એન્કાઉન્ટર:જીવનમાં સુખી થવા શું કરવું જોઇએ?

અશોક દવે16 દિવસ પહેલા
  • કૉપી લિંક

⬛ આપને ગુજરાતી ભાષા કેમ ગમે છે? (મહેન્દ્ર મોદી, ઘાટલોડિયા-અમદાવાદ) - ગુજરાતી ખરી, પણ મીઠી ફક્ત કાઠિયાવાડી ગમે! ⬛ લગ્ન અને કોરોના વચ્ચે શું તફાવત? (દર્શન કોઠારી, અમદાવાદ) - કોરોનામાં ફક્ત એકાદ-બે વર્ષ માટે જ માસ્ક પહેરી મોઢું બંધ રાખવાનું હોય છે. ⬛ ઉમદા દાંપત્યજીવન માટે શેની જરૂર પડે? (મહાસુખ દરજી, અમદાવાદ) - મિનિમમ એક વાઇફની. ⬛ પ્રેમમાં ગુલાબનું ફૂલ જ આપવાનું કારણ શું? (કુનાલ જી. ભરુચા, વિરાર-મુંબઇ) - સસ્તામાં પતે એટલે. ⬛ નહાવાના સાબુથી સુંદર બનાય ખરું? (હર્ષ એસ. હાથી, ગોંડલ) - એ તો ખબર નથી, પણ નહાઓ તો ગંધાઓ નહીં! ⬛ ‘ણ’ કોઇનોય કેમ નહીં? (પ્રવીણ મહેતા, કેશોદ) - હમણાં રાખો, પરવિનભ’ઇ! ⬛ હીરા અને કોલસા વચ્ચે શું ફર્ક? (સાગર ખોરસિયા, પાલિતાણા) - યુ મીન, મોદી અને…!!! ⬛ રાત્રેય લંચ લઇએ તો શું કહેવાય? (અશ્વિન મોરે, વડોદરા) - ભૂખાવડા. ⬛ હોરર અને કોમેડી વચ્ચે શું તફાવત? (અંકિતા પટેલ, દહીસર-મુંબઇ) - બહેન માયાવતી અને ભાઇ અખિલેશ જેટલો. ⬛ અનિલ કપૂરની નોન-વેજ ફૂડ માટેની એડ બંધ કરાવવા શું કરવું જોઇએ? (આગમ શાહ, બહુચરાજી-મહેસાણા) - સવાલ મને પૂછવાને બદલે ટીવી ન્યૂઝ ચેનલવાળાઓને પૂછવો જોઇએ. ⬛ શું ‘એલિયન’ ખરેખર હોય છે? (કાર્તિક દાફડા, જામનગર) - મેં તો ફક્ત મારા સસુરજીને જ જોયા છે! ⬛ ‘ક’ ટાઇમ એટલે કયો ટાઇમ? (નિકુંજ જાની, માંજલપુર-વડોદરા) - મોડી રાત્રે પોતાના ઘરમાં બારીમાંથી દાખલ થવું પડે, એ ટાઇમ! ⬛ મહાન વાંચક કઇ રીતે બનાય? (અમરત રબારી, બનાસકાંઠા) - વાંચવા લઇ આવેલું પુસ્તક પાછુંય આપી દેનારા કદી મહાન વાંચકો બનતા નથી!.... અને લઇ આવ્યા પછી વાંચોય ખરા, તો તો કદી મહાન બની નહીં શકો! ⬛ સુખને ક્યાં શોધવું? (ચંપકસિંહ રાજ, વડોદરા) - પેન્ટના બંને ખિસ્સાં બહાર ખેંચી કાઢો…. કાંઇ ન નીકળે તો તમારે સુખ શોધવાની જરૂર નથી. ⬛ મારી ગર્લફ્રેન્ડ વારંવાર રિસાઇ જાય છે…. (મનોજ પંચાલ, મુંબઇ) - રિસાઇને ‘જાય છે’ ને….? ‘આવતી’ તો નથી ને? ⬛ તમે આવા ઉડાઉ જવાબો આપો છો, છતાં તંત્રી ચલાવી કેમ લે છે? (કિશોર પેઇન્ટર, પાલિતાણા) - એ તંત્રી છે…. પેઇન્ટર નથી, માટે! ⬛ સગપણમાં સાઢું, તો સાળાનું શું? (અમરીશ મહેતા, અમદાવાદ) - સાળાએ તો એની બહેનને પરણાવી નાખી હોય ને…. એટલે એનું કશું નહીં! ⬛ માણસને સ્વભાવ નડે છે કે અભાવ? (ચેતન એસ. ત્રિવેદી, અમદાવાદ) - વાઉ…. હમણાં