કુછ દિલને કહા:જ્યારે મીનાકુમારીને હીરોએ 31 વાર સાચે જ તમાચા માર્યા

6 દિવસ પહેલાલેખક: અન્નુ કપૂર
  • કૉપી લિંક

આ વાત છે મીનાકુમારી અને તેમની સાથે થયેલા જાતીય ઉત્પીડનની, જેને આજકાલ આપણે ‘મી ટૂ’ નામથી વધારે સારી રીતે જાણી-સમજી શકીએ છીએ. વાસ્તવમાં ‘મી ટૂ’ અભિયાન ટરાના બુર્ક નામની મહિલાએ આ સદીની શરૂઆતમાં શરૂ કર્યું હતું, પણ જ્યારે એક અમેરિકન અભિનેત્રી અલિશા મિલાનોએ હોલિવૂડના પ્રખ્યાત અને મોટા નિર્માતા હાર્વી વાયંશટાઇન પર જાહેરમાં જાતીય શોષણનો આરોપ મૂક્યો ત્યારે આ અભિયાન વિશ્વવ્યાપી બન્યું. હાર્વી આ પહેલાં પણ અનેક યુવતીઓનું જાતીય શોષણ કરી ચૂક્યો હતો, પણ હોલિવૂડમાં એના પ્રભાવને કારણે કોઇની હિંમત નહોતી પડતી કે કોઇ એના પર આરોપ મૂકો. જોકે 100 ટકા લોકો પોતાની એક્સપાયરી ડેટ સાથે આવે છે અને એ તારીખે આપણી આ દુનિયામાંથી માત્ર શારીરિક રૂપે જ વિદાય નથી થતી, પણ તેમાં આપણા સારા-ખરાબ કર્મો પણ સામેલ હોય છે. જેનું પરિણામ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક ભોગવવું પડે છે. હાર્વી આ વખતે બચી ન શક્યો, કેમ કે મીડિયાએ આ અભિયાનને ઉગ્ર રૂપ આપ્યું અને પછી શું? દુનિયાભરમાં તે આગની જ્વાળાની માફક ફેલાઇ ગયું, કેમ કે મીડિયા ગમે ત્યાંનું કેમ ન હોય, એ આપણા સમાજની બાયપ્રોડક્ટ છે જેનો મુખ્ય વિષય જેને તમે મસાલો પણ કહી શકો છો, તે જોઇતો હોય છે. મીડિયાને એ ખબર છે કે હિંસા અને સેક્સ વેચાય છે અને સામાન્ય પ્રેક્ષકોમાં તેનું આકર્ષણ જોરદાર હોય છે, તેથી ભારતીય મીડિયાએ પણ એને તરત અપનાવી લીધું. તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ‘મી ટૂ’નો આરોપ મૂક્યો. (એવું લાગતું હતું, જાણે ‘મી ટૂ’ કાયદાની કોઇ કલમ કે આચારસંહિતા હોય!) મોટા મોટા સારા જણાતા કલાકારો પણ આમાંથી બાકાત ન રહ્યા. ‘સંસ્કારી બાબુજી’ આલોક નાથ પર વિનિતા નંદાએ ‘મી ટૂ’નો આરોપ મૂક્યો. (અહીં તમને જણાવી દઉં કે વિનિતા નંદા આલોક નાથનાં પત્ની આશુનાં ખાસ બહેનપણી હતાં.) સપના ભવનાનીએ તો મહાનાયકને પણ આમાં સંડોવ્યા. બધાની પોલ વારાફરતી ખૂલવા લાગી. ‘મી ટૂ’ની આ વહેતી ગંગામાં કેટલાકના ખરેખર પાપ બહાર આવ્યાં, તો કેટલીક આદરણીય મહિલાઓએ પણ આમાં પોતાનો લાભ મેળવી લીધો. એક કહેવત છે ને કે, ‘બદનામ હુએ તો ક્યા, નામ તો હોગા.’ એવું પણ સાંભળવા મળ્યું કે જે સમૃદ્ધ હતા, સક્ષમ હતા તેમણે ચૂપચાપ સેટિંગ કરીને બચવાનો પ્રયત્ન પણ કર્યો. સમય પસાર થવા સાથે જેમ જેમ મીડિયાને નવો મસાલો મળવા લાગ્યો, તેમ તેમ ‘મી ટૂ’નો જુવાળ ધીરે ધીરે શમવા લાગ્યો. તો મારા પ્રિય વાચકો, આ વાત તો આ સદીની હતી, પણ મારે વાત કરવી છે મીનાકુમારીની જે જાતીય શોષણના અપમાનને સહન કરતાં રહ્યાં, છતાં મૌન રહ્યાં. 50ના દાયકાના અંત સુધીમાં તો મીનાકુમારી અનેક પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રીઓમાંનાં એક તરીકે પ્રખ્યાત થઇ ગયાં હતાં. એમણે એક મોટા નિર્માતા-નિર્દેશકની ફિલ્મ સાઇન કરી. એ નિર્માતા-નિર્દેશકની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ બોલબાલા હતી. શૂટિંગના પહેલા દિવસે જ એમણે મીનાકુમારીના મેકઅપ રૂમમાં લંચ માટે મોટું ટેબલ મુકાવી દીધું અને સૂચના આપી દીધી કે તેઓ મીનાકુમારી સાથે પહેલા દિવસે એકલા લંચ લેશે જેથી ભોજન દરમિયાન ફિલ્મ અંગે કેટલીક વાતચીત થઇ શકે. લંચ દરમિયાન એ માણસ સાવ બેશરમ થઇને ટેબલ નીચે મીનાકુમારીના પગ પર પોતાનો પગ દબાવીને બેસી ગયો અને મીનાજીનો હાથ પકડી ચુંબન કરવા લાગ્યો. મીનાકુમારી માટે આવી વર્તણુક, આવી હલકટાઇ અસહ્ય હતી. તેથી એમણે બૂમાબૂમ કરી મૂકી. બહાર રહેલા લોકો ચોંકી ગયા અને પછી મીનાકુમારીએ બધાની હાજરીમાં એ નિર્માતા-નિર્દેશકને બરાબરની સંભળાવીને એની આબરૂ ધૂળમાં મેળવી દીધી. મીનાકુમારી આ રીતે પોતાને અપમાનિત કરશે, એની તો પેલા નિર્માતા-નિર્દેશકને કલ્પના જ નહોતી. એ બદમાશ પરિસ્થિતિ પામીને મૂંગો રહ્યો, પણ એણે બધાંની સામે એવો દેખાડો કર્યો કે જાણે આ બનાવ ફિલ્મના કોઇ દૃશ્યનું રિહર્સલ હોય. એ ખૂબ મોટો અને પ્રભાવશાળી નિર્માતા-નિર્દેશક હતો, પૈસાદાર હતો. પરિણામે, આખા યુનિટ સામે એણે જે પ્લાનિંગ બતાવ્યું એને જ સાચું સમજવા સિવાય બીજો કોઇ ઉપાય નહોતો. જોકે અંદરખાને એ બદલો લેવા માટે તરસતો હતો. એને બદલો તો લેવો હતો, પણ કઇ રીતે લેવો તેના વિચારમાં જ એણે પહેલા દિવસનું શૂટિંગ પૂરું કર્યું. જોકે યુનિટના પોતાના ખાસ લોકો દ્વારા બધાને સૂચના જેવી આડકતરી ધમકી પણ આપી દેવામાં આવી કે આ બનાવની ચર્ચા કોઇની પણ સાથે કરી, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવાનું ભારે પડી જશે. એ જમાનામાં મીડિયાનું પણ ખાસ જોર નહોતું તેથી વાત બહુ ચર્ચાઇ નહીં. જોકે એ નિર્દેશક તો બદલો લેવા માટે તલપાપડ હતો. એને મીનાજી સામે બદલો લેવો હતો, તેથી એણે એક કારસો રચ્યો. ફિલ્મના લેખક પાસે એક અલગ સીન લખાવ્યો, જે પહેલાં ફિલ્મની વાર્તામાં નહોતો. સંજોગો એવા ઊભા કર્યાં કે હિરોઇન મીનાકુમારીને ફિલ્મનો હીરો તમાચો મારે છે. આ સીનનું શૂટિંગ થોડા દિવસ પછી રાખવામાં આવ્યું અને આમેય આપણે ત્યાં લોકો કોઇ પણ વાત ઝડપથી ભૂલી જતાં હોય છે. આથી થોડા સમયમાં મીનાકુમારી સાથેના બનાવને યુનિટવાળા ભૂલી ગયાં. આખરે એ દિવસ આવ્યો, જ્યારે એ ખાસ સીન શૂટ થવાનો હતો. હીરોને સ્પષ્ટ સૂચના અપાઇ હતી કે સીન અસલી લાગવો જોઇએ. કેમેરા જે એન્ગલ પર રાખવામાં આવ્યો હતો, તે એન્ગલ પર જો સાચેસાચ તમાચો ન માર્યો હોત તો એ સીન બનાવટી છે એ સ્પષ્ટપણે દેખાઇ જાત. પહેલા શોટમાં હીરોએ જોરથી મીનાકુમારીના ગાલ પર તમાચો માર્યો. મીનાકુમારીના કોમળ ગાલ ચચરી ગયાં, પણ નિર્દેશકને એ તમાચાના શોટમાં મજા ન આવી. આથી ફરી શોટ, બીજી વાર જોરદાર તમાચો. મીનાકુમારીનો ગાલ લાલચોળ થઇ ગયો, પણ નિર્દેશકસાહેબને શોટથી ‘સંતોષ’ થતો નહોતો, મજા નહોતી આવતી અને આમ જોતજોતાંમાં મીનાકુમારીએ તમાચો ખાવાના કુલ 31 ટેક આપવા પડ્યા (31 તમાચા ખાવા પડ્યા). ત્યારે છેક એ નિર્દેશકના રુગ્ણ, વિકૃત મનને શાંતિ મળી. મીનાકુમારી પોતાનાં રૂમમાં ભરાઇ ગયાં અને બારણાં બંધ કરી કલાકો સુધી રડ્યાં. બધા આ કારસાને સમજી ગયા હતા, પણ કાયરતાએ સૌના મન પર કબજો કરી લીધો હતો. મોટા ભાગના હીરોના વાસ્તવિક જીવનમાં પુરુષત્વનો અંશ વધારે નથી હોતો, એ યાદ રાખજો. અપવાદ કાયમ હશે અને હોવાના. મને એ નિર્માતા-નિર્દેશકનું નામ અને એની વિગતોની જાણ છે, પણ એ આજે આ દુનિયામાં નથી અને મીનાકુમારી પણ નથી રહ્યાં. બલરાજ સહાનીએ પોતાની આત્મકથાના અંતમાં વિસ્તૃત રીતે આ અત્યાચારનું વર્ણન કર્યું છે. આ વાત અભિનેતા અનવર હુસેને બલરાજ સહાનીને કહી હતી, જે આ અત્યાચારના નજરે જોનારા સાક્ષી હતા. જાતીય શોષણ પછી મૌન રહેનારી અભિનેત્રીઓમાં એકલાં મીનાકુમારી જ નથી. દિલ પર હાથ મૂકીને કહું તો રેખાને પૂછજો, પૂનમ ઢિલ્લોનને પૂછજો, માધુરી દીક્ષિતને પૂછજો, ડિમ્પલને પૂછજો કે કઇ રીતે મોકો મળતા કહેવાતા હીરો અથવા કેટલાક ઇન્ડસ્ટ્રીના પુરુષોએ રોમેન્ટિક સીન કરવાને બહાને સ્ત્રીના શરીરનો લાભ લીધો છે અને આ માત્ર આપણા દેશની જ વાત નથી. આ સમસ્યા તો દુનિયાભરમાં વ્યાપેલી છે. સ્ત્રી દરેક યુગમાં, દરેક કાળમાં અપમાનિત અને અત્યાચારનો ભોગ બનતી આવી છે અને જ્યારે કોઇ વાર એનો સમય આવે છે ત્યારે એ બદલો લે તો સ્વાભાવિક પણ લાગે છે. આજની દરેક છોકરી ભવિષ્યમાં મા બનવાની છે અને માતા માત્ર પૂજનીય છે. આપણી સંસ્કૃતિમાં તો એમ પણ કહેવાયું છે કે જે શુભ છે, પાવન છે, પવિત્ર છે, તેનું પાલન કરીને જ આપણે આપણી સભ્યતા, સંસ્કૃતિ અને દેશને આકાશની ઊંચાઇએ પહોંચાડી શકીશું. એ જ આશા અને વિશ્વાસ સાથે રજા લઉં છું. જય હિંદ! વંદે માતરમ્! ⬛

અન્ય સમાચારો પણ છે...