ઈધર-ઉધર:રાફેલની ખરીદી ને કોંગ્રેસની પડતીને લેવાદેવા?

એક મહિનો પહેલાલેખક: વિક્રમ વકીલ
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના એક પછી એક સિનિયર નેતાઓ કયાં તો કોંગ્રેસ છોડી રહ્યા છે અથવા તો સાવ જ નિષ્ક્રિય થઈ ગયા છે. આ માટેનું કારણ જે બહાર આવે છે એ જોયા પછી કોઈ પણ એમ માનવા પ્રેરાય કે સિનિયર કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધીથી અતિ નારાજ છે. રાહુલ ગાંધીની વર્તણૂકને કારણે આ નેતાઓની નારાજગી સ્વાભાવિક પણ છે. જોકે, સામા પક્ષે રાહુલ ગાંધી પણ મોટા ભાગના સિનિયર નેતાઓથી નારાજ છે! આ માટેનું કારણ ભારતે ફ્રાન્સ પાસે ખરીદેલાં રાફેલ ફાઇટર વિમાનો છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જ્યારે રાફેલ વિમાનોની ખરીદી સામે કૅમ્પેન ચલાવ્યું હતું ત્યારે અહેમદ પટેલ, ચિદમ્બરમથી લઈને ગુલામનબી આઝાદ જેવા નેતાઓએ રાહુલ ગાંધીના કૅમ્પેનને ટેકો આપ્યો નહોતો. આ માટેનું કારણ સાફ હતું. અનુભવી સિનિયર નેતાઓને લાગ્યું હતું કે રાફેલની ખરીદી દેશહિતમાં છે. ભારતની સુરક્ષા માટે ફાઇટર જેટ વિમાનોની ખરીદી ખૂબ જ જરૂરી હતી, એ વાત આ સિનિયર નેતાઓ સમજતા હતા. મોટા ભાગના સિનિયર નેતાઓને લાગ્યું હતું કે રાહુલ ગાંધી દેશહિતની વિરુદ્ધમાં જઈ રહ્યા છે. ભાજપ માટે કટ્ટર વિરોધ હોવા છતાં પણ આવા સિનિયર નેતાઓ દેશ વિરુદ્ધ જવા માગતા નહોતા. બસ આ જ વાત રાહુલ ગાંધીને ખટકી અને ‘ઓપરેશન સિનિયર્સ’ ચાલુ થઈ ગયું!

નીતિશ કુમાર પોતાના સમયની જ રાહ જોતા હતા!
બિ​​​હારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અતિચાલાક રાજકારણી છે. સત્તામાં ટકી રહેવાની એમની આવડત વિશે તો ભાજપ પણ શંકા કરતો નથી. ભાજપના સિનિયર નેતાઓથી ઘવાયેલા હોવા છતાં નીતિશ કુમારે ભાજપના ટેકાવાળી સરકાર ચાલુ રાખી હતી. નીતિશ જાણતા હતા કે ભાજપ પાસે સંખ્યાબળ વધુ છે. જેને કારણે તેઓ જે.ડી. યુ. સાથે ગઠબંધન કરે તો પણ વધુ સંખ્યાબળ હોવાને કારણે રાજ્યપાલ ભાજપને જ સરકાર બનાવવા આમંત્રણ આપે. થોડા સમય પહેલાં આર. જે. ડી. સાથે અકબરુદ્દીન ઔવેસીના પક્ષ એ. આઇ. એમ. આઇ. એમ.ના સાત જેટલા ધારાસભ્યો જોડાઈ ગયા એટલે નીતિશ કુમાર માટે ભાજપને તરછોડવાનો માર્ગ મોકળો થઈ ગયો. જોકે, કેટલાકનું માનવું છે કે નીતિશ કુમારે ખાનગીમાં ઔવેસી સાથે સમજૂતી કરી લીધી હતી અને ઔવેસીના કહેવાથી જ એમના ધારાસભ્યો નીતિશ સાથે ગયા હતા.

વૃદ્ધાની દાંતની મજબૂતીનો પુરાવો
તાજેતરમાં 71 વર્ષની ચીની વૃદ્ધાએ માત્ર પોતાના દાંત વડે કારને 65 ફીટ ખેંચી હતી. કાર સાથે દોરડું બાંધી, બીજા છેડે હાથરૂમાલ વીંટાળી, છેડો દાંત વચ્ચે પકડ્યો ને પછી કારને ઢસડી! દાંત વડે કાર ખેંચવાની સિદ્ધિ મેળવવા માટે તેમણે 30 વર્ષ કરતાં વધુ સમયથી દાંત મજબૂત બનાવવાની પ્રેક્ટિસ આદરી હતી. ટૂથપેસ્ટ કંપનીઓ જાહેરાત માટે ફૂટડા યુવક-યુવતીઓને પડતાં મૂકી વાંગ જિયાબી નામનાં આ વૃદ્ધાને મોડલ તરીકે સાઇન કરવા દોડી જાય તો જરાય નવાઈ નહીં.

મહિનામાં ચારવાર પરણવાનું પરિણામ?
એક સાઉદી યુવકે છ મહિનામાં ચચ્ચાર શાદી કરી જેનાં પરિણામે અત્યારે હોસ્પિટલમાં માનસિક સારવાર લઈ રહ્યો છે. આ મજબૂત યુવાન અત્યારે માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. ચાર સ્ત્રીઓને પરણવાનું સાહસ કરવા તેને કોણે ઉશ્કેર્યો હશે? તેનાં માવતરે જ દીકરાને છ મહિનામાં ચાર યુવતીઓ સાથે પરણાવ્યો. અત્યારે પુત્ર હોસ્પિટલમાં મનોચિકિત્સકની સારવાર લઈ રહ્યો છે. પોતાની દુર્દશા માટે જવાબદાર મા-બાપ ઉપરાંત ચારેય પત્નીઓ પૈકી કોઈનુંય મોઢું જોવા એ તૈયાર નથી . તે પત્નીઓ અને મા-બાપને મળવાની પણ ના પાડે છે.

જ્યારે સાસુ-જમાઈ બન્યાં પતિ-પત્ની
કોઈ પરણીને ત્રસ્ત છે તો કોઈને વારંવાર પરણવાના અભરખા જાગે છે. 27 વર્ષીય રોમાનિયન યુવક લોરેન્ટિયુ એ ત્રણ મહિનાના લગ્નજીવન બાદ પત્નીને ડિવોર્સ આપી દીધા અને બેએક મહિના બાદ એણે એના જ પરિવારમાં ફરીથી લગ્ન કર્યાં. કોની સાથે, જાણો છો? પૂર્વ પત્નીની મા સાથે એટલે કે ભૂતપૂર્વ સાસુમા સાથે. સાસુ પત્ની બની એ પ્રસંગને વધાવવા લોરેન્ટિયુએ મોટા પાયે સમારંભનું આયોજન પણ કર્યું હતું. રોમાનિયાનાં સમાચારપત્રોએ સાસુ-જમાઈનાં લગ્નના આ અહેવાલને મોટાં મથાળાં સાથે પ્રગટ કર્યાં છે. હવે નવપરિણીત યુગલ કહે છે, ‘અમને જોડિયાં બાળક અવતરશે, એવી શ્રદ્ધા છે. તેમાં એક છોકરો અને એક છોકરી હશે.’⬛
vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...