તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોરી પોઈન્ટ:હવે ત્યાં જઈને શેનો ખરખરો કરવો?

માવજી મહેશ્વરી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોન મૂકીને કવિતા ખુલ્લાં બારણાં સામે જોઈ રહી. ગાલ પરથી બે ટીપાં સરીને દુપટ્ટામાં શોષાઈ ગયાં. વિજયે તેની પીઠ ઉપર હાથ મૂકતાં ધીમેથી કહ્યું, ‘કવિતા, હું સમજી શકું છું. રડવું હોય એટલું રડી લે પણ મનમાં મુંઝાયા ન કર.’

દસેક મિનિટ પહેલાં ફોનમાંથી શબ્દો સંભળાયા હતા. સાવ ભાવવિહિન શબ્દો! કાનમાં પેસી ગયેલા શબ્દો હજુ ઝીણી જીવાંતની જેમ ગણગણાટ કરતા હતા, ‘કવિતા, પપ્પા રજા લઈ ગયા. તમે કલાકેકમાં આવો.’ કવિતાને રહીરહીને સમજાયું ત્યારે એકસાથે કેટલાંય વર્ષોનો ભાર આવી પડ્યો હોય તેમ ખુરશી ઉપર બેસી ગઈ. વિજય કવિતાનો ચહેરો જોઈને જ સમજી ગયો કે કદાચ કવિતાના પપ્પા જતા રહ્યા. છેલ્લી સ્થિતિની એને ખબર હતી. તે કવિતાને ત્યારથી ઓળખતો જ્યારે કવિતા કોલેજમાં ભણતી હતી. બે લાંબા ચોટલા વાળી, ઠસ્સાથી મોપેડથી કોલેજ આવતી કવિતા તેની પત્ની બની. વર્ષો વહી ગયાં. કવિતાની ચમકતી આંખો નીચે આછી કરચલીઓ દેખાવા માંડી હતી. પોતાના વાળ પણ ધોળા થવા માંડ્યા હતા. સમય વહેતો રહ્યો. છતાં સમયનો એક ચોક્કસ ગઠ્ઠો પીગળ્યો જ નહીં. કવિતાના પપ્પાની મુઠ્ઠીમાં જકડાયેલો જખ્મી સમય. કવિતાના પપ્પા કદી એકના બે ન થયા. કોઈ કાળમીંઢ ખડક જેવી એમની જીદ તસુભાર પણ હટી નહીં, કેન્સરના જંતુઓ રોમેરોમમાં પ્રવેશી ગયા ત્યાં સુધી. એમના ત્રણેય દીકરા, દીકરાની વહુઓ, કવિતાનાં મમ્મી સહિતનાએ એમને હાથ જોડ્યા, પણ એ ન પીગળ્યા. એકની એક દીકરી સપરમા દિવસે બાપના આંગણે ન હોય એ સહન કરી લીધું. એમની ડણક બધાને ડારતી રહી. જ્યારે પણ કોઈએ કવિતાની વાત કાઢી ત્યારે જાણે પાંસળીમાં ખૂંપી ગયેલી ફાંસની પીડા અટકાવતા હોય તેમ કહી દેતા, ‘એ મરી ગઈ છે. એ જ દિવસે મરી ગઈ જે દિવસે તેણે મારું ઘર છોડ્યું. બાપનું ઘર, માની લાગણીને લાત મારીને ચાલી ગઈ એ જ દિવસે તે મારા માટે મરી ગઈ છે. હું એમ સમજી જીવું છું કે એ કોઈકની દીકરી હતી, જે થોડાં વર્ષો મારી સાથે રહી હતી.’ કવિતા અને એના વચલા ભાઈએ મળીને આંગણામાં ગુલમહોર વાવ્યો હતો. એ વૃક્ષ ઉપર થોડાં વર્ષ ફૂલ આવ્યાં પછી અચાનક સુકાઈ ગયું. બધાં કહેતા કે એના મૂળમાં ઊધઈ લાગી ગઈ હશે. ઠૂંઠું થોડો સમય ઊભું રહ્યું. કવિતાના પપ્પાએ જ એક દિવસ એને મૂળસોતું કઢાવી નાખ્યું. એક જ શહેરમાં રહેવું એટલે બધી જાતની વાતો કોઈને કોઈ રીતે કવિતા સુધી પહોંચે. કવિતાએ પોતાને ગમતા પાત્ર સાથે લગ્ન કર્યાં હતાં. એ જુદી જ્ઞાતિનો હતો, પણ એટલી વાતથી દીકરી સાથે સંબંધ તોડી નાખવો વધારે પડતું હતું. બાજુવાળા અંજનાબહેન માનતા હતા અને એટલે જ કવિતાને મળવા આવતા. ત્યારે કવિતાના ચહેરા ઉપર ટાપુ ઉપર રહી ગયેલા એકલા માણસ જેવી વેદના લીંપાઈ જતી. ત્રણ દાયકામાં અસ્વીકારની ફાંસ એને પીડતી રહી. લગ્નનાં શરૂઆતનાં વર્ષો તો ધમધમાટ પસાર થઈ ગયાં, પણ છેલ્લો એક દાયકો જાણે થંભી જ ગયો હતો. રહીરહીને વરસી જતાં વાદળોની જેમ આંખો વરસવા લાગતી. છોકરા કહેતાં કે મામા મળ્યા હતા ત્યારે તે આંસુ ખાળવાનું બહાનું શોધતી. જેની જિદ્દે બધુંય હરી લીધું એ તો ચાલ્યો ગયો. એની લાશ પડી હશે એ ઘરમાં, જેમાં એ હકપૂર્વક જીવી હતી. ભાઈઓએ તો ફરજના ભાગ રૂપે કહી દીધું કે એકાદ કલાકમાં નીકળજો, પણ હવે ત્યાં જઈને કઈ વાતનો ખરખરો કરવો? કવિતાનાં આંસુ ડૂમો બનીને અટવાઈ રહ્યાં. ભીતરથી ધોધમાર રુદન બહાર આવતું હતું. મન કહેતું હતું કે જે માણસ તારા દીકરાનું મોં જોવા ન આવ્યો, જેણે તને તિરસ્કારી એ માણસના મૃત્યુ પર આંસુ સારીશ? વિજયે કહ્યું, ‘કવિતા, તારા પપ્પા તને અનહદ ચાહતા હશે. એમના પ્રચંડ માલિકીભાવે જ એમને જિદ્દી બનાવી દીધા હશે. જેમ તું પીડાઈ તેમ એ પણ પીડાયા હશે. ચાલ તૈયારી કર.’ કવિતાએ ‘મારા પપ્પા...’ કહીને ધ્રૂસકું મૂક્યું. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...