મસ્તી- અમસ્તી:તમને શેમાં ખુશી મળે છે?

15 દિવસ પહેલાલેખક: રઇશ મનીઆર
  • કૉપી લિંક

રોના શાંત થયો, તોય દેશમાં આટલી અશાંતિ કેમ છે?’ શાંતિલાલે સવાલ કર્યો. ‘પબ્લિક હાળું ચિલ્લુ(ચીડિયું) ઠઈ ચાયલું. હાળા ફેસબુક પર બી ચાબુક લઈને ઊટરી પડે!’ બાબુએ સમર્થન આપ્યું. ‘પેટ્રોલ સસ્તુ થયું તોય લોકો ખુશ નથી!’ ભગુ ભાજપીએ વેદના વ્યક્ત કરી. ‘કોરોનાની દૂરોગામી માનસિક અસરોને કારણે લોકો મગજ ગુમાવી રહ્યા છે!’ 7 અબજ માનવોનો વિશદ અભ્યાસ કર્યો હોય, એવા વિશ્વાસથી ધનશંકર બોલ્યા. ‘નવરાશમાં વેબસીરિઝ જોઈજોઈ લોકોના મગજમાં ફંગસ જામી ગઇ છે. લોકો રસી લઈને ફસી(fussy) થઈ ગયા છે, કાઢો પી-પીને લોકોને પેટમાં થયેલી બળતરા મગજ સુધી પહોંચી ગઈ છે. નાસ લઈલઈને લોકો નાસપતિ થઈ ગયા છે, નકચઢા થઈ ગયા છે! પહેલા એમ સાંભળ્યું હતું કે પહાડી વિસ્તારમાં ચીડનાં વૃક્ષો ઊગે, આજકાલ માણસમાં મગજમાં ચીડનું જંગલ થઈ ગયું છે!’ હસુભાઈએ વિશ્વવ્યાપી ચીડિયાપણાનું કારણ પણ રજૂ કર્યું. ધનશંકરે કહ્યું, ‘સહજ પ્રસન્નતા જ જીવનનું લક્ષ્ય છે એમ સમજીએ તો આ બધું નિરર્થક છે એ તરત સમજાઈ જાય!’ બાબુ બોલ્યો, ‘વિઢવાનો પ્રસન્નટા શોઢે, સામાન્ય માનસ ખુસી શોઢે!’ પ્રેરણા બોલી, ‘પણ ખુશી ક્યાં મળે એ જ તો સવાલ છે!’ હેમિશ બોલ્યો, ‘ખુશી ગામેગામ મળે, છેલ્લાં 20 વરસમાં ગુજરાતમાં બે લાખ છોકરીઓનું નામ ખુશી અથવા ખુશાલી પડ્યું હશે!’ કનુ કોંગ્રેસી બોલ્યો, ‘2014 પછી ખુશી ગાયબ થઈ ગઈ છે!’ ‘કોંગ્રેસીઓની!’ ભગુ પાસે જવાબ તૈયાર હતો. ‘અરે પક્ષાપક્ષીથી પર થઈ વિચારો! ખુશીની વાત ચાલે છે, ખુરશીની નહીં!’ હસુભાઈ ફરી મૂળ પ્રશ્ન પર આવ્યા, ‘માણસને ખુશી ક્યાંથી મળે?’ ધનશંકર બોલ્યા, ‘ખુશી તમારી અંદર જ હોય!’ ‘બહાર હોય તો શોધી કાઢીએ, ખુશી અંદર હોય તો એને શોધવા એંડોસ્કોપી કરાવવી પડે!’ ‘નશો કરવાઠી એન્ડોસ્કોપી વગર ઓટોમેટિક ખુસી બા’ર આવી જહે!’ ધનશંકર ધીરજથી બોલ્યા, ‘રશિયા-યુક્રેન, ઈઝરાયલ-પેલેસ્ટાઈન, ડૉલર-રૂપિયો, જીડીપી, પેટ્રોલના ભાવ આ બધી મોટીમોટી વાતોમાં ખુશી નથી. એટલે માણસે નાનીનાની વાતોમાંથી ખુશી શોધી લેવી જોઈએ!’ શાંતિલાલ બોલ્યા, ‘જેમ કે, મને લાંબો સમય બહાર જમ્યા પછી ઘરનું જમવાનું મળે ત્યારે ખુશી મળે છે.’ ‘લાંબો સમય ઘરની બહાર રહ્યા પછી મને ઘરનું શૌચાલય મળે ત્યારે મને ખુશી થાય છે!’ ધનશંકરે ખુલાસો કર્યો. મેં કહ્યું, ‘પત્ની સાથે બેસવાથી મારો થાક, કંટાળો અને આળસ દૂર થઈ જાય છે! અને એક જાતની ખુશી મળે છે!’ ‘કોની પટ્ની?’ બાબુએ નિર્દોષતાથી પૂછ્યું. ‘હું મર્યાદિત અને માન્ય ખુશીમાં જ વિશ્વાસ કરું છું.’ હસુભાઈએ જવાબ આપ્યો. શાંતિલાલ બોલ્યા, ‘પ્રભુસમીપે જવાથી અમર્યાદ ખુશી મળે છે!’ ‘ટો અહિયા હું કરટા છો? જાઓ જલડી!’ ‘જીવનના અંતે મંઝિલ પર નહીં, જીવનના રસ્તે ખુશી મળવી જોઈએ.’ હસુભાઈ કહેવા લાગ્યા, ‘એમ કંઈ સસ્તામાં કે રસ્તામાં ખુશી મળતી નથી. દુ:ખ ડગલે ને પગલે મળી જાય છે. હમણા રસ્તે ચાલતો હતો અને માથે કબૂતર ચરક્યું, આમાં ખુશ કેવી રીતે રહેવાય?’ ‘એમાં પન ખુસ રહી સકાય. એમ વિચારવાનું કે સારું છે કે કબૂટર જ ઊડે છે. કૂટરા ઊડતા નઠી!’ બાબુ બોલ્યો, ‘પ્રસન્નટા સંટોશમાં છે. બાટલી ન મલે ટો પોટલીથી ચલાવી લે, એ સાચો સંટોશી નળ!’ હેમિશે પૂછ્યું, ‘છોકરીઓને શેમાંથી ખુશી મળે?’ પ્રેરણાડી બોલી, ‘એને કાફે પર મળવા આવેલો છોકરો...’ ‘વાઉ! સો રોમેન્ટિક!’ ‘શટ અપ, વચ્ચે ન બોલ! આ કંઈ રોમેંટિક નથી, પ્રેક્ટિકલ છે.’ પ્રેરણાડી આગળ બોલી, ‘એને કાફે પર મળવા આવેલો છોકરો બી.એમ.ડબલ્યૂમાંથી ઉતરે છે કે રિક્ષામાંથી, એના પર છોકરીઓની ખુશીનો આધાર છે!’ આજે તો હેમાબહેન પણ હાજર હતા, ‘હું ને હસુ પચ્ચીસ વરસ ખુશ રહ્યાં...’ હસુભાઈ સહિત બધા આંખ ફાડીને જોતા રહ્યા! હેમાબહેને આગળ ચલાવ્યું, ‘પછી છવ્વીસ વરસની ઉંમરે અમારાં લગ્ન થઈ ગયાં!’ પ્રેરણાડી બોલી, ‘એલિઝાબેથ ટેલરે કહ્યું હતું ‘હું લગ્ન કરીને મારા આઠમા પતિથી ખુશ છું!’ એની જેમ ટેલરિંગમાં છ-સાત ટ્રાયલ મળે તો આઠમામાં ફિટિંગ આવી જ જાય’ ‘પ્રસન્નતા માટે શાંતિ જરૂરી છે અને શાંતિ માટે પ્રસન્નતા જરૂરી છે.’ શાંતિલાલ બોલ્યા. ‘પન કોઈને લડવામાં, દંગલ કરવામાં જ પ્રસન્નટા મલટી હોય ટો?’ બાબુ બાટલીએ ભારતીય માનસને વાચા આપી. ‘બીજાની લીટી નાની કરવાને બદલે પોતાની લીટી લાંબી કરવી જોઈએ.’ ધનશંકર બોલ્યા. ‘પોતાની લીટી લાંબી કરવામાં પરિશ્રમ કરવો પડે. બીજાની લીટી નાની કરવામાં ખાલી શરમ નેવે મૂકવી પડે!’ હસુભાઈ મને પૂછ્યું, ‘પૈસાથી ખુશી ખરીદી શકાય?’ મેં કહ્યું, ‘પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી, પૈસા હોય તો મનોવિજ્ઞાની પાસે કાઉંસેલિંગ કરવા જઈ શકાય, જેનાથી મનોવિજ્ઞાની ખુશ રહે!’ ‘ખુશીનો ખજાનો તમારી અંદર છે, બસ એની ચાવી શોધવાની હોય છે!’ ‘મોટાભાગના માનસોને ખુસીની ચાવી મલટી નઠી, એટલે માવો ચાવીચાવી જિંદગી પૂળી કરી નાખે છે!’ હસુભાઈએ ફરી મને પૂછ્યું, ‘તમને શેમાં ખુશી મળે? પૈસામાં કે કવિતામાં?’ મેં મારી મૂંઝવણ રજૂ કરી, ‘પૈસામાં કવિતા નથી અને કવિતામાં પૈસો નથી!’ હસુભાઈએ છેલ્લો સ્ટ્રોક માર્યો, ‘માણસે ખુશ રહેવાની ઈચ્છા શા માટે રાખવી જોઈએ? દરેકે પોતાના હિસ્સે આવેલા દુ:ખથી શા માટે ભાગવું જોઈએ? સાચું કહું? ખુશ રહેતા માણસો મને બહુ બોરિંગ લાગે છે

અન્ય સમાચારો પણ છે...