તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્તી-અમસ્તી:આજે બસ્સો બાનુનું શું થયું?

રઈશ મનીઆર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંગાળના ઉમેદવારો કહે છે ‘હમારા પ્રોચાર કોરો ના!’ (પ્રચાર કરો ના) અને ગુજરાતીઓ કહે છે, ‘હમારા બચાવ કરો ના!’ બેમાંથી કોનું માનવું?

ઈ કાલે પહેલી મેની સાંજે બાબુ બોલ્યો, ‘બસ્સો બાનુનું શું ઠહે? ઉર્દૂમાં ભાઈઓ માટે ‘બિરાદર’ અને બહેનો માટે ‘બાનુ’ શબ્દ વાપરવામાં આવે છે. એટલે મેં કહ્યું, ‘બિરાદર બાબુ! તમે કઈ 200 બાનુઓની ચિંતા કરો છો?’ ‘બંગાલની!’ ‘ત્યાં તો એક જ મમતાબાનુ છે! જે બિરાદરોને હંફાવે છે!’ હસુભાઈ બોલ્યા. ‘અરે! બસો બાનુ એટલે ટુ-નાઈંટી-ટુ! વિઢાનસભાની ‘બહો બાનુ’ સીટ મલે કે ની ટાં?’ આખરે સમજાયું કે બંગાળની 292 સીટનું પરિણામ આજે હતું, એની વાત હતી. ‘ઈલેક્શન તો કેરાલા, તામિલનાડુ અને આસામમાં પણ હતું!’ મેં કહ્યુ. ‘ફોકસ અત્યારે બંગાળ પર છે!’ ભગુ બોલ્યો. ધનશંકર વ્યથિત થઈ બોલ્યા, ‘બંગાળના કયા 292 અતિ-અતિ-ઉપભોગી(વીવીઆઈપી) માણસોના વાહન પર રક્તિમ દીપિકા(લાલ લાઈટ) લાગશે, એની ચિંતા ે ગુજરાતીઓએ શું કામ કરવાની?’ ‘સ્ઠાનિક ચૂંટણી સ્ઠાનિક નથી રહી. બંગાલનો જંગ જીટવા બે ગુજરાટીઓ (બીજું બઢું ભૂલીને) મેડાને પડ્યા છે.’ હસુભાઈ બોલ્યા, ‘એમની દ્વિધા સમજી શકાય એવી છે. બંગાળના ઉમેદવારો કહે છે ‘હમારા પ્રોચાર કોરો ના!’ (પ્રચાર કરો ના) અને ગુજરાતીઓ કહે છે, ‘હમારા બચાવ કરો ના!’ બેમાંથી કોનું માનવું?’ ‘બચાવ અને પ્રચાળ બેમાંઠી જેમાં માસ્ટરી હોય એ જ કરાય! અહીં વટનનું જોવા જાય ટો ટાં બટન બીજે ડબાઈ જાય.’ ભગુ ભાજપી ઊકળ્યો, ‘કેમ? વતનની બહાર સેવાકાર્ય ન કરાય? જેમ પોરબંદરના ગાંધીજીએ આફ્રિકામાં ચળવળ ચલાવેલી, જેમ કરમસદના સરદારે બારડોલીમાં આંદોલન કરેલું, એમ બે ગુજરાતીઓએ બંગાળમાં જઈ‘કમલાગ્રહ’ કર્યો!’ ભગુએ ગાંધીજીને ખપમાં લીધા. ‘ભગેન્દ્રકુમાર, ખોટી સરખામણી ન કરો, એ બધા સત્યાગ્રહ હતા, આ ચૂંટણીઓ છે!’ ધનશંકરે મુદ્દો ઉઠાવ્યો. ભગુ બોલ્યો, ‘અમે લોકોને તૃણમૂલ એટલે કે ઘાસફૂસના વિકલ્પે ‘કમળ’ આપીએ છીએ, એ કોઈ નાનીસૂની ભેટ છે? બંગાલના પુકુરમાં માછલીઓને બદલે પહેલીવાર સુગંધિત કમળ વિકસશે..!’ ‘બબાલ ટ્રી-પક્ષી હોવાઠી કમલ મેડાન મારી જહે!’ ધનશંકર ગૂંચવાયા, ‘ટ્રી-પક્ષી આ કેવો સમાસ? ટ્રી અંગ્રેજી અને પક્ષી ગુજરાતી..’ બાબુએ ખુલાસો કર્યો, ‘ટ્રી-પક્ષી એટલે ચૂંટણીમાં ટ્રન પાલટી છે. એક ઘાસફૂસવાલા, બીજા કમલવાલા અને ટ્રીજા સંયુક્ટ મોળચાવાલા. કમલે કંઈ કરવાનું જ નથી, સંયુક્ટ મોળચો જ ઘાસફૂસને ઉજ્જડ કરી લાખહે!’ બાબુ અમને ‘અબુઢો’ને સમજાવવા લાગ્યો, ‘ખેટરમાં નિંદણ કઈ રીટે દૂર ઠાય?’ મેં કહ્યું, ‘કાં દાતરડાથી થાય, કાં હાથથી થાય! બંને રીતે થઈ શકે!’ ‘સંયુક્ટ મોરચામાં બંને છે. ડાબેરીનું ડાતરડું અને કોંગ્રેસનો પંજો... બંને મલીને જ ઘાસફૂસને સાફ કરી લાખહે. એ ટ્રીજો મોરચો જેટલા ‘મટ’ તોડી જહે એટલા માર્જિનઠી કમલ જીટી જહે!’ આ આગાહીથી ભગુ પ્રસન્ન થઈ ગયો. એના ઘરમાં ત્રણ જણ કોરોનાજ્વરથી પોઝિટિવ હતા, પણ એ પોતે ‘પ્રોચાર કોરો ના’ના જ્વરથી પીડાતો હતો. ઉદાસ કનુ બોલ્યો, ‘અત્યાર સુધી રાજકારણમાં ‘વિચાર’નું મહત્વ હતું, હવે ‘પ્રચાર’નું મહત્વ છે!’ ‘પ્રચાર તો બધા પક્ષો કરે છે. ચૂંટણીપ્રચાર માટે ભાજપને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે?’ ભગુ અકળાયો. કનુ કોંગ્રેસી બોલ્યો, ‘જુઓ! અમે તો ક્યારનો બંધ કરી દીધો!’ ‘એ ટો રાહુલ ગાંઢી ‘આઈસોલેશન’માં ગિયા એટલે!’ ‘એમને તો જનતાએ અને ઈવન કોંગ્રેસે પણ ‘આઈસોલેટ’ કરી નાખ્યા છે!’ ભગુ ભાજપી બોલ્યો, ‘અમારા મોદીજીને જુઓ! એમની સાથે ઈશ્વરના આશીર્વાદ છે. પેલા સુષુપ્ત મનમોહનસિંહ કોરોનાના સેકંડ વેવની જેમ એક્ટિવ થવા ગયા અને મોદીજીને માંડ એક પત્ર લખ્યો, એમાં તો એ પોતે જ કોરોના પોઝિટિવ થઈ ગયા. એની સામે મોદીજીને જુઓ! કુદરતે એમને અભયસુરક્ષા કવચ આપ્યું છે. રોજ ‘રેલી’ઓ કરે છે પણ એમના પગ તળે કોરોનાનો ‘રેલો’ આવતો નથી. આ ઈશ્વરની છૂપી કૃપા નહીં તો બીજું શું છે?’ દુ:ખી કનુ કોંગ્રેસીએ શાયરી ફટકારી, નેતા રહ્યા’તા વ્યસ્ત, કે બંગાળ ક્યાં જશે? ફૂરસદ મળ્યે વિચારશે, કંગાળ ક્યાં જશે? ધનશંકર બોલ્યા, ‘હાશ, બધું પત્યું, હવે મેળા, ખેલા અને રેલીઓનો દોર પૂરો થયો.’ ‘સાચી વાત છે, કાલે બંગાળમાં સત્તા ગમે તેને મળે, મુખ્યપ્રધાન ગમે તે બને, પણ વડાપ્રધાનનું ધ્યાન હવે ‘પ્રદેશ’ પરથી ‘દેશ’ પર જશે, એ નક્કી.’ હસુભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો. ‘આજે ગુજરાટ ડિને ગુજરાત બિચારું ડીન(દીન-ગરીબ) અનુભવે છે. ટિયારે ડેશના નેટાઓની ફળજ છે કે..’ બાબુને અટકાવી કોલેજ રાજકારણનો અનુભવી ભગુ ભાજપી બોલ્યો, ‘કોલેજમાં જી.એસ. વ્યસ્ત હોય તો વિદ્યાર્થીઓના પ્રશ્ન કોણ સાંભળે?’ મેં કહ્યું, ‘સી.આર.!(ક્લાસ રિપ્રેઝન્ટેટીવ)’ ‘બસ, તો દેશના જી.એસે. અહીં ગુજરાતમાં એક ‘CR’ નીમ્યા છે, અને એક ‘VR’ તો છે જ મુખ્યમંત્રીપદે!’ ‘હા! NP! એમની પાસે ‘VRS’ ન લેવડાવવામાં આવે ત્યાં સુધી તો ‘વી.આર’ છે જ!’ હસુભાઈ બોલ્યા.‘NPનો અર્ઠ ‘નો પ્રોબ્લેમ’ થાય કે ‘નીટિન પટેલ’ ઠાય?’ બાબુ મૂંઝાયો. ભગુ બોલ્યો, ‘NP એટલે નેશનલ પોલિટિશ્યન..! હવે અમારા નેશનલ પોલિટિશ્યન ગુજરાત સહિત આખા દેશ પર ફોક્સ કરશે! મરણનો આંક જોઈને એમને એહસાસ થયો છે કે લોકો જ નહીં રહે તો હકૂમત કોના પર કરશું?’ હસુભાઈએ પ્રજાસહજ ઉદારતા બતાવી, ‘અરે ના ના, એમને જરા પોરો ખાઈ લેવા દો. અમે અમારું ફોડી લઈશું. એમને થોડા સમયમાં યુ.પી, પંજાબ, હિમાચલ અને ગોવાની ચૂંટણીઓ આવે જ છે!’⬛amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો