તમે કોઇ કંપનીમાં જોબ કરો ત્યારે તમારી પાસેથી બીજી કોઇ કંપની માટે તમે કામ નહીં કરો એવી અપેક્ષા રાખવામાં આવે છે. ઘણીબધી કંપનીઓ કર્મચારીઓના જૉબ કે કોન્ટ્રેક્ટ લેટરમાં આ બાબતનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરે છે. આનાથી કર્મચારીઓ કંપનીની શરતોને આધીન રહીને કામ કરે છે. ઘણીવાર એવું પણ બને છે કે કંપીનઓ કેટલાક કર્મચારીઓ પર મૂનલાઇટિંગ (moonlighting)નો આરોપ મૂકે છે અને તેના પર કાયદેસરનાં પગલાં લે છે. એના ભાગરૂપે કર્મચારીને કંપનીમાંથી તગેડી મૂકવામાં આવે છે અને મૂનલાઇટિંગ કરનાર કર્મચારી બેકાર બની જાય છે. આ મૂનલાઇટિંગ એટલે શું? મોટા ભાગની કંપનીઓ તેને અનૈતિક કેમ માને છે? આજકાલ મૂનલાઇટિંગ શબ્દ ચર્ચામાં કેમ છે? આવા સવાલોનો જવાબ મેળવીએ. મૂનલાઇટિંગ એટલે અહીં કેન્ડલ લાઇટની વાત નથી કરવાની. કોઇ એક કંપનીનો કર્મચારી કંપનીના નિર્ધારીત સમય પછી બીજી કંપની માટે કામ કરે તેને ‘મૂનલાઇટિંગ’ કહેવાય છે. મોટા ભાગની કંપનીઓને મૂનલાઇટિંગને અનૈતિક માને છે. તેનું કારણ એ કે ઘણીવાર મૂનલાઇટિંગ કરનારા કર્મચારી હરીફ કંપની માટે કામ કરે છે. તેનાથી કંપનીને નુકસાન થાય છે. આજકાલ ‘મૂનલાઇટિંગ’ શબ્દ ચર્ચામાં આવ્યો. આઇટી સેક્ટરની મોટી કંપની વિપ્રોએ થોડા સમય પહેલાં તેના 300 કર્મચારીઓ પર મૂનલાઇટિંગનો આરોપ મૂકીને તેમને કંપનીમાંથી તગેડી મૂક્યા. આ ઘટના પછી મોટા ભાગના લોકો ‘મૂનલાઇટિંગ’ શબ્દથી પરિચિત થયા. ભારત દેશમાં આ અગાઉ મૂનલાઇટિંગ શબ્દ ચલણમાં નહોતો. મૂનલાઇટિંગનું પ્રમાણ કોરોનાકાળ દરમિયાન વધ્યું. કોરોનાની મહામારીને કારણે સેંકડો કર્મચારીઓએ નોકરી ગુમાવી પડી. મોટા ભાગની કંપનીઓએ સલામતીના કારણસર પોતાના કર્મચારીને ‘વર્ક ફ્રોમ હોમ’ (ઘેરબેઠા કામ) કરવા માટે કહ્યું હતું. આ પરિસ્થિતિનો લાભ લઇને કેટલાક કર્મચારીઓએ એક કંપનીના વર્કિંગ અવર્સ પૂરા થઇ ગયા પછી બીજી કંપની માટે કામ કરવાનું શરૂ કર્યું. કોરોનાકાળ પૂરો થઇ ગયા પછી પણ કેટલાક કર્મચારીએ મૂનલાઇટિંગ ચાલુ રાખ્યું. પરિણામે વિપ્રો જેવી કંપનીએ મૂનલાઇટિંગ કરતા કર્મચારીઓ પર કાયદેસરનાં પગલાં લેવાં પડ્યાં. હવે એક સવાલ એવો પણ થાય કે જો કોઇ કર્મચારી કંપનીના નિર્ધારીત કલાકો પછી બીજી કંપની માટે કામ કરે તો એમાં કંપનીએ શું કામ વાંધો ઉઠાવવો જોઇએ? કંપનીની દૃષ્ટિએ વિચારીએ તો મૂનલાઇટિંગ યોગ્ય ન કહેવાય. મોટા ભાગની કંપની તેને અનૈતિક માને છે. તેનંુ કારણ એ કે કોઇ કંપની જ્યારે કર્મચારીની નિમણૂક કરે છે ત્યારે તે તેની પાસેથી ફુલ ટાઇમ કામ(મહેનત)ની અપેક્ષા રાખે છે. કંપનીને એવું લાગે છે તે તેનો