તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્કાઉન્ટર:સારી પત્ની મેળવવા ક્યું વ્રત કરવું જોઇએ?

2 મહિનો પહેલાલેખક: અશોક દવે
 • કૉપી લિંક

⬛ આ રાહુલ ગાંધી ‘પપ્પુ’ પાસ ક્યારે થશે? -દર્શ ત્રિવેદી, રાંદેર રોડ-સુરત -એમને નાપાસ કરનારાઓ બધા એમને છોડવા માંડ્યા છે. ⬛ બ્રાહ્મણો વિશે શું માનો છો? -રાજેશ કિશોરચંદ્ર વ્યાસ, જામનગર -શાસ્ત્રોએ પણ અધિકૃત જાહેર કરેલી હિંદુઓની નંબર-વન જ્ઞાતિ છે. ⬛ કોંગ્રેસ પાર્ટી જાતે ક્વોરેન્ટાઇન થઇ છે કે, પ્રજાએ કરી છે? -કે. એસ. શાહ, ભાવનગર -પ્રજા એટલી કમઅક્કલ નથી. ⬛ માસ્કને ગુજરાતીમાં શું કહેવાય? -સાગર ચૌહાણ, સુરેન્દ્રનગર -મોઢાંની ચડ્ડી. ⬛ સરકારના કોલર ગોલ્ડ-ફિલ્ડમાં તમારું ટેન્ડર પાસ થઇ જાય તો કેટલું સોનુ ઘેર લઇ જશો? -જ્ઞાનદેવ બ્રહ્મભટ્ટ, મણિનગર, અમદાવાદ -હા, પણ પછી સરકાર મને એના ઘેર લઇ જાય ને? તમે ત્યારે જઇ ખાવ. ⬛ સરકારે તમારું સ્ટેચ્યુ મુકાવવાનું નક્કી કરે તો ક્યું સ્થળ પસંદ કરો? -ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ -એકે ય નહીં . સ્ટેચ્યુઓ ઉપર ચકલાં ચરકતાં હોય છે. ⬛ ‘હમ નહીં સુધરેંગે’ના સ્વભાવવાળા સાથે કેવી રીતે કામ પાર પાડવું? -પ્રબોધ જાની, વસઇ-ડાભલાજી મહેસાણા -વાઇફની સલાહ લો. ⬛ તમને ચંદ્ર પર જવાની ઈચ્છા થાય ખરી? -ઓમ જોશી, હિંમતનગર -બીક લાગે. મારી સાસુ વર્ષોથી ત્યાં પહોંચી ગઇ છે. ⬛ મોટા ભાગના એન્કાઉન્ટરો ઉપજાવી કાઢેલાં હોય છે. તમે શું માનો છો? -સંદીપ ક્રિસ્ટી, મણિનગર-ઈસ્ટ, અમદાવાદ -તમે ‘ મોટા ભાગના..’ લખ્યું, એ બરોબર છે. ⬛ મારા સવાલનો બીજી વાર વારો ક્યારે આવશે? -તૃપ્તિ ચાવડા, રાજકોટ -આ પૂછ્યું, એ ‘તૃપ્તિ ભાગ- બીજો’ હતો? ⬛ તમને વધારે શું મળે છે? ઈ મેઇલ કે પોસ્ટર્ડ? -ફિરોઝ હાફેઝી, બિલીમોરા -બસ. મની ઑર્ડર સિવાય બધું જ! ⬛ તમને આજ સુધી કેટલા એવોર્ડ્ઝ મળ્યા છે? -રાકેશ જણસારી, પાલનપુર - બસ એક, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ. ⬛ ‘ઈન્કાર પસંદ હૈ, ઈન્તઝાર નહિ’. આવું તમે ક્યારેય બોલ્યા છો? -હરેશ લાલવાણી, અમદાવાદ - ત્યાં પહોંચ્યા પછી બોલવામાં ટાઇમ ન બગાડાય! ⬛ હાર્યો જુગારી બમણું રમે, તો જીત્યો જુગારી? -હર્ષ સ્નેહલભાઈ હાથી, ગોંડલ - કોની સાથે રમે? ⬛ તમે મારું એનકાઉન્ટર નહીં કરી શકો. બોલો કેમ? -આનંદ વી.દ વે, ભુજ-કચ્છ - પહેલેથી પતી ગયેલા કેસોના એન્કાઉન્ટર ના થાય. ⬛ કોરોનાની સલાહો હવે આખા ભારતમાં પહોંચી ગઇ છે. કોલર-ટ્યુનમાંથી હવે એનો ત્રાસ ન જાય? -રત્નાકર નાગર, બોટાદ અને અનિશ મલેક, બોટાદ - હું સહમત છું તમારી વેદના સાથે. સરકારે હવે કોઇ 5-6 સેકન્ડની ટ્યુન મૂકવી જોઇએ. ⬛ તમે મારા સવાલનો જવાબ કેમ આપતા નથી? -હિનલ પટેલ, વસ્ત્રાલ, અમદાવાદ - ક્યો સવાલ? ⬛ ‘બા ખીજાય’ , એમ તમે કેમ લખો છો? -પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ -આજે એ 92-વર્ષની ઉંમરે ય ખીજાતી હોય છે. ⬛ હોલિવૂડની ફિલ્મોમાં ગીતો કેમ નથી હોતાં? -કરણ સુતરિયા, અમદાવાદ - એમને ત્યાં સસ્તા ભાવે મગજનું દહીં મળતું નથી. ⬛ ડોનાલ્ડ ટ્રમ્પનું શું લાગે છે? -પ્રતીક ધર્મેન્દ્ર નથવાણી, જામનગર - મને જે લાગે છે, એ ત્યાંની પ્રજાને લાગવું જોઇએ ને! ⬛ પરમેશ્વરનો ફોન નંબર હોય તો આપશો? -આકાશ અડવાણી, ભાવનગર - આજના ‘દિવ્ય ભાસ્કર’માં એક જગ્યાએ છપાયો છે. મહેનત કરો અને શોધી કાઢો. ⬛ તમને પૃથ્વીલોકનું દુ:ખ ગમે કે સ્વર્ગનું સુખ? -ચંપકસિંહ રાજ, વડોદરા - તમે આંટો મારી આવો પછી મારી સાથે શેર કરજો. ⬛ મારે તમારા જેવું બનવું છે, શું કરવું? -મનીષ ડોડિયા, વાપી-વલસાડ - મા-બાપનું જીવનભર સન્માન કરવું. ⬛ તમે ‘દૂરદર્શન’ કે અન્ય ટીવી પર ‘લાઇવ પ્રશ્નોત્તરી’ રાખો તો? -નરેન્દ્ર મોઢ, અમદાવાદ -આ ચાલુ રાખવી કે જે શી ક્રસ્ણ કરવું? ⬛ લોકડાઉનમાં સૌથી વધારે ફાયદો કોને થયો? -ફોરમ પટેલ, મહેસાણા -જેમને કોરોના નથી થયો, એમને. ⬛ તમારા મતે શાળા-કોલેજો ક્યારે ખૂલવી જોઇએ?-હાર્દિક સાકરિયા, બાબરા-અમરેલી -સવારે. ⬛ સોના-ચાંદીમાં સેલ કેમ નથી આવતું? -દેવાંગ વ્યાસ, ઘોડાસર-અમદાવાદ -સેલવાળા ગ્રાહકો સોનુ-ચાંદી નહીં, ચણિયા-ચોળી લેનારા હોય. ⬛ જો બીડેનને બદલે ટ્રમ્પની સામે તમે ઊભા હોત તો?-વિનોદ ચૌધરી, જૂનાગઢ -ટ્રમ્પનો ટેસ્ટ આટલો બધો ઊંચો ન હોય! ⬛ મિલકતમાં દીકરા-દીકરીના સમાન હકના ઐતિહાસિક ચુકાદા વિશે શું માનો છો? -અમરીશ ડી.મહેતા, અમદાવાદ -આપણા સાહિત્યકારોના હાથમાં કલમ આવી એટલે ભારે લાગણીવેડા બતાવીને ‘દીકરી વહાલનો દરિયો’નાં ગાણાં ગાયે રાખે. અરે ભ’ઇ, દીકરો ય એટલો જ મૂલ્યવાન છે. બંનેની સરખામણી જ ન હોય! ⬛ મારે ય તમારા ‘એનકાઉન્ટર’નો બિઝનેસ શરૂ કરવો છે. શું કરું? -કૃણાલ પ્રજાપતિ, કડિયાદરા-ઈડર -વિચારોની મોટી ફેક્ટરી નાખો. ⬛ રાબ અને શરાબમાં કેટલો ફેર? -પ્રવીણ મહેતા, કેશોદ -રાબના રવાડે ચઢી ગયેલાને ‘રાબી’ ન કહેવાય! ⬛ ખીણમાં વસતા ભારતીય ગ્રામવાસીઓ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા કેમ નથી લગાવતા? -હરિરામ કેયણાભાઈ નાયી, બનાસકાંઠા -લગાવે છે, પણ બનાસકાંઠા સુધી સંભળાય નહીં ને! ⬛ ટ્રેનમાં ‘તત્કાલ ટિકિટ’ની વ્યવસ્થા હોય છે, એવી તત્કાલ જવાબ મેળવવા માટે ‘એન્કાઉન્ટર’માં વ્યવસ્થા કેમ નહીં? -કૌશિક શાંતિલાલ શાહ, ભાવનગર -તમને તો આ આઠમી સેકંડે જવાબ મળી ગયો! ⬛ શાળાઓ ખૂલવી જોઇએ કે નહિ? -ધીમંતકુમાર ભાવસાર, બડોલી-ઈડર -ના. ‘એન્કાઉન્ટર’ ‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે. સરનામું: ‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015 ઈ-મેઇલ: ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો