એન્કાઉન્ટર:બુદ્ધિ અને ડહાપણમાં શું ફેર?

5 મહિનો પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

બુદ્ધિ અને ડહાપણમાં શું ફેર?

- બુદ્ધિ કોલેજ પૂરી થતાં સુધીમાં આવી જવી જોઇએ… ડહાપણનો કોઇ ભરોસો નહીં! (હેમંત ત્રિવેદી, વડોદરા)

⬛ કિચન મેં કૌન થા? (નયન મણિયાર, મહુવા) - મારી બા. ⬛ આ મોંઘવારી ક્યાં જઇને અટકશે? (મહેન્દ્ર મોદી, ઘાટલોડિયા-અમદાવાદ) - જુઓ, બારણે કોઇ આવ્યું છે? ⬛ પત્ની પાસે રોજ સવારે શું માગવું જોઇએ? (મહાસુખ દરજી, અમદાવાદ) - મોબાઇલ પાછો માગી લેવો જોઇએ. ⬛ સ્ત્રી એટલે કોમળ હૃદય એ કેટલે અંશે સાચું છે? (પ્રબોધ જાની, વસાઇ-ડાભલા) - 100 ટકા સાચું. વાત આપણી બાની ચાલે છે. ⬛ બે યુવાન હૈયાં મળે, પણ બાકીના કેમ બળે? (પાર્થ ગોસ્વામી, રાજકોટ) - ‘તમે મળી લીધું… હવે અમને મળવા દો’ એવું કહી જાય, એના કરતાં બળે એ ધંધો નફાનો છે. ⬛ ‘આપ CCTV કેમેરાની નજરમાં છો’, એવું કહીને બીવડાવે છે કેમ? (પ્રવીણ મહેતા, કેશોદ) - તમે જાહેરમાં હખણાં રહો, માટે! ⬛ શ્રીરામનો વનવાસ 14 જ વર્ષનો કેમ રાખવામાં આવ્યો હતો? 12 કે 13 કેમ નહીં? (દર્શન કોઠારી, અમદાવાદ) - દયાળુ… એમ પૂછો કે 14 વર્ષને બદલે 14 દિવસનો કેમ નહીં? ⬛ ‘અમે વહુ નહીં, દીકરી ઘરે લઇ જઇએ છીએ’, એવું સાસુ કેમ કહેતી હશે? (સીમા નીરવ પટેલ, વસાઇ-ડાભલા) - બધી સાસુઓ એવું કહેતી નથી… કેટલીક તો જોક કરતી હોય! ⬛ ત્રણેય ડોઝ લઇ લીધા હોય, એના મોબાઇલમાં કોરોનાની કોલર-ટ્યૂન બંધ કરવી ન જોઇએ? (હર્ષ એસ. હાથી, ગોંડલ) - જેમ ચાલે છે, એમ ચાલવા દો… નહીં તો રોજ ઘરે આવીને સંભળાવશે! ⬛ ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ એમની વર્તમાન પ્રેમિકા સાથે લગ્ન કેમ કરતા નથી? (પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર) - એ પ્રેમિકા બધી રીતે ‘મોટી’ થઇ ગઇ હોય તો ન જ કરે ને? ⬛ હરામનું નેતાઓના પેટમાં કેમ ટકી જાય છે? (જોગાજી સોલંકી, વરનોડા-ડીસા) - મારે ટકાવવું છે, પણ હું નેતા બની શક્યો નથી, બોલો! ⬛ પ્રધાનો તદ્દન ઓછું ભણેલા ને એમના પટાવાળા ધો. 10 પાસ! (શરદ એન. મહેતા, મહુવા) - આ બતાવે છે કે માતા-પિતાએ છોકરાને ધો. 10 પછી ઉઠાડી લેવો જોઇએ! રાજકારણમાં નાખવો હોય તો! ⬛ 99 ટકા માર્ક્સ લાવનારા માટે શું સંદેશ છે? (દિવ્યેશ મકવાણા, અમદાવાદ) - આવતી એક્ઝામ્સમાં એક ટકો તો આવવો જ જોઇએ! ⬛ ડિમ્પલ સાથે પ્રેમ થયો, એ તમારી બ્રાઇટ મોમેન્ટ કે ‘ડીમ’ પલ? (વસંત દોશી, પ્રીતમનગર-અમદાવાદ) - અભિમાન તો તમનેય થાય છે ને કે, પ્રેમ કરવા માટે ઇન્ડિયાની સર્વોત્તમ સુંદરી પસંદ કરી છે? ⬛ ‘મારે તમને કંઇ પૂછવું જ નથી’, તો એનો જવાબ શું આવે? (નીતિન ટેકરાવાલા, અડાજણ-સુરત) - ભોગ તમારા…! ⬛ કિશોરોને રસી અપાઇ એમ લતાઓનેય અપાઇ હશે ને? (અશ્વિન મોરે, વડોદરા) - હા, હવે છેલ્લે રાહુલોને અપાઇ જાય, એટલે ગંગા નાહ્યા! ⬛ જીવનમાં ખૂબ પૈસો કમાવો હોય તો શું કરવું? (હાર્દિક ડાંગોદરા, ઊના) - આવા સવાલો પૂછવામાં ટાઇમ ન બગાડવો! ⬛ તમે ‘એન્કાઉન્ટર’નું પ્રશ્ન પત્ર કાઢો ને, એટલે ફૂટે જ નહીં! (નેહા એ. વ્યાસ, જામનગર) - ફૂટે નહીં તો મારા હાથમાં રૂપિયોય આવે? ⬛ લોકો પીધા પછી અંગ્રેજી કેમ બોલતા હોય છે? (વિનોદકુમાર જૈન, ધનસુરા) - પીધા પછી જ ખ્યાલ આવે છે કે, મારે લોકોને ઇમ્પ્રેસ કરવાના બાકી છે! ⬛ નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને તમારી શું સલાહ છે? (અનામત અલી નકવી, સુરેન્દ્રનગર) - હવે સુધરો… ચૂંટાયા છો. હવે સલાહો આપવાની હોય… લેવાની નહીં! ⬛ દૂધ તો ગાય અને ભેંસ બંને આપે છે, છતાં ગાયને માતા ને ભેંસને ડોબું કેમ કહે છે? (પ્રદીપ દવે, બોપલ-અમદાવાદ) - ગાયે પણ દૂધ આપ્યું છે, એવી ખબર ભેંસને પડવા દેવામાં આવતી નથી! ⬛ ‘ઓમિક્રોન’ વિશે તમારું શું કહેવું છે? (રમીઝ ડેરૈયા, ભાવનગર) - અત્યારે તો એટલું જ… કે મારા-તમારા ફેમિલીઓને કદી ન થાય! ⬛ પરણ્યા પછી લોકો પત્નીઘેલા કેમ થઇ જાય છે? (મહેશ મકવાણા, નરોડા-અમદાવાદ) - બહુ સાચી વાત છે તમારી! એમાં કેટલાક તો પોતાની પત્ની પાછળેય ઘેલા થઇ જાય છે, બોલો! ⬛ બાળકોની કથાના સવાલોય ‘એન્કાઉન્ટર’માં પૂછાય છે, બોલો! (નચિકેત યાજ્ઞિક, અમદાવાદ) - ના ના… તમારો સવાલ તો પુખ્ત છે! ⬛ નેતાઓને કોઇ કનડી જ શકે નહીં, શું? (ભરત વાજા, રામપરા-ગીરસોમનાથ) - હિંમત હોય તો કરડી શકાય! ⬛ તમારી સોસાયટીના લોકો તમને કેમ સવાલો પૂછતા નથી? શું એ લોકો રૂબરૂ પૂછે છે? (શિલ્પેશ રાવલ, રાયસણ-ગાંધીનગર) - છેલ્લા 23 વર્ષથી હું જ્યાં રહું છું, તેનો એકેય રહેવાસી મને ઓળખતો નથી… એક પણ નહીં! ⬛ ગુજરાતીઓ દિવાળી ઊજવવા પરિવારથી દૂર જતાં રહે છે ને ક્રિસમસ ફેમિલી સાથે હસતાં હસતાં ઊજવે છે! (ડો. શૈલજા ઠક્કર, વેજલપુર-અમદાવાદ) - બંને સ્થિતિમાં આનંદ તો કોમન છે ને? ⬛ જંત્રી, મંત્રી અને તંત્રી વચ્ચે શું ફરક છે? (અમૃત સોલંકી, બોટાદ) - ખાસ કંઇ નહીં! તમને ગુજરાતી ઉપર પકડ આવવા માંડી છે! ⬛ બાર સાંસદોના સસ્પેન્શનમાં બે ઉદ્યોગપતિઓનો હાથ છે… સાચું? (વિનાયક શુક્લ, ગોધરા) - હું તદ્દન ખોટ્ટો ડરતો’તો ને…? ⬛ અમદાવાદમાં લગ્નપ્રસંગમાં જમણવાર માટે રસોઇયા કેમ મળતા નથી? (અમરીશ ડી. મહેતા, અમદાવાદ) - એમાં આટલી આશાભરી નજરે મને શું કામ જુઓ છો? ⬛ ‘તમે કારમાં છો, સરકારમાં નહીં!’ એ અનુસંધાન તમારી સિક્સર, ‘કારમાં માસ્કનું શું કામ?’ને લાગુ પડે છે. (ધીરેન વૈષ્ણવ, મોરબી) - હા, મેં બીજીય એક લખી છે, ‘પ્રજા જેટલી પોલીસથી ડરે છે, એટલી કોરોનાથી નથી ડરતી’!

અન્ય સમાચારો પણ છે...