રણમાં ખીલ્યું ગુલાબ:દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું? પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે

19 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • લજામણીની જેમ શરમાતી કુંપળ ધીમા પગલે મંડપ સુધી આવી. જે દૃશ્ય જોયું એનાથી એની આંખો પહોળી થઇ ગઇ

સરકારમાં ઉચ્ચ વહીવટી અધિકારીનો હોદ્દો શોભાવતી કુંપળ મહેતાનો લગ્ન પ્રસંગ ધામધૂમપૂર્વક ઊજવાઈ રહ્યો હતો. કુંપળ રાજકુંવરી જેવી શોભી રહી હતી. વરરાજા પણ આઈએએસ હતા. આવડા મોટા બે અધિકારીઓનું લગ્ન તો અમદાવાદ કે ગાંધીનગર જેવાં શહેરમાં ઊજવાય એ જ શોભે પણ કુંપળનો આગ્રહ હતો કે લગ્ન તો ગામડામાં જ ઊજવાશે. કુંપળના પપ્પા તો હતા નહીં. એ અને એનાં મમ્મી ઉષાબહેન કુંપળના મામાના ઘરે જ રહેતાં હતાં. મામા અને મામીએ બહેન અને ભાણીને અછોઅછોવાનાં કરીને સાચવ્યાં હતાં. ઉનાળાનો ધોમધખતો તાપ. સૂરજની ગરમીથી શેકાઇને ધરતીનો રંગ બદલાઇ જાય એવો વૈશાખી માહોલ જામ્યો હતો. આટલી ગરમી વચ્ચે પણ લોકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. કુંપળને પરણાવવા માટે આખું ગામ હિલોળે ચડ્યું હતું. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક જ વાત હતી. આ અનહદ ખુશીના અવસર પર કન્યાના પિતાની ગેરહાજરી સાલી રહી હતી. ઉષાબહેન એમની એકની એક લાડકી દીકરીને કન્યાદાન આપી શકે તેમ ન હતાં. કુંપળને પરણાવવવા માટે મામામામી બેસવાનાં હતાં. ગામલોકો કાનાફૂસી કરતા હતા. કોઇ જુવાનડીએ પંચાત શરૂ કરી, ‘સાંભળ્યું છે કે ઉષાબહેનના વર મરી નથી ગયા, પણ કોઇકની જોડે ભાગી ગયા છે.‘ તરત જ એક વૃદ્ધાએ વિરોધ નોંધાવ્યો, ‘સાવ ખોટી વાત. આપણી ઉષલી અત્યારે આટલી રૂડી લાગે છે તો જુવાનીમાં એ કેવી હશે? અમે તો એનું રૂપ જોયું છે. આવી રૂપાળી ઘરવાળીને છોડીને કયો ધણી બીજીની હારે નાસી જાય?’ ત્રીજીએ મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો, ‘જો કુંપળનો બાપ મરી પણ નથી ગયો અને બીજી કોઇને લઇને ભાગી ય નથી ગયો તો પછી એ દેખાતો કેમ નથી? હું તો વીસ વીસ વર્ષથી ઉષામાસી અને કુંપળને આપણા ગામમાં જ જોઉં છું.’ સાચી વાત કોઇ જાણતું ન હતું, માત્ર ઉષાબહેન જાણતાં હતાં. એ પણ પૂરેપૂરું ક્યાં જાણતાં હતાં? એમના સુખી સંસારમાં કોણે ચિનગારી ચાંપી હતી એની માહિતી ઉષાબહેન પાસે પણ ન હતી. એમને એટલું જ યાદ છે કે એક દિવસ સાંજના સમયે એમના પતિ કિરીટભાઇ દુકાન વસ્તી કરીને ઘરે આવ્યા ત્યારે ઘેરા તણાવમાં હતા. એમણે આવતાવેંત પ્રશ્નોની ઝડી વરસાવી દીધી, ‘તું કોની સાથે આડો સંબંધ ધરાવે છે? તેં મને અત્યાર સુધી અંધારામાં રાખ્યો? મારામાં તને શું ઓછું પડ્યું? ગામમાં તારા ચારિત્ર્ય વિશે કેવી વાતો થાય છે એની તને ખબર છે?‘ એક નાની દીકરીની યુવાન મા પતિના આક્ષેપો સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ. એ રડી પણ ન શકી. આવી વાતનો ખુલાસો પણ શો આપે? જે પતિ અત્યારસુધી પોતાની ઉપર મરતો હતો એ આટલા ગલીચ આક્ષેપો કરી શકે? રુંધાયેલા અવાજે એ માત્ર આટલું જ બોલી શકી, ‘તમને મારા ચારિત્ર્ય પર વિશ્વાસ છે કે તમારા કાનમાં ઝેર રેડનાર કોઇ દુષ્ટની વાત પર વધુ વિશ્વાસ છે? જો તમને એ માણસ સાચો લાગતો હોય તો મારે આ બાબતમાં કંઇ કહેવાનું રહેતું નથી.‘ ઉષાના આ જવાબે એના સંસારમાં પલીતો ચાંપી દીધો. કિરીટભાઇએ માની લીધું કે એમણે સાંભળેલી વાત સાચી છે. બંનેનો સંવાદ સમાપ્ત થઇ ગયો. કિરીટભાઇ ઋજુ પ્રકૃતિના હતા. ઉષાને મારવાની વાત તો બાજુ પર રહી, એમણે એને ઠપકાનો એક શબ્દ પણ ન કહ્યો.ચૂપચાપ જમી પણ લીધું. પછી રોજની જેમ પાન ખાવા માટે ઘરની બહાર નીકળી ગયા. ઘોડિયામાં સૂતેલી દસ મહિનાની દીકરીના ગાલ પર વહાલભર્યો હાથ ફેરવીને એ ચાલ્યા ગયા. એ ઘડી ને આજનો દિવસ. કિરીટભાઇ ક્યારેય પાછા ન આવ્યા. પોતાના ચારિત્ર્યના વસ્ત્ર પર ઉછાળવામાં આવેલા કીચડથી આઘાત પામેલી ઉષા પણ ત્રણ દિવસ સુધી પતિની રાહ જોયાં પછી ધાવણી દીકરીને લઇને પિયરભેગી થઇ ગઇ. એ પોતે સારું ભણેલી હતી. એટલે બાજુના શહેરમાં એને નોકરી મળી ગઇ. વર્ષો સુધી એ બસમાં આવતી જતી રહી. કુંપળનો ઉછેર મામામામી દ્વારા જ થયો. ઉછેર પણ કેવો? પોતાનાં સંતાનોને બાજુ પર રાખીને મામામામીએ ભાણીબાના કોડ પૂરા કર્યાં. ખેતીની આવકમાંથી કુંપળને ભણાવી. સારા શિક્ષણ માટે 200 કિ. મી. દૂર આવેલા એક જાણીતા શહેરની સારી હાઇસ્કૂલમાં એડમિશન અપાવી દીધું. છાત્રાલયમાં રહેવાની વિધિ કુંપળે પોતે જ પૂરી કરી દીધી. છાત્રાલયના ગૃહપતિ કનુકાકા આધેડ ઉંમરના માયાળુ સજ્જન હતા. રજિસ્ટરમાં લખવા માટે એમણે પૂરું નામ પૂછ્યું. કુંપળના પપ્પાનું નામ અને અટક વાંચીને એ ચમક્યા. પૂછી બેઠા, ‘બેટા, તેં હજુ સુધી પિતા તરીકે કિરીટભાઈનું જ નામ ચાલુ રાખ્યું છે? તારા નવા પપ્પાનું નામ…’ ‘નવા પપ્પા?‘ કુંપળ ભડકી ગઇ, ‘કેવી ગાંડા જેવી વાત કરો છો? મારી મમ્મી મારા પપ્પાને એટલું બધું ચાહતી હતી કે બીજાં લગ્ન તો એ કલ્પનામાં પણ ન કરી શકે.