કર્મચારી બે કંપનીમાં કામ કરશે તો તેની વિપરીત અસર કર્મચારીને કંપનીએ સોંપેલી જવાબદારી પર પડશે. એટલે મૂનલાઇટિંગ કરતા કર્મચારીના કામમાં ભલીવાર નહીં આવે. કોઇ ફ્રીલાન્સિંગ કામ કરે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતું હોય તો તેઓ કોન્ટ્રાક્ટના સમયગાળા દરમિયાન બીજી કોઇ કંપની માટે કામ ન કરે એવી અપેક્ષા ફ્રીલાન્સર પાસેથી રાખવામાં આવે છે. આનાથી કર્મચારીની નિષ્ઠા કંપની માટે જળવાઇ રહે છે. કંપની પ્રત્યેની કર્મચારીની વફાદારીમાં જ્યારે ઓટ આવે ત્યારે ચોક્કસપણે કંપની માને છે કે કર્મચારીની મૂનલાઇટિંગની પ્રવૃત્તિથી કંપનીને નુકસાન વેઠવાનો વારો આવશે. પરિણામે કંપની તાત્કાલિક ધોરણે મૂનલાઇટિંગ કર્મચારીઓ પર કાયદેસરનાં પગલાં ઉઠાવે છે. વિપ્રો કંપનીના કર્મચારીઓની મૂનલાઇટિંગ પ્રવૃત્તિ વાર્ષિક ઓડિટ દરમિયાન પકડાઇ. વિપ્રો કંપનીના કર્મચારીઓ અને વેન્ડર્સના વાર્ષિક ઓડિટ દરમિયાન કંપનીના employer’s portal પર યુએએન એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક્સેસ કરવામાં આવ્યો. ત્યાં ઇપીએફઓની વેબસાઇટ દ્વારા વિપ્રો કંપનીને જાણ થઇ કે તેમની કંપનીમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ વિપ્રો ઉપરાંત બીજી કંપની માટે કામ કરે છે. આવી જાણ થયા પછી મૂનલાઇટિંગ કરતા કર્મચારીને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. જોકે, આપણા દેશમાં મૂનલાઇટિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી પણ એક બાબત સ્પષ્ટ છે કે જો કોઇ કમર્ચારીના કોન્ટ્રાક્ટમાં એકસાથે બે નોકરી ન કરવાની વાત સ્પષ્ટ રીતે જણાવવામાં આવી હોય તો કંપનીના કોન્ટ્રાક્ટનો ભંગ કરવા બદલ એ કર્મચારી પાસેથી ફરજિયાતપણે રાજીનામું માગી શકે છે. અહીં કોન્ટ્રાક્ટ બહુ મહત્ત્વનો બની જાય છે. ખરેખર તો કોન્ટ્રાક્ટનો અર્થ એ છે કે કર્મચારી એક કંપનીનું કામ કરવા ઉપરાંત નવરાશમાં હરીફ કંપનીઓનું કામ ન કરી શકે. બીજે કામ ન કરી શકવાની શરત લેખિતમાં કરારમાં હોય કે ન હોય પણ બીજી કંપની માટે કામ ન જ કરી શકે એવું મોટા ભાગના કિસ્સામાં સમજી લેવાનું હોય છે. એક બાબત યાદ રાખવા જેવી છે કે ભારતમાં કારખાના અધિનિયમ એટલે કે ફેક્ટરી એક્ટ, 1948ની કલમ 60માં શ્રમિક (કર્મચારી)ના બેવડા રોજગાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાયદામાં આઇટી ક્ષેત્રના કર્મચારીને આવરી લેવાયા છે કે નહીં એ બાબત સ્પષ્ટ નથી. આના આધારે એમકહી શકાય કે આઇટી સેક્ટરના કર્મચારીઓ મૂનલાઇટિંગ કરે તો તેને નૈતિક ગણી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.