તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારોના વૃંદાવનમાં:તાલિબાન પહેલાંનું અફઘાનિસ્તાન કેવું હતું? અફઘાનિસ્તાન અને હેમા માલિની વચ્ચેનો સંબંધ!!!

22 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનનાં પપ્પા-મમ્મી માટે દીકરી તો વહાલનું સરોવર જ છે. પુષ્પ જેવાં બાળકો ખીલી શકે અને ચીમળાઇ પણ શકે

તાલિબાનનું શાસન લગભગ ગઇ સદીના અંતભાગે શરૂ થયું. તે પહેલાંનું અફઘાનિસ્તાન કેવું હતું? તાલિબાની કુશાસન બીજી વાર શરૂ થાય તે પહેલાંનું અફઘાનિસ્તાન કેવું નોર્મલ હતું, તે જાણવું રસ પડે તેવું છે. એ અસલ અફઘાનિસ્તાન કેવું હતું? જવાબમાં અફઘાનિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સમાં પાંચ વર્ષ એકાઉન્ટન્ટ તરીકે 1992 સુધી કામ કરતી યુવતીની વાત સાંભળવા જેવી છે. એ યુવતીનું નામ ક્વાડ્્સિયા હેવાડપાલના શબ્દો સાંભળો : અમે લોકો પેન્ટ અને શર્ટ પહેરતાં. કેટલીક છોકરીઓ તો મિનિ સ્કર્ટ પણ પહેરતી. કોઇ આંખ ઊંચી કરીને જોતું પણ નહીં. અમારા દરજીઓ પેરિસથી મેળવેલાં આલ્બમો બતાવીને અમારા પોશાકની સ્ટાઇલો નક્કી કરતા. આખા અફઘાનિસ્તાનમાં માત્ર દસ ટકા જેટલી સ્ત્રીઓ બુરખો ઓઢતી. એ સ્ત્રીઓ ઘરડી હતી અને ગામડાંમાં રહેનારી હતી. (આ જ કટાર, તા. 21-10-2001માંથી) જાણી રાખવા જેવું છે કે : ‘હેમા માલિની અફઘાનિસ્તાનમાં સૌથી લાંબા સમય સુધી લોકપ્રિયતા જાળવી રાખનારી અભિનેત્રી હતી. હજ કરીને પાછા આવેલા ઉંમરલાયક હાજીઓ ચાલુ ફિલ્મે થિયેટરની નજીક આવેલી મસ્જિદમાં જઇને નમાજ પઢી લેતા અને પછી હેમા માલિનીને પડદા પર જોતા રહેતા! ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન તથા રાજેશ ખન્ના પણ ખાસા લોકપ્રિય હતા.’ (કાબુલ પ્રાંતમાં મિરબાયકોટ જિલ્લાના મેયર રહી ચૂકેલા અને તત્કાલીન નિરાશ્રિત એવા ગુલામ મર્દુમીના ઇન્ટરવ્યૂના આધારે, ‘India Today’, તા. 8-10-2001). આજે શી સ્થિતિ છે? જીવન સસ્તું અને મૃત્યુ મફત! વર્ષ 2001-2002ના અરસામાં ટીવી પર એક દૃશ્ય જોવા મળેલું. અફઘાનિસ્તાનનો કોઇ વિજયોત્સવ મનાવવા ફળિયાની વચ્ચે ‘બંદૂકનૃત્ય’ કરી રહ્યો હતો. હાથમાં બંદૂક રાખીને એ માણસ નાચતો જાય અને વચ્ચે વચ્ચે ભોંય પર નાળચું રાખીને ધડાકા કરતો જાય. જ્યારે બે પગ પર ઊભેલા જાનવરોનું શાસન ખતમ થશે, ત્યારે એક જ પ્રશ્ન સતત માનવજાતને કનડતો રહેશે : શું જોઇએ? બંસરી કે બંદૂક? કહેવાતા કટ્ટરપંથી તાલિબાનો કાયમ અસલી બાબતનો (શરિયાનો) આગ્રહ રાખનારા છે. એમને પૂછવું જોઇએ કે તમે તલવાર જેવી અસલી ચીજ છોડીને બંદૂક અને રોકેટ લોન્ચર જેવાં અદ્યતન શસ્ત્રો શી રીતે સ્વીકારી શકો? માણસોનો કચ્ચરઘાણ કાઢવામાં તમને આધુનિક બનવામાં વાંધો કેમ નથી? તમારા પવિત્ર ગ્રંથમાં ક્યાંય બંદૂકનો ઉલ્લેખ છે? તમે મોહબ્બતના ક્ષેત્રે જૂનવાણી છો, પરંતુ કત્લેઆમની બાબતે કે આતંકવાદ ફેલાવવામાં આટલા આધુનિક કેમ છો? કોણ કહે છે કે તમે જૂનવાણી છો? અરે! મૃત્યુના ક્ષેત્રમાં તમે આધુનિક છો, પરંતુ જીવનના ક્ષેત્રમાં તમે જબરા જૂનવાણી કેમ છો? મને પાકી ખાતરી છે કે અફઘાનિસ્તાનમાં ફળિયે ફળિયે વર્ષ 2050-60ના ગાળામાં યુવક-યુવતીઓ રમઝટ બોલાવતાં હશે. એ કમનસીબ દેશની નારીશક્તિ જાગે એટલી જ વાર છે! સદીઓથી દુનિયા બે વિભાગોમાં વહેંચાઇ ગઇ છે : (1) બંસરી કલ્ચર (2) બંદૂક કલ્ચર. માનવીય ઝંખના કદી પણ ક્રૂરતા ન હોઇ શકે. ક્રૂરતાનું ખરું મારણ પ્રેમ છે. પ્રેમ જ મૂળભૂત માનવીય ઝંખના છે. વિનોબાજીની ભૂદાન પદયાત્રા ગુજરાતમાં પ્રવેશી ત્યારે એમના સત્યપૂત શબ્દો સાંભળવા મળ્યા હતા : ‘સમાજ બેબંદૂક હોના ચાહિયે.’ શું આવું શક્ય ન હોઇ શકે? આજે માનવાનું મન ન થાય, પરંતુ પાગલ જણાતી દુનિયા એ જ દિલમાં છે. આવી પ્રતીક્ષા પણ પ્રાર્થના જ ગણાય. આસુરી શક્તિઓ જ આખરે હારે છે. કાલદેવતાનું નૃત્ય નિરંતર ચાલતું જ રહે છે. અફઘાનિસ્તાનનાં પપ્પા-મમ્મી માટે પણ દીકરી તો વહાલનું સરોવર જ હોય છે. ત્યાં જન્મેલા માસૂમ બાળકની નિર્મળ આંખોમાં આજે પણ એક જ વાક્ય વાંચવા મળે છે : ‘અમને લાડ આપો, લડાઇ નહીં.’ પુષ્પ જેવાં બાળકો ખીલી પણ શકે અને ચીમળાઇ પણ શકે. ઉત્તર અફઘાનિસ્તાનવાળો પ્રદેશ કંબોજ તરીકે ઓળખાતો હતો. એ પ્રદેશ ઉત્તમ ઘોડાઓ અને શાલ માટે વિખ્યાત હતો. કાબુલ નદીની ઉત્તરે આવેલો વિસ્તાર કપિશા તરીકે ઓળખાતો હતો. મહાન વૈયાકરણી પાણિની એ વિસ્તારને ‘કાપિશી’ કહેતા. ભારત અને ઇરાન વચ્ચેનો વિસ્તાર ગાંધાર તરીકે જાણીતો હતો. એ વિસ્તાર કાબુલ નદીને કિનારે તથા ખોસપસ (કુનાર) અને સિંધુ નદી વચ્ચે પથરાયેલો હતો. એ પ્રદેશની રાજધાનીનું નામ પેશાવર (પુરુષપુર) હતું. આજના ઇસ્લામાબાદથી થોડેક દૂર વાહ ગામની નજીક તક્ષશિલા વિદ્યાપીઠ હતી, જ્યાં વિષ્ણુગુપ્ત ચાણક્ય અભ્યાસ માટે ગયો હતો. તાલિબાનોએ (બામિયાનમાં) ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તોડી નાખી હતી. એ વિસ્તારના મુસલમાનો એ પ્રતિમાને પ્યારથી ‘બુદ્ધમામા’ કહેતા. જંગલી જાનવરોને આ વાત ક્યાંથી સમજાય? ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી, ગાંધાર (કંદહાર) દેશના રાજા સુબલની દીકરી હતી. આજનું કંદહાર એ જ તો ગાંધારીનું પિયર અને અંધ રાજા ધૃતરાષ્ટ્રનું સાસરું! દુર્યોધનનો મામો શકુનિ જુગાર રમવામાં કપટયુક્ત ચાલાકી માટે જાણીતો હતો. અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર હતો. અશ્વત્થામા પાસે બ્રહ્માસ્ત્ર હતું તેથી કૃષ્ણને ભારે ચિંતા રહેતી. બોલો! તાલિબાનોના હાથમાં અણુ બોંબ આવી જાય તો શું થાય? વ્યર્થ હિંસા પર ઉતરી આવનારા તાલિબાનો તો બે પગ પર ઊભેલાં જાનવરો જેવા છે. આજના અફઘાનિસ્તાનમાં માનવતા અને જાનવરતા વચ્ચે જંગ ચાલી રહ્યો છે. પાકિસ્તાન તાલિબાનોની સફળતાથી ખુશ છે, પરંતુ આતંકવાદનો ભસ્માસુર આખરે પોતાના માથે જ હાથ મૂકીને ખતમ થશે. સ્ત્રી-પુરુષોની ઝંખના અંતે તો પ્રેમની જ હોય છે. ઝંખના સાથે સામૂહિક કતલનો મેળ નથી પડતો. પ્રેમની ઝંખના મુલ્લાઓને પણ નથી છોડતી. ઝંખના સાથે બંદૂકનો મેળ કદી ન પડે, પરંતુ બંસરી સાથે જરૂર પડે. મહાભારતના યુદ્ધમાં શકુનિ માદ્રીપુત્ર સહદેવને હાથે હણાયેલો. અફઘાનિસ્તાને દુનિયાને એક એવા મહામાનવની ભેટ ધરી, જેને લોકો જલાલુદ્દિન રુમી તરીકે ઓળખે છે. એ મહામાનવનો જન્મ ઇ.સ. 1207માં અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં થયો હતો. છેક નાની ઉંમરે મોંગોલ જાતિના લોકોએ હુમલા કર્યા તેથી એમના પરિવારે બલ્ખ છોડવું પડેલું. એમનો પરિવાર ટર્કી દેશના કોનિયા નગરમાં જઇને સ્થિર થયેલો. કોનિયા જવાનું બન્યું ત્યારે સંત રુમીસાહેબની દરગાહની મુલાકાત લેવાનો મોકો મને પ્રાપ્ત થયો હતો. એ દરગાહ પર મેં ત્રણ કલાક પ્રાર્થના-ધ્યાનમાં ગાળ્યા હતા. એમના શબ્દો હૃદયને શાંતિ અને શીતળતા આપનારા છે. શું તાલિબાની કટ્ટરતા જલાલુદ્દિન રુમીની વાત કદી પણ નહીં સમજે? સમય લાગશે, પણ રાહ જોવા જેવી ખરી! આમીન. ⬛ }}} પાઘડીનો વળ છેડે મૂર્ખ લોકો મસ્જિદનો આદર તો કરે છે, પરંતુ જેમનાં હૃદયમાં અલ્લાહ વસે છે, તેમને ખતમ કરે છે. મસ્જિદ તો દુન્યવી બાબત છે, પણ આ હૃદય તો ખરેખરી બાબત છે. આથી મસ્જિદ એટલે બીજું કાંઇ નહીં, પણ આધ્યાત્મિક સમ્રાટોનું હૃદય! સંતો અને ફકીરોની ભીતર પડેલી ચેતના એ જ ખરી મસ્જિદ અને એ જ આપણી ઇબાદત! અલ્લાહ ત્યાં હોય છે. - જલાલુદ્દિન રુમી (‘રુમી ડી-લાઇટ’ પુસ્તક, પાન-176) Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...