રાગ બિન્દાસ:ઇન્ડિયન વડીલો અને સંતાનો રોલ ઊલટપૂલટ થાય તો?

13 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

બુઢાપો બીજું બાળપણ છે અને વધુ તોફાની (છેલવાણી) હમણાં એક કિસ્સો બહુ ચગ્યો છે કે એક મા-બાપે, દીકરા-વહુ પર કોર્ટમાં દાવો કર્યો છે કે જો એ લોકો, સંતાનને જન્મ નહીં આપે તો 5 કરોડ રૂ. આપવા પડશે! મા-બાપનું કહેવું છે કે એમને આ ઉંમરની એકલતામાં પૌત્ર-પૌત્રીની ખૂબ હોંશ છે પણ દીકરો-વહુ માનતા નથી! એમણે દીકરાને ઉછેરવાનો, ભણાવવાનો, પરણાવવાનો જે ખર્ચ કર્યો છે એનો હિસાબ માંડીને રકમ ગણી છે. વળી, મા-બાપે, બાળક ઉછેરવાની તૈયારી પણ દાખવી છે! કોઇ મા-બાપે કોર્ટમાં આવી બાલિશ અપીલ કરી હોય એવી આ જગતની પહેલી ઘટના છે! આપણે ત્યાં નોર્મલ માબાપો, નોર્મલી બે પ્રકારની ભૂલો કરતાં હોય છે: એક, સંતાનોને જન્મ આપવાની ભૂલ ને બીજી, એમને પોતાની મરજીથી ઉછેરવાની ભૂલ! બાળકે શું કરવું-ન કરવું,શું પહેરવું-શું ખાવું… એનું રિમોટ કંટ્રોલ માબાપના હાથમાં હોય. આપણી ફિલ્મો કે નાટકોમાં પણ ‘માબાપને ભૂલશો નહીં’વાળી ઉદ્દાત વાર્તાઓ સતત આવે. બાળકને પોતે ભમરડો રમીને કયાં મૂકી દીધો છે એ યાદ ના હોય, એને કહેવામાં આવે કે- ‘માબાપને ભૂલશો નહીં!’ બાળકને થાય કે નહીં ભૂલું! પણ રિસેસમાં ચોરેલી પીપરમિન્ટ કયાં મૂકી છે એ તો યાદ કરવા દો! જે વડીલો પોતે ટેક્સની ચોરી કરતાં હોય, એ સંતાનોને શીખવે કે ગાંધીજી જેવા બનવાનું છે. બાળકને થાય કે ભેંસનું દૂધ પરાણે પીવું પડે છે હવે બકરીનું પીવું પડશે? પોતડી પહેરીને સ્કૂલે જવું પડશે? … એવામાં કલ્પના સૂઝે છે કે જો સંતાનો, વડીલોને ઉછેરતાં હોત અને વડીલો બાળક જેમ વર્તન કરતાં હોત તો? ઈન્ટરવલ બચ્ચોં કે નન્હેં હાથોં કો ચાંદ સિતારે છૂને દો દો ચાર કિતાબે પઢકર વો ભી હમ જૈસે બન જાયેંગે જો વડીલો, બાળક જેવાં અને બાળકો, વડીલ જેવા હોત તો? જે કે- દૃશ્ય-1. ડ્રોઈંગરૂમ. વૃદ્ધ પપ્પા, બાળકની જેમ ચોકથી ભીંત પર લિસોટા કરી રહ્યાં છે. બૂઢી મમ્મી, ઢીંગલીને ઊંઘી લટકાવીને નાની બેબીની જેમ હસી રહી છે. 8 વર્ષનો દીકરો પપ્પુ, વડીલ જેવી સિરિયસ અદાથી પ્રવેશે. પપ્પુ: પપ્પા! શું કરો છો દીવાલ પર? પપ્પા:(નાક લૂછીને) અમે રિટાયર્ડ છીએને? તો અમારાં માટે છેને.. બંગલાની ડિઝાઈન બનાવું છું! પપ્પુ: ના પાડી છે ને? ભીંત પર લીટા નહીં કરવાના. પપ્પા: તું પેલું મોર્ડન આર્ટનું પેઈન્ટિંગ લાવ્યો છે એમાં લિસોટા નથી? પપ્પા: બસ! જુઓ સાંજે પાર્ટી છે! પપ્પા: વાઉ! આપણે પાર્કમાં જશું? હું