પ્રશ્ન વિશેષ:શિક્ષણના દરિયામાં ‘ભરતી’ ક્યારે આવશે?

21 દિવસ પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક

સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે શિક્ષણ તો દરિયા જેવું છે પણ આ દરિયામાં શિક્ષકોની ઓટ કાયમ માટે કેમ છે? એમાં ભરતી કેમ આવતી નથી? થોડા સમય પહેલાં ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે BRSમાં એક કાર્યક્રમમાં જવાનું થયું. વિદ્યાર્થીઓ લગભગ સવા બસોથી વધુ હતા. ગાંધી સંસ્થાનું સુંદર પરિસર હતું. રૂડું આયોજન હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને એનાં સફેદ પોતે ધોયેલાં વસ્ત્રો એ બધું આપણને ઉત્સાહ વધારે તેવું હતું. મારી બાજુમાં એ સંસ્થાના આચાર્ય બેઠા હતા. થોડીક એનાઉન્સમેન્ટ વિદ્યાર્થીઓએ કરી તરત જ આચાર્ય ઊભા થયા અને એક બાજુમાં જઈને હાર્મોનિયમ વગાડવા લાગ્યા અને એમના હાર્મોનિયમના સાથમાં સરસ પ્રાર્થના અને આવકાર ગીત ગવાયું, સૂરમાં, તાલમાં, આપણી સવાર સુધરી જાય એવું. ફરી પાછા એ મારી બાજુમાં આવીને બેસી ગયા. મેં એમને પૂછ્યું, ‘આપ?’ તો એણે કહ્યું, ‘હું આચાર્ય છું અને હું પણ હમણાં ડિસેમ્બરમાં નિવૃત્ત થાઉં છું.’ મેં પૂછ્યું, ‘પાછળ કોઈ બે-ત્રણ યુવાનો બેઠા છે, એ કોણ છે?’ તો કહે, ‘એ તો ટ્રસ્ટે પોતાના ખર્ચે નીમેલા લોકો છે.’ ‘તો શું BRSમાં જગ્યા નથી?’ ‘જગ્યાઓ તો ઘણી છે, પણ કોઈ શિક્ષક કે વહીવટી વ્યક્તિ નિવૃત્ત થાય તો એમના સ્થાને એક પણ ભરતી નથી થતી. આવો જ અનુભવ ‘બીલપુડી’ની એક સંસ્થામાં પણ થયો. આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં ખરેખર બહુ સારા શિક્ષણની આવશ્યકતા છે અને એટલા માટે શિક્ષકોની પણ આવશ્યકતા છે.’ તાજેતરમાં રાજકોટની અંધ મહિલા વિકાસ ગૃહમાં જવાનું થયું. અંધ દીકરીઓ માટેની આ અદ્્ભુત સંસ્થા છે. એમનું વ્યવસ્થાપન, એમના ભવનો એ બધું જ દાતાઓની સહાયથી થયું છે. ત્યાં મેં પૂછપરછ કરી, ‘તમારે ત્યાં કેટલા શિક્ષકો છે?’ જવાબ મળ્યો કે, ‘બાવીસ શિક્ષકોની જગ્યા છે, જેમાંથી બે શિક્ષકો સરકારના છે અને બાકીના બધા ટ્રસ્ટના છે. લગભગ એક કરોડ રૂપિયા જેવો ખર્ચ થાય છે, જેમાંથી ત્રીસ લાખ રૂપિયા જેટલી જ ગ્રાન્ટ સરકાર તરફથી મળે છે, બાકીનું બધું જ દાનના આધારે ચાલે છે. અમારો ઘણોખરો સમય દાતાઓને સમજાવવામાં અને દાન આપે તે દાતાઓને આવકારવામાં જાય છે.’ સમજાતું નથી કે સરકાર પોતાની સિદ્ધિઓને ગણાવવામાં મસમોટો ખર્ચ કરી રહી છે એ સરકાર શિક્ષણમાં ભરતી કરવાનું કેમ નહીં વિચારતી હોય? સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે શિક્ષણ તો દરિયા જેવું છે પણ આ દરિયામાં શિક્ષકોની ઓટ કાયમ માટે કેમ છે? એમાં ભરતી કેમ આવતી નથી? કદાચ સરકારનો એક છાનો એજન્ડા એવો હોઇ શકે કે આ બધી ગ્રાન્ટેડ સંસ્થાઓ ધીમે ધીમે બંધ થઇ જાય અને માત્ર સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ ચાલે, જેની કોઈ માથાકૂટ સરકાર ઉપર ન રહે. પણ આવું કરી નહીં શકાય. કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જો સરકાર અમલમાં મૂકતી હોય તો એનો અમલ કરવા માટે જે જરૂરિયાત છે એ સરકારે જ પૂરી કરવી પડશે. આદર્શ સંસ્થાઓ તો સરકારની જ હોવી જોઈએ, એ હશે તો રાજ્યના અને કેન્દ્રના શિક્ષણમંત્રીઓ કહી શકશે કે અહીં અમે જે કરી રહ્યા છીએ એવું અમે સેલ્ફ ફાઇનાન્સમાં ઇચ્છીએ છીએ. તમે પણ કરો અને ગુણવત્તાને આગળ વધારો. તમે દરિયા સામે ઉભા હો તો ભરતી આવે તો ઓટ પણ આવે. આ ભરતી અને ઓટ બે કુદરતી સર્જન રૂપે થતી પ્રક્રિયા છે અને આ જ પ્રક્રિયાને આપણે આપણા જીવનમાં પણ અનુસરીએ છીએ. સુખ અને દુઃખની પણ ભરતી અને ઓટ હોય છે. આપણે પૈસાદાર થઈએ કે ગરીબ થઈએ એ પણ ભરતી અને ઓટ હોય છે. પ્રશ્ન એક જ છે કે સરકારી નોકરીઓ ખાલી હોવા છતાં પૂરેપૂરી ઓટની એક મોટી ખીણ હોવા છતાં એમાં ક્યારેય ભરતી આવતી નથી. ખાલી શિક્ષણની જ વાત કરીએ તો આપણને એમ લાગે કે સરકાર કદાચ શિક્ષણમાં ભરતી કરવાનું ઈચ્છતી જ નથી. આંકડાઓ તપાસવામાં આવે તો આંખો પહોળી થઇ જાય. આપણી પાસે TET અને TAT વાળા ક્વોલિફાઈડ શિક્ષકો છે છે, પણ આપણે એમની ભરતી કરતા નથી અથવા તો કરવા ઇચ્છતા જ નથી. સ્કૂલથી લઈને કોલેજો સુધી અનેક જગ્યાઓ લાયબ્રેરીયનની, ફિઝિકલ એજ્યુકેશનના ઇન્સ્ટ્રકટર્સની, શાળાઓમાં અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે બે કે ચાર વર્ગો ભેગા બેસાડીને આપણે અત્યારના ગાડું ગબડાવી રાખીએ છીએ. જગ્યા ખાલી પડે તે ન ભરવી એ શિક્ષકની હોય કે વહીવટી કર્મચારીની હોય એવો સરકારનો રવૈયો સ્પષ્ટપણે દેખાય છે. કોઈ સમજદાર હૈ તો.. ઈશારા કાફી હૈ. { bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...