મનનો મોનોલોગ:ડ્રાઈવર રાખવામાં વાંધો શું છે?

21 દિવસ પહેલાલેખક: ડો. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક
  • આ જગતમાં પ્રેમી કરતાંય વધારે દગાખોર આપણી પાંપણો હોય છે. એ ક્યારે મીંચાઈ જશે, એ કોઈ નથી જાણતું

સેલ્ફ-ડ્રાઈવ કરવું એ કેટલાક લોકો માટે આનંદની વાત હોય છે તો કેટલાકની મજબૂરી. માંડ બચત કરીને કે લોન લઈને કાર ખરીદ્યા પછી ફ્યુઅલ અને મેન્ટેનન્સ ઉપરાંત પ્રોફેશનલ ડ્રાઈવર રાખવાનો ખર્ચ મધ્યમ વર્ગને નથી પોસાતો. દર મહિને ડ્રાઈવરને દસથી વીસ હજાર જેટલી રકમ આપી દેવાને બદલે, જો સેલ્ફ-ડ્રાઈવ કરીએ તો એટલી બચત થાય! આવું વિચારીને ઘણા કાર ઓનર્સ ડ્રાઈવર નથી રાખતા. કેટલાક એટલા માટે નથી રાખતા કે એમને ડ્રાઈવરની જરૂર જ નથી જણાતી. તેમને કાર ચલાવવામાં એટલો બધો આનંદ આવતો હોય છે કે જો તેઓ ડ્રાઈવિંગ-સીટ પર ન બેઠા હોય, તો કંટાળી જાય. તેઓ કલાકો સુધી થાક્યા વિના પૂરી એકાગ્રતાથી ડ્રાઈવ કરી શકે. કેટલાક લોકોને ડ્રાઈવર પર ભરોસો નથી હોતો, તો વળી કેટલાકને પ્રાઈવસી છિનવાઈ જવાનો ડર સતાવે છે. કેટલાકને એવું લાગે છે કે કોઈ પ્રોફેશનલ ડ્રાઈવર કરતાં તો પોતે વધારે સેફ ચલાવે છે. તો કેટલાકને કોઈ અન્ય વ્યક્તિ પર ડિપેન્ડન્ટ રહેવું નથી ગમતું. ડ્રાઈવર ન રાખવાના દરેકનાં અંગત કારણો હોય છે. એન્ડ ધેટ્સ ઓકે. જેઓ કાર ખરીદી શકવા જેટલા સક્ષમ હોય, તેઓ એ કાર ચલાવવા જેટલા સમર્થ તો હોય જ ને! કેટલાકને રસ્તાનો નશો હોય છે, તો કેટલાકને મંજિલનો. સેલ્ફ-ડ્રાઈવ કરીને કોઈ પોતાના ખિસ્સાને સલામત રાખે છે, તો કોઈ પોતાના અહંકારને. ‘કેમ? હું પોતે ડ્રાઈવ નથી કરી શક્તો?’ આ એક જ સવાલમાં અનેક સમસ્યાઓ રહેલી છે. સૌથી પહેલી સમસ્યા, અહંકાર. મારી હાજરીમાં મારી કાર કોઈ અન્ય વ્યક્તિને ચલાવવા આપવી પડે, તો મારી ડ્રાઈવિંગ સ્કિલ કે કોન્ફિડન્સ સામે સવાલો ન થાય? બીજી સમસ્યા, અસલામતી. કોઈ સાવ અજાણી વ્યક્તિના હાથમાં સ્ટીયરિંગ સોંપી દઈએ, તો રિસ્ક વધી ન જાય? ત્રીજી સમસ્યા, લઘુતાગ્રંથિ. સેલ્ફ-ડ્રાઈવ કરીને જઈએ તો જ વટ પડે. ટૂંકમાં, જેમની સેલ્ફ-વર્થ અને સ્વમાન તેમની ડ્રાઈવિંગ સ્કિલ્સ સાથે જોડાયેલું હોય, તેઓ અડધી રાતે હાઈ-વે પર ઝોકાં ખાશે પણ ડ્રાઈવર નહીં રાખે. મહત્ત્વનો મુદ્દો એ છે કે કાર આપણી સુવિધા વધારવા માટે હોય છે, આપણો ઈગો નહીં. દિવસભરના કામ, થાક કે ઉજાગરા પછી લાંબી મુસાફરી દરમિયાન શરૂ ગાડીએ ફક્ત એક ક્ષણ માટે પણ જો પાંપણ મીંચાઈ જાય, તો શક્ય છે કે પછી એ ક્યારેય નહીં ખૂલે. ‘ટોટલ લોસ’માં ગયેલી કાર સાથે આપણે કોઈ અજાણી સડકના કિનારે પડ્યા હોઈશું અને ઘરે સ્વજનો આપણી રાહ જોતા રહી જશે. ‘પાંચમની છઠ નથી થવાની’ એ વાત તો સાચી. પણ સાથે એ જોવાની આપણી જવાબદારી છે કે પાંચમની ચોથ તો ન જ થવી જોઈએ. ગમે તેટલા સારા ડ્રાઈવર હોઈએ, હકીકત એ છે કે આપણી ઊંઘ પર આપણો કાબૂ નથી હોતો. આ જગતમાં પ્રેમી કરતાંય વધારે દગાખોર આપણી પાંપણો હોય છે. એ ક્યારે મીંચાઈ જશે, એ કોઈ નથી જાણતું. અને માટે જ કોઈ લાંબી મુસાફરી પર નીકળ્યા હોઈએ ત્યારે એક હમસફરને સાથે રાખવો. એ રાતનું અંધારું હોય કે દિવસનું અજવાળું, સૂમસામ રસ્તા પર પુરપાટ ઝડપે જઈ રહ્યા હોઈએ ત્યારે એ. સી.ની ઠંડક કે મધુર ગીતોના અવાજ કરતાં વધારે ઘેન એકલતાનું ચડતું હોય છે. એ કામનું ટેન્શન હોય કે પારિવારિક ઝઘડા, ઈમોશનલ ડિસ્ટર્બન્સ હોય કે થાક, ધ્યાનભંગ કરવા માટે એક ક્ષણ જ પર્યાપ્ત હોય છે. દરરોજ ન રાખીએ તો કંઈ નહીં, પણ જ્યારે કોઈ લાંબી અને થકવી દેનારી મુસાફરી પર નીકળ્યા હોઈએ ત્યારે સહાયકને સાથે રાખવા એ નબળાઈ નહીં, સમજદારી છે. એનાથી બે ફાયદા થશે. કોઈ અન્યના ઘરને ટેકો મળી જશે અને આપણું પોતાનું ઘર ઉજ્જડ થતા બચી જશે. આફ્ટરઓલ, એક સારથિનું મહત્ત્વ આપણે ક્યાં નથી જાણતા! ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...