રણમાં ખીલ્યું ગુલાબ:કબ આ રહે હો મુલાકાત કે લિયે? હમને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે

9 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

‘સર, કોઇ બહેન મળવા આ‌વ્યાં છે. નવા અસીલ લાગે છે. અંદર મોકલું?’ પટાવાળાનો પ્રશ્ન સાંભળીને વકીલ રાહુલ રોકડિયાએ હાથમાંની ફાઇલ ટેબલ પર મૂકી દીધી. પછી એ ખુરશીમાંથી ઊભા થયા. ચાલીને એમની ઓફિસના ડોર સુધી ગયા. હેન્ડલ પકડીને એમણે ડોર ખુલ્લું જ રાખ્યું. પછી બહારના વેઇટિંગ રૂમમાં બેઠેલી યુવતીને ઉદ્દેશીને આવકારભર્યા સ્વરમાં કહ્યું,‘પ્લીઝ! કમ ઇન.’ રાહુલ રોકડિયા શહેરના પ્રતિષ્ઠિત વકીલ હતા. ઉંમરમાં ખાસ મોટા ન હતા પણ દસ વર્ષની પ્રેક્ટિસમાં એમણે વીસ વર્ષ જેટલું કામ અને ચાલીસ વર્ષ જેટલું નામ સિદ્ધ કર્યું હતું. એમની એક ખાસિયત હતી. એમને મળવા માટે કોઇ પણ મુલાકાતી આવે એમાં જે પુરુષ મુલાકાતીઓ હોય એમને તેઓ પોતાની રિવોલ્વિંગ ચેરમાં બેઠાં બેઠાં જ પટાવાળાને સૂચના આપીને અંદર બોલાવી લેતા હતા. મુલાકાતી જો સ્ત્રી હોય પછી ભલે તે કોઇ પણ ઉંમરની હોય, રાહુલ રોકડિયા ક્યારેય આવું કરતા ન હતા. તેઓ સ્વયં ખુરશીમાંથી ઊભા થઇને બારણાં સુધી જતા હતા અને બારણું ઉઘાડીને આગંતુક સ્ત્રીને માનપૂર્વક આવકાર આપીને ઓફિસમાં પ્રવેશવાની વિનંતી કરતા હતા. જરૂરી નથી કે એ સ્ત્રી એમને અસીલ તરીકે જ મળવા આવી હોય, કોઇ ફંડફાળો ઊઘરાવવા આવેલી મહિલાને પણ તે આટલો જ આદર આપતા હતા. એમનો શિષ્ટાચાર આટલેથી પૂરો થઇ જતો ન હતો. જ્યારે મુલાકાતી મહિલા પોતાની વાત પૂરી કરીને જવા માટે ઊભી થાય ત્યારે પણ વકીલસાહેબ સ્વયં ઊભા થઇને, ઓફિસનું ડોર ખોલીને તેને જવા માટે મદદ કરવાનો વિવેક દર્શાવવાનું ભૂલતા ન હતા. આખા શહેરમાં રાહુલ રોકડિયાની શાખ હતી. અલબત્ત, એમની ફી તગડી હતી પણ ચારિત્ર્યની બાબતમાં એ માનસરોવરનાં જળ જેવા પારદર્શક, પવિત્ર અને સ્વચ્છ હતા. ‘મારું નામ રેવતી છે. હું મારો હક મેળવવાની લડાઈમાં તમારો સહકાર પામવા માટે તમારી પાસે આવી છું.’ યુવતીએ પોતાની વાત શરૂ કરી તો કરી પણ એવું કરતી વખતે એના હોઠ ધ્રૂજતા હતા, ગળું જાણે સુકાતું હોય એમ એનો અવાજ સ્પષ્ટ રીતે નીકળતો ન હતો. ઓફિસ એરકન્ડિશન્ડ હોવા છતાં યુવતીના ચહેરા પર પરસેવાનું ઝાકળ બાઝી ગયું હતું. એ પોતાનો કેસ લઈને અહીં આવી તો હતી પણ એની બોડી લેંગ્વેજ કહી રહી હતી કે વકીલ રાહુલ રોકડિયા જેવો બાહોશ વકીલ એનો કેસ લડવા માટે તૈયાર થશે એ વાતમાં એને પોતાને જ વિશ્વાસ ન હતો. ‘પહેલાં તમારી વાત જણાવો, હું કેસની વિગત જાણ્યા વગર કેસ હાથમાં લેતો નથી.’ વકીલ રાહુલે સ્પષ્ટતા કરી લીધી. એમના કેટલાક ખાસ નિયમો હતા. એ ક્યારેય બળાત્કારી પુરુષને પોતાના અસીલ તરીકે સ્વીકારતા ન હતા. ક્યારેય કોઈ લાંચિયા અધિકારીને બચાવવાની પેરવી એમણે કરી ન હતી. કોમી નફરત ફેલાવનાર કે દેશદ્રોહી આતંકવાદીનો કેસ એ ગમે એટલી ફીની ઓફર આવે તો પણ લડતા ન હતા. રેવતીએ આપવીતી શરૂ કરી, ‘સર, મેં લવ મેરેજ કર્યાં હતાં. એ વાતને બે વર્ષ થવા આવ્યાં. લગ્નને બે મહિના માંડ થયાં ત્યાં જ મારા પતિ રૂપેશની અસલિયત દેખાવા માંડી.’ ‘રૂપેશ તમારા હસબન્ડનું નામ છે? શું કરે છે એ?’ ‘રૂપેશ સામાન્ય ગ્રેજ્યુએટ છે, પણ એની વાક્્છટા અને વ્યક્તિત્વથી એ ભલભલાને અાંજી મૂકે છે. આજ સુધીમાં એણે જેટલા પણ જોબ ઈન્ટરવ્યૂઝ ફેસ કર્યા છે એ બધામાં એ સિલેક્ટ થઈ ગયો છે. દર આઠ-દસ મહિને એ એક જોબમાંથી જમ્પ મારીને બીજી જોબ પકડી લે છે. પરિણામે એનો પગાર પણ વધતો રહે છે. હાલમાં રૂપેશ એક જાણીતી મોબાઈલ કંપનીમાં સારા હોદ્દા પર ફરજ બજાવી રહ્યો છે. એની દોઢ લાખ જેવી સેલેરી છે. મારા સસરા પણ ઉચ્ચ સરકારી અધિકારી હતા. એમને પણ તગડું પેન્શન મળે છે. ફેમિલીમાં બીજા કોઈ વાતની કમી નથી. ત્રણ બેડરૂમવાળો બંગલો છે. કાર છે. દરેક મેમ્બર માટે અલગ સ્કૂટર છે. હું પોતે પણ એક પ્રાઈવેટ પેથોલોજી લેબોરેટરીમાં જોબ કરું છું. ઘરમાં અમે ચાર જ સભ્યો છીએ. બીજી કોઈ વાતની ખટપટ નથી, સાસુ-સસરાનો ત્રાસ નથી. નણંદ કે દિયર તો છે જ નહીં.’ ‘તો પછી તકલીફ કઈ વાતની છે?’ વકીલ રાહુલ મુદ્દા પર આવવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા. ‘તકલીફની વાત એ છે કે લગ્નના બે જ મહિનામાં મને સમજાઈ ગયું કે મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. લગ્ન પહેલાંના દિવસોમાં રૂપેશનું મારી પ્રત્યેનું વર્તન કંઈક અલગ હતું. મારી સામે એ એક આદર્શ પ્રેમી તરીકે પેશ થયો હતો. લગ્ન પછી એની અંદર રહેલો પુરુષ બહાર આવી ગયો. એ મૂળભૂત રૂપે સોળમી સદીમાં જીવતા પુરુષપ્રધાન સમાજની વિચારસરણી ધરાવે છે. પત્ની એને મન પતિને રમવા માટેનું રમકડું માત્ર છે. હું દેખાવમાં સુંદર છું, સ્માર્ટ છું, ભણેલી છું, અંગ્રેજી જાણું છું, રૂપેશને આ બધી લાયકાતવાળું રમકડું જ જોઈતું હતું. એના માટે એણે પ્રેમના અભિનયરૂપી કિંમત ચૂકવીને મને ખરીદી લીધી.’ ‘હવે એ તમારી સાથે કેવું વર્તન કરે છે?’ વકીલ રાહુલ રોકડિયાનો આ સવાલ સાંભળીને રેવતી રડી પડી. એની આંખનાં આંસુઓ વીતેલાં બે વર્ષનું બયાન કરી રહ્યાં હતાં. રૂપેશ રેવતીનું વારંવાર અપમાન કરતો હતો. એની પાસેથી ઘરની નોકરાણી જેવાં કામો કરાવવાની અપેક્ષા રાખતો હતો. રેવતીએ શું રાંધવું, શું ખાવું, શું પહેરવું એ બધું રૂપેશની ઈચ્છા પર આધારિત હતું. રેવતીએ થોડાક મહિનાઓ સુધી તો આ બધું સહી લીધું, પણ જ્યારે રૂપેશે ગાળાગાળી કરવાનું શરૂ કર્યું, ત્યારે એની સહનશક્તિએ જવાબ દઈ દીધો. છેલ્લે તો હદ આવી ગઈ. વાત કરતાં કરતાં રેવતીએ રાહુલને પૂછી લીધું, ‘વકીલસાહેબ, બધા પુરુષો આવા જ હોય છે? શું તમે પણ તમારી પત્નીને છેતરીને લગ્ન કર્યાં છે? તમે પણ સ્ત્રીઓ સાથે બેવડું વર્તન કરો છો? મારા જેવી ક્લાયન્ટને ઊભા થઈને આવકાર આપો છો, પણ ઘરે જઈને પત્નીને ગાળો આપો છો? એને માર પણ મારો છો?’ રાહુલે એક પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો. એમણે કડક અવાજમાં કહ્યું, ‘લેટ અસ ટોક એબ્સોલ્યૂટ બિઝનેસ. રૂપેશ તમને મારે પણ છે? તમે એનો માર સહન કરી લો છો?’ ‘ના, મેં વિરોધ કર્યો. મેં એને કહ્યું કે પિયરમાં મારી ઉપર કોઈએ ક્યારેય હાથ ઉપાડ્યો નથી. તો એણે કહી દીધું કે એવું હોય તો નીકળી જા આ ઘરમાંથી, પિયરમાં જઈને રહે.’ મને એણે ઘરમાંથી કાઢી મૂકી. હું એટલા માટે જ તમારી પાસે આવી છું. મારે મારો અધિકાર જોઈએ છે. હું પગલૂછણિયું નથી કે મારી ઉપર એની ગંદકી ઠાલવીને મને ઘરની બહાર ફેંકી દે. હું એને પ્રેમ કરીને એના ઘરમાં આવી છું. એની સ્થાવર-જંગમ સંપત્તિમાં મારો ભાગ છે. તમે મારો કેસ લડશો?’ ‘અવશ્ય. પ્રથમ નજરે જ ઘણા બધા મુદ્દાઓ તમારી તરફેણમાં છે. આપણે લડીશું અને જીતીશું. મારી ફી મોંઘી છે, પણ એ તમે પછીથી ચૂક‌વશો તો ચાલશે.’ અદાલતી ચક્કરો ચાલુ થયાં. રૂપેશે સિનિયર વકીલ દ્વારા રેવતી ઉપર બનાવટી આરોપોનો વરસાદ વરસાવી દીધો પણ રેવતીના વકીલ રાહુલ પાસે દરેક આરોપનો સજ્જડ જવાબ હતો. એક જ વર્ષમાં રૂપેશની હિંમત ખૂટી ગઈ. એના વકીલે અદાલતની બહાર સમાધાન કરવાની વાત સ્વીકારવી પડી. રાહુલ રોકડિયાએ લેખિતમાં વચન માગી લીધું, ‘અમારી અસીલને તમારા પરિવારમાં સન્માનપૂર્વક પરત લેવી પડશે. એને જરા પણ માનસિક કે શારીરિક ત્રાસ નહીં આપવામાં આવે... વગેરે... વગેરે...’ સોળમી સદીના પુરુષે રાતોરાત એકવીસમી સદીમાં આવી જવું પડ્યું. રાહુલે કેસ પત્યા પછી કહ્યું, ‘રેવતી, હવે મારી ફી ચૂકવવાનો સમય થયો છે. હું કહી ચૂક્યો છું કે મારી ફી મોંઘી હોય છે.’ રેવતીએ કંઈક અલગ અંદાજમાં જવાબ આપ્યો, ‘તમારી ફી પાંચ લાખ છે? દસ લાખ? હું તમને એનાથી પણ વધુ ફી આપવા માગું છું. સતત એક વર્ષ દરમિયાન તમને મળતી રહી છું. મને જાણવા મળ્યું છે કે તમે અનમેરિડ છો. હું કેસ તો જીતી ગઈ છું, પણ હું જાણું છું કે રૂપેશના ઘરમાં મને સાચો આદર ક્યારેય મળવાનો નથી. કાયદાના ડરથી એ તૈયાર થયો છે. મારે એવા પુરુષની સાથે પરણવું છે જેના ડી.એન.એ.માં સ્ત્રી જાતિ માટે માન હોય. જે પુરુષ જાતે બારણું ઊઘાડીને અજાણી સ્ત્રીને આવકાર આપે એવા પુરુષની પત્ની મારે બનવું છે.’ રાહુલે સ્મિત કર્યું, ‘રેવતી, હું પણ તમારા પ્રેમમાં પડી ગયો છું. જિંદગીમાં આ મારો પ્રથમ પ્રેમ છે, પણ મારી સાથે લગ્ન કરતા પહેલાં તમારે રૂપેશ સાથે ડિવોર્સ લેવા પડશે.’ ‘હા, હું જાણું છું. એ કેસ પણ હું તમને સોંપું છું. તમે લડશો ને?’ ‘કેમ નહીં? જો ફી પેટે મને રૂપિયાને બદલે રેવતી મળવાની હોય તો હું ના શા માટે પાડું?’ રાહુલની સંમતિ જાણીને રેવતી ખીલી ગઈ. વકીલની ઓફિસમાં રોમાન્સની મીઠી ઘંટડીઓ વાગી રહી. વકીલ રોકડિયાએ બબ્બે કેસની રોકડ ફી ગુમાવીને બદલામાં બે રૂપાળા હાથનો કિંમતી હાર મેળવી લીધો. ⬛drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...