મનનો મોનોલોગ:તમારી કોફી ઠરી જાય એ પહેલાં... અધૂરું રહી ગયેલું કોઈ કામ પૂરું કરવાની તક મળે તો?

8 દિવસ પહેલાલેખક: ડો. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક
  • બસ, આટલું કહીને મારે વર્તમાનમાં પાછા ફરી જવું છે એન્ડ આઈ હોપ, કે મારી કોફી ઠરી ન ગઈ હોય. કારણ કે ભૂતકાળનો ગિલ્ટ, અફસોસ અને નિષ્ફળતા ખંખેરીને હું વર્તમાનની કોફી એન્જોય કરવા માગું છું.

રોક્યો નામના શહેરમાં એક કાફે આવેલું છે, જેનું નામ છે Funiculi Funicula. 1874ની સાલથી ચાલતા આ કાફે વિશે એવી વાયકાઓ ચાલે છે કે આ કાફે તેના કસ્ટમર્સને ‘ટાઈમ ટ્રાવેલ’ની લક્ઝરી આપે છે. એટલે કે જો તમે એ કાફેમાં જાવ, તો કોફી સર્વ થયા પછી તમારા ભૂતકાળમાં જઈને કોઈ એક અધૂરું કામ પૂર્ણ કરવાની તમને તક આપવામાં આવે છે. પણ એ કરી શકવા માટેની બે શરતો હોય છે. પહેલી શરત એ કે ભૂતકાળમાં જઈને તમે જે કાંઈ પણ કરો, એનાથી તમારો વર્તમાન બદલાશે નહીં. બીજી શરત એ કે તમારી કોફી ઠરી જાય એ પહેલાં તમારે વર્તમાનમાં પાછા આવી જવાનું.

ઓ હેલો, આ કોઈ વાસ્તવિકતા નથી. પણ જીવવાનું મન થઈ જાય એવી એક અદભુત નવલકથાનો એકદમ ઈન્ટરેસ્ટિંગ પ્લોટ છે. એક એવી કાલ્પનિક વાર્તા, જે પોતીકી લાગવા માંડે. એ નવલકથાનું નામ છે, ‘Before the coffee gets cold.’ અને લેખક છે તોશીકાઝુ કાવાગુચી. એ જાપાનીઝ લેખકના નામમાં ગૂંચવાતા નહીં, પણ તેમણે રચેલા અદ્ભુત વિશ્વમાં ચોક્કસ ભૂલા પડજો. કારણ કે આપણા દરેકની અંદર રહેલા એક અફસોસ કે અપરાધભાવ સુધીનો રસ્તો, આ નવલકથામાંથી પસાર થાય છે. આ પુસ્તકમાં ચાર અલગ અલગ વાર્તાઓ છે. એવાં ચાર પાત્રો જે અલગ અલગ સમયે કોફી શોપમાં આવે છે અને પોતાના ભૂતકાળની કોઈ બાબતને બદલવા માગે છે. એમાંની એક વાર્તા ટૂંકમાં કહું. કારણ કે એ વાર્તા જ્યાં પૂરી થશે, આપણી વાર્તા ત્યાંથી શરૂ થશે.

કાફેની નજીક આવેલા એક બારની માલિક અને હિરાઈ નામની સ્ત્રી, એ કાફેમાં પ્રવેશે છે. હિરાઈનાં મમ્મી-પપ્પા એક ધર્મશાળા ચલાવતાં હતાં અને તે બંનેની ઈચ્છા હતી કે ધર્મશાળાનો વહીવટ તેમની દીકરી સંભાળી લે. હિરાઈને આ વાત મંજૂર નહોતી. તે પોતાની મરજી અને ટર્મ્સ પર સ્વતંત્ર રીતે જિંદગી જીવવા માગતી’તી. માટે, તેણે ઘર છોડી દીધું. એકલી રહેવા લાગી અને બાર બિઝનેસ શરૂ કર્યો. ઘર છોડતાંની સાથે જ હિરાઈ પોતાના મમ્મી-પપ્પાથી સંપૂર્ણપણે વિમુખ થઈ ગઈ. પોતાના કામ-ધંધા અને મિત્રોમાં વ્યસ્ત રહેવા લાગી. હિરાઈની નાની બહેન કુમી અવારનવાર તેને મળવા આવતી. ઘરે પાછા ફરી જવા અને ધર્મશાળાનો વહીવટ સંભાળી લેવા માટે મનાવતી રહેતી. આ જ કારણથી હિરાઈ તેને અવોઇડ કરતી. સેલ્ફ-ડ્રાઈવ કરીને કુમી દૂરથી મળવા આવી હોવા છતાં હિરાઈ તેની સાથે દુર્વ્યવહાર કરતી. એક દિવસ એવું બન્યું કે કાર ડ્રાઈવ કરીને કુમી હિરાઈને મળવા આવતી હતી ત્યારે રોડ એક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયું. અને ત્યાર બાદ હિરાઈને મળવા માટે, કુમી ક્યારેય આવી શકી નહીં. આ જ ઘટનાથી દુઃખી થઈને હિરાઈએ કાફેમાં જઈને ‘ટાઈમ-ટ્રાવેલ’ કરવાનું નક્કી કર્યું. તે એક છેલ્લી વાર કુમીને મળવા માગતી હતી. તેને સમય ન આપવા બદલ, તેની માફી માગવા ઈચ્છતી હતી. ટાઈમ-ટ્રાવેલની શરત પ્રમાણે, તેનાથી વર્તમાન બદલાવાનો નહોતો. એટલે કે કુમી સજીવન થવાની નહોતી. તેમ છતાં હિરાઈએ ભૂતકાળમાં જવાનું પસંદ કર્યું. એક્સિડન્ટ થયા પહેલાં, તેણે કુમીની માફી માગી લીધી અને વચન આપ્યું કે તે ઘરે પાછી ફરશે. મમ્મી-પપ્પાની જવાબદારીઓ અને ધર્મશાળાનું મેનેજમેન્ટ સંભાળશે. કોફી ઠંડી થાય, એ પહેલાં હિરાઈ વર્તમાનમાં પાછી આવી ગઈ. વર્તમાન તો ન બદલી શકાયો પણ ભૂતકાળમાં જઈને કુમીને આપેલું વચન, હિરાઈએ પાળી બતાવ્યું. તેણે મા-બાપ સાથેના સંબંધો સુધાર્યા એટલું જ નહીં, તેમની તમામ જવાબદારીઓ પણ પોતાના ખભે ઉપાડી લીધી.

હવે, આપણી વાર્તા શરૂ થાય છે. ધારો કે એ કાફેમાં આપણી સામે કોઈ ગરમાગરમ ચા કે કોફીનો કપ મૂકવામાં આવે, તો રિવર્સ ગીઅરમાં સમયનો પ્રવાસ કરીને આપણે કયા મુકામ પર પહોંચવા ઈચ્છીશું? કોને મળશું? ભૂતકાળની કઈ વાત કે મુલાકાતમાં ફેરફાર કરવા માગશું, પણ એ સભાનતા સાથે કે આપણો વર્તમાન બદલી નહીં શકાય.

હું મારો પ્રવાસ કહું. તમે તમારો વિચારજો. એક વર્ષ પહેલાં કોવિડની બીજી લહેર દરમિયાન 38 વર્ષનો મારો બનેવી, મારી નજર સામે કોલેપ્સ થયો. મોઢાં પર ઓક્સિજન માસ્કની સાથે બે હાથ જોડીને તેણે મને પૂછેલું, ‘નિમિત્ત, યાર બચાવી લઈશને મને?’ અને મૂરખ જેવો હું એને પ્રોમિસ આપતો રહ્યો, ‘તને કાંઈ નહીં થાય.’ બસ, સમયના એ પડાવ પર પાછા જવું છે. એની માફી માગવી છે. એ વેન્ટિલેટર પર જાય એ પહેલાં તેને એકવાર ગળે મળવું છે અને કહેવું છે, ‘સોરી દોસ્ત, તને નથી બચાવી શક્યો. બ્રહ્માંડની ઈન્ટેલિજન્સ અને નિયતીના ચુકાદાની સામે, હું વામણો પુરવાર થયો છું. બની શકે તો માફ કરી દેજે. પણ એક વાતની ખાતરી આપું છું. તને બચાવવા માટે હું માનવીય રીતે શક્ય હોય, એવા તમામ પ્રયત્નો કરી ચૂક્યો છું. કાર્મિક હિસાબ બાકી રહ્યા, તો ફરી મળીશું.’ બસ, આટલું કહીને મારે વર્તમાનમાં પાછા ફરી જવું છે એન્ડ આઈ હોપ, કે મારી કોફી ઠરી ન ગઈ હોય. કારણ કે ભૂતકાળનો ગિલ્ટ, અફસોસ અને નિષ્ફળતા ખંખેરીને હું વર્તમાનની કોફી એન્જોય કરવા માગું છું.

આ ‘ટાઈમ-ટ્રાવેલ’ની આખી કથા હકીકતમાં એક મેટાફોર છે. એક રૂપક છે. ભૂતકાળમાં જઈને કશુંક બદલી નાખવાથી, કોઈની સાથે વાત કે મુલાકાત કરવાથી અથવા તો કોઈની સામે કશીક કબૂલાત કરવાથી વર્તમાન સમય નથી બદલાઈ જવાનો. જો આમ કરવાથી કશુંક બદલાય છે, તો એ છે વર્તમાન જાત. એન્ડ માય ડિયર ફ્રેન્ડ, ટાઈમ-ટ્રાવેલની આ આખી કસરત જ આત્મ-નિરીક્ષણ કરવાની, વર્તમાન જાતને સુધારવાની અને ભૂતપૂર્વ જાતને માફ કરી દેવાની છે. ભૂતકાળમાં જઈને આપણે જેમની સાથે વાર્તાલાપ કરીએ છીએ, હકીકતમાં એ બીજું કોઈ નહીં પણ આપણી જ ભૂતપૂર્વ જાત હોય છે જે અફસોસ અને અપરાધભાવના ભાર તળે દબાયેલી હોય છે. એની સાથે વાત કરીને, આપણે હળવા થવાનું છે. સ્વ-કરુણા અને આત્મ-સુધારના ઈરાદાથી રચવામાં આવેલી આ ‘ટાઈમ-ટ્રાવેલ’ની રમત, એકવાર ઘર આંગણે પણ રમી શકાય. શરત ફક્ત એટલી છે કે ભૂતકાળમાં ફસાઈ કે ખોવાઈ નથી જવાનું. ભૂતકાળમાં લટાર મારીને તરત પાછા ફરી જવાનું છે, આપણી ચા કે કોફી ઠરી જાય એ પહેલાં! ⬛

અન્ય સમાચારો પણ છે...