હમણાં ગુજરાતી ગ્રામર શીખતા લાગો છો! ⬛ સ્વીડનવાળા બટાકામાંથી દૂધ બનાવે છે, બોલો! (હેમંત ત્રિવેદી, વડોદરા) - ઇટાલીવાળા બટાકામાંથી સોનું બનાવે છે… હવે તમે બોલો! ⬛ નસીબ ચમકાવવા શું કરવું પડે? (જયેશ ડામોર, કુંડા-સંતરામપુર) - હરિહરિ. ⬛ અફઘાનિસ્તાન ફરવા જવાય? (વિજય સોલંકી, રઢુ-ખેડા) - તમારા સવાલમાં ‘મ’ને બદલે ‘ફ’ લખાઇ ગયો છે! ⬛ શું સિનેમા-હોલનો જમાનો પૂરો થઇ ગયો છે? (પરંશ અંતાણી, રાજકોટ) - સાયન્સ શોધ ગમે એટલી કરે… સિનેમા-હોલ જેવી ફિલ્મ જોવાની લજ્જત કશામાં ન આવે! ⬛ કોરોનામાં બધી રસીઓ મિક્સ કરીને લગાવી હોય તો? (માધવ જે. ધ્રુવ, જામનગર) - લસ્સી બનાવવાની છે? ⬛ ‘જૂનું તે સોનું’, તો ‘નવા’નું શું? (અમૃત સોલંકી, બોટાદ) - પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરતા લાગો છો! ⬛ ‘વિના સહકાર, નહીં ઉદ્ધાર’. શું આ સાચું છે? (સોલંકી ઓપીઆર, ગાંધીધામ-કચ્છ) - ગઠબંધનવાળાની ભાષા બોલો છો. ⬛ તમે બધા સવાલોના જવાબો ઊંધા કેમ આપો છો? (ઋત્વિક નારોલા, સુરત) - બુદ્ધિશાળી સવાલોને હું પહોંચી વળતો નથી, એટલે! ⬛ મારા સવાલો કેમ છપાતા નથી? (માનસી કંસારા, અમદાવાદ) - ધીરજનો કંસાર મીઠો હોય છે. ⬛ ‘જેની લાઠી એની ભેંસ’, તો જેની ભેંસ, એનું શું? (ભરત ગણાત્રા, સુરેન્દ્રનગર) - પાડો. ⬛ લગ્ન પહેલાં બધું નીલુ નીલુ હોય છે, પણ પછી? (ડો. ભાલચંદ્ર હાથી, ગાંધીનગર) - આવો જીવ બાળ્યા વગર મળ્યું, તે ભોગવી લેવાનું! ⬛ પત્ની તો પિયર જાય, પણ ગોરધન ક્યાં જાય? (પંકજગીરી ગોસ્વામી, લુણીવાવ-ગોંડલ) - આ સવાલનો જવાબ એક જ મહારથી પાસેથી મળી રહે…. સસુરજી! ⬛ એક ગાડીની પાછળ વાંચેલું, ‘રોયલ ભૂદેવ’. આ પ્રજાતિ ઉપર કોઇ પ્રકાશ પાડશો? (રોહિત બ્રહ્મભટ્ટ, કલોલ) - યૂ મીન, શાહી બ્રાહ્મણ…! હવે એ ગાડી પાછળ છેકવા ન જતા! ⬛ ‘એન્કાઉન્ટર’ની ગેંગમાં નવી ભરતી થાય તો કહેવડાવશો? (ફાલ્ગુની કામદાર, રાજકોટ) - બોલો, મારે બદલે જવાબો આપવાનું ફાવશે? ⬛ ખજૂરની અને આંબલીની ચટણી વચ્ચે શું ફેર? (નિકિતા મકવાણા, અમદાવાદ) - દેખાવમાં કદાચ હું એવો લાગતો હોઇશ, પણ મારે ભેળ-પકોડીની લારી નથી! ⬛ પ્રેમ કયો યાદ રહે? બચપનનો કે પચપનનો? (જયેશ ગોંઢા, ગોંડલ) - તમે ‘રાહુલ-રાહુલ’ રમો છો? ⬛ ઠંડીને ‘કાતિલ’ ઠંડી કેમ કહે છે? (પીરાભાઇ દેસાઇ, ઢીમા-બનાસકાંઠા) - આપણે એક કાનથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવું… બોલનારાના કાંઇ મોંઢા બંધ થાય છે?

અન્ય સમાચારો પણ છે...