તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન િવશેષ:12મા ધોરણમાં માસ પ્રમોશન ને તેનું પરિણામ?

ભદ્રાયુ વછરાજાની3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોગ નબળો પડ્યો ત્યારે આપણે માસ પ્રમોશન આપી બેઠા, તેનો અફસોસ આજે નહીં, તો કાલે થશે જ!

ભારતમાં શિક્ષણ ક્યારેય પ્રાયોરિટીમાં નહોતું અને હજુ પણ નથી તે સિદ્ધ થયું બોર્ડ પરીક્ષામાં માસ પ્રમોશનના નિર્ણયથી… 10મું ધોરણ તો હજુય સમજી શકાય, પણ વિદ્યાર્થીનો જીવનપથ નક્કી કરતા બારમા ધોરણમાં પણ માસ પ્રમોશન!? CBSE પાસેથી અપેક્ષા હતી કે તેઓ મક્કમતાથી કોઈ પણ માર્ગે બોર્ડની પરીક્ષા લેવાનો પક્ષ લેશે જ. તેઓની તૈયારી પણ હતી જ. ગુજરાત સરકારે તો સમયપત્રક જાહેર કરી દીધું ત્યાં સુધીની તૈયારી હતી. બારમા ધોરણની બોર્ડની પરીક્ષાને બદલે માસ પ્રમોશન આપવાનો નિર્ણય ઘોષિત થયો ત્યારે ઘણા સમજુ અને રાષ્ટ્ર-હિત વિચારનારને આંચકો લાગ્યો અને કહેવા લાગ્યા કે, ‘કોરોના નબળો પડશે, પણ ભારતની ભાવિ પેઢીના શિક્ષણને ધબ્બો મારવા માટે સદા યાદ રહેશે.’ હા, કેટલાય ટૂંકા લાભ જોનારા લોકોએ હર્ષ મનાવ્યો અને ‘હાશ, ગંગા નાહ્યા’ કહી રાજીપો વ્યક્ત કર્યો, પણ ‘બધીયે મઝાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે!’ આ પંક્તિ ગણગણવાનો સમય બહુ દૂર નથી. ભારતના ભાવિનો આવો નકારાત્મક નિર્ણય લેતાં પહેલાં પુખ્ત ચર્ચા-સંવાદ-વિચારણા થયાં હોત તો? કેટલાક શિક્ષણહિત પ્રેમીઓએ માસ પ્રમોશન વગરના વિકલ્પો વિચારવાની પહેલ કરી હતી એમ કહેવાય છે, પણ સત્તા આગળ શાણપણ (શિક્ષણ) નકામું સાબિત થયું. એક ઓનલાઇન ઓપિનિયન પોલ કે સર્વે કરાવ્યો હોત તો? અરે, દેશના શિક્ષણ ધૂરંધરોની એક ટૂંકજીવી કમિટી બેસાડીને તેને વિકલ્પો સૂચવવા કહ્યું હોત તો? કોર્ટ તબીબોની સમિતિ રચી શકે તે જ રીતે શિક્ષાવિદોની સમિતિ રચીને તેનો અભિપ્રાય મેળવી શકે ને! દેશમાં રોગ પીક ઉપર હોય ત્યારે આપણે ચૂંટણી યોજી શકીએ તો પછી રોગ જૂનમાં નબળો પડી રહ્યો છે તેવા સ્પષ્ટ અહેવાલો મળ્યા હોય, ત્યારે બોર્ડની પરીક્ષા ન લઈ શકીએ? હવે તો થશે એવું કે આપણે પરીક્ષાની ના પાડી બેઠા અને રોગ તો નબળો પડી રહ્યો છે, બજારો છલકે છે, માસ્ક અને વ્યક્તિગત અંતર વગર બધું ધમધમી રહ્યું છે ત્યારે માસ પ્રમોશનના નિર્ણય માટે અફસોસ કરવો પડે તો નવાઈ નહીં અને હા, છેલ્લી ઘડી સુધી પરીક્ષા તો લેવાશે જ એવું કહેતા રહ્યા. વિદ્યાર્થીઓ અને વાલીઓ કોરોના વચ્ચે પણ મહેનત કરતા રહ્યા. અરે! સમયપત્રક ઘોષિત કરી બેઠા અને અચાનક વિદ્યાર્થીના હિતની દુહાઈ દઈને ઉપરથી નિર્ણય લેવાયો અને પછી બધાં શિસ્તબદ્ધ કતારમાં માસ પ્રમોશન પાછળ ચાલવા લાગ્યા! હવે જુઓ, જેમ જેમ આ નિર્ણય અંગે પડઘા પડવા લાગ્યા, તેમ તેમ નવા દરવાજાઓ ખોલવામાં સૌ લાગી ગયા. માસ પ્રમોશન જાહેર કર્યાં પછી તેનું પરિણામ કયાં પરિમાણોને ધ્યાનમાં લઈને આપવું તેની કસરત થઈ અને સ્કીમ જાહેર થઈ! આ સ્કીમમાં દસમા ધોરણમાં જે વિષયો છે, તેને બારમા ધોરણ સાથે કશું જ લાગતું-વળગતું નથી, તો પણ તેને આધાર બનાવાયા! ધોરણ અગિયારની ફાઈનલ પરીક્ષા તો ઘણેખરે સ્થળે લેવાઈ જ નથી, તેનેય ગણતરીમાં લેવાનું ઠરાવ્યું! વળી, NEET અને JEEની પરીક્ષા તો લેવાશે જ તેવું જાહેર થયું! (અને એ લેવાશે તો બોર્ડની મૂળ પરીક્ષા કેમ ન લઈ શકાય?) અરે, હવે એવી યાદી બહાર પડી કે જે વિદ્યાર્થીને માસ પ્રમોશનવાળું પરિણામ સ્વીકાર્ય ન હોય તેની પણ પરીક્ષા લેવાશે અને રીપિટરની તો પરીક્ષા લેવાશે જ. હવે સરવાળો માંડો કેટલી પરીક્ષા લેવાની થઇ! આ બધું પૂર્ણ થતાં દિવાળી આવી જશે! દેશમાં online exam ઘણી જગ્યાઓએ ગોઠવાઈ અને આજે પણ ચાલી રહી છે. online examની ટેક્નિકમાં આપણે ઘણી માસ્ટરી મેળવી લીધેલ છે. પરીક્ષાર્થી એક શબ્દ કે એક-બે-ત્રણ વાક્યમાં જવાબ આપી શકે છે. અરે, log in થતાંવેંત વિદ્યાર્થીની આંખની ફ્રેમ બનાવીને તેને ગેરરીતિથી અન્ય તરફ જોતાં રોકવાની ફેસિલિટી છે. હા, આવી પરીક્ષા લેવા માટે આપણે સ્ટેગરિંગ કરીને પરીક્ષાનું આયોજન કરવું પડે, પણ 12મા ધોરણ પૂરતું ઘણું થઇ શકે અને કરવું પણ જોઈએ. કોરોનાના ગંભીર પડકાર સામે આપણે ઝઝૂમી ચૂક્યા છીએ, તો આ પડકાર સામે કમિટેડ સિસ્ટમનો અમલ કરી માસ પ્રમોશનના life long ધબ્બામાંથી બચી શકાત. વિષયવાર નાની online exam પણ લેવાઇ હોત, તો કંઈક રાજીપો ગાંઠે બાંધી શકાયો હોત. ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...