પ્રશ્ન વિશેષ:પરિવાર એટલે  શું ?

એક મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક
  • પરિવાર એટલે જ્યાં હું શ્વાસ લઉં છું ત્યાં અસ્તિત્વના પ્રત્યેક કણ-કણની અને જીવ-જીવની હાજરી એ મારો પરિવાર છે

પરિવાર શબ્દ જરા સમજવાની જરૂર છે. આમ તો બાળક જન્મે ત્યારથી એને મા હોય અને બાપ હોય ત્યારે જ બાળક જન્મ્યું હોય તો એ એનું કુટુંબ શરૂ થયું. હવે જે એની મા છે એને પણ બહેન છે એટલે માસી છે, બાપ છે એને પણ બહેન છે એટલે એની ફોઈ છે. આમ બાળક જન્મે ત્યારે મા-બાપ સાથે અનેક લોકો જોડાય છે. આ જે જોડાવાનું બન્યું એને આપણે કુટુંબ કહીએ છીએ. કુટુંબ એટલે મારા લોહીના સંબંધથી જોડાયેલ લોકો. પણ પરિવાર ત્યાં અટકતો નથી. આપણે પર્યાવરણ શબ્દ બોલીએ છીએ. પરિ એટલે આજુબાજુનું, આસપાસનું આવરણ.

એમ જ પરિવાર એટલે શું? તો માત્ર કુટુંબ નહીં, પણ હું જરા મોટો થયો, બાળક તરીકે મોટો થયો, શેરીમાં રમવા લાગ્યો તો શેરીના મારા મિત્રો જોડાયા તો મને એ પોતીકાં લાગ્યાં, એટલે એના ગમા-અણગમા, મારા ગમા-અણગમા બનવા લાગ્યા. મારા પાડોશીઓની વાતો મને અસર કરવા લાગી, એનાથી મોટો થયો અને શાળામાં ગયો તો સ્કૂલમાં મારા મિત્રો થયા, કોઈ ટીચર મને ખૂબ ગમે છે તો મને એ પોતીકાં લાગે છે, તો આ પણ પરિવારમાં ઉમેરાવા લાગ્યું. એટલે આ આજુબાજુની જે ભળવાની આખી પ્રક્રિયા થાય એનો સમૂહ બને એને પરિવાર કહેવાય.

હકીકતમાં તો આપણી ચિંતા કુટુંબ પૂરતી સીમિત ન હોવી જોઈએ. કમનસીબે આપણે લોકો કુટુંબમાં અને કુટુંબ કરતાં પણ ‘મારા’માં એટલે કે વ્યક્તિમાં સીમિત થઇ ગયા છીએ અને એટલે જ તો વિશ્વના બધા પ્રશ્નો છે. જુઓ ને, વર્ષો સુધી યુદ્ધો ચાલ્યા કરે, કોઈ કોઈને માર્યા જ કરે અને આખું જગત ચૂં કે ચાં કર્યા વગર શાંતિથી બધું જોયા કરે એ પણ પરિવાર પ્રત્યેની એક ત્રાસદાયી મનોદશા છે. એનું કારણ કે એ પણ મારો પરિવાર છે. જે વિશ્વમાં હું જન્મ્યો છું, જે વિશ્વ મને પોષે છે, જે વિશ્વમાં હું તરત ભળી જવાનો છું એ વિશ્વનું એક એક કણ અને એક એક જણ એ મારો પરિવાર છે.

પરિવાર એ આમ જુઓ તો ધર્મ છે. ધર્મ એટલે મારે કરવાનું કામ. હું અત્યારે જ્યાં બેઠો છું તો મારું ત્યાં જે કામ છે એ હું શતશઃ કરું તો હું મારો ધર્મ બજાવું છું, એનાથી બહાર કોઈ સંબંધ નથી. ભગવદ્ ગીતાએ કહ્યું, ‘તમે સ્વધર્મ લઈને આવો છો. નજીકના લોકોની સેવા કરવી કે કોઈને જાળવી લેવાં એ તો આપણો ધર્મ જ છે.’ હકીકતમાં તમે સ્વધર્મ લઈને આવ્યા છો, ઈશ્વરે જે કામ આપ્યું છે એને હોમવર્ક કહેવાય, સ્કૂલમાં જેમ હોમ વર્ક આપે એમ ઈશ્વરે મોકલ્યા ત્યારે મને ને તમને હોમવર્ક આપ્યું કે આટલું તારે કરવાનું. પ્રશ્ન થાય કે કેટલું હોમવર્ક કરવાનું?

તો આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં... બહુ સ્પષ્ટ કહ્યું કે તમે જન્મ લો ત્યારે ત્રણ સંસ્થા તમારી સાથે જોડાઈ છે. એક … તમે જ્યાં જન્મ્યા તે કુટુંબ એટલે કે માતા પિતા, ફઈ, ફુઆ વગેરે વગેરે. પણ આ કુટુંબ છે એ અહીંયા સીમિત ન થાય ત્યાં એણે પરિવારની વ્યાખ્યા કરી. તમારી આજુબાજુનાં બધાં લોકો જે કોઈ છે, જેની સાથે તમે વર્તન વ્યવહારમાં હો છો, પ્રત્યાયનમાં હો છો એ સઘળો તમારો પરિવાર છે. એના પ્રત્યે તમારી લાગણી અને કરુણા એ તમારો પહેલો ધર્મ.

બીજું… તમે એક સમાજમાં ઊછરો છો, જે સમાજમાં તમે જેને નથી ઓળખતા એવા જીવ છે. જીવ એટલે કે મારી શેરીની અંદર કૂતરું છે અને કૂતરીને ગલૂડિયાં આવ્યાં છે, એની સાથે મારે કોઈ નાતો નથી એમ મને લાગે છે પણ ભગવદ્ ગીતા એમ કહે છે કે, એ જીવ છે ને એ જીવ તને જુએ છે અને તું એને જુએ છે માટે એ તારો ધર્મ છે તેથી એના પ્રત્યે કરુણા રાખવી.

અને ત્રીજું, સંસ્થા એટલે સમષ્ટિ એટલે સમસ્ત બ્રહ્માંડ. તમે વૃક્ષનો ઉપયોગ કરો છો, તમે સૂર્યનો ઉપયોગ કરો છે, નદીનો ઉપયોગ કરો છો, પવનનો ઉપયોગ કરો છો. જેનો ઉપયોગ કરો છો એને પ્રત્યેક રીતે પણ સંવર્ધિત કરતા રહેવાની પ્રતિજ્ઞા એ તમારો ધર્મ છે. પરિવાર એટલે જ્યાં હું શ્વાસ લઉં છું ત્યાં અસ્તિત્વના પ્રત્યેક કણ-કણની અને જીવ-જીવની હાજરી એ મારો પરિવાર છે. ટૂંકમાં કહીએ તો સમગ્ર વિશ્વ આપણો પરિવાર જ છે.

અન્ય સમાચારો પણ છે...