તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન વિશેષ:મેઘાણીજીના જીવનના અંતકાળે શું મળ્યું ?

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભજન-સાહિત્યના સંશોધનનું પુસ્તક ‘સોરઠી સંતવાણી’ પૂરું થયું અને તે જ વર્ષે તેમણે વિદાય લીધી !!

મે ઘાણીભાઈ કેવા વેધક સર્જક છે તેનાં અનેક ઉદાહરણો મળી રહે છે, પણ મેઘાણીજીએ ચાર્લ્સ મેકીનું The Coward (ધિ કાવર્ડ)વાળું મૂળ કાવ્યને મુઠ્ઠી ઉપરેય સરસાઈ કરી જાય એવા ગુજરાતીમાં એને અમર કર્યું છે; આ રહ્યું એ કાવ્ય : ‘પૃથ્વી પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા, મર્દ કર્તવ્ય-સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મા કર, બંધુ! નિર્વીર્ય એ દર્પ ગાવે; બહાદુરો સત્યને કાજ નિર્ભય બની, મિત્રની શત્રુતાયે વધાવે. દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી તેં નથી, મિત્ર! શું ઘાવ દીધા? જૂઠડી જીભ પરથી શપથ શબ્દને તેં નથી, મિત્ર! શું ધૂળ કીધા? ધરમને વેશ પાખંડ પૂજાય ત્યાં, બંધુ! શું ખડગ લૈ તું ન ધાયો? સત્યના સ્વાંગ પહેરી ઊભું જૂઠ, ત્યાં ઝૂઝીને, મિત્ર! શું નૈ ઘવાયો? સૌમ્ય તું, તું ભલો, સંતભદ્રિક તું, ભાઈ! એ છે બધી તારી ભ્રમણા; રંક તું, દીન તું, ભીરુ કંગાલ તું, સ્વાદ ચાખ્યા નથી તેં જખમના!! મેઘાણી 1923થી લેખક તરીકે જાણીતા થયા. ‘સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડ્યો ને તેઓની ખ્યાતિનો આરંભ થયો. પછી તો લોકસાહિત્યનું સંશોધન-સંપાદન તેઓની જીવન-સાધના બની, પરંતુ છેક ચોવીસ વર્ષો પછી 1947માં ભજન-સાહિત્યના સંશોધનનું પુસ્તક ‘સોરઠી સંતવાણી’ પૂરું થયું અને તે જ વર્ષે માર્ચની નવમીએ હૃદયરોગના હુમલાએ મેઘાણીને આપણી પાસેથી છીનવી લીધા. જોકે, ‘સોરઠી સંતો’નું નિવેદન મેઘાણીભાઈએ તા. 22-09-1928ના રોજ લખેલ છે અને તેઓ જ ‘પુરાતન જ્યોત’નાં પૂરો વચનમાં કબૂલે છે કે : ‘સોરઠી સંતો’ ભાગ પહેલો ઘણાં વર્ષો પર પ્રગટ કરેલો. તે પછી પ્રગટ કરવા ધારેલ ઢગલાબંધ સંતસામ્રગી મારા જીવનનો પ્રવાહ અન્ય અનેક માર્ગે ફંટાતાં આજ સુધી રજોટાતી રહી. સંત-સાહિત્યના પ્રેમીજનોને તેમ જ ‘મિસ્ટીસિઝ્મ’ - ભક્તિનો મર્મવાદ - ભણવાની નવી ઊગી નીકળેલી દૃષ્ટિવાળા અભ્યાસીઓને ઉઘરાણી કરતા રાખવા પડ્યા. આજે પાછા તૂટેલા ત્રાગડા સંધાય છે ને ત્રણ સંત-વાતો પ્રગટ થાય છે.’ ‘સોરઠી સંતો’ના નવા ખંડ રચવા માટે તેઓએ ‘બુદ્ધિપ્રકાશ’માં એક લેખમાળા પણ ચાલુ કરેલી. જોકે, એ બધું તેઓ અસ્થિર મનોદશાની ખાટમાં પુસ્તક સમયે ભેગું કરી ન શક્યા તેવું પણ તેઓ જ લખે છે!!! પહેલી વાત સંત દેવીદાસ અને અમર માની, પણ તેમાં કંઠોપકંઠ સચવાતી આવેલી વાર્તામાં થોડાંક પાઠાન્તર મેઘાણીએ શા માટે કર્યાં છે તેની વિગતો તેઓનાં કથનથી જ જાણવા જેવી છે. દાદા મેકરણની કથા જેવી મળી તેવી મેઘાણીએ સીધેસીધી કહી છે. તેમાં આવતી મેકરણ ડાડા દ્વારા ગવાતી કચ્છી સાખીઓની શુદ્ધિ અને તેના અર્થો મેઘાણીભાઇએ દુલેરાય કારાણી પાસેથી મેળવેલા. જેસલ-તોરલના કથાપ્રસંગોમાં બરાબર લોકવાણીને મેઘાણી અનુસર્યા છે. આ કથામાં ભાવકોની કેટલીક શંકાઓને અકબંધ રહેવા દઈને અલખને કેવળ જ્યોતિરૂપે આરાધનારા રસિક ત્યાગીઓનું સંગીતપ્રેમી, નૃત્યપ્રેમી ઊર્મિજીવન જ મેઘાણીને સ્પર્શી ગયું છે અને તેને જ તેઓએ પ્રાધાન્ય આપેલ છે. એક ઉત્તમ સર્જક તરીકે ઝવેરચંદ મેઘાણી આજે પણ લોકહૈયે છે. તેનું કારણ તેમના આ વિધાનોમાં છે : ‘વાચકોને પુન: એ જ વિનંતી છે કે સંતો-મહંતો પ્રત્યેનું લોકવલણ બુદ્ધિયુક્ત અને વિશુદ્ધ બનાવવાના પ્રયત્નો ચાલુ રાખજો. અંધશ્રદ્ધાએ આપણો દાટ વાળી નાખ્યો છે.’ મેઘાણીભાઈનું સંત ચરિત્રો અને સંતવાણીનું પ્રદાન આપણને ‘સોરઠી સંતો’માં, ‘પુરાતન જ્યોત’માં અને કેટલાક ભજન સંગ્રહોમાં મળે છે. સોરઠી કથાવાર્તાના સાહિત્યમાં મેઘાણીને સૌપ્રથમ પ્રવેશ કરાવનાર વ્યક્તિ તે હડાળાના દરબાર વાજસૂર વાળા છે તેવો ઉલ્લેખ તેઓ 1928માં અહોભાવ અને આદર સાથે કરે છે.⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...