો આપું? જગદીશ રાજ નામનાં ફિલ્મી એક્ટરે એકસો ચુમ્માલીસ ફિલ્મોમાં માત્ર ઇન્સપેકટરનાં જ રોલ કરેલાં! તેઓ ઘરેથી પોતાનો યુનિફોર્મ લઈને જ નીકળતાં! એ જગદીશ રાજ માટે એક જોક છે કે એ જન્મ્યા હશે ત્યારે ડોક્ટરે એમનાં ઘરવાળાઓને કહ્યું હશે કે ‘મુબારક હો, તુમ્હારે ઘર પે ઇન્સપેક્ટર પૈદા હુઆ હૈ!!’ એ જ રીતે અમુક ગંભીર સંસ્કારી પાવરફૂલ લોકો જન્મ્યા જ કૂર્તા અને જેકેટમાં હશે! જોકે ધોતિયાંમાં રખડતાં લોકો હવે શહેરોમાં ભાગ્યે જ દેખાય છે, ગામડાંઓમાં હજુ બચ્યા છે, જેઓ ઝાંસી કી રાણીની જેમ ‘મેરી ધોતી નહીં દૂંગા’ની જીદ સાથે આજેય જીવે છે. ઇન્ટરવલ ધોતિયું ભરીને અમે એટલું હસ્યા કે રુમાલ ભરીને અમે રોઈ પડ્યા! (કવિ જગદીશ જોશીની ક્ષમા સાથે) જોકે પર્સનલી અમને ધોતિયું બહુ જ દગાબાજ આઈટમ લાગે છે. એ ગમે ત્યાં, ગમે ત્યારે છૂટી જઈને આપણી ઇજ્જતની ધજાનો ધજાગરો કરી શકે છે. હું જો એક્ટર હોઉં તો સૌથી પહેલાં નાટક કે ફિલ્મની વાર્તામાં ચેક કરું કે એમાં મારે ધોતી નહીં પહેરવી પડે ને? કોઇ સરસ રોલમાં ધોતી પહેરવાથી ભલે ને ઓસ્કાર એવોર્ડ મળવાનો ચાન્સ હોય તો પણ ના જ પાડી દઇએ કારણ કે અમને ધોતિયું છૂટી જવાનો ભયંકર ફોબિયા છે. પાત્ર કરતાં પાટલી પર વધું ધ્યાન આપવું પડે એવું ધોતિયું અમને ન ચાલે. જોકે હવે ‘ઇલાસ્ટિક’-વાળાં રેડીમેડ ધોતિયાંઓ માર્કેટમાં ઇઝીલી મળે છે, પણ એ બધામાં શુદ્ધ ધોતિયાપણું હોતું નથી. ગુજરાતીઓ જે રીતે દાડમ-કાજુ છાંટીને પિત્ઝા પર અત્યાચાર કરે છે એમ રેડીમેડ ધોતીમાં પણ છૂટ્ટા ધોતિયાં જેવી અલમસ્ત અદા નથી હોતી! ‘પ્યાર કો પ્યાર હી રહને દો ઉસે રિશ્તો કા ઇલ્ઝામ ન દો’વાળા ગીતની જેમ ‘ધોતી કો ધોતી હી રહેને દો, રેડીમેડ કા ઇલ્ઝામ ન લગાડો’એમ કહેવાનું મન થાય છે. એક ગુજરાતી રંગભૂમિનાં કલાકાર, આખરી દિવસોમાં પૈસા કમાવા માટે મોટા-મોટા લગ્નોમાં જઈને પચાસ રૂપિયામાં પાઘડી બાંધી આપવાનું કામ કરતા હતા! વિચાર કરો કે જે કલાકારે સ્ટેજ પર પાઘડીઓ-સાફાઓ પહેરીને સમ્રાટો-બાદશાહોનાં જાજરમાન રોલ નિભાવ્યા હશે એ બિચારા બૂઢાપામાં કોઈકને પાઘડી બાંધવાનું કામ કરીને ગુજારો કરતા! પણ એનાં કરતાંયે નવાઈની વાત એ છે કે આવી વિચિત્ર પેઈડ-સર્વિસની લગ્નબજારમાં જરૂરિયાત ઊભી થઈ કારણ કે પાઘડી પહેરવા-પહેરાવવાની કળા હવે લગભગ લુપ્ત થઈ રહી છે. પચાસ-સો વર્ષ પછી કદાચ ધોતી પહેરાવવાની કળાની પણ આવી જ હાલત થઈ શકે. આપણા સમાજે, ધોતિયા પહેરનારાઓને રાષ્ટ્રીય સંપત્તિ ગણીને ગીરના સિંહની જેમ જતન કરવું જોઈએ. જોકે ધોતિયું મલ્ટિપર્પઝ આઈટમ છે. એની પાટલીનો પંખો બનાવીને હવા પણ ખાઈ શકાય, પરસેવો લૂછી શકાય, ખુરશી સાફ કરી શકાય, એમાં ચાવી કે સિક્કાઓ બાંધી શકાય, જમણવારમાં લાડવા સંતાડી શકાય, એનું દોરડું બનાવીને કૂવામાંથી પાણી ભરી શકાય અને વળી પહેરેલાં ધોતિયાંને પોતાના ઉપર ખેંચીને ઓઢી પણ શકાય!(જો કે આ પ્રયોગ એકાંતમાં જ કરવો એવું જ તમારા હિતમાં જારી) બોલો આવી બધી ફેસિલિટિઝ પેન્ટમાં મળે? નહીં ને? વર્ષો પહેલાં ગુજરાતી કોમેડી નાટકની જાહેરાતમાં વાંચેલું કે ધોતિયું ફાડીને રૂમાલ બનાવતી કોમેડી! આમ પણ ખુરશીદાસો, ધર્મ-જાત-ભાષાને લઈને દેશના ટુકડા કરી જ રહ્યા છે ને? કમ સે કમ હવે ધોતિયાંને તો વન-પીસમાં રહેવા દો! એન્ડ ટાઇટલ્સ આદમ : દીકરો બાપની ધોતીની પાટલી ગોઠવી આપે એને શું કહેવાય? ઇવ : પાટલી-પુત્ર! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો