સહજ સંવાદ:જ્યારે હિટલરે સુભાષને કહ્યું : ગ્રેટ!

વિષ્ણુ પંડ્યા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક સરમુખત્યાર બીજાને મળે ત્યારે જે દૃશ્ય સર્જાય તેની કલ્પના થઇ શકે છે, પણ કોઇ સમગ્ર દેશના પ્રતિનિધિ જેનો દેશભક્ત ક્રાંતિકાર બીજા દેશના સરમુખત્યારને મળે ત્યારે શું થતું હશે? 1942ના મે મહિનાનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દુનિયાને ધ્રૂજાવનાર એડોલ્ફ હિટલરને મળ્યા, ત્યારે અજબ માહોલ હતો. હિટલરને મળી શકનારા એ એકમાત્ર ભારતીય નેતા. ગાંધીજીએ પત્ર તો લખ્યો હતો એક વાર, પણ તેનો જવાબ સરખો મળ્યો નહીં. હા, બેનિટો મુસોલિનીને એક વાર ગાંધી મળેલા અને સુભાષબાબુએ તો તે સમયે પોતે લખેલું ‘ધ ઇન્ડિયન પિલગ્રીમેજ’ પુસ્તક પણ આપ્યું હતું. – પણ હિટલર? જર્મનીના હિટલરનો ગઢ. ત્યાં સુધી પહોંચવું આસાન નહોતું. ભારત પ્રત્યે તેમની કોઇ ખાસ સહાનુભૂતિ પણ નહોતી. રિબેનટ્રોપ હિટલર-શાસનનો સૌથી મજબૂત રાજકારણી હતો. હિટલર સુધી સુભાષ અને ભારતના ગમા-અણગમા તેમ જ ક્રિયા-પ્રતિક્રિયાની વિગતો પહોંચાડવાની જવાબદારી તેણે સંભાળી હતી. એ વારંવાર સુભાષને મળતો અને સ્વતંત્રતા માટેના સાર્થક પ્રયાસો માટે મદદરૂપ થતો. ‘ગદર’ પાર્ટીના કેટલાક નેતા – મોહમ્મદ, અજિત સિંઘ, લાભ સિંઘની સાથે મુલાકાત કરાવી આપી. આમાંનો મોહમ્મદ તો ભારે ખતરનાક નીવડ્યો. તેણે એક પત્રમાં ઇટાલિયન-જર્મન નેતાઓને તો ‘સુભાષ કંઇ કરી નહીં શકે, હું જ નેતા છું’ એવો પ્રલાપ કર્યો. એટલું જ નહીં, સુભાષની સાથે પુસ્તકનું કામ કરનારાં એમિલી શેન્કલને ‘જર્મન જાસૂસ’ ગણાવ્યા. આવો જ કડવો અનુભવ ભગતરામ તલવારનો હતો. કાબુલમાં – કોલકાતાથી ભૂગર્ભ પ્રવાસ દરમિયાન – તલવારે જે મદદ કરી તેનું વળતર માગતો હોય તે રીતે એ રશિયન સરકારનો એજન્ટ બનીને જર્મન સત્તાવાળાઓને તેમ જ સુભાષને તેમના ‘હિતેચ્છુ મિત્ર’ તરીકે ગેરરસ્તે દોરવાનો પ્રયત્ન કરતો રહ્યો. 1942ના 29 મેના દિવસે ‘પુરાણા ક્રાંતિકાર’ સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે મુલાકાત થઇ, તેની વિગતો સુભાષને બરાબર યાદ હતી. શિદેઇ તે ઘટનાને રસપૂર્વક સાંભળી રહ્યો. કોઇનેય ભરોસો નહોતો કે હિટલર સાથેની મુલાકાત કેવાં પરિણામ લાવશે? ગોબેલ્સ, રિબેન સ્ટ્રોપ, હિમલર, હિંદુ-મુસ્લિમ સવાલને ઉઠાવનારો મોહમ્મદ શિદેઇ, ‘ઇન્ડિયા ઓફિસ’ના સાથીદારો, જેની હિટલરે પછીથી હત્યા કરાવી નાખેલી તે એડેમ ટ્રોટ… આ તમામની પ્રતિક્રિયા આશંકાના પડછાયા સાથેની હતી આવા સંજોગોમાં હિટલર-સુભાષની મુલાકાત થઇ. હિટલરના મુખ્ય દુભાષિયા અધિકારી પી.ઓ. સ્મિડ્ટની નોંધ પ્રમાણે : 30 મે, 1942. વર્તુળાકાર ટેબલની આસપાસ ખુરશીઓ અને એક છેડા પર હેર હિટલરની ખુરશી, સૂચના મંત્રી ડો. એડમ ટ્રોટ, ઉપનિદેશક એલેક્ઝાંડર બર્થ, સ્ટેટ સેક્રેટરી વિલ્હેમ કેપ્લ, વિદેશમંત્રી રિબેન ટ્રોપ, પ્રચારનિષ્ણાત ગોબેલ્સ અન્ય ખુરશીઓ પર ગોઠવાયા. ભોંયતળિયું લાકડાનું અને દીવાલ પર વિશાળ કદનું ચિત્ર, ઓછાં અજવાળાં… સન્નાટો! સુભાષ સમયસર પહોંચી ગયા હતા. આવ્યો એડોલ્ફ હિટલર. આજે તે ભારતીય રાષ્ટ્રવાદી નેતા સાથે – લાંબા સમય પછી મંજૂરી સાથે – મળવાનો હતો. એ આવ્યો. સૌ સમ્માન માટે ઊભા થયા. પરિચય અર્થે આપ્યો, મિ. સુભાષચંદ્ર બોઝ… ઇન્સાન જટિલ લાગ્યો, પણ તેની ટૂંકી મૂછો નીચેના હોઠ પર આત્મવિશ્વાસ દેખાતો હતો. ચમકતી આંખે તેણે સુભાષ સામે જોયું. પછી કહ્યું : મેં તમારો મુસદો જોયો છે. ‘ધન્યવાદ, માન્યવર!’ ‘માન્યવરની જરૂર નથી. હિટલર જ કહો તો ચાલશે.’ ‘આભાર.’ સુભાષ પાસે તો ઘેરો, રણકતો અવાજ હતો. હિટલર : ‘તમને દેશની આઝાદી માટે મદદ મળશે…’ પછી કહે : ‘પણ જલદી નહીં! સમય લાગશે. પરિસ્થિતિ સમસ્યાગ્રસ્ત છે.’ તેની વાત પણ સાચી હતી. ભારતનો વિચાર પ્રાથમિક જગ્યા લઇ શકે તેમ નહોતો અને સુભાષ ભારત-કેન્દ્રી હતા. ‘આ જ સમય છે જ્યારે ભારત આઝાદ થઇ શકે.’ સુભાષ બોલ્યા. ‘હું જાણું છું.’ ‘આવા સમયે બ્રિટન પર ચોટ લગાવવામાં આવે તો તે ઝૂકી જવા તૈયાર થશે.’ ‘પણ તોયે થોડો વધુ સમય જરૂરી છે…’ કહીને તેણે મિ. ટ્રોટ સામે જોયું. હિટલરને માહિતી હતી કે ટ્રોટ સુભાષની વધુ નજીક હતો. સુભાષ : મિ. હિટલર, હું જાણું છું કે પરાધીન દેશનો હું પ્રતિનિધિ છું. મારે મારા દેશને સ્વાધીન કરવો છે, તેને માટે આનાથી યોગ્ય સમય નહીં મળે. હું સમય ગુમાવવા માગતો નથી… ગોબેલ્સ : તો તમે નાઝીવાદને સ્વીકારીને જર્મન પગલાંને ઉચિત માનો છો? સુભાષ કહે : ભારતની આઝાદી મારો ઉદ્દેશ છે, જેમ તમારો ઉદ્દેશ દુશ્મનોને પરાસ્ત કરવાનો છે. હિટલરે કહ્યું : ‘યુ આર રાઇટ, મિ. બોઝ.’ ‘આભાર ફ્યુહરર હિટલર.’ ‘આભારની જરૂરત ક્યાં છે? આ તો અમારી ફરજ છે…!’ હિટલરનાં આ વિધાનથી સૌ સ્તબ્ધ બની ગયા. શું બાહોશ રાજકારણી સરમુખત્યારે પોતાની ચાલ બદલાવી હતી કે પછી પ્રામાણિકપણે માની રહ્યો હતો, ભારતની આઝાદીમાં? સુભાષ : મારી એક વધુ વિનંતી છે… રિબેન ટ્રોટના ચહેરા પર ગભરામણ પેદા થઇ. સુભાષ શાંત-પણ દૃઢ અવાજે- બોલ્યા : ‘મેન કંમ્ફ’માં ભારત વિશેનું તમારું મંતવ્ય ઠીક નથી... હિટલરે લખ્યું હતું પુસ્તકમાં કે ભારત આઝાદી મેળવવાના પ્રયાસોમાં નિષ્ફળ રહેશે. કોઇ વધુ શક્તિશાળી સૈનિકી-સત્તા જ બ્રિટનને પરાજિત કરી શકે ત્યારે ભારત આઝાદ થઇ શકે. ફરી સૌ સ્તબ્ધ. હિટલરે કહ્યું : મિ. બોઝ, તમે ફૌજી વ્યક્તિ લાગો છો. દેશ તમારી પ્રાથમિકતા છે. તમે કહ્યું તે વિશે જરૂર વિચારીશ અને નિર્ણય લઇશ. બધાના ચહેરા પર ‘હા—શ’ દેખાઇ. સુભાષે ડોકું ધુણાવીને હકારમાં જવાબ આપ્યો. હિટલર ખુરશી પરથી ઊભો થયો. સુભાષની સાથે હાથ મેળવ્યા અને વિદાય આપી. સુભાષ ગયા પછી હિટલરે કહ્યું : ટ્રોટ, આ માણસ માથું ઝુકાવીને વાત કરે તેવો નથી. દુનિયાની આંખમાં ધૂળ નાખીને તે અહીં પહોંચ્યો છે. તેના સ્વરથી ભારતમાં બ્રિટિશરો ખિલાફ સંઘર્ષનો વિસ્તાર થશે. હી ઇઝ નોટ એમ.કે. ગાંધી, હી ઇઝ ચંદ્ર બોઝ! ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...