આખું ચિત્ર ઊલટું થઇ ગયું છે. અગાઉ ફિલ્મોમાં સ્ત્રીઓને મુજરા કરતી, કેબ્રે કરતી કે ગાયનોમાં શૃંગારિક ઇશાર કરતી દેખાડવામાં આવતી તો નારીવાદી સંગઠનો તથા મહિલા તરફી વિચાર ધરાવનારા એમ કહેતા હતા કે આ નારીનું ‘ઓબ્જેક્ટિફિકેશન’ છે. સ્ત્રીને એક ચીજ તરીકે, એક કોમોડિટી તરીકે રજૂ કરવામાં આવી રહી છે. અહીં દલીલ પણ જૂની પરંપરાને યાદ કરીને કરવામાં આવતી હતી કે સદીઓથી સ્ત્રીને નુમાઇશની ચીજ તરીકે જોવામાં આવી છે. આથી પુરુષોની હવસને સંતોષવા માટે સ્ત્રીઓને નગરવધૂ પ્રથા, દાસી પ્રથા તથા તવાયફોની પરંપરામાં જકડી દેવામાં આવતી. આ જ પરંપરા આગળ ચાલીને ફિલ્મોમાં આવી, જ્યાં મહદ્અંશે પુરુષ પ્રેક્ષક ટિકિટના પૈસા ચૂકવીને નારી દેહનું પ્રદર્શન જોવાની મજા માણતો રહ્યો. જોકે છેલ્લા વીસ વર્ષમાં ચિત્ર બદલાઇ ચૂક્યું છે. આજે હિંદી ફિલ્મના હીરો પડદા ઉપર એમની શાનદાર બોડી બતાવે છે. સિક્સ-પેક મસલ્સ, બાવડાના ગોટલા તથા છાતીની મજબૂતી બતાવવા માટે પુરુષો ગાયનોમાં ઉઘાડા થઇને પોતાનું અંગ-પ્રદર્શન કરે છે. એટલું જ નહીં, જ્યાં મારામારીનાં દૃશ્યો આવે ત્યાં પણ હવે તો શર્ટ ફાડીને મસલ્સ બહાર ધસી ન આવે ત્યાં લગી ફાઇટ-સીનો જામતા નથી. સવાલ એ છે કે શું હવે ‘રોલ-રિવર્સલ’ થઇ રહ્યું છે? શું આજની નારીઓ, જે વીસમી સદીની સ્ત્રી કરતાં વધારે આઝાદ, વધારે શક્તિશાળી અને વધુ ઇકોનોમિક પાવર ધરાવતી થઇ છે, એટલે તેમનાં પોતાનાં પૈસે ટિકિટ ખરીદીને પુરુષોનાં શરીરને નજરો વડે માણવાની ‘ઇચ્છા’ પૂરી કરી રહી છે? આજે ફિલ્મોમાં સફળ થવા માટે પચાસની ઉંમર વટાવી ચૂકેલા સલમાન, શાહરુખ, અક્ષય અને આમિરે પણ ‘બોડી’ બતાવવી જરૂરી થઇ ગઇ છે. જોવાની વાત એ પણ છે કે અભિષેક બચ્ચન જેવો એકાદ એક્ટર જો બોડી બતાવવાની આ રેસમાં નથી જોડાતો, તો એ સ્ટારડમની રેસમાં પણ પાછળ રહી ગયેલો ગણાય છે. અગાઉ જે રીતે ‘સારું ફિગર’ એ હિરોઇન માટેનો એક મહત્ત્વનો માપદંડ હતો, એ જ રીતે આજે ‘મસ્ક્યુલર બોડી’ એ હીરો માટેની જરૂરિયાત બની રહી છે. આજના નવા રણબીર, રણવીર, કાર્તિક કે આયુષ્યમાન ભલે અભિનયમાં કાબેલ હોય, એમણે પોતાની ‘બોડી’ તો બનાવીને રાખવી જ પડશે. નોંધવા જેવી વાત એ પણ છે કે યુવાન મહિલા પ્રેક્ષકોમાં પણ પુરુષોનાં શરીરની વાત કાનાફૂસીની જેમ નહીં, પણ બેધડક જાહેરમાં ચર્ચવામાં આવે છે. સલમાન ખાનના ચાહકોમાં ટીન-એજર છોકરીઓથી લઇને પ્રૌઢ વયની મહિલાઓનો મોટો વર્ગ તેની ‘બોડી’ના કારણે જ છે. ‘એક થા ટાઇગર’ રીલિઝ થયું ત્યારે મેં એક પોસ્ટ-ગ્રેજ્યુએશન કરતી યુવતીના મોંએ સાંભળ્યું હતું કે, ‘માય ગોડ… આઇ એમ ઓલ ધ ટાઇમ વેઇટિંગ કે સલમાન અપની શર્ટ કબ ઉતારેગા… ફાઇનલી એન્ડ મેં ઉસને શર્ટ ઉતારી! એન્ડ વાઉ!!! લાઇક, આઇ વોઝ… હેડ ઓવર હિલ્સ!!’ આ શબ્દો એ યુવતી એની બહેનપણીને નહીં, પરંતુ 58 વર્ષના એક સિનિયર પ્રોફેસરને કહી રહી હતી! યસ, આજની મહિલા પ્રેક્ષકની સામાન્ય ‘ડિમાન્ડ’ છે કે પડદા ઉપર પુરષો પોતાનું ‘અંગ-પ્રદર્શન’ કરે! આના માટે થઇને સામાન્ય પુરુષોએ પણ પોતાના શરીર ઉપરના વાળ એ જ રીતે દૂર કરવા પડી રહ્યા છે, જે રીતે અગાઉ સ્ત્રીઓને કરવા પડતાં હતાં. પુરુષોનાં ‘સોંદર્ય પ્રસાધનો’ પણ વધી રહ્યાં છે. દાઢીને જંગલની જેમ નહીં, પણ બગીચાની જેમ ટ્રિમ કરીને રાખવી પડે છે. બીજી તરફ હિરોઇનોનાં શરીર પાતળાં થતાં જાય છે. અગાઉની વૈજ્યંતિ માલા, હેમા માલિની, રેખા કે શ્રીદેવી જેવી હિરોઇનો પોતાની ‘હરીભરી’ કાયાનું આકર્ષણ જમાવતી હતી. આજે દીપિકા, પ્રિયંકા, કંગના, કેટરિના, તાપસી, કૃતિ અને અનુષ્કા વચ્ચે ‘પાતળા’ દેખાવાની હોડ જામી છે. એ તો ઠીક, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર કે જાહ્્્નવી કપૂર તો શરીરે એટલી માંદલી છે કે કુપોષણની શિકાર લાગે છે. બીજી તરફ, ઐશ્વર્યા રાય ‘જાડી’ ગણાય છે, સોનાક્ષી સિંહા પાતળી થવા મથે છે પણ થઇ નથી શકતી એટલે ફ્લોપ ગણાય છે. એક રીતે એમ પણ કહી શકાય કે આજની નવી હિરોઇન માટે ‘સેક્સી’ હોવું જ જોઇએ, એ કંઇ જરૂરી નથી, પણ નવા હીરો માટે ‘બોડી’ પ્રદર્શન મહત્ત્વનું છે! કેમ કે તે ‘હીરોની સેક્સ અપીલ’ છે! વિચારી જોજો, શું ખરેખર ‘રોલ રિવર્સલ’ થઇ ચૂક્યું છે? ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.