તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્તી-અમસ્તી:શિક્ષક દિન શું કામ ઊજવવો જોઈએ?

રઈશ મનીઆર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદીઓથી શિક્ષકોએ અંગૂઠા કાપવાથી લઈને અંગૂઠા પકડાવવા સુધીનું કામ જ કર્યું છે

‘પાંચ સપ્ટેમ્બર આવી! શિક્ષક દિન કેવી રીતે ઊજવવો?’ ધનશંકરે પૂછ્યું. ‘કેવી રીતે નહીં, શા માટે? એ કહો,’ આજીવન શિક્ષણપીડિત વિદ્યાર્થી હેમિશે વિરોધ નોંધાવ્યો, ‘આપણે પ્લમ્બર દિન ઊજવતા નથી, ટેલર દિન ઊજવતા નથી, માત્ર શિક્ષક દિન જ શા માટે ઊજવવો જોઈએ?’ ધનશંકર અકળાયા, ‘ક્યૂંકી શિક્ષક કભી સાધારણ નહીં હોતા!’ પ્રેરણાડી બોલી, ‘સાધારણ એટલે?’ મેં કહ્યું, ‘એવરેજ.. કોમન.. નોર્મલ!’ હસુભાઈ બોલ્યા, ‘હા, શિક્ષક કભી નોર્મલ નહીં હોતા. થોડા એબ્નોર્મલ હોતા હૈ. ધનશંકરને જુઓ એટલે ખ્યાલ આવી જાય!’ ધનશંકર હજુ ગુસ્સામાં હતા, ‘એક નલિકાસંધિકાર(પ્લમ્બર) અને એક વસ્ત્રકર્તનકાર(દરજી) સાથે અમારી તુલના કરી? એ પણ શિક્ષક દિનના પવિત્ર દિને?’ બાબુ બોલ્યો, ‘એમાં મરચાં હું લાગી ગિયાં? પ્લમ્બર પાનાં-પેચિયાંથી નળ ફેરવે, ટમે વિઢ્યાર્ઠીના કાન ફેરવો! ડરજી કપડાં વેતરે, ટમે પોયરાઓના માર્ક વેતરી લાખો!’ મેં બાળકોને પૂછ્યું, ‘અરે! તમને આજની જનરેશનને શિક્ષક સામે વાંધો શું છે?’ હેમિશ બોલ્યો, ‘આજકાલ શિક્ષકો કસોટીઓ (ટેસ્ટ્સ) બહુ લે છે. પછી અમારી આખી આન્સરશીટ ‘લાલ’ કરી નાખે છે.’ હેમિશના પૂજ્ય પિતાજી બોલ્યા, ‘એ તો સારું છે કે અત્યારના શિક્ષકો માત્ર ‘કસોટી’ લે છે. અમારા જમાનામાં તો શિક્ષકો ‘સોટી’ લેતા અને બરડો ‘લાલ’ કરી નાખતા!’ ‘અમારે ઉત્તરવહીઓમાં નછૂટકે રક્તપાત કરવો પડે છે!’ ધનશંકરે વ્યથા વહાવી, ‘તમારા જેવા અકુશળ વિદ્યાર્થીઓ જેટલી ભૂરી શાહી વાપરે છે, એના કરતાં અમારી લાલ શાહી વધારે વપરાય છે! શબ્દેશબ્દે ભૂલ! અરે ના! અક્ષરેઅક્ષરે ભૂલ! અને તોય વિદ્યાર્થીને શિક્ષણ જ આપવાનું, શિક્ષા નહીં! ખરેખર હવે તો લાગે છે કે ‘વિદ્યાની અરથી કાઢે તે જ વિદ્યાર્થી’!’ ‘અને ‘શિક્ષક એટલે શિક્ષા કરનાર...?’ બાબુ બોલ્યો, ‘અમારા જમાનામાં ટો ભાઈ લગભગ એવું જ હટું. વૃઢ્ઢ સિક્સકને લાકડી લઈને ચાલતા જોઈ આપણને ડયા આવે કે બિચારા ટેકા માટે લાકડી લાવ્યા છે. પછી ખબર પડે કે એ ટેકા માટે નઠી, ફટાકા માટે છે!’ ‘હવે કાયદા અનુસાર ‘ટીચર’ પાસે ‘ટીચવા’નો પાવર નથી રહ્યો, તો પણ એને ટીચર કેમ કહેવાય છે?’ શાંતિલાલે પ્રશ્ન કર્યો. પ્રેરણાડી બોલી, ‘મુદ્દો એ છે કે આ વર્ષે શિક્ષક દિન ન ઊજવાય તો ચાલે, કેમ કે આ વર્ષે તો શિક્ષકોએ ફક્ત ઓનલાઈન ચીટિંગ જ કર્યું છે!’ ‘ટીચિંગ’ના બદલે એ ભૂલથી ‘ચીટિંગ’ બોલી ગઈ! ‘અંગૂઠા વડે ચલિતદૂરભાષસાધન (મોબાઈલ) ચલાવતી તમારી અંગૂઠાછાપ પેઢી પાસે બીજી કોઈ અપેક્ષા નથી!’ ધનશંકર ઈમોશનલ થઈ ગયા. હેમિશ બોલ્યો, ‘સોરી ટુ સે, બટ અંગૂઠાછાપ તો શિક્ષકો છે, કેમ કે સદીઓથી શિક્ષકોએ અંગૂઠા કાપવાથી લઈને અંગૂઠા પકડાવવા સુધીનું કામ જ કર્યું છે.’ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે બરાબરની જામી હતી. ‘શિક્ષકસમાજની લાગણીઓ ઘવાય એવા વિધાન હું નહીં સાંખી લઉં!’ ધનશંકર ગુસ્સામાં હતા. બાબુ બોલ્યો, ‘એક પ્લમ્બળ કડી બીજા પ્લમ્બળોનો બચાવ કરટો નઠી. ડરજી ક્યારેય બીજા ડરજીઓનો બચાવ કરટો નઠીં, એક ડોક્ટર બીજા ડોક્ટરોનો બચાવ કરટો નઠી. ઊલટા આ બઢા તો એકમેકની પઠારી ફેરવે! ટમારી સિક્સકોની જ લાગણી કેમ વારેઘડીએ ઘવાઈ જાય છે? સિકસકોમાં લાગણી ઘવાઈ જવા બાબટે આટલી બઢી એકટા કેમ છે?’ ‘કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે શિક્ષક સંવેદનશીલ હોય છે!’ ધનશંકર બોલ્યા! ‘કાકાસાહેબ કાલેલકરે આવું કહ્યું છે કે નહીં તે કોણ જોવા ગયું? તમે શિક્ષકો કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, ગાંધીજી, વિવેકાનંદ, ચાણક્ય, અબ્દુલ કલામ બધાના નામે ચરી ખાઓ છો!’ હેમિશની અંદર રહેલો ઘાયલ વિદ્યાર્થી જાગી ઊઠ્યો હતો. ‘એમના નામે અમે તમને અધમ વાત તો નથી કરતા ને? તમારા બધા ઝૂલતા તારકો (રોકસ્ટાર્સ)ની જેમ કુસંસ્કારો તો નથી શીખવતાં ને?’ પ્રેરણાડી બોલી, ‘આજકાલ શિક્ષકો ટોકટોકસ્ટાર થઈ ગયા છે, એટલે જ અમારી પેઢીએ રોકસ્ટાર તરફ મીટ માંડી છે. શિક્ષકોએ આ હરીફાઈમાં ટકવું હશે તો ‘એજ્યુકેશનલ રોકસ્ટાર’ બનવું પડશે!’ ‘અને હા! તમે શિક્ષક હો તો શાળામાં, 24 કલાક શિક્ષકપણાનો ભાર નહીં રાખવાનો, અહીં સોસાયટીમાં ‘સભ્ય’ બનીને રહેવાનું!’ ચર્ચાએ ગરમી પકડી. ધનશંકર ધમધમવા લાગ્યા. હેમિશ ડર્યા વગર બોલ્યો, ‘અરે! તમે તો સોસાયટીના બાળકોને કહો છો કે ઉનાળાના વેકેશનમાં સાત્ત્વિક વાંચન કરો!’ ‘તો એમાં અનુચિત શું છે?’ ‘અરે માંડ આઠ વીકનું સમર વેકેશન હોય એમાં ‘સા..ત વીક’ વાંચન કરવાનું?’ હેમિશ તામસિક સ્વરે બોલ્યો. ‘આજની પેઢી અર્ધવાર્ષિક શાળા-અવકાશ (વેકેશન)નો સદુપયોગ પણ કરવા નથી માગતી!’ ધનશંકરે નિસાસો નાખ્યો. હેમિશે મને પૂછ્યું, ‘અંકલ, એક વાત કહો. ધારો કે, એક કેદી જેલમાં વર્ષોવર્ષ ઘંટી દળવાનું કામ કરતો હોય અને એ જ્યારે પેરોલ પર છૂટે તો ઘરે આવીને બીજું કંઈ કામ કરે, પણ ઘંટી દળે?’ મેં કહ્યું, ‘ન દળે!’ ‘બસ યાર! તો પછી સ્ટુડન્ટ્સને વેકેશનમાં વાંચવાનું ન કહો! પ્રોમિસ આપો કે સ્કૂલ ટાઈમ પછી ભણવાની વાત નહીં કરો, તો અમે શિક્ષક દિન ઊજવવા દઈએ!’ હેમિશે મુશ્કેલ શરત મૂકી. નારાજ થયેલા ધનશંકર બોલ્યા, ‘એમ કરો, 5 સપ્ટેમ્બરે મારું બેસણું રાખો. હું પણ હાજરી આપીશ.’ (હાસ્યલેખ છે, હળવાશથી લેવા વિનંતી છે. શિક્ષકોનો અનાદર કરવાની કોઈ ભાવના નથી.)⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...