એન્કાઉન્ટર:ખાધેલું પચતું નથી ને કમાયેલું બચતું નથી. કોઇ ઉપાય?

એક મહિનો પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક
(તસવીર પ્રતીકાત્મક છે) - Divya Bhaskar
(તસવીર પ્રતીકાત્મક છે)

ખાધેલું પચતું નથી ને કમાયેલું બચતું નથી. કોઇ ઉપાય?

⬛ જમવાનું ઘરે અને કમાવવાનું બહાર રાખો. (પ્રબોધ જાની, વસાઇ-ડાભલા) ⬛ આજકાલ ભરતીના અનેક કૌભાંડો બહાર આવે છે. સુઉં કિયો છો? (નીલેશ ગોહિલ, જામનગર) - ઓકે.. તો એમાં મારે કાંઇ કહેવાનું હોય…? તમે ત્યારે લહેર કરો! ⬛ લોકડાઉનોને કારણે છોકરાઓનું ધ્યાન ભણતરમાંથી આઘું જતું રહ્યું છે… (ભાવિની વાઘેલા, કોટડા-જડોદર, કચ્છ) - જે ભગવાનને માનતા હો, એમને પ્રાર્થના કરો કે, લાઇફ ટાઇમમાં હવે લોકડાઉન ફરી ન આવે! ⬛ આજકાલ ‘વંદન’ના વાયરા બહુ ચાલ્યા છે… (હિતેશ દમણિયા, સુરત) - ફાઇન. તો પછી કરી નાખો. ⬛ દિવ્ય ‘ભાસ્કર’ છે, તો દિવ્ય ‘ચંદ્રમા’ કેમ નથી? (કૃણાલ પંચાલ, વલસાડ) - છાપું રાત્રે વાંચવાનું ન હોય… વહેલી સવારે ઊઠીને વાંચવાનું હોય! ⬛ ‘કૂતરાઓ’ ઉપર તમે 34 હાસ્યલેખો લખ્યા. હવે 35મો ક્યારે? (જીતેન્દ્ર કેલા, મોરબી) - બીજું કઇડે ત્યારે. ⬛ ઇ. સ. 2022ના નવા વર્ષનો આપે શું સંકલ્પ લીધો? (પ્રવીણ મહેતા, કેશોદ) - … કે, આવતા વર્ષે હું ચોક્કસ સંકલ્પ લઇશ. ⬛ પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં લક્ષણ બારણામાંથી, તો ગોરધનનાં લક્ષણ? (અમૃત સોલંકી, બોટાદ) - લક્ષણ બતાવી દે, એને સફળ ગોરધન ન કહેવાય! ⬛ ગુજરાતીને માતૃભાષા કહે છે, તો ‘પિતૃભાષા’ કઇ? (માધવ ધ્રુવ, જામનગર) - એ ફક્ત એમનાં છોકરાઓ કહી શકે! ⬛ બીડીને સ્વર્ગની સીડી કહે છે, તો સિગારેટને? (શશીકાંત મશરૂ, જામનગર) - રહેવા દો, ભ’ઇ… બંને બદનામ છે. ⬛ ‘એન્કાઉન્ટર’ને આખા પાનાનું કરી ન શકાય? (શિરીષ ઠાકર, વડોદરા) - ઓ ભ’ઇ… આ ય બંધ કરાવશો! ⬛ માનવી મૃત્યુ પછી સીધો ઉપર કેમ જાય છે…નીચે કેમ નહીં? (દર્શન કોઠારી, અમદાવાદ) - નીચે તો આપણે રહેતા હોઇએ ને? ⬛ તમારા ઇ-મેલ આઇડીમાં ‘52’નો આંકડો પત્તાની કેટનાં પાનાંનો છે? (નચિકેત યાજ્ઞિક, અમદાવાદ) - તમારા સવાલમાં ફક્ત ‘દૂરી’, ‘તીરી ને પંજો’ જ નીકળ્યા. ⬛ ઊંધિયાંની શોધ કોણે કરી હતી? (કરણ દેસાઇ, વિરમગામ) - કો’ક રસોઇયાનું નામ સંભળાય છે! ⬛ ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો.’ કવિ કહેવા શું માગે છે? (પાયલ નાયક, ગાંધીનગર) - ચિંતા ન કરો. આપણને નથી કીધું. ⬛ તમારી દૃષ્ટિએ સ્ટેજ શોના સંચાલનમાં તમે પોતે ન ચાલો? (ગૌરવી શાહ, અમદાવાદ) - ઑડિયન્સને હરદમ જીતી લેનારા comperesમાં આજકાલ મૌહિસન શેખ અને ભૂમિજ ત્રિવેદીનાં નામો મોખરે છે. મને એ બંને ગમે છે. ⬛ ચીન મુસ્લિમો પર ઘાતક અત્યાચારો કરતું રહ્યું છે, છતાં પાકિસ્તાન ચૂપ કેમ છે? (મહેન્દ્ર મોદી, અમદાવાદ) - ચીન કરતાં એની ભારતથી વધારે ફાટે છે. ⬛ સાંભળ્યું છે કે, લાંચમાં હવે ટામેટાં સ્વીકારવામાં આવે છે? (પાર્થ ગોસ્વામી, રાજકોટ) - હવે પછીનો સવાલ છપાવવો હોય તો 100 ગ્રામ મોકલશો. ⬛ વરરાજાની મોટર કારની નંબર પ્લેટ પર વરવધુનાં નામ ચીપકાવવામાં આવે છે ... ! (હર્ષ હાથી, ગોંડલ) - બૅન્ડવાજાંવાળાના બરડા ઉપર ચીપકાવે એ સારું ન લાગે. ⬛ સરકારી પૅન્શન વ્યવસ્થા ફરી શરૂ કરવી જોઇએ. (નયન મણીયાર, મહુવા) - એને બદલે નોકરી ઉપર પાછા લઇ લે તો? ટકીટકીને ડોહો કેટલું ટકવાનો છે? ⬛ સૂરજ ડૂબ્યા પછી જ પીવાય? (શ્રીરામ ચૌહાણ, વાસદ) તમે છાશ માટે પૂછતા લાગો છો. રાત્રે છાશ પીએ તો ખાટા ઘચરકા આવે! ⬛ શું મારા સવાલના જવાબ અઘરા પડે છે? (શિરિષ ઠાકર, પોરબંદર) - ના. તમારું સરનામું ઉકેલવું અઘરું પડે છે. ⬛ દીકરી એ ફૂલની ક્યારી, તો દીકરો શું? (મેહુલ બારૈયા, ભાવનગર) - આ સવાલ કોઇ માળીને પૂછો. ⬛ સદી ફટકાર્યા પછી બૅટ્સમૅનો એમનું બૅટ હવામાં અદ્ધર કેમ કરતા હશે? (વીરેન્દ્ર વડેરા, વડોદરા) - આ લે લ્લે! આટલું રમ્યા પછી બગલમાં ખંજવાળે ય ન આવે? ⬛ તાજાં લગ્ન કરનારાઓ માટે લોકો ‘હૅપી મૅરેજ લાઇફ’ જેવી શુભેચ્છા કેમ આપે છે? (પ્રવીણ કાંબલીઆ, નવાગામ રીંછીયા) - એ ત્રણ ઈંગ્લિશ શબ્દોનો અર્થ થાય છે, ‘મુજ વીતી તુજ વીતશે ... !’ ⬛ યમરાજાથી બચવાનું રડાર યંત્ર ક્યાં મળે? (ભીખાભાઇ બારોટ, ગાંધીનગર) - ભંગારવાળાને ત્યાં! લઇ આવ્યા પછી ગ્રાહકને પૂરતું વળતર મળતું નથી. ⬛ નિવૃત્તિ બાદ વડીલોએ કઇ પ્રવૃત્તિ કરવી જોઇએ? (અમરિશ મહેતા, અમદાવાદ) - ઘેરથી તૈયાર થઇને આવેલા મનમોહક દૃશ્યો જોવાથી જુવાની પાછી તો નહીં આવે, પણ બુઢાપો છે ત્યાંનો ત્યાં અટકી જશે! ⬛ પાણીની પાઇપ અને પૅપર લીક થવામાં સમાનતા શું? (યુવરાજસિંહ વાઘેલા, અમદાવાદ) - બંને લીકમાં કમાણી પ્લમ્બરોને છે .... પેપર પ્લમ્બરોની આવક જો કે તગડી હોય છે. ⬛ શું ડિમ્પલભાભીને લફરું ચાલે છે? (નયન રાઠોડ, વડોદરા) -બેહોને છાનામાના ... ! ⬛ જેને ખૂબ ચાહતા હોઇએ, એ છોડી જાય તો શું કરવું? (હિતેશ ચૌધરી, લાખણી-બનાસકાંઠા ) - જૂનાં પતરાંની એક ઢાંકણી લેવી. એમાં બે ચમચી પાણી નાખવું. છેલ્લે ‘હરિ ઓમ’ કરીને મહીં ભૂસકો મારવો! ⬛ સારું. હવે તો કોરોના પતી ગયો ને? (હરિરામ નાયી, જામનગર) - ક્યારનો ય ... ! પણ મને ઢીંચણ ઉપર આવતી ખંજવાળ હજી મટતી નથી.

***

‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...