નવી શોર્ટ્સ પહેરું? પપ્પુ: પૂરું સાંભળો. પાર્ટી ઘરમાં છે. ફ્રેન્ડ્ઝ આવવાના છે. તમે રૂમમાં જ રમજો. બહાર આવીને ધમાલ નહીં કરતા. લાસ્ટ ટાઈમ, મારી બર્થ-ડેમાં તમે બધી કેક ઝાપટી લીધેલી! પપ્પા: (શરમાઇને) સોરી! પપ્પુ: આજે ‘બી અ ગુડ પાપા’. મારો ફ્રેન્ડ એના પપ્પા સાથે આવશે એટલે તમને કંપની મળશે. પપ્પા: અને મમ્મીનું શું? પપ્પુ: મારી એક ફ્રેન્ડ, બિલાડી લઇ આવશે. ‘ચીકી’ નામ છે! પપ્પા: બિલાડીનું? પપ્પુ: ના! મારી ગર્લફ્રેન્ડનું! બિલાડીનું નામ તો ‘અવંતિકા’ છે! મમ્મી: (ગાઇને) મેં એક બિલાડી પાળી છે. એ રંગે બહુ રૂપાળી છે… પપ્પુ: બસ મમ્મી.. સાંજે ગાજો.( પપ્પુ કંટાળીને જાય) સીન. 2. પાર્ટી. સાંજે પાર્ટી ચાલુ છે. પપ્પુના પપ્પા, ગેસ્ટ રાજેન્દ્ર ચોવટિયા મળે. ચોવટિયા: હાય! હું ચોવટિયા! પપ્પુના પપ્પા: (નાક લૂછીને) હાયલા..કેવું નામ છે? ચોવટિયા! ચોવટિયા: પપ્પુના પપ્પા, પપ્પુના પપ્પા… તમને પોલિટિક્સમાં રસ પડે? પપ્પુના પપ્પા: ના રે… બોરિંગ. ચોવટિયા: તમારો શોખ શું?પપ્પુના પપ્પા: શેરબજાર! ચોવટિયા: ક્રિકેટ નહીં? પપ્પુના પપ્પા: પપ્પુ મને બ્હાર રમવા જ નથી જવા દેતોને! ચોવટિયા: મારો મુન્નો બી મને સિઝન બોલથી રમવાની ના પાડે છે! (પપ્પુ, બેઉ પપ્પાઓના ગાલ પર ટપલી મારે) પપ્પુ: એન્જોયિંગ? સાંભળો, ડિનર પછી મહેમાનો સામે કશુંક કરીને બતાવવાનું છે. જે કંઇ તમારી અંદરથી આવે એ… પપ્પુના પપ્પા: સૂ સૂ? પપ્પુ: ના હવે! ડાન્સ કરજો કે કવિતા સંભળાવજો.. પપ્પુના પપ્પા: ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ચાલશે? પપ્પુ: નો ભજન પ્લીઝ! બધાં બોર થઈ જશે (પપ્પુ જાય) ચોવટિયા: હાયલા! હવે તમે શું કરીને બતાવશો? પપ્પુના પપ્પા: આ બહુ ઈન્સલ્ટિંગ છેને? ગેસ્ટ સામે આ લોકો આપણને નચાવે છે? ચોવટિયા: શું થાય? છૂટકો નથી. તમે મને ડાન્સનાં થોડાં સ્ટેપ શીખવશો? (એવામાં પપ્પુની મમ્મી, બિલાડી પાછળ દોડતાં દોડતાં ટેબલ સાથે અથડાઈ.. ગ્લાસ, ડિશ વગેરે નીચે પડી જાય) પપ્પુ: મમ્મી! આ શું કર્યું? તમે ડાહ્યાં મમ્મી છોને? મમ્મી: (રડમસ) સોરી પપ્પુ: હવે રડતાં નહીં! અંદર શાંતિથી રમો જોઉં! (મમ્મી ચૂપચાપ જવા માંડે) પપ્પુ: (મિત્રોને) મારી મમ્મી કેટલી ક્યૂટ છેને? (ગર્લફ્રેન્ડ ચીકીને) આવી ડાહી સાસુ તને બીજે કયાંય મળશે? ઇનશોર્ટ… જો વડીલોએ બાલિશ ના થવું જોઇએ અને બાળકોએ આજન્મ ડાહ્યાં બાળક જ રહેવું જોઇએ! - અને હા જોકસ્ અપાર્ટ: ‘મા બાપને ભૂલશો નહીં, સંતાનોને નડશો નહીં!’

અન્ય સમાચારો પણ છે...