તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીન-શોટ:આ ફિલ્મમેકર્સ ક્યાં ખોવાઇ ગયા?

ઉમેશકુમાર ઉપાધ્યાય14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જમાનાનાં લોકપ્રિય અને જાણીતા ફિલ્મમેકર્સે આજકાલ ફિલ્મમેકિંગમાં પીછેહઠ કરી લીધી છે. પ્રશ્ન એ થાય છે કે કેમ?

પરિવર્તન સંસારનો નિયમ છે અને આ પરિવર્તન ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને લોકપ્રિય ફિલ્મમેકર્સની બાબતમાં પણ જોવા મળે છે. એક જમાનાનાં લોકપ્રિય અને જાણીતા ફિલ્મમેકર્સે આજકાલ ફિલ્મમેકિંગમાં પીછેહઠ કરી લીધી છે. પ્રશ્ન એ થાય છે કે કેમ? એવી તે એમને કઇ મુશ્કેલીઓ પડે છે કે તેમણે ફિલ્મ મેકિંગ કરવાનું ઓછું કરી નાખ્યું અથવા છોડી દીધું? આજના આ લેખમાં કેટલાક ફિલ્મમેકર્સે જવાબ આપ્યાં, તેમાં ક્યાંક આંતરિક આક્રોશ પણ અનુભવાયો… અત્યારે ફિલ્મોમાં આવેલા પરિવર્તન અંગે પ્રખ્યાત ફિલ્મમેકર કે.સી. બોકાડિયા જણાવે છે : ‘હવે તો બધી ગણતરીઓ જ આડીઅવળી થઇ ગઇ છે. કોઇને ફિલ્મ નથી બનાવવી, પ્રપોઝલ બનાવવી છે. પ્રપોઝલ એટલે કે ઓન પેપર બનાવી પેપર પર જ વેચવી છે. જ્યાં જુઓ ત્યાં મેન્યુપ્લેશન જ છે. કોર્પોરેટ અનુસાર ફિલ્મ બનાવો અથવા તો એમને મનગમતું બનાવો. ડિસ્ટ્રિબ્યુટર્સના નખરાં સહન કરો અને છતાં ગમે તેમ કરીને ફિલ્મ બનાવો તો પણ પ્રોજેક્ટને ડિસ્ટ્રિબ્યુટર્સ-ફાઇનાન્સર મળશે જ એવી કોઇ ગેરંટી નથી. આ જ કારણસર જ લોકપ્રિય ફિલ્મમેકર્સ હવે ફિલ્મ બનાવવામાં પીછેહઠ કરી રહ્યા છે, કેમ કે વ્યક્તિગત ફાઇનાન્સ મળે છે. અત્યારે જે ચાલી રહ્યું છે, તેને બદલી શકીએ એમ પણ નથી. ખુરશી પર બેસીને જેઓ ફાઇનાન્સ કરે છે, તેમને વાત કરો, તો એમને ઓન પેપર લખાણ જોઇએ કે અભિનેતા કોણ છે? એમને ફિલ્મ સારી છે કે ખરાબ, એની સાથે કંઇ લેવાદેવા નથી. આમ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દૃષ્ટિકોણ જ બદલાઇ ગયો છે. ’ બોકાડિયા ઉમેરે છે, ‘હજી તો વધારે ખરાબ હાલત થવાની છે. મારા મતે તો ભારતના થિયેટર્સ જ ભાંગી પડવાનાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પુન:જીવિત કરવી હોય તો 300 રૂપિયામાં પોપકોર્ન વેચનારાઓને થિયેટર ચલાવવા માટે પોપકોર્ન અને ચા 20-20 રૂપિયામાં અને ટિકિટો ફરી 100 રૂપિયામાં વેચવી પડશે. અન્યથા લોકો પાસે અનેક ઓપ્શન છે – હવે દરેક ઘરમાં મોટા ટીવી છે. રિમોટનું બટન દબાવતાં જાવ અને એક-એકથી ચડિયાતાં પ્રોગ્રામ જુઓ. ઓટીટી આવવાથી ફિલ્મો ખતમ થઇ જશે, એ તો તમે લખી રાખો. આમ પણ કોરોનાને કારણે લોકો થિયેટરમાં ફિલ્મ જોવા જતાં નથી. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મને નથી લાગતું કે આજે હિંદી ફિલ્મ બનાવવાનો સમય છે. મારા જેવો માણસ તો દસ વાર વિચાર કરે. પ્રોડ્યુસર્સમાં ગણીને એકાદ-બે છે, બાકી તો બધાંએ પીછેહઠ કરી લીધી છે. પૈસાદાર પરિવારોએ ઘરમાં જ થિયેટર બનાવી લીધું છે. તેઓ સેટેલાઇટવાળા સાથે ડીલ કરી લે છે, જેની રેવન્યુ પ્રોડ્યુસરને મળતી જ નથી. ભારતમાં દસ હજાર લોકોએ કનેક્શન લઇ લીધું ત્યારે દોઢ કરોડની ચોરી થઇ રહી છે. લખવા-બોલવાથી કંઇ વળવાનું નથી કેમ કે હવે બધું પૂરું થઇ ગયું.’ આવા જ લોકપ્રિય ફિલ્મમેકર સુનીલ દર્શન પણ પોતે હવે ફિલ્મો ન બનાવવાનું કારણ ક્રિએટિવિટીના અંતની સાથે કેટલીક બાબતોને જવાબદાર ગણાવે છે. તેમનું કહેવું છે, ‘આપણે ત્યાં 15 વર્ષોમાં અંદરખાને ખૂબ પરિવર્તન આવ્યું છે. કોર્પોરેટાઇઝેશનનું કલ્ચર સિનેમા પર છવાઇ ગયું છે. અમેરિકાથી અભ્યાસ કરીને આવેલા લોકો આપણી ફિલ્મોનું ભાવિ નક્કી કરવા લાગ્યા છે. કોર્પોરેટાઇઝેશન ફંડિંગ અને ટેક્નોલાઇઝેશન સાથે લાવ્યાં હોત, તો સારું રહેત, પણ કોર્પોરેટાઇઝેશને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હોલ્ડ કરી લીધી. આપણી ફિલ્મોનું કન્ટેન્ટ એમનું બની ગયું. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇ સંદર્ભ નથી રહેતો. આ ઉપરાંત, મીડિયાનું પણ યોગદાન છે. જો મીડિયાવાળા પ્રામાણિકતાથી પોતાની જવાબદારી નિભાવતા હોત, તો અત્યારે જે સ્થિતિ છે, તે ન હોત. કોર્પોરેટ લોકો પાસેથી આશા રાખું છું કે આ પેન્ડેમિક સમયમાં શીખે. પોતાના એક્ટર્સને પણ સમજાવે. ક્રિએટિવિટી ઓછી જોવા મળે છે કેમ કે દોરીસંચાર બીજાને હસ્તક છે. આવા કારણસર ફિલ્મો બનાવવાનું ઓછું કરી દીધું છે.’ આ બંને ફિલ્મમેકર્સની વાત સાથે લોકપ્રિય ફિલ્મમેકર મેહુલકુમાર પણ સંમત છે. તેઓ કહે છે, ‘પહેલાં ક્રિએશનને પ્રાયોરિટી અને બિઝનેસને સેકન્ડરી માનતા હતા, જ્યારે આજે બિઝનેસને પ્રાયોરિટી અપાય છે. પહેલાં ફિલ્મો બનતી હતી, પણ આજે પ્રપોઝલ બને છે. વાર્તા પહેલાં અને તે પછી કાસ્ટિંગ થતી હતી. જ્યારે આજે કંપનીવાળા ફિલ્મ બનાવતાં પહેલાં પૂછે છે, હીરો કોણ છે? તેમને વાર્તામાં રસ જ નથી. પહેલાં ફિલ્મમેકર, રાઇટર, મ્યુઝિક ડિરેક્ટર, લિરિક્સ સાથે ઇન્વોલ્વ થઇને ફિલ્મ બનાવતા હતા. મ્યુઝિક ડિરેક્ટર વાર્તા અને સિચ્યુએશન સાંભળતા હતા. તે મુજબ ગીતો બનાવતાં તેથી જ આજે જૂનાં ગીતો અવિસ્મરણીય છે. આજે તો મ્યુઝિક કંપની ખરીદેલાં ગીતોને ફિલ્મમાં ફિટ કરવા માટે આપી દે છે. જુસ્સાદાર અને યાદગાર ફિલ્મો બનાવનારા ફિલ્મમેકર આજના સમયમાં કામ કરી જ નથી શકે કેમ કે તેઓ ક્યારેય પ્રપોઝલ નહીં બનાવે. બિગ બજેટને કારણે પણ ફિલ્મો ફ્લોપ જાય છે. જૂના ફિલ્મમેકર કોઇ ફિલ્મ નથી બનાવતા. રમેશ સિપ્પી જેવા ફિલ્મમેકર ફિલ્મો નથી બનાવતા, જ્યારે એમનું તો બેનર અને ડિસ્ટ્રિબ્યુશન પણ હતું. અમે પણ એટલા માટે જ પીછેહઠ કરી લીધી છે.’ ⬛

અન્ય સમાચારો પણ છે...