મસ્તી-અમસ્તી:લગ્નની ઉજવણી ક્યારે કરાય?

18 દિવસ પહેલાલેખક: રઈશ મનીઆર
  • કૉપી લિંક

ડિસેમ્બર અને જાન્યુઆરી માટે થનાર લગ્નની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. અમારે ત્યાં પણ શાંતિલાલના સાળીના દીકરાના લગ્ન છે. જાહેર ચર્ચાઓ અને ચિંતન શિબિરો દ્વારા શાંતિલાલ ‘સારું અને સસ્તું’ શોધી રહ્યા છે. ‘આજના જમાનામાં લાડી બૂક કરટા પહેલાં વાડી બૂક કરવી પડહે..’ બાબુએ કહ્યું. શાંતિલાલે કહ્યું, ‘વાડીમાં નહીં, પાર્ટી પ્લોટમાં લગ્ન છે!’ ધનશંકરે પૂછ્યું, ‘પહેલાં લગ્ન વાડીમાં થતાં, હવે લગ્ન જે જગ્યાએ થાય છે એને પ્લોટ કેમ કહેવામાં આવે છે? પ્લોટ તો વાર્તાનો હોય!’ બાબુ બાટલી બોલ્યો, ‘માસ્ટર, પ્લોટનો એક મટલબ કાવટરું બી થાય!’ ધનશંકર ભોળાભાવે બોલ્યા, ‘આમાં કાવતરું ક્યાં આવ્યું?’ બાબુ બાટલી બોલ્યો, ‘અઢળક ગુલાબી નોટો ખરચી નાખીને લોકો ખોટા સિક્કાને લગનના બજારમાં વટાવી કાઢતા છે!’ ‘પહેલાં કન્યા સુકન્યા જેવી હતી, વર સુવર જેવા હતા. હવે સમય બદલાયો. કન્યા પણ ખોટા સિક્કા જેવી આવે છે.’ હસુભાઈ હેમિશની સામે ત્રાંસી નજરે જોઈ કહેવા લાગ્યા. બાબુએ પ્લોટપુરાણ ચાલુ રાખ્યું, ‘મારા હાળા કંકોટરી પર લખે ‘અવસર આવિયો આંગણિયે’, ને ઘેરે કે આંગણિયે ટો તો બોલાવે જ ની! ગામની બહાર પ્લોટમાં રાખે. લાઈનમાં ઊભા રે’વ ને આસિર્વાદ આપો. લાઈનમાં ઊભા રે’વ ને પ્લેટ અને પેટ ભરો. હેળ્પ યોરસેળ્ફ અને ભાગો! પેલ્લે જેવી મજા જ ની મલે. પેલ્લે જેવા માંડવા ની રિયા અને પેલ્લે જેવા બારમાના લાડવા હો ની રિયા. લગન મરણ બઢ્ઢું ઈવેન્ટ ઠઈ ચાઇલું.’ મેં કહ્યું ‘આપણી લાઈફ પોતે જ એક અન-ઈવેન્ટફુલ ઈવેન્ટ છે. માણસે એમાં આવા અવસરો ઊભા કરવા પડે!’ ‘પ્લોટની ઝાકઝમાળમાં અને ડિઝાઈનર ડ્રેસમાં તો વરવધુ સ્વર્ગથી ઊતરી આવેલાં દેવી-દેવતા જેવા લાગે!’ શાંતિલાલ બોલ્યા. ‘શણગારવાથી કોઈ સુંદર બનતું નથી. કુદરતી શોભાવાળા પ્લોટને લાઈટો, જાજમ અને પડદાથી કરેલો શણગાર બનાવટી લાગે છે! એવા જ બનાવટી વરવધૂ લાગે છે.’ ધનશંકરે ફરિયાદ કરી. ‘મેકઅપમાં હારા બઢા હરખા જ દેખાય!’ ‘લગ્ન માટે આટલી બધી પળોજણ કેમ? લગ્નને પ્લોટ સાથે શું સંબંધ?’ મેં તક ઝડપીને અંગ્રેજી જવાબ આપ્યો, ‘ઇન અ પ્લોટ, ધેર ઇઝ પ્લેંટી ઑફ રૂમ (જગ્યા) એન્ડ યેટ ધેર ઇસ નો રૂમ (ઓરડો), લગ્નમાં પણ એવું જ હોય છે!’ હસુભાઈએ તંતુ પક્ડ્યો, ‘બંધ વાડીમાં લગ્ન કરવાને બદલે ખુલ્લા પ્લોટમાં જ લગ્ન થવા જોઈએ કેમ કે પ્લોટ ખુલ્લો હોય તો વર કે કન્યા ગમે ત્યાં ભાગી શકે અથવા એટલિસ્ટ લગ્ન પછી કહી શકે કે એ જ દિવસે ભાગી જવું હતું ને પ્લોટ તો ચારે બાજુથી ખુલ્લો જ હતો!’ શાંતિલાલ બોલ્યા, ‘મારા સાઢુભાઈ બે ખોખાં(કરોડ)નો ખરચો કરવાના છે!’ ‘લગનહરામાં રોજ પચાહ પાર્ટી બે-બે ખોખાં ખાલી કરહે!’ ‘કોણ કહે છે ઈકોનોમી ડાઉન છે? લગ્નો જુઓ!’ ‘લગ્નમાં બે ખોખાં ખર્ચીને એક થયેલા અનોખા વર-વહુ વચ્ચે મનમેળ ન હોય તો એ બે આત્માને બદલે બે ખોખાં વચ્ચેના લગ્ન બની રહે છે!’ મેં કહ્યું. ધનશંકર બોલ્યા, ‘આજકાલ છૂટાછેડાનું પ્રમાણ જે ભયજનક રીતે વધી રહ્યું છે, એ જોતાં લાગે છે કે લગ્નોનું પ્રમાણ પણ ભયજનક રીતે વધ્યું જ હશે!’ ‘લગ્ન એટલે.. સોહામણી સગાઈ પછી થોડા દિવસની નવાઈ, પછી શરૂ થાય તવાઈ અને અંતે ભવાઈ!’ બાબુ બાટલી બોલ્યો, ‘આપણા ટાઈમમાં આપને પટી-પટની આખા મહોલ્લાને હંમ્ભળાય એ રીટે લડતા ઉતા, ટો બી જિંદગી હંગાથમાં કાઢી લાખી! હવેના પોયરા બેડરૂમની ચાર ડીવાલમાં જ એવું ચૂપચાપ લડે છે કે ચાર મહિનામાં ટો છૂટાછેડા ઠઈ જાય છે!’ બે ખોખાંના આવી પડનાર ખર્ચથી હેબતાઈ ગયેલા હસુભાઈએ કહ્યું, ‘હું તો હેમિશને કહેવાનો છું કે કોર્ટ મેરેજ કરી લે! ખોટા ખર્ચા કરવા નથી.’ હસુભાઈ ભીષ્મ પિતામહની જેમ પ્રચંડ અવાજે બોલ્યા એટલે પ્રેરણાડીએ આ સાંભળ્યું. એણે કોણીની પોઝિશન એ રીતે બદલી કે હેમિશના પડખામાં ઝાટકો વાગ્યો, ‘હું એવા કોઈ છોકરા સાથે લગન નથી કરવાની જેના બાપા મહા-કંજૂસ હોય!’ ધૂંધવાતો હેમિશ બોલ્યો, ‘પપ્પા, કેવા બાપ છો તમે? તમે મારાં લગનનો ખર્ચો બચાવવા માગો છો?’ ‘હા, ખરેખર તો તારા જનમનો ખર્ચો જ બચાવવાની જરૂર હતી, જેથી આમ જાહેરમાં બાપની સામે ન થાત!’ પ્લોટમાં અચાનક મુગલે આઝમ સર્જાઈ ગયું. વાતાવરણ ગરમ થઈ ગયું. હસુભાઈએ રંગમાં આવી પૃથ્વીરાજ કપૂર જેવી લાલાશ મોં પર ધરી, પ્રેરણાડીના મોં પર અનારકલી જેવા ભાવ તરવરવા લાગ્યા, ત્યાં દુર્ગા ખોટેની જેમ હેમાબેન પધાર્યાં, ‘હેમિશનાં લગ્ન કોઈ પ્લોટમાં નહીં થાય!’ હેમિશનું મોં પડી ગયું. પત્ની તરફથી અણધાર્યો સાથ મળતાં બે કરોડ બચી જવાની લાલચમાં હસુભાઈના હોઠ લચી પડ્યા. હસુભાઈને ઝાટકો આપતા હેમાબહેન બોલ્યાં, ‘હેમિશનાં લગ્ન ઈનડોર સ્ટેડિયમમાં થશે! ચાલીસ હજાર માણસો આવશે! ચાર ખોખાં તૈયાર રાખજો…’ ‘અત્યારે તો નથી વ્યવસ્થા..’ હેમાબહેને છેલ્લો ડાયલોગ માર્યો, ‘ચિંતા ના કરો, હેમિશનાં લગ્નની ઉજવણી લગ્નનાં પાંચ વરસ પછી થશે.’ ‘કેમ?’ ‘ત્યાં સુધી લગન અને વહુ ટકે તો.. ખર્ચ કરીશું!’ ‘હાવ હાચી વાટ છે, જે લગ્ન ટકે એને જ ઉજવવા જોઈએ. ભારતમાં બઢા મા-બાપ આ સુઢારાવાદી રિવાજ અપનાવી લે તો અડધા ખરચા બચી જાય!’ ⬛ amiraesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...