સ્ટોરી પોઈન્ટ:હવે શું કરવું?

એક મહિનો પહેલાલેખક: માવજી મહેશ્વરી
  • કૉપી લિંક

રેવાનું ભરાયેલું, હિલ્લોળાતું શરીર, મંગળસૂત્રનું પેન્ડન્ટ બરાબર ત્યાં જ, જ્યાં નજર ચોરીને જોવું ગમે એવી સુરેખ આકૃતિ બનતી હતી. ‘નાનકી તું ઘરે આવજે હોં, ઓહ! સોરી પૂજા. તને નાનકી જ કહેવાઈ જાય છે. કાકી હવે આના માટે કો’ક પાતળિયો કંથ શોધો’ કહીને રમણનું જોઈ રહેવું. તે વખતે ‘તમેય શું જેમ તેમ બોલી નાખો છો. મારી બહેનને જેવી તેવી ન સમજતા હોં.’ એવું કહીને રેવાનું રમણનો ટેકો લઈ બાઈક પર બેસવું. બેસવાનીય એક ચોક્કસ છટા. હોઠ રમણના ગળાને અડે તે રીતે કમરમાંથી વળ ખાતું રેવાનું શરીર. રમણનું બાઈકને દોડાવી મૂકવું. પછી મમ્મીના ચહેરા પર કશોક અપરાધભાવ લીંપાઈ જવો. ગેટનો પિલ્લર પકડી ઊભી રહી ગયેલી પૂજા ઉર્ફે નાનકીની આંખો સામેથી થોડી વાર પહેલાંનાં દશ્યો સ્લો મોશનમાં પસાર થયાં. એનું નામ પૂજા હતું, પરંતુ પરિવારમાં સૌથી નાની એટલે એના દાદાએ ‘નાનકી’ નામ આપ્યું. દાદાએ કયા ચોઘડિયામાં એને નાનકી નામ આપ્યું, કે પૂજા ઉર્ફે નાનકી મોટી જ ન થઈ. જે ઉંમરે છોકરીઓ હિલ્લોળાતી તળાવડી જેવી લાગે એ ઉંમરે પૂજા ખેતર ઊભેલા જુવારના રાડા જેવી દેખાતી. હવે તેને પાંત્રીસ વર્ષ પૂરાં થવાં જાય છે. રોજ એક દિવસ ઊગે, ઊગીને આથમે. આથમીને રાતમાં ફેરવાય. પૂજા ક્યારેક વિચારે કે આ રાત શા માટે પડતી હશે. પડે તો ભલે પડે, પણ... આગળનું વિચારવું પૂજા માટે અસહ્ય બની જાય. ચીડાયેલી પૂજાને કોલેજકાળ યાદ આવે. એ ટેબલ પાસે ખુરશી ખસેડી બેસે. લેટરપેડ કાઢે. પૂજા માને છે કે વેદના કાગળ પર ઊતરવી જ જોઈએ. એ માટે પૂજા કવિતાઓ લખે. ક્યારેક છપાય પણ ખરી. પોતાનાં છપાયેલાં નામને જુએ ત્યારે જ પ્રશ્ન થાય કે આ શબ્દો સમજે છે કોણ? પૂજા એની જ્ઞાતિમાં વધુ ભણેલી છોકરી ગણાય છે. એવુંય નથી કે પૂજાને કોઈ જોવા નથી આવ્યું. પૂજાની સરકારી નોકરી જોઈને આવનારા પૂજાને નથી ગમ્યા. તો હેન્ડસમ યુવાનોને સાંઠીકડાં જેવી પૂજા ગમી નથી. એને ક્યારેક પોતાના દાદા પર ચીડ જાગે છે. પૂજાનો વલોપાત ક્યારેક કવિતાનાં નામે કોરાં પાનાં પર રેલાય છે. ઘરમાં પાછી વળેલી પૂજા આજે કવિતાને બદલે વાર્તા લખી નાખે તો નવાઈ જેવું નથી. આમ તો પૂજાને ખબર છે કે આ રમણ હવે પહોળો પહોળો થઈને ફરે છે, પણ કોલેજમાં ‘રમણ બીડી’ તરીકે ઓળખાતો. એ બીડીઓ વધારે પીતો એટલે એનું નામ ‘રમણ બીડી’ પડી ગયું હતું. બેય એક જ જ્ઞાતિના એટલે રમણનાં મા-બાપે પૂજાનું માગું નાખ્યું હતું. પણ પૂજા પોતાનાં મા-બાપ સામે વિફરી ગઈ હતી. તેણે એવું કહી દીધું કે, ‘એમને કહી દેજો બીડીથી ગંધાતું મો લઈને બીજી વાર ઘરે ન આવે’ ગંધાતી બીડીએ રમણનાં ફેફસાં બગાડ્યાં હશે, પણ એનું નસીબ ન બગાડી શકી. રમણને આરટીઓમાં નોકરી મળી ગઈ. જેવી નોકરી મળી કે રમણ માટે માગાં આવવાં લાગ્યાં. પરંતુ રમણે ઓછું ભણેલી પૂજાની પિતરાઈ બહેન રેવાને પસંદ કરી. પૂજા મનોમન રાજી હતી. કેમ કે શ્યામળી રેવાને કેટલાય છોકરાઓએ નાપસંદ કરી હતી. પરંતુ રમણે રેવા પર એવી તો જાદુઈ લાકડી ફેરવી કે રેવા એકદમ સ્માર્ટ બની ગઈ. રેવાની એટીકેટ જોઈને પૂજા તો ચક્કર જ ખાઈ જતી. રેવાના પરિવર્તનનું કોઈ કારણ એને પોતાના છંદ, અલંકાર કે વ્યાકરણ શાસ્ત્રમાં મળતું ન હતું. સમય સરરરર.... કરતો પસાર થતો રહ્યો. રેવાએ રમણને લખોટા જેવા એક છોકરાની ભેટેય આપી દીધી. પૂજા ઘડિયાળ સામે જુએે છે. રાતના બે વાગ્યા છે. એની આંખોમાં ઊંઘના કોઈ અણસાર નથી. દીવાલ પર લટકતી એમ. એ., એમ.એડની ડિગ્રીના લખાણને કીડીની કતાર ધીમે ધીમે ખાઈ જઈ રહી છે. એના કાનમાં બાઈકનું ફાઇરિંગ પડઘાય છે. એક ગર્વીલી સ્ત્રી હકપૂર્વક પોતાના પતિને અડીને બેઠેલી દેખાય છે. એ સ્ત્રીના મોં પર દેખાતા સ્ત્રી હોવાના સુખ સામે પૂજાથી જોવાતું નથી. એ આંખો મીંચી દે છે. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...