‘આ સાંભળીને કનુકાકાની આંખોમાંથી દડદડ આંસુ વહી નીકળ્યાં. એક ખાનામાં વિગત ભરવા માટે એમણે પૂછ્યું, ‘બેટા, લોકલ ગાર્ડયિન તરીકે કોનું નામ લખવાનું છે?’ કુંપળ મૂંઝાઇ ગઇ, ‘આ શહેરમાં મારું કોઇ ઓળખીતું નથી. મારા મામા તો વારંવાર અહીં આવી ન શકે. મારી મમ્મી જોબ કરે છે.’ કનુકાકાએ સ્થાનિક વાલીના ખાનામાં એમનું પોતાનું નામ લખી દીધું. એ પછી જેટલા વર્ષ કુંપળ એ છાત્રાલયમાં રહી એટલાં વર્ષ કનુકાકા જ એના ગાર્ડિયન બની રહ્યા. કુંપળ સાજીમાંદી હોય ત્યારે દીકરીની જેમ એની સંભાળ રાખતા હતા. ક્યારેક ગામડેથી મનીઓર્ડર આવતા મોડું થયું હોય તો કનુકાકા આર્થિક મદદ પણ કરતા હતા. બંને વચ્ચે પિતા-પુત્રીનો સંબંધ રચાઇ ગયો. જ્યારે કુંપળ ભણીગણીને, ઉચ્ચ હોદ્દા પર પહોંચીને લગ્ન કરવા જઇ રહી હોય ત્યારે એ કનુકાકાને શી રીતે ભૂલી શકે? લગ્નની કંકોતરી કનુકાકાના હાથમાં મૂકીને કુંપળે કહ્યું, ‘તમારે આવવાનું જ છે. ન આવો તો મારા સમ! જ્યાં સુધી હું તમને નહીં જોઉં ત્યાં સુધી પરણવા નહીં બેસું.’ લગ્નનો દિવસ આવી પહોંચ્યો. એક પણ આમંત્રિત ન આવ્યું હોય એવું ન હતું. વિધિ શરૂ થઇ. ગોર મહારાજે કહ્યું, ‘કન્યા પધરાવો સાવધાન!‘ કુંપળના મામા કુંપળને લેવા માટે ઓરડામાં આવ્યા. કુંપળે પૂછ્યું, ‘કનુકાકા આવ્યા છે કે નહીં?’ મામાએ જવાબ આપ્યો, ‘હા અને ના. તું ના સમજીને? મંડપમાં આવ. બધું સમજાઇ જશે.’ લજામણીની જેમ શરમાતી કુંપળ ધીમા પગલે મંડપ સુધી આવી. જે દૃશ્ય જોયું એનાથી એની આંખો પહોળી થઇ ગઇ. કન્યાદાન આપવા માટે મામામામીને બદલે એની મમ્મી અને કનુકાકા બેઠાં હતા. એના મોંમાંથી પ્રશ્ન સરી પડ્યો, ‘કનુકાકા, તમે?’ મામાએ ભાણીનો હાથ દબાવીને કાનમાં કહ્યું, ‘બેટા, કનુકાકા એ જ તારા પપ્પા કિરીટભાઇ છે. વર્ષો પહેલાં એક નાનીસરખી ગેરસમજને કારણે ભ્રમિત થઇને એ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. વર્ષો પછી તારી પાસેથી એમને જાણવા મળ્યું કે તારી મમ્મી માત્ર એમને જ ચાહતી હતી. આજે સવારે તેઓ આવ્યા અને તારી મમ્મીના પગ પકડીને ખૂબ રડ્યા. મોટી બહેને એમને માફ કરી દીધા. ઘીના ઠામમાં ઘી પડી ગયું. ચાલો, માયરામાં પધારો!’ સર્વત્ર ‘કુર્યાત સદા મંગલમ્!’ પ્રવર્તી રહ્યું. ⬛ (કથાબીજઃ પ્રકાશ પરઢોલ) શીર્ષકપંક્તિ: હેમેન શાહ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...