વિજ્ઞાનધર્મ:હિંદુ ગોત્રનો X અને Y ક્રોમોઝોમ સાથે શું સંબંધ છે?

પરખ ભટ્ટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોત્ર શબ્દ મુખ્યત્વે લગ્ન-સંબંધી ચર્ચાઓ વખતે વધુ સાંભળવા મળતો હોય છે. સામાન્યતઃ કુલ આઠ ગોત્રનો મુખ્યત્વે ઉલ્લેખ થાય છે, જેનાં નામ આદિકાળમાં થઈ ગયેલા સપ્તર્ષિ તેમ જ અન્ય એક ભારદ્વાજ ઋષિનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. ગોત્ર મૂળ તો બે સંસ્કૃત શબ્દો ‘ગૌ’ (ગાય) અને ‘ત્રહિ’ (છાંયડો)ને જોડતો સંધિ શબ્દ છે. આઠ મુખ્ય બ્રાહ્મણ ગોત્રમાં અંગીરસ, અત્રિ, ગૌતમ, કશ્યપ, ભૃગુ, વશિષ્ઠ, કુત્સ અને ભારદ્વાજનો સમાવેશ થાય છે. આઠેય ગોત્રના આઠ ઋષિમુનિઓ ‘ગોત્રકારી’ (ગોત્રના ઉદ્્્ભવકર્તા) તરીકે ઓળખાય છે. સમય જતાં અષ્ટઋષિઓના વંશજોએ પોતાના નામેથી નવાં ગોત્ર આપ્યાં. પરિણામસ્વરૂપ, હાલ કુલ 49 ગોત્ર અસ્તિત્વમાં છે તેવું સ્વીકારાયું છે. પિતાનું ગોત્ર પુત્ર સાથે આગળ ધપે છે, પરંતુ દીકરી બાબતે આવું નથી. ધારો કે, કશ્યપ ગોત્ર ધરાવતાં દંપતીને ઘેર પુત્ર કે પુત્રીરત્નનો જન્મ થશે તો તેમનું ગોત્ર કશ્યપ જ રહેશે, પરંતુ એ જ લક્ષ્મી મોટી થઈ પરણીને સાસરે જશે ત્યારે સાસરિયાં પક્ષનું ગોત્ર તેનું પોતાનું થઈ જશે. શા માટે દીકરીનું ગોત્ર પરણ્યાં બાદ બદલાઇ જાય અને દીકરાનું નહી? શા માટે સમ-ગોત્રમાં સગપણ નિષેધ માનવામાં આવે છે? કેટલાંક કહેશે કે સમ-ગોત્ર ધરાવતાં બે પરિવારનાં સંતાનો એકબીજાનાં ભાઈ-બહેન ગણાય, પરંતુ બે અપરિચિત પરિવારો જેઓ એકબીજા સાથે સ્નાન-સૂતકનો સંબંધ નથી ધરાવતાં. તેમનું શું? આ મુદ્દે, સાયન્સની દખલગીરી જરૂરી બની જાય છે. પ્રત્યેક કોષ 23 રંગસૂત્રની જોડી (કુલ 46 રંગસૂત્રો) વડે બને છે. જેમાંનાં 23 રંગસૂત્ર માતા પાસેથી અને બાકીનાં 23 પિતા પાસેથી પ્રાપ્ત થાય છે. શાળાના અભ્યાસ દરમિયાન ભણ્યા કે માતા પાસેથી X (એક્સ) અને પિતા પાસેથી X રંગસૂત્ર ભેગાં થઈને પુત્રીને જન્મ આપે. બીજી બાજુ, માતા પાસેથી X, જ્યારે પિતા પાસેથી Y રંગસૂત્રનું મિલન થાય તો પુત્રસંતાન જન્મે. સરળ ભાષામાં કહીએ તો, XX એટલે દીકરી અને XY એટલે દીકરો. વાય-ક્રોમોઝોમ ફક્ત પુરુષ પાસે હોવાથી દીકરા-દીકરીના જન્મનો સંપૂર્ણ આધાર પુરુષ પર છે, આથી જ્યારે પણ સંતાનમાં દીકરો જન્મે છે ત્યારે તે તેના પિતાનાં વાય-રંગસૂત્રનો વારસો લઈને આવે છે. હવે જેમનું ગોત્ર ભારદ્વાજ છે, તે ઘરના પુરુષો આદિકાળથી ઋષિ ભારદ્વાજના વંશને આગળ ધપાવી રહ્યા છે તેમ ગણી શકાય. પરંતુ સ્ત્રી પાસે વાય-ક્રોમોઝોમ ન હોવાથી તેમનું કોઈ ચોક્ક્સ કુળ કે ગોત્ર જળવાતું નથી, જેનાં લીધે લગ્ન બાદ સ્ત્રીનું ગોત્ર બદલાઇ જાય છે. જીવવિજ્ઞાનીઓએ પ્રયોગોમાં સાબિત કર્યું છે કે વાય-રંગસૂત્રનું કદ એક્સ-રંગસૂત્રનાં કદ કરતાં ત્રીજા ભાગનું છે અને વર્ષો પહેલાંનાં કદની સરખામણીમાં સતત ઘટી રહ્યું છે. જેના લીધે વૈજ્ઞાનિકોએ વાય-ક્રોમોઝોમનાં અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી છે. સ્ત્રીઓમાં રહેલ એક્સ-ક્રોમોઝોમ એકબીજા સાથે ભળીને એકબીજાનાં કદને જાળવવામાં મદદરૂપ બને, પરંતુ પુરુષોમાં રહેલ XY રંગસૂત્ર એકબીજા સાથે મિશ્રણ નથી બનાવી શકતાં. વિજ્ઞાનીઓએ સાબિત કર્યા મુજબ, એક્સ-રંગસૂત્રનો ફક્ત 5% હિસ્સો વાય-રંગસૂત્ર સાથે મિશ્રણ પામી શકે છે. વાય-રંગસૂત્રને ટકાવી રાખવા ઉપરાંત, સંતાનપ્રાપ્તિ માટે પણ બાકીનો 95% હિસ્સો અગત્યનો છે. જેથી વાય-રંગસૂત્રએ અસ્તિત્વ જાળવી રાખવા સંઘર્ષ કરવો પડે છે. સમ-ગોત્રમાં લગ્ન નિષેધ ફરમાવવા પાછળ ઋષિઓની ગહન વિચારશક્તિ છે. વાય-ક્રોમોઝોમ અન્ય કોઈ રંગસૂત્ર સાથે મેળાપ ન કરતું હોવાથી તે વર્ષો સુધી મોટા જિનેટિક ફેરફાર વગર એકસરખી અવસ્થામાં વારસામાં ઊતરી આવે છે. જેના લીધે તેના પરનો ખતરો પ્રમાણમાં ઓછો થઈ જાય છે, પરંતુ જ્યારે સમ-ગોત્ર ધરાવતા બે લોકો એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાય, ત્યારે આ જોખમ વધી જાય છે. ધારો કે, વશિષ્ઠ ગોત્ર ધરાવતી વ્યક્તિ અતિગંભીર જિનેટિક સમસ્યાથી પીડાઈ રહી છે. જો તે સમ-ગોત્ર ધરાવતી કન્યા સાથે વિવાહ કરેે, તો રંગસૂત્રોની સમાનતાને લીધે ભવિષ્યમાં પતિ-પત્ની બંને રોગિષ્ઠ બની શકે, પરંતુ જો વશિષ્ઠ ગોત્ર ધરાવતો પુરુષ અન્ય ગોત્રની કન્યા સાથે વિવાહ કરેે તો આ ખતરો ટળી જાય છે. આ તમામ પાસાંને ચકાસીને આપણા ઋષિઓએ ગોત્ર પદ્ધતિ દાખલ કરી. જેથી તેમના વંશજો ભવિષ્યમાં નિરોગી જીવન જીવી શકે. ⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...