એન્કાઉન્ટર:સ્વચ્છતાનું સરનામું શું?

4 મહિનો પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

⬛ તમે પૂરા હકીભાભીના કે 50 ટકા ડિમ્પલ કાપડીયાનાય…? (વિવેક ભીમાણી, બાદનાર (જો)-જામનગર) - ડિમ્પલ 50 ટકા બીજાની છે, જ્યારે હકી આખેઆખી મારી છે. બોલો, શું કરવું જોઇએ? ⬛ કેટલાક લોકો અવારનવાર ઉપવાસ-આંદોલનો કેમ કરે છે? (ઠાકરશી ગોહિલ, પાલિતાણા) - આપવાનું હોય તોય ક્યાં ખિસ્સામાંથી આપવાનું છે? ⬛ સાચા એન્કાઉન્ટર અને તમારા ‘એન્કાઉન્ટર’ વચ્ચે શું ફર્ક છે?(શુલિન ત્રિવેદી, સુરેન્દ્રનગર) - આપણાવાળામાં જેનું એન્કાઉન્ટર થાય છે, એનેય ગમ્મત પડે છે! ⬛ આપણા દેશમાં ખરેખર લોકશાહી છે કે માત્ર દેખાડો?(સંજય પટેલ, બોરાલાઇ-વલસાડ) - સરકાર વિરુદ્ધ બોલો તો કોણ પકડી ગયું તમને? ⬛ મને તમારા જવાબો વાંચીને હસવું નથી આવતું. શું કરું?(સાહિલ સૈયદ, ખંભાત) - આ બીમારી તો નાનપણથી હોવી જોઇએ! ⬛ ગાયને માતા કહેવાય તો બળદને પિતા કેમ ન કહેવાય?(મુકેશ પરમાર, અમદાવાદ) - કહો. ⬛ ‘શિક્ષક દિને’ તમારે શિક્ષક બનવાનું હોય તો કયો વિષય ભણાવવાનું પસંદ કરો? (કિશોર કાપડીયા, મોરચંદ-ઘોઘા) - ‌વિશ્વમાં ઉત્તમ મારો ભારત દેશ છે, એ સફળતાપૂર્વક ભણાવું. ⬛ ‘એન્કાઉન્ટર’ અઠવાડિયામાં બે વાર છપાવવું હોય તો શું કરવું? (ડૉ. મહેન્દ્ર મૈસુરિયા, અમદાવાદ) - એવું અશુભ-અશુભ ન બોલો. આ લોકોને મારાથી સારો લેખક મળી જશે, તો મારે અઠવાડિક રાશિ-ભ‌િવષ્યો લખવાના આવશે. ⬛ શક્તિ અને સહનશક્તિ વચ્ચે શું ફેર? (મહાસુખ દરજી, અમદાવાદ) - વાઇફ દૂધ લેવા મોકલે ને ના પાડી શકો તો શક્તિ… જવું જ પડે એ સહનશક્તિ! ⬛ 15 ઓગસ્ટકે 26 જાન્યુઆરી પછી આપણા રાષ્ટ્રધ્વજને આટલી હદે ભૂલી કેમ જવાય છે? (ડૉ. શૈલજા ઠક્કર, અમદાવાદ) - ટીવી લોકમાધ્યમ છે. રોજેરોજ એમાં રાષ્ટ્રધ્વજની મહત્તા સમજાવતો 4-5 મિનિટનોય કાર્યક્રમ આવતો રહેવો જોઇએ. ⬛ રખડતા ઢોરને ડામવા વાહનચાલકોએ જ ઢોરો માટે બેહોશીની દવા વાપરવી પડશે…! (ધીમંત ભાવસાર, બડોલી-ઇડર) - એ તો ત્યાં જ ઢળી પડે ને ઉપરથી ટ્રાફિક-જામ થાય. અત્યારે બેહોશીનું ઇન્જેક્શન મ્યુનિ.વાળાઓને વાગી ગયું છે! ⬛ બે વેદો જાણનારા ‘દ્વિવેદી’, ત્રણવાળા ‘ત્રિવેદી’ ને ચારવાળા ‘ચતુર્વેદી’! તો આપની અટકને વેદમાંથી ઊલટી કરાવી છે? (વિવેક ભીમાણી, બાદનર-જોડિયા) - ‘દવે’ એ ‘દ્વિવેદી’નું અપભ્રંશ છે. અંગ્રેજોને બોલતા ન ફાવે એટલે Dave કરી નાખ્યું… અને હજી એ લોકો ‘દવે’ બોલતા નથી થયા. ⬛ આંખ આડા કાન કેમ કરવા? (નેહા વ્યાસ, આટકોટ) - ન કરાવશો… એકસાથે બબ્બે કાનોના ઓપરેશનો ઝીલી નહીં શકો. ⬛ જો કોઇને પોતાના મૃત્યુની તારીખ ખબર પડી જાય, તો એ જીવન માણી શકે ખરો? (જીતેન્દ્ર કેલા, મોરબી) - તારીખ ખબર પડે તો પરમાત્માને ત્યાં ઠેઠ પૃથ્વી સુધી લાઇનો લાગે. ⬛ સરકાર પહેલાં ખાડા બનાવે અને પછી પુરાવે, એ કંઇ ચાલે? (કૃણાલ પટેલ, સુરત) - તે એમાં પહેલાં પૂરી નાખે ને પછી ખાડો પાડે, એય સારું ન લાગેને? ⬛ હે પ્રભુ, તમે સુરત આવો. તમને ડાંગ અને દમણની સૈર કરાવું.(હરદીપ પાઠક, સુરત) - વત્સ, હું ‘પીતો’ નથી. દમણ જઇને શું કરીશું? ⬛ નેેતાગીરી કેવી જોઇએ? (ભરત કજરીયા, બોરિવલી, મુંબઇ) - નેતાથી વધુ સશક્ત. ⬛ સત્તામાં ટકી રહેવામાં નીતિશ કરતા રામવિલાસ પાસવાન વધુ કાબેલ હતા કે નહીં? (જયેશ સુથાર, કણજરી-નડિયાદ) - હા પણ પાસવાન દુનિયામાં ટકી રહેવામાં કાબેલ નહોતા! ⬛ ગાયને માતા કહેવાય તો બળદને બાપા ન કહેવાય?(મુકેશ પરમાર, અમદાવાદ) - કહેવા માંડો ત્યારે…! તમને કોઇ રોકી શક્યું છે? ⬛ તમારા સ્વચ્છતાના લેખને કેવો પ્રતિભાવ મળ્યો?(શશિકાંત મશરૂ, જામનગર) - હવે બાજુની સોસાયટીવાળાઓય કચરો અમારા ઝાંપે નાખી જાય છે! ⬛ તદ્દન નવા બનેલા ‘અટલ બ્રિજ’ ઉપરેય ગંદકીના ઢગલા…! (મહેશ શાહ, અમદાવાદ) - આપણે ત્યાં રસ્તા ઉપર થૂંકનારનેય હજાર રૂપિયાનો દંડ થતો નથી, ત્યાં…? ⬛ મુખ્ય સમાચાર: પેટ્રોલ-ડીઝલમાં રૂ. 3/-નો ઘટાડો થશે.(અમરત સોલંકી, બોટાદ) - આપણું પચ્ચા લિટર લઇ લેજો. ⬛ કલાકારને સૌથી પહેલા એના ઘરવાળા જ કેમ તરછોડે છે?(અનેરી દેસાઇ, રાજકોટ) - Calamity begins at home. જેથી એને તરછોડવા ઉપર હાથ બેસી જાય! ⬛ કાળી મરઘીનું ઇંડું સફેદ કેમ હોય છે? (મહેશ સપનાવાલા, અમદાવાદ) - ઑમલૅટની લારી શરૂ કરવી છે? ⬛ ‘ખાધું, પીધું અને રાજ કર્યું’, તો શું રાજ કરવા માટે ‘પીવું’ પડે? (ભાલચંદ્ર દવે, અમદાવાદ) - ‘પીધું, પીધું અને પીધા કર્યું’… એટલું બધું તો સારું નહીં લાગેને? ⬛ ‘મોટિવેશનલ સ્પીકર’ એક સફળ બિઝનેસમેન બની શકે ખરા? (અંકિત માકડિયા, ગોમતા-ગોંડલ) - એ જ એમનો ધંધો નથી? ⬛ ચૂંટણીના એક પોસ્ટરમાં કોઇકે ‘મોકા’નું ‘ધોકા’ કરી નાખ્યું… (ગિરીશચંદ્ર જાટકિયા, અમદાવાદ) - આવું બધું શું કામ વાંચો છો? ⬛ રોડ ઉપર થૂંકવાની હિંમત ક્યાંથી આવતી હશે?( ડૉ. ગિરીશ દ્વિવેદી, વડોદરા) - મોઢામાંથી… શરીરના કોઇ પણ ભાગમાંથી મોઢા વગર થૂંકી શકાતું નથી. ⬛ કર્તવ્ય પથ પર કિંગ જ્યોર્જ (પંચમ)ને બદલે સુભાષચંદ્ર બોઝની મૂર્તિ જોઇ છાતી ફૂલી ગઇ! (રાજેશ ગાંધી, વસઇ-પાલઘર) - ઋષિ સુનક બરોબર ચાલ્યા તો બકિંગહામ પૅલેસ ઉપરેય તિરંગો લહેરાતો હશે! ⬛ તમે રાજકોટમાં બનેલું ‘રામવન’ જોયું? (આસિફ છુવારા, રાજકોટ) - મારા શ્રી હનુમાનજીના આદેશ વિના ક્યાંથી જોવાય? ⬛ હિરોઇનો સાથે સંકળાવવાથી સ્ટાર-ક્રિકેટરોની કરિયરને ગ્રહણ લાગતું હોય છે? (પરેશ અંતાણી, રાજકોટ) - એથી ઊલટુંય ક્યાં બને છે? ⬛ ટીવી પર કથાકારોનો રાફડો ફાટ્યો છે… શું કહેવું છે આપનું? (પ્રદીપ દોશી, માંડવી-કચ્છ) - જય શ્રીરામ. ⬛ ‘ગાળો’ વિશેના લેખમાં મજા આવી… (ભરત જોશી, પાર્થ મહાબાહુ) - બોલી બતાવવાનું ના કહેતા!

અન્ય સમાચારો પણ છે...