તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Sci-લેન્ડ:પરગ્રહવાસીની અચાનક વધી ગયેલી અવરજવર શું સૂચવે છે?

પરખ ભટ્ટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટા ભાગનાં લોકોને કદાચ એ વાતની જાણ નથી કે વિજ્ઞાનની એક અલગ શાખા છે, જે ‘યુએફઓલોજી’નાં નામે ઓળખાય છે. અલગ અલગ દેશોમાં જોવા મળેલી યુએફઓ અને તેનાં વિષયક વધુ ઉંડાણપૂર્વકનું નોલેજ યુએફઓલોજી ભણીને મેળવી શકાય છે. ભૂતકાળમાં જે યુએફઓ દ્વારા પૃથ્વીની મુલાકાત લઈ હોવાની વાત સામે આવી હોય તેને લગતા પુરાવાઓ ચકાસવાનું અને રિપોર્ટ્સ બનાવવાનું કામ યુએફઓલોજિસ્ટનું! તેઓ માનતાં હોય છે કે એલિયન્સ ફક્ત ફિલ્મોમાં જોવાતી ઇમેજિનેશન નહીં, પરંતુ હકીકત છે અને ઘણી વખત જુદા જુદા કારણોનાં લીધે તે પૃથ્વી પર આંટો મારતાં રહે છે! વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આમ તો દર વર્ષે વિશ્વભરના અલગ અલગ દેશોના નાગરિકો UFO (અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ) નજરે ચડ્યાના દાવા કરતા રહે છે, જેમાંના કેટલાક સત્ય પુરવાર થાય તો કેટલાક ફક્ત કપોળકલ્પના! પરંતુ વર્ષ 2020માં UFOની સક્રિયતાએ માઝા મૂકી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. એક રિપોર્ટ મુજબ, એકલા ન્યુયોર્કના રહેવાસીઓએ જ ગયા વર્ષે 300 જેટલા UFO નરી આંખે નિહાળ્યા છે! આને કારણે ઘણા પ્રશ્નો ઉદ્્ભવ્યા છે. શું વાસ્તવમાં UFOની અવરજવરમાં અચાનક વધારો થયો છે? કે પછી પરગ્રહવાસી હવે પૃથ્વીની વધુ ને વધુ નજીક અને નીચલી સપાટીએ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? અગર હા, તો પછી એમનો હેતુ શો છે? અમેરિકાના નેશનલ UFO રિપોર્ટિંગ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2020માં કુલ 7263 વખત ઊડતી રકાબીઓ નજરે ચડી હતી. આ આંકડો 2019ના વર્ષાંતે 6277 જેટલો હતો અને એનાથી એક દશકા પહેલાં એટલે કે 2010ની સાલમાં ફક્ત 4809! તો એનો અર્થ એમ થયો કે દર વર્ષે ઊડતી રકાબીઓની સંખ્યા વધી રહી છે. વત્તા, અમેરિકાની CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) દ્વારા સત્તાવાર રીતે UFO સંબંધિત દસ્તાવેજો જાહેર કરવામાં હવે લોકોની ઉત્સુકતા પણ વધી છે. લોકોને સૂર્યમંડળ સિવાયના ગ્રહો પર વસતાં એલિયન્સ વિશે જાણવામાં રસ પડી રહ્યો છે. થોડા મહિનાઓ પહેલાં જ, નેવી UFO વીડિયો-ફૂટેજ લીક થયાં હતાં જેના સાચા-ખોટા હોવા પર ઘણા મતમતાંતરો જોવા મળ્યા, પરંતુ ત્યાર બાદ અમેરિકાના ‘પેન્ટાગોન’દ્વારા જાહેર કરવામાં આવ્યું કે UFO ફૂટેજ સાચી છે. આ ઘટનાથી આખી દુનિયા ચોંકી ગઈ, કારણ કે જે અમેરિકા એલિયન્સ સંબંધિત રહસ્યો છુપાવી રાખવામાં વિશ્વાસ ધરાવતું હતું, એમણે જ સામે ચાલીને વીડિયોની સત્યાર્થતા પુરવાર કરી આપી. 84 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત માણસ, સ્ટેન્ટન ફ્રેડમેન. તેમણે પોતાની જિંદગીનાં ઘણા દાયકાઓ પ્રોફેશનલ યુએફઓલોજિસ્ટ અને ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રીવિદ્ તરીકે અગમ્ય-અકળ UFOના સંશોધન પાછળ ખર્ચ્યા. મેક્સિકોમાં સામે આવેલા ‘રોઝવેલ કેસ’માં તેમની કામગીરી સૌથી વધુ વખણાઈ છે. જેમને રોઝવેલ બનાવ વિશે ખ્યાલ નથી એમને જણાવી દઈએ કે, 1947ની સાલમાં મેક્સિકોનાં રોઝવેલ ખાતે એક UFO અથડાયું હોવાની વાત સામે આવી હતી. જેને બાદમાં ‘યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી એર ફોર્સિસ વેધર બલૂન’નું નામ આપી દેવામાં આવ્યું. 14 જૂન, 1947નાં રોજ રોઝવેલથી 50 કિલોમીટર ઉત્તરે આવેલા ગામનાં સરપંચ વિલિયમ બ્રાઝેલે કશોક કાટમાળ-ભંગાર જોયો. થોડાં અઠવાડિયાંઓ સુધી તો એમણે ખાસ કંઈ મહત્ત્વ ન આપ્યું, પણ ચોથી જુલાઇએ તેઓ ફરી પોતાનાં પરિવાર સાથે એ કાટમાળ ઉપાડવા માટે ત્યાં આવ્યા. અમુક દિવસો બાદ, રોઝવેલમાં ટકરાયેલ યુએફઓ વિશેનાં સમાચાર સાંભળ્યા પછી એમણે વિચાર્યુ કે પોતે જે કાટમાળ ઘરે લઈને આવ્યા છે એ ક્યાંક UFO સ્પેસશિપનાં ટુકડા તો નથી ને..!? બરાબર ચાર દિવસ પછી, 8મી જુલાઈએ RAAF અફસર વોલ્ટર હાઉટે પ્રેસ-નોટ આપી કે તેને મળેલો સામાન એ વાસ્તવમાં ઊડતી રકાબીનો ભંગાર છે. આ સમાચારે વિશ્વમાં ભારે ચકચાર મચાવી, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જ્યારે એને ‘વેધર બલૂન’જાહેર કરી દેવામાં આવ્યું ત્યારે જુવાળ શાંત થઈ ગયો. ફ્રેડમેન સહિત અન્ય કેટલાક સંશોધકોએ 1978નાં અરસામાં ફરી રોઝવેલ કેસ પર છાનબીન શરૂ કરી. 1947માં જે શહેરીજનો આ ઘટનાનાં સાક્ષી રહ્યા હતા એમને પૂછપરછ કરવામાં આવી. ‘ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન’ એક્ટ હેઠળ તેમણે યુએફઓ-ક્રેશ સંબંધિત કેટલાક અગત્યનાં ડોક્યુમેન્ટ્સ ત્યાંની સરકાર પાસેથી કઢાવ્યા. પૂરતો અભ્યાસ કર્યા બાદ સૌકોઇ એક જ તારણ પર પહોંચ્યા કે, રોઝવેલ પર ઓછામાં ઓછું એક સ્પેસક્રાફ્ટ તો અથડાયું જ હતું! ધર્મગુરુઓનાં કહેવા મુજબ, આપણી આકાશગંગામાં આવેલા અબજો તારાની વચ્ચે માણસજાત સિવાયની 50,000 અન્ય એલિયન-પ્રજાતિનું અસ્તિત્વ સંભવ છે. એક લાખ પ્રકાશવર્ષનાં સીમિત દાયરાની અંદર આ તમામ એલિયન પ્રજાતિનું રહેઠાણ હોવાની સંભાવના સેવવામાં આવી છે. એનો સીધો અર્થ એ થયો કે, પ્રત્યેક એલિયન-પ્રજાતિ એકબીજાથી વધુમાં વધુ 1000 પ્રકાશવર્ષનાં અંતરે હોઇ શકે! સૂર્યની આજુબાજુનાં 54 પ્રકાશવર્ષનાં પાડોશી વિસ્તારમાં આવેલા 2300 તારાઓમાંથી 46નું વાતાવરણ અદ્દલોદલ સૂર્યની માફક છે. આથી તેનાં પર જીવસૃષ્ટિ હોવાની સંભાવના અનેકગણી વધી જાય છે.⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...