સોશિયલ નેટવર્ક:આડું વદન કરીને અશ્રુ શાનાં છુપાવે?

5 મહિનો પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક

રામાયણ અને મહાભારત એ આપણા એવા ઐતિહાસિક ગ્રંથો છે, જેના વિશે ન જાણતો હોય એવો ભારતીય નહીં મળે! રામાયણ વિશાળ સરોવર છે. મહાભારત વિરાટ સમુદ્ર છે. મહાભારતમાં સંબંધોનું શાસ્ત્ર છે. માનવીની સરળતા, જટિલતા, કુટિલતા, એના ધર્મો અને અધર્મો, પરાક્રમો અને પુરુષાર્થો, સંબંધોના સ્વર્ગ અને નરકનું વ્યાસની કલમે સ્વસ્થ અને તટસ્થ આલેખન થયું છે. યુદ્ધ ટાળવાના અનેક પ્રયત્નો પછી પણ યુદ્ધ ટાળી શકાયું નહીં. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં પલટાઈ ગયું. યુદ્ધ જરૂરી હતું. કૌરવો અને પાંડવોનું આ યુદ્ધ 18 દિવસ ચાલ્યું. 18 દિવસના યુદ્ધ પછી 19મા દિવસનું પ્રભાત કેવું ઊગ્યું હશે એના વિશે કવિ ઉમાશંકર જોશીએ એક પદ્યનાટક રચ્યું છે. મહાભારતની પ્રેરણા પરથી કાલિદાસથી માંડીને અરવિંદ ઘોષ અને રવીન્દ્રનાથ ટાગોર સુધીના કવિઓએ કાવ્ય, નાટક રચ્યાં છે. 18મે દિવસે દુર્યોધન હણાયો. 18મા દિવસની સાંજ એ દુર્યોધનની અંતિમ સાંજ હતી. દુર્યોધને દ્રોણના પુત્ર-ગુરુપુત્ર અશ્વત્થામાને સેનાપતિ તરીકે નીમ્યો અને પાંડવો પર વેર લેવાની પ્રતિજ્ઞા લેવડાવી. અશ્વત્થામાએ તે રાતે દ્રૌપદીના પાંચ પુત્રોને હણી નાખ્યા. પાંડવો યુદ્ધમાં જીત્યા, પણ જીતનો આનંદ ન રહ્યો. યુદ્ધનો અંત બંને પક્ષે ભીષણ અને ભયાનક હોય છે. વંશજો વિનાનું રાજ રહે છે. એ રાજનો આનંદ નથી હોતો. બધું તારાજ થઈ ગયું હોય છે. યુદ્ધ કેટલું નિઃસાર છે એની પ્રતીતિ થાય, ત્યારે બહુ મોડું થઈ જાય છે. 19મા દિવસની સવારે કૌરવ-પાંડવ પક્ષે જે બચ્યા છે તે યુદ્ધભૂમિ પર આવી પહોંચે છે. આ તે યુદ્ધભૂમિ? કે કોઈ વિરાટ સ્મશાનગૃહ! ચાલી શકાય એટલી પણ જગા નથી. જ્યાં ને ત્યાં સ્વજનોનાં શબ પડ્યાં છે. કેટલાંક ઓળખાય છે. કેટલાંક નથી ઓળખાતાં. દૃશ્યો એવાં કે આંખો ફોડી નાખવાનું મન થાય. શાંતિ બેચેન કરી મૂકે એવી છે. વાતાવરણને સૂતક લાગ્યું છે. છતે સંતાને બધા વાંઝિયા છે. ગાંધારીએ પોતાના સો પુત્રો ગુમાવ્યા છે. દ્રૌપદીએ પોતાના પાંચ પુત્રો ગુમાવ્યા છે. સો પુત્રો ગુમાવો કે પાંચ પુત્રો કે એકનો એક દીકરો ગુમાવો, છેવટે તો મરણનું દુઃખ એ જ રહે છે. ભલે સવાર હોય, પણ મધરાત કરતાં બિહામણી છે. આંખોના કૂવાનું જળ સાવ છલકાઈ ગયું છે. જોવા જેવું શું છે? અને રોવાથી પણ શું વળવાનું? ઉમાશંકર કહે છે એમ આ વિધાતાની તુલાનાં પલ્લાં એકસરખાં છે. એક હાથથી જય આપ્યો અને બીજા હાથથી જયનો આનંદ લઈ લીધો. યજ્ઞના કુંડમાંથી જન્મેલી દ્રૌપદી, યજ્ઞની જ્વાળારૂપે જીવેલી દ્રૌપદી આ પરિણામથી કૃષ્ણને પણ સંભળાવવામાં કંઈ બાકી રાખતી નથી. કુંતાના ખભે હાથ મૂકીને ગાંધારી એની પાછળ ચાલે છે. આંખે પાટા બાંધેલા છે એટલે કુંતાનો ખભો પકડવો પડે. ગાંધારીના ખભા પર હાથ મૂકીને અંધ ધૃતરાષ્ટ્ર આવે છે. કવિ ઉમાશંકરે વર્ણનમાં કમાલ કરી છે. કહે છે કે જેમ સંધ્યાના સ્કંધ પર રાત હાથ મૂકે અને રાતના સ્કંધ પર અંધકાર હાથ મૂકીને પ્રસરે એના જેવું જ દ્રશ્ય છે. કુંતા, ગાંધારી અને દ્રૌપદી આ ત્રણે સ્ત્રીઓ યુદ્ધભૂમિ પર છે. દ્રૌપદી વિફરેલી છે. એ યુદ્ધિષ્ઠિરને મોઢામોઢ કહે છે કે તમે તો સિંહાસને બેસી જશો. રાજ્યના પ્રપંચમાં ડૂબી જશો, પણ મારું શું એનો વિચાર કર્યો? ઉદ્્ગાર છે : હું માત્ર નારી, વળી તેય માતા, મારા રુઝાશે, ક્યમ ઘાવ તાતા ? કવિ ઉમાશંકરે અહીં અત્યંત કરુણાજનક વ્યથાને ઉપસાવી છે. એ વ્યથા છે માતાની. મરણના વિકરાળ મુખમાં બધા જ હોમાઈ ગયા છે. આ રાજપાટનો કે હિંડોળાખાટનો અર્થ શો? ઉમાશંકરે કરુણાને હૃદય વીંધી નાખે એ રીતે ઉપસાવી છે. દ્રૌપદી અને ગાંધારી તો મોકળે મને રડી શકે છે, પણ આ યુદ્ધભૂમિ પર એક સ્ત્રી એવી છે જેણે પુત્ર ગુમાવ્યો છે અને છતાં એ ખુલ્લી રીતે રડી પણ શકતી નથી. આ સ્ત્રી કુંતા. ભારે સંયમથી કવિએ પંક્તિ લખી છે: કુંતી આડું વદન કરીને અશ્રુ શાનાં છુપાવે